(શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 12મા પરમાધ્યક્ષ હતા. તેઓના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી સપ્ટેમ્બર, 2000ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલીનભાઈ મહેતા. – સં.)

આપણે શ્રીરામકૃષ્ણનું ચિંતન કરીએ છીએ. વિવિધ લોકોની ઠાકુર વિશે અલગ અલગ વિભાવના હોય છે. એ સ્વાભાવિક છે, કારણ કે લોકો વિવિધતાથી ભરેલા છે. જેમ જેમ આપણો આધ્યાત્મિક વિકાસ થશે, તેમ તેમ આપણે આપણા આદર્શોમાં વધુ ને વધુ સ્પષ્ટ થતા જઈશું, આદર્શો પણ વિકાસ પામશે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કોઈ મકાનને દૂરથી જોઈએ છીએ ત્યારે તે અસ્પષ્ટ દેખાય છે, બાહ્ય આકાર માત્ર દેખાય છે. જેમ જેમ આપણે તેની વધુ નજીક જતા જઈશું, તેમ તેમ તે વધુ સ્પષ્ટ થતું જશે.

ઘણા લોકો પૂછે છે, ‘ઠાકુરની સામે એકીટશે જોવું એ શું પર્યાપ્ત નથી? આંખો બંધ કરવાની શી જરૂર?’ તેનું કારણ એ છે કે, આપણે ઠાકુરના ચિત્રને જોઈ રહ્યા છીએ એવું લાગે છે, પરંતુ સાથે સાથે આપણને આસપાસની અન્ય વસ્તુઓ પણ દેખાઈ રહી હોય છે. આપણી દૃષ્ટિ બહુવિધ દિશાઓમાં ફંટાઈ જતી હોય છે. દૃષ્ટિ હંમેશાં એક જ સ્થાન પર ટકી રહેતી હોતી નથી. ઘણા લોકો એક જ બિંદુ પર દૃષ્ટિ કેન્દ્રિત કરવાની કોશિશ કરે છે. પરંતુ લાંબા સમય સુધી બિંદુ પર દૃષ્ટિ કેન્દ્રિત રહેતી નથી. એટલા માટે આંખ બંધ કરવી જોઈએ. આંખ બંધ રાખવાથી બાહ્ય વિક્ષેપોથી બચી શકાય છે. ત્યાર પછી જ આંતરિક વિક્ષેપોને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આપણે આંખો ખુલ્લી રાખીએ તો આંતરિક અને બાહ્ય બંને વિચલિત કરનારાં પરિબળો હાજર થઈ જાય છે. સ્વાભાવિક રીતે જ, જો કોઈ આંખ બંધ કરીને ધ્યાન કરે તો વિક્ષેપ ઊભો કરનારાં પરિબળો નોંધપાત્ર રીતે ઘટી જાય છે. નિરંતર ધ્યાન કરવાથી આંતરિક ખલેલ દૂર થઈ જાય છે. ધ્યાન એટલે ધ્યાનની વિષયવસ્તુ સિવાય અન્યનો નિષેધ અને વિચારોની નાબૂદી, અને ધ્યાનની વિષયવસ્તુને સંબંધિત વિચાર. સંપૂર્ણ ધ્યાનમાં ધ્યાન કરનાર, ધ્યાન માટેની વિષયવસ્તુ અને ધ્યાનની પ્રક્રિયા એક બની જાય છે. ત્યારે મનનું અસ્તિત્વ રહેતું નથી. કારણ કે મન એટલે સતત ચાલતા તર્ક-વિતર્ક—સંકલ્પ-વિકલ્પ—એ છે અજંપો. જ્યારે મન સંપૂર્ણ શાંત હોય છે, ત્યારે જાણે કે તે અવિદ્યમાન હોય છે. એટલા માટે કહેવાય છે કે ત્રણેય એક થઈ જાય છે.

