(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૫ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.)

પ્ર. આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી છે કે નહીં એની નિશાની શી છે?

ઉ. આ પ્રશ્ન બહુ મહત્ત્વનો જણાય છે. કારણ કે ઘણાના મનમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે આપણે ભજન તો કરીએ છીએ, જપધ્યાન પણ કરીએ છીએ પરંતુ તેનાંથી કાંઈ પ્રગતિ થાય છે કે કેમ? વળી માણસોને આ બાબતમાં ઘણા પ્રકારની ભ્રાંત ધારણાઓ પણ હોય છે. કોઈ એમ સમજે છે કે ભગવાનનું દર્શન તો થતું નથી. તો વળી કોઈ કહે છે કે સ્વપ્નમાં મેં ભગવાનને જોયા કોઈને કોઈ રૂપમાં! અને એટલાથી ધારે છે કે પ્રગતિ થાય છે. કોઈ તો ‘‘કાંઈ થતું નથી” એમ મનમાં વિચારે છે. અને એથી ખૂબ મૂંઝવણ અનુભવે છે. આ પ્રશ્નનો ઉત્તર આપણને ભાગવતમાંથી મળે છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે, ભગવાનનું નામ લેવું એમાં જ જીવનની સફળતા છે, ભલે ને કોઈ પ્રકારની પ્રગતિ ન દેખાય, તો પણ નામ તો લેવાય જ છે; એટલે એમાં જીવનની સાર્થકતા છે, એમ ગણાય. પરંતુ એથી મૂંઝવણ ચાલી જતી નથી કારણ કે આપણને તો એ આશા હોય છે કે આપણને ભગવાનનાં દર્શન થાય અને એ પણ તે વિશે આપણને મનમાં ખાસ વિશ્વાસ આવે એવી રીતે. આથી આપણને ઘણીવાર પ્રશ્ન થાય છે કે હું આટલાં વર્ષોથી ભગવાનનું નામ લઉં છું છતાં કેમ કોઈ પ્રગતિ નથી દેખાતી? આ પ્રશ્ન હંમેશા મનમાં થયા કરે છે. આમાં મહત્ત્વની વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે. કોઈને બજારમાંથી કાંઈ વસ્તુ ખરીદવાની હોય તો એને એ વસ્તુનું મૂલ્ય ચૂકવવું પડે છે. જો તમે બજારમાંથી શાક્ભાજી લેવા જાઓ તો થોડી કિંમત આપવી પડશે. પરંતુ જો તમારે હીરા ઝવેરાત વગેરે લેવાનાં હોય તો પુષ્કળ કિંમત આપવી જ પડે છે. અહીં ભગવાન સૌથી કિંમતી વસ્તુ છે, એને માટે કંઈ શાકભાજીના મૂલ્ય જેટલી કિંમત ચૂકવવી સંભવ જ નથી. એટલે જ્યાં સુધી ઈષ્ટ વસ્તુ લાભ ન થાય ત્યાં સુધી સાધન-ભજન ચાલુ રાખવાની જરૂર છે. એ રસ્તે ચાલતાં કોઈ અધવચ્ચે જ બેસી જાય તો તો એને માટે લક્ષ્ય સુધી પહોંચવું સંભવ નથી. એટલે હિંમત રાખીને આગળ વધવાની જરૂર છે. છતાં એ પ્રશ્ન તો રહી જ જાય છે કે આગળ વધીએ છીએ કે નહીં, એની કેમ ખબર પડે? આ પ્રશ્નનો ઉત્તર શ્રીમદ્ભાગવતમાં છે. એમાં કહ્યું છે કે કોઈ માણસ ભૂખ્યો હોય તો એ ભૂખને લીધે એને મનમાં અશાંતિ થયા કરે છે. એને લાગે છે કે શરીર દુર્બળ બની રહ્યું છે, નબળાઈ આવી રહી છે, ત્યારે તમે જો એને કંઈ ખાવાનું આપો તો એ જેમ જેમ ખાતો જાય તેમ તેમ ધીરે ધીરે ભૂખની તકલીફ મટતી જાય છે અને એના મનમાંની અશાંતિ ઘટતી જાય છે, એનામાં શકિત આવવા લાગે છે. એ જ પ્રમાણે જ્યારે માણસ ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનનું શરણ લે છે ત્યારે તેને ત્રણ વસ્તુનો એકી સાથે લાભ અનુભવવા મળે છે જેમ કે:

