શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક સેમિનાર

સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાયેલી શિક્ષણ શિબિરનો મંગલ પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. આ પ્રસંગે શ્રી ક્રાન્તિકુમાર જોશીએ ઍલ્વિન ટૉફલરના ‘ત્રણ મોજાં’‘કૃષિ ક્રાંતિ’‘ઔદ્યોગિક ક્રાન્તિ’અને – ઈલેક્ટ્રોનિક યુગની વાત કરીને આજના વિશ્વને ફરીથી શાંતિ, સુખ, આનંદ, ભાઈચારાની ભાવનાથી ભરી દેવા આધ્યાત્મિક જીવન અને આધ્યાત્મિક મૂલ્યોના મહત્ત્વની વાત કરી હતી. ‘મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યક્તા’ એ વિષય પર બોલતાં સ્વામી જિતાત્માનંદજીએ પોતાના ભાવવાહી વક્તવ્યમાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક સંસ્કૃતિ જ માનવને સાચો માનવ – દિવ્યમાનવ બનાવી શકશે. સ્વામી વિવેકાનંદ કહેતા તેમ ભારતનું પુનરુત્થાન આપણી પૂર્વની આધ્યાત્મિક્તા અને પશ્ચિમના વિજ્ઞાન ટૅક્નૉલૉજીના સમન્વય દ્વારા જ થશે. જામનગરના જાણીતા કેળવણીકાર – સાહિત્યકાર શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ સિદ્ધાંતનું અમલીકરણ અને અમલીકરણની સફળતા પર ભાર મૂકયો હતો. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રતિનિધિઓના પ્રશ્નોના ઉત્તરો રોચક શૈલીમાં આપ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓ માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલી દૈનિક પ્રાર્થનાની ઑડિયો કૅસેટ અને સર્વધર્મ સમન્વયના કૅલેન્ડરનું વિમોચન શ્રી ઉમાકાન્તભાઈ પંડિતે કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલી સર્વધર્મ સમભાવસભા

સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી અને સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં વિદ્વાનો અને ધર્મજ્ઞોની “ધર્મનાં વૈશ્વિક સનાતન મૂલ્યો અને માનવના જીવનમાં તેમનો વિનિયોગ” એ વિશે ૧૧/૧/૯૫ના સવારના ૮થી બપોરના ૧ સુધી એક ચર્ચા સભા યોજાઈ હતી.

આ સભામાં સુખ્યાત ચિંતક શ્રી શશિકાંતભાઈ મહેતાએ “જૈન ધર્મનાં વૈશ્વિક મૂલ્યો” વિશે અને ફાધર ડેવિસ પોલ મંજલીએ “ખ્રિસ્તી ધર્મનાં વૈશ્વિક મૂલ્યો”ની ચર્ચા કરી હતી. શ્રી એ. કે. લાલાણી અને શ્રી શ્યામપ્રસાદ સિંહે અનુક્રમે ઈસ્લામ ધર્મ અને શિખધર્મનાં વૈશ્વિક સમભાવનાં મૂલ્યોની સુપેરે વાત કરી હતી. સ્વામી જિતાત્માનંદજીએ અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ક્રમશઃ હિન્દુધર્મ અને બૌદ્ધધર્મનાં શાશ્વત કલ્યાણકારી ભાવનાભર્યાં મૂલ્યોની છણાવટ કરી હતી. અમેરિકાના ભારતીય વિજ્ઞાની શ્રી નિમાઈ મુખરજીએ “વિજ્ઞાન અને યંત્રવિદ્યામાં વૈશ્વિક ધર્મ મૂલ્યો”ની વાત સ૨ળ સહજ રીતે સમજાવી હતી. “શિક્ષણમાં ધર્મના વૈશ્વિક મૂલ્યો”ની ચર્ચા રાજકોટના ફાધર લુક યુથિયા કુનેલે કરી હતી.

“વહીવટીક્ષેત્રે ધર્મના વૈશ્વિક મૂલ્યોનો વિનિયોગ” એ વિષય પર બોલતાં રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રીવસંતભાઈ ગઢવીએ રમૂજપૂર્વક જણાવ્યું હતું કે “આપણી અવસ્થા દુર્યોધન જેવી છે, આપણે ધર્મ શું છે તે જાણીએ છીએ, પણ આચરી શકતા નથી.” કાર્યક્રમના અંતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ચિંતક શ્રી શશિકાંતભાઈ મહેતાએ “સર્વધર્મ બિરાદરી”નો મંગળ પ્રારંભ કરવાની જાહેરાત કરી હતી.

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.