બીજી વાત, ધ્યાન વખતે ઇષ્ટના મૂળ સ્વરૂપ (સત્ત્વ)ને યાદ કરવું જોઈએ. દાખલા તરીકે, અત્યારે આપણે સમાધિસ્થ ઠાકુરના ચિત્ર પર ધ્યાન કરીએ છીએ. તે સમગ્ર ચિત્ર હંમેશાં આપણા મનમાં ઉદ્‌ભવતું નથી. જ્યારે ધ્યાન ગહન થતું જાય ત્યારે આપણે તેમના ચહેરાના હાવભાવ, તેમની અંતર્મુખી દૃષ્ટિનું ઊંડાણ જોઈએ છીએ. બીજા શબ્દોમાં, આપણે પણ તેમના મૂળ સ્વરૂપના ઊંડાણમાં ડૂબકી લગાવીએ છીએ. હવે દેખીતી રીતે જ ઠાકુરના ચિત્રને જોઈને આપણે તેમની ચેતના કોની સાથે એકરૂપ થઈ ગઈ છે તેનું ઊંડાણ સમજી શકીશું નહીં. પરંતુ જેમ જેમ આપણે ધ્યાનમાં ઊંડા ઊતરતા જઈશું, તેમ તેમ આપણે ઠાકુરના મૂળ સ્વરૂપ વિશે ચિંતન-મનન કરવા સમર્થ થઈ શકીશું.

ધ્યાન અને જપ બંને વચ્ચે કંઈ ઝાઝો ફરક નથી. ખરેખર તો બંને સરખાં જ છે. એકાગ્ર મનથી જપ કરવો એ જ ધ્યાન. એટલા માટે જ જપ કરતી વખતે ઠાકુરના ચિત્ર પર ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે અને ધ્યાનનો અર્થ ઠાકુરના ચિત્ર વિશે ચિંતન-મનન, એવો આપણે કરવાનો છે. આપણે સમાધિમાં લીન બેઠેલા ઠાકુરના ચિત્રને મનમાં ધારણ કરવાની કોશિશ કરીએ છીએ. સાચી વાત તો એ છે કે ધ્યાન એટલે માત્ર છબીના વિશે જ વિચારવું એમ નથી. ધ્યાન એટલે ઇષ્ટના સ્વરૂપ વિશે ચિંતન (તત્ત્વચિંતન), તેના મૂળ સ્વરૂપનું ધ્યાન-સ્વરૂપચિંતન. ધ્યાન દરમિયાન ઠાકુરના મૂળ સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. પરંતુ સ્વરૂપચિંતન એ નથી ગુણચિંતન (તેમના ગુણો) કે નથી લીલાચિંતન (પૃથ્વી પરના તેમનાં દિવ્ય કાર્યો). ખરેખર તો એ તત્ત્વચિંતન કે સ્વરૂપચિંતન છે. તેનો અર્થ એ થાય કે તેમનાં દિવ્યલીલા કે ગુણો વિશે જ આપણે ધ્યાન કરવું જોઈએ. જ્યારે આપણું મન વધુ શુદ્ધ અને સૂક્ષ્મ બનતું જશે ત્યારે આપણે આ સમજી શકવા સમર્થ બની શકીશું. હવે આપણું મન કેવળ સ્થૂળ વસ્તુઓની યોગ્ય મૂલવણી કરી શકશે. તેથી આપણે લીલાચિંતન કે ગુણચિંતન કરવા સમર્થ બન્યા હોઈશું. પરંતુ મન જેમ જેમ શુદ્ધ થતું જશે, તેમ તેમ તે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર આદર્શોને ગ્રહણ કરવા સક્ષમ બનશે. ત્યાર પછી ઠાકુરના તત્ત્વ કે મૂળ સ્વરૂપ પર ધ્યાન શક્ય બને છે.

ઉદાહરણ તરીકે, આપણે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા ઠાકુરના ચિત્ર વિશે વિચારીએ. ઠાકુરે પોતે જ કહ્યું હતું, ‘આ ચિત્ર યોગની ઉચ્ચતમ સ્થિતિનું નિરૂપણ કરે છે.’ આપણે આમાંથી કશું સમજી શકીએ છીએ? શા માટે નથી સમજી શકતા? કારણ કે યોગની આ ઉચ્ચ સ્થિતિને સમજવા માટે યોગી થવું જરૂરી છે. આપણે યોગી નથી, તેથી તે સમજી શકતા નથી. પરંતુ ગહનતાથી તે ચિત્રનું ધ્યાન કરવાથી, તે ચિત્રને ધ્યાનથી જોવાથી, તેના વિશે વિચાર કરવાથી એક વાત આપણે સમજી શકીએ કે તે ધ્યાનમાં અંતર્મુખી થયેલા ઠાકુરનું ચિત્ર છે. જો કે આ મારો વ્યક્તિગત અને અનુભૂત અભિપ્રાય છે, મને જે અનુભવ થયો છે તે હું કહું છું. આંખો લગભગ બિડાયેલી છે. જાણે કે સમગ્ર બ્રહ્માંડ સંપૂર્ણપણે વિલીન થઈ ગયું છે. બાહ્યભાનનો લેશમાત્ર નથી. કેવી ભવ્ય અંતર્મુખી સ્થિતિ! જાણે કે તેઓ સમગ્રપણે કશામાં ડૂબી ગયા છે. કોઈ દુન્યવી ચેતના નહિ. આ સ્થિતિમાં ઠાકુર શું વિચારી રહ્યા છે અને તેઓ શેમાં મગ્ન થઈ ગયા છે—આપણે પણ ધ્યાન વખતે આ વિશે વિચારવું જોઈએ.