૧. જેમ જેમ ભજન કરે તેમ તેમ ઈશ્વર પ્રત્યેની લાગણી વધે છે. ૨. વિષયો પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે. ૩. ઈશ્વર વિષે મનમાં જે સંદેહ હોય તે ધીરે ધીરે નીકળી જાય છે, અને ઈશ્વરની ઝાંખી સ્પષ્ટ થતી જાય છે. આ ત્રણ વસ્તુઓ એકી સાથે જ થાય છે, એક પછી એક એમ નહિ. જેમ જેમ સાધકની પ્રગતિ થાય તેમ તેમ ભગવાન પ્રત્યે એનો અનુરાગ વધ્યા કરે અને ભગવાન સિવાય બીજી વસ્તુઓ તરફનું મનનું આકર્ષણ ઘટતું જાય અને ત્રીજું ઈશ્વર વિષે એના મનમાં જે સંદેહ હોય તે પણ નીકળી જાય અને ઈશ્વરની ઝાંખી સ્પષ્ટ થતી જાય. આ ત્રણે વસ્તુઓનો સાધક પોતે અનુભવ કરી શકે છે. સાધક જો મનની સ્થિતિનું સારી રીતે વિશ્લેષણ કરે તો એ સ્પષ્ટ થાય છે. ભગવાનનું નામ લેવાથી એનામાં કાંઈ ચમત્કાર કરવાની શકિત વધે એવું નથી. કેટલાય મોટા મોટા સાધકો થયા છે. એમને કોઈ એવી શકિત તરફ કે ચમત્કાર તરફ આકર્ષણ હતું જ નહીં અને તેમ છતાં એ સાધનાના માર્ગમાં આગળ ન વધ્યા હોય એવું બન્યું નથી. આગળ વધવાનું તો સારી રીતે થતું જ હોય છે. જે ભક્ત ભગવાન પ્રત્યે નહિ પણ વિષય પ્રત્યે આકર્ષણ અનુભવે એની ભકિત સાચી નથી; આ વાત સમજી લેવાની જરૂર છે. આવા માણસને ઈશ્વર તરફની લાગણીથી આંસુ આવે છે. અને સાથોસાથ વિષયો તરફની લાગણીથી પણ એને આંસુ આવે છે. એટલે એવાં આંસુની તો કશી કિંમત નથી. એ ઈશ્વર તરફ આગળ જાય છે કે કેમ તેનું એ કાંઈ પ્રમાણ નથી. જો વિષયો તરફ આકર્ષણ થાય અને ઈશ્વર તરફ જાણે કે બિલકુલ બેદ૨કારી મનમાં હોય કે “ઠીક છે, ઈશ્વરના ભજન કરવાનો માથે પડેલો વહેવાર છે, વિધિ છે, એટલે કોઈ રીતે જેમ તેમ પાંચ મિનિટ સમય કાઢીને પતાવી લેવાનું.” આ પ્રમાણે જે સાધના કરે છે તે ભલે નાહી ધોઈને કરે, મંદિરમાં દર્શને જાય, તો પણ એના મનમાં તો એવું જ થયા કરે છે કે ઘેર જઈને મારે શું કરવાનું છે? ઑફિસનું કામ હોય, ઘરનું કામ, છોકરાને કંઈ ભણાવવાનું કામ હોય એવી રીતે મનમાં બીજી વસ્તુઓના વિચારો થયા કરે છે. પ્રભુ તરફ એનું મન જતું નથી. અને મન વિષયો તરફ જાય છે. યાદ રાખવું કે વિષયો પ્રત્યે મનનું આકર્ષણ બિલકુલ ન હોય, એ જ સાચી ભક્તિ છે. એવી જ રીતે કોઈ કહે છે કે મને ભગવાનનાં દર્શન થાય છે, ઠીક છે, તો એ સાચાં દર્શન છે કે કેમ, એની સાબિતી ક્યાંથી મળે? વિષયો પ્રત્યે તમારું આકર્ષણ ઘટે છે કે કેમ? જો વિષયો પ્રત્યે પણ તમારું આકર્ષણ છે અને સાથે સાથે તમને ઈશ્વરનાં દર્શન પણ થાય છે તો એ દર્શન સાચાં દર્શન નથી એમ સમજવું જોઈએ. અને જે પ્રમાણમાં માણસ તેમના તરફ આગળ વધે તે પ્રમાણમાં એના મનમાં ઈશ્વરની ધારણા સ્પષ્ટ થતી જાય છે. વિષયાસક્તિ ઓછી થયા વગર થતાં ભગવાનનાં દર્શન એ મનની કલ્પના માત્ર છે. એનું કોઈ મહત્ત્વ નથી એમ વિચારીને પોતે જ સમજી શકે છે, કોઈને પૂછવાની જરૂર નથી. માટે ઈશ્વર તરફ ભક્તિ વધે ત્યારે વિષયો તરફ વિરક્તિ કે અણગમો થાય છે અને ત્યારે જ ઈશ્વર વિષે મનમાં સ્પષ્ટતા થાય છે. ઘણી વખત માણસના મનમાં થાય કે ભગવાનનું નામ લઉં છું છતાં ભગવાનનાં દર્શન નથી થતાં. જાણે કે ભગવાનનાં દર્શન એટલી સહેલી વાત છે, કે બે દિવસમાં મળી જાય! મને યાદ આવે છે, જ્યારે હું સાધનક્ષેત્રમાં હતો ત્યારે એક સાધકે કહ્યું હતું; “હું ધ્યાનમાં