શ્રીમહારાજે એક ભક્તની સ્થિતિ જાણવાની ઇચ્છા કરી : ‘આજકાલ શું તમે ધ્યાન કે પ્રાર્થના કરો છો ?’

ભક્ત : ના મહારાજ, કંઈ પણ નથી કરતો.

મહારાજ : થોડું થોડું કરવું સારું છે. શાંતિ મળશે, મન સ્થિર થશે. તમારા કુલગુરુ તો છે ને ? શું તમે હજુ સુધી દીક્ષા નથી લીધી ? દીક્ષા તો લઈ શકો છો. થોડાં થોડાં જપ-ધ્યાન કરવાં. રુદ્રાક્ષની એક માળા ખરીદી લેવી. તેનાથી ૧૦૮ કે ૧૦૦૦ વખત જપ કરવો. ઇચ્છા થાય તો એનાથી પણ વધારે કરી શકો છો.

* * *

ઉત્તર : કામકાજને પરિણામે જપ-ધ્યાન માટે સમય મળતો નથી.

મહારાજ : મનના ગોટાળાને લઈને જપ-ધ્યાન થતાં નથી. એમ વિચારવું એ ભૂલ છે કે કામકાજને લઈને જપ-ધ્યાન માટે સમય મળતો નથી. કામ અને ઉપાસના એકસાથે કરવાનો અભ્યાસ કરવો જોઈએ. માત્ર સાધન-ભજન કરવાં એ ઉત્તમ તો છે જ, પરંતુ એ કેટલા લોકો કરી શકે ? કંઈ કર્યા વગર ફક્ત અજગર-વૃત્તિનો આધાર લઈ જીવન જીવવાનું એક તો જડબુદ્ધિવાળા લોકો કરી શકે છે, જેમનામાં મગજથી કામ લેવાની શક્તિ નથી હોતી અને જેઓ કોઈ પણ રીતે જીવ્યે જ જાય છે; અને બીજા મહાપુરુષો કરી શકે છે, જેઓ કર્મથી પર છે. ગીતામાં કહ્યું છે કે કર્મ કર્યા વગર જ્ઞાનપ્રાપ્તિ થતી નથી. કર્મમાંથી પસાર થવું જ પડશે. જે લોકો કર્મ છોડી દઈને સાધન-ભજન કરે છે, તેમનો સમય પણ ઝૂંપડી બનાવવામાં અને રોટી પકાવવામાં વીતી જાય છે. આ કર્મ ઠાકુર-સ્વામીજીનું છે, એ ભાવ રાખીને કરવાથી કોઈ બંધન નથી રહેતું; બધા પ્રકારની પ્રગતિ થાય છે. એમનાં ચરણોમાં આત્મસમર્પણ કરી દો. શરીર, મન બધું જ એમના ચરણોમાં સમર્પી દો. એમના દાસ બની જાઓ. કહો : ‘આ શરીર, મન બધું જ તમને આપી દીધું છે. એના દ્વારા જે કરાવવા ધારો તે કરાવો. હું મારી અલ્પશક્તિથી શક્ય તેટલું કરવા તૈયાર છું. ’ ત્યારે તમારો ભાર તેમના પર જતો રહેશે. પછી તમારે જાતે વધારે કંઈ નહીં કરવું પડે. બરોબર એમ જ કરવું જોઈએ. નહીં તો રામ પણ કહેશો અને કપડાં પણ ઊંચે લેશોે. આ નહીં ચાલે. અમે બધા પણ પાંચ-છ વર્ષ ફરી ફરીને આખરે કામમાં લાગી ગયા છીએ. સ્વામીજીએ મને બોલાવીને કહ્યું હતું : ‘અરે, તેમાં કંઈ નથી – કામ કર’ ત્યારે તો અમે બધાએ બધા પ્રકારનાં કામ કર્યાં છે, પણ એનાથી કંઈ નુકસાન થયું હોય તેવું તો લાગતું નથી, પણ હા, સ્વામીજીનાં વચનોમાં અમને સહુને અપાર શ્રદ્ધા હતી. તમે લોકો પણ આ લોકોનાં વચનોમાં દૃઢ વિશ્વાસ રાખી આગળ વધો. કોઈ ભય નથી. દૃઢ વિશ્વાસ રાખો. કેટલાય લોકો આ કામમાં અડચણ ઊભી કરશે, કટાક્ષ કરતાં કરતાં કહેશે કે શું આ બધું ઠાકુર-સ્વામીજીનું કામ છે ? પણ કોઈની વાત ન સાંભળવી. જો સમગ્ર દુનિયા વિરોધમાં ઊભી થઈ જાય તો પણ જેમને તમે સારી રીતે પકડી રાખ્યા છે, તેમને ન છોડવા.

 

Total Views: 386

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.