આ ઉપરાંત, એ પણ વિચારવું જોઈએ કે જે રામ, જે કૃષ્ણ તરીકે જગતના ઉદ્ધાર માટે અવતર્યા હતા, તે જ આ યુગમાં માયાની શક્તિની મદદથી શ્રીરામકૃષ્ણ રૂપે અવતરિત થયા છે. આ રીતે ધ્યાન કરો. ‘શિવમહિમ્ન સ્તોત્ર’માં એક જગ્યાએ શિવને સંબોધીને કહેવામાં આવ્યું છે, ‘ધ્યાન દરમિયાન યોગીઓ જેનું ચિંતન કરે છે, તમે ખરેખર તે જ છો.’

એ શ્લોકનો અર્થ એવો છે કે, ‘જેને યોગીઓ પોતે ધ્યાન દ્વારા, શાસ્ત્રોક્ત નિર્દેશો અનુસાર, શ્વાસને નિયંત્રિત કરીને સાકાર કરે છે, તમે ખરેખર તે અવર્ણનીય સત્ય છો. જેને સમજીને તેઓ હર્ષોન્મિત અશ્રુ વહાવે છે અને તે જાણે કે અમૃત-સાગરમાં તરીને પરમ સુખનો આનંદ માણે છે.’

ધ્યાન દરમિયાન એવો અનુભવ થાય છે કે જાણે મનમાં એકધારા વિચારોનો પ્રવાહ વહી રહ્યો છે. એવું ભાગ્યે જ શક્ય બને કે મનને વિચારમુક્ત કરી શકાય. આશ્ચર્યજનક વાત એ છે કે આપણે પણ એ વિચારોના પ્રવાહ સાથે ઘસડાવા માંડીએ છીએ. લાંબા સમય પછી આપણે જાગૃત થઈને કહીએ છીએ, ‘અરે! હું કેવું વિચારી રહ્યો હતો!’ એનો અર્થ એ કે હું સજાગ ન હતો. મન મને જે દિશામાં ખેંચી જાય, તે દિશામાં હું પણ તેનું અનુસરણ કરી રહ્યો હતો. જો આપણે મનનું અવલોકન કરીશું કે તેનું ક્રમશ: પરીક્ષણ કરીશું, તો તેવું મન આપણને ઘસડી નહિ જાય. આપણે તેના પર નિયંત્રણ સ્થાપિત કરી શકીશું. મન આપણા પર હાવી નહિ થઈ જાય. આપણે તેને અંકુશમાં રાખી શકીશું.

હું વારંવાર મનની એક બીજી લાક્ષણિકતા વિશે વિચાર કરું છું. એ જ મનને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક છે દ્રષ્ટા, અને બીજું છે દૃશ્ય. કહેવાનો અર્થ એ છે કે એક દ્રષ્ટા-મન છે અને બીજું દૃશ્ય-મન છે. જ્યારે દ્રષ્ટા-મન દૃશ્ય-મન વિશે સતત તપાસ કરતું રહેતું હોય ત્યારે મનના વિચારો દ્વારા ભટકી જવું શક્ય નથી. એટલા માટે જ સ્વામીજીએ સૂચના આપી છે, ‘આસન પર બેસતાંવેંત જ ધ્યાન શરૂ ન કરવું. થોડો સમય મનનું અવલોકન કરો. જુઓ કે મનમાં શું ચાલી રહ્યું છે. તમે જોશો કે ધીમે ધીમે મનના તરંગો શાંત થઈ જશે. મન એકાગ્ર બની જશે. ત્યાર પછી ધ્યાન શરૂ કરો.’ એટલા માટે જ હું તમને કહી રહ્યો હતો કે મનને સંપૂર્ણપણે વિચારમુક્ત કરવું બહુ કઠિન છે. ઘણા માને છે કે વિચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાથી મનુષ્ય ‘જડ’ થઈ જાય છે. ના, મનુષ્ય ક્યારેય ‘જડ’ બની જતો નથી. વિચારોને સંપૂર્ણ નાબૂદ કરીને કે મનને વિચારોના તરંગોથી—વૃત્તિઓથી મુક્ત કરીને મનુષ્ય સમાધિની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. ત્રણ અવસ્થાઓમાં મન કામ નથી કરતું—મૂર્છિત અવસ્થા, ગાઢ નિદ્રાવસ્થા અને સમાધિ અવસ્થા. સ્વાભાવિક છે કે ગાઢ નિદ્રામાં મન કાર્ય કરવાનું બંધ કરી દે છે; મૂર્છિત અવસ્થામાં અકુદરતી રીતે અને સમાધિ અવસ્થામાં સાધનાના પરિણામરૂપે મન કાર્ય કરવાનું બંધ કરી દે છે.