બેસું તો તેમાં કૃષ્ણ આવીને બંસી વગાડે છે, મા કાલી ઊભાં રહે છે, શિવ આવે છે!” આવી આવી ઘણી વાતો કરી! એ બધીય એની કલ્પના-પ્રવંચના છે, પોતાને સાધક તરીકે ખપાવવા માટેનું તૂત અથવા તો આત્મવંચના છે. છતાં પોતે એમ સમજે કે હું સાધક છું અને મને ભગવાનનાં દર્શન મળ્યાં છે! ભાઈ! એ તો જીવનથી સાબિત કરવાની બાબત છે. જેની અંદર ભક્તિ હોય એ તો એ પ્રમાણે જીવન ગાળે છે. જીવન જો જુદી રીતે ચાલે અને વળી ભગવાનની ભકિત પણ ચાલ્યા કરે એનો કોઈ અર્થ નથી. એક સાથે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ આગળ વધી ન શકો. તેમ ઈશ્વર અને સંસાર બન્ને બાજુઓ એકી સાથે આગળ જઈ શકો નહીં. પરણીને સંસારમાં રહેવું એ જ માત્ર સંસારીપણું નથી. સંસાર તરફ મન વળે, આકર્ષણ થાય તો એ સંસારી છે. ભલે ને એ સાધક, કે મહાત્મા કે પછી સંન્યાસી સર્વત્યાગી ગણાતો હોય! એ તો માત્ર બાહ્ય દેખાવની જ વસ્તુ છે. આંતરિક વસ્તુ નથી. જ્યાં સુધી આંતરિક વસ્તુ ન હોય ત્યાં સુધી એની કિંમત નથી, એટલે કોઈ આગળ વધે છે કે કેમ, એ કેમ સમજાય? સાધક પોતે જ મનમાં વિચાર કરે તો એને એનું મન જ સમજાવી દેશે કે એ આગળ વધે છે કે કેમ કારણ કે ખૂબ લાંબો રસ્તો છે, એ પાર જવામાં બહુ જ સમય લાગે છે, કોઈ બે ચાર દિવસમાં લક્ષ્ય તરફ પહોંચી શકાય એમ નથી. શબરીનો દાખલો છે. એ જન્મથી જ રામભક્ત હતી અને રામનાં દર્શન માટે આતુર થઈ એમની પ્રતીક્ષા કરતી. પણ રામ તો આવે જ નહીં! એનું નાનપણ વાટ જોવામાં ગયું, કૌમાર્ય પણ એમ જ ગયું! વૃદ્ધાવસ્થા આવી – છતાં દર્શન નથી થતાં અને અંતમાં મૃત્યુની આખરી ક્ષણે જ જાણે કે ભગવાનનાં દર્શન થયાં! આવા પુરાણોના દાખલા આપણે યાદ રાખવાની જરૂર છે. અને પછી ભગવાનનાં દર્શન ભલે એકવાર થાય એવા સાચાં દર્શનથી તો આખું જીવન પૂર્ણ થઈ જાય છે. એક દૃષ્ટાંત છે. નારદ ઋષિ નાનપણમાં ભગવદ્ભક્ત હતા. પાંચ વર્ષની ઉંમરમાં તેઓ ભગવાનનાં દર્શન માટે ઘેરથી નીકળી ગયા. એક ઝાડ નીચે બેસીને ધ્યાન કરતાં કરતાં એમને ભગવાનનાં દર્શન થયા, એટલે ભક્તિથી એમનું અંતર ભરાઈ ગયું. પછી ભગવાન તો અંતર્ધાન થઈ ગયા પણ બાળક નારદ તો ભગવાન માટે રડવા માંડ્યો! ત્યાર પછી તો દેવવાણી સાંભળી કે ‘‘નારદ તમને જે એકવાર દર્શન થયાં એ જ તમારા જીવનને પૂર્ણ કરી નાખશે, હવે વધારે દર્શન તમને થશે નહીં. હવે તમે જાઓ અને જગતમાં ભગવાનનાં ગુણગાન કરતા રહો. એનાથી તમારા જીવનમાં સાર્થકતા આવશે!” એટલે ભગવાનનાં દર્શન વધારે મહત્ત્વનાં નથી. પરંતુ એ ભાવનામાં જીવને પૂરેપૂરું ઝબોળી અને આપણા જીવનનું એમાં રૂપાન્તર કરી નાખવું એ જ લક્ષ્ય છે. જે કોઈ ઈશ્વરનું સ્મરણ કરે તે પોતે ઈશ્વરરૂપ બની જાય અને જ્યાં સુધી તેમ ન થાય, ઈશ્વર જેવા શુદ્ધ, સર્વજ્ઞ, સંપન્ન ન બને તો ત્યાં સુધી એના જીવનમાં સફળતા મળી નથી એમ સમજવું. આ સફળતા સાવ જ ધીરે ધીરે આવે છે. ગીતામાં કહ્યું છે કે

બહુનાં જન્મનામન્તે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે

ભગવાનનું શરણ માણસ લે ક્યારે? ઘણા જન્મો પછી! પણ આપણે તો બે દિવસમાં ભજન કરી ભગવાનને પકડી લેવાનો વિચાર કરીએ છીએ! એ તો સાવ બાળકવેડા જ ગણાય.

Total Views: 126

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.