‘ધ્યાન’ અને ‘નિદિધ્યાસન’ બંને સમાનાર્થી નથી. ‘ધ્યાન’ એટલે અનિચ્છનીય વિચારોની નાબૂદી અને સમાન વિચારોના પ્રવાહની સાતત્યતા. ‘નિદિધ્યાસન’ એ કોઈપણ વૃત્તિ વિનાની, શાંત અવસ્થા છે. ‘મુણ્ડકોપનિષદ’માં કહ્યું છે:

प्रणवो धनु:शरोह्यात्मा ब्रह्मतल्लक्ष्यमुच्यते।
अप्रमत्तेन वेद्धव्यं शरवत्तन्मयो भवेत् ॥

પ્રણવ (ૐ) ધનુષ છે. શર (તીર) આત્મા છે. અહીં આત્મા એટલે જીવાત્મા, વ્યક્તિગત આત્મા. ब्रह्मतल्लक्ष्यमुच्यते, બ્રહ્મ જ એકમાત્ર લક્ષ્ય છે. अप्रमत्तेन वेद्धव्यं, તેને સચેત થઈ વેધવાનું છે. આ अप्रमत्तेन, એટલે જ ધ્યાન. અને शरवत्तन्मयो, બ્રહ્મના લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછી સ્થિર થવું એટલે જ ‘નિદિધ્યાસન’. ત્યાં રહીને પણ સાવધ રહેવું જરૂરી છે. એટલા માટે જ કહ્યું છે, शरवत्तन्मयो, અતિ સ્થિરતા સાથે ત્યાં રહેવું; વિક્ષેપ, પતન કે પ્રમાદ માટે કોઈ કારણ ન હોવું.

મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદ) એક વાર કહ્યું હતું: ‘કોઈએ ચંદ્રના પ્રકાશમાં ધ્યાનમાં બેસવું ન જોઈએ, કારણ કે તેના આકર્ષણથી મનમાં એક અલગ પ્રકારનો મનોભાવ પેદા થાય છે. ઉપભોગની મનોવૃત્તિ જાગી ઊઠે છે. ખુલ્લું મેદાન, પર્વત, નદીનો કિનારો વગેરે સ્થળો ધ્યાન માટે ઉચિત દર્શાવવામાં આવ્યાં છે. સમુદ્રકિનારો તે માટે યોગ્ય નથી. ત્યાં હંમેશાં પવન ફૂંકાતો રહેતો હોય છે. પવનની લેશ પણ લહેરખીવાળાં સ્થળો પણ ધ્યાન માટે અનુકૂળ નથી. ગુફા ધ્યાન માટે યોગ્ય સ્થળ છે. એટલા માટે જ યોગીઓ ગુફામાં રહીને ધ્યાન ધરે છે.’

રાજા મહારાજે (સ્વામી બ્રહ્માનંદ) કહ્યું હતું, ‘જુદા જુદા સમયે અલગ અલગ સ્થળો ધ્યાન માટે અનુકૂળ છે,’ તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. સ્થાન-માહાત્મ્ય (ચોક્કસ જગ્યાઓની ખાસિયત) પણ ધ્યાનમાં લેવું જોઈએ. ઊંચો પર્વત ધ્યાન માટે ઉચિત છે. આપણે જાણીએ છીએ કે જગન્નાથપુરી ભજન અને કીર્તન માટે યોગ્ય છે, ધ્યાન માટે નહિ. એક પ્રકારનો ભજન અને કીર્તનનો ભાવ ત્યાં ઉદ્‌ભવે છે.

કલ્પના અને ધ્યાન વચ્ચે ફરક છે. કલ્પના એટલે જે વસ્તુનું અસ્તિત્વ નથી, જે અવાસ્તવિક છે, તેના વિશે વિચાર કરવો. જ્યારે ધ્યાન વખતે આપણે તે વસ્તુના અસ્તિત્વમાં વિશ્વાસ કરીએ છીએ. આપણે ધ્યાનના હેતુનું અસ્તિત્વ માનીએ છીએ. જો કે અત્યારે આપણે કલ્પના કરી ધ્યાન કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ એ માત્ર કલ્પના જ નથી હોતી. જેનું વાસ્તવિક અર્થમાં કોઈ અસ્તિત્વ નથી એવી કોઈ અવાસ્તવિક વસ્તુ વિશે વિચારવું એ કલ્પના છે. ઉદાહરણ તરીકે, ‘આકાશમાં કોઈ બગીચો હોવાની કલ્પના કરવી.’ તેનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ ન હોઈ શકે. એ માત્ર એક કલ્પના જ છે. આકાશમાં બગીચાનું હોવું એ અસંભવ છે. પરંતુ આપણે ધ્યાનની વસ્તુના અસ્તિત્વ પર કોઈ અવિશ્વાસ નથી કરતા.

આપણે એવું જોઈએ છીએ કે લોકો ધ્યાન દરમિયાન અવારનવાર નિદ્રામાં સરી પડે છે. નિદ્રા યોગ માટે એક મહાન શત્રુ અને અવરોધ છે. તેથી એવી સલાહ આપવામાં આવે છે કે એવા સમયે આંખમાં પાણી છાંટી ફરી ધ્યાનમાં બેસવું જોઈએ. તે થોડા સમય માટે ઉપયોગી થઈ શકે છે. નિદ્રા આવવાનું કારણ એ છે કે મનને તે સામાન્ય રીતે જે વસ્તુઓમાં ભટકતું રહેતું હોય છે, તેમાંથી બળજબરીથી ખેંચી લેવામાં આવે છે, પરંતુ તે વસ્તુઓથી મનને છોડાવી ધ્યાનની વસ્તુ પર લાવી શકાતું નથી, તેથી મનને ટકાવવા કોઈ વસ્તુ ન હોવાથી તે નિદ્રામાં સરી પડે છે. આ મુશ્કેલીથી બચવાનો એક જ ઉપાય એ છે કે મનને સતત જાગ્રત અને સચેત રાખવું જોઈએ. તે સિવાય બીજું શું કરી શકાય?

ધ્યાન માટે બેઠા પછી નિદ્રા આવવી તેનું કારણ છે તમસ—તમોગુણનો પ્રભાવ. એવું બે કારણે બને છે. એક, શારીરિક થાક અને સુસ્તી, અને બીજું છે, જપ અને ધ્યાનમાં રુચિનો અભાવ. પહેલા કિસ્સામાં જો શરીર થાકેલું અને સુસ્ત હોય તો પૂરતો આરામ લેવો જરૂરી છે. શરીરને યોગ્ય આરામ અને ઊંઘ મળવાં જોઈએ. જો થોડા મોડા પથારીમાંથી ઊઠવાથી બરાબર ધ્યાન કરી શકાતું હોય તો તેમ કરવું વધુ સારું છે. એટલે કે, કોઈ દેખીતો થાક ન હોવો જોઈએ. આમ છતાં, આ બાબત વ્યક્તિગત માનસિક અને શારીરિક બંધારણ પર આધાર રાખે છે. જેને જે અનુકૂળ અને યોગ્ય હોય તે કરવું જોઈએ. બીજું છે રુચિનો અભાવ. જો રુચિ ન હોય તો મન નિદ્રામાં સરી પડશે. જપ અને ધ્યાનમાં રસ ન હોવાનું કારણ એ છે કે આપણે આપણા લક્ષ્ય વિશે અને આદર્શો વિશે વાકેફ નથી. અને તેથી આપણને તેમાં કોઈ અભિરુચિ નથી હોતી, એટલે મન નિદ્રામાં સરી પડે છે. જો આપણને જેના પર ધ્યાન કરીએ છે તેના માટે ઉત્કટ ઝંખના અને તેને પ્રાપ્ત કરવાની દૃઢ ઇચ્છા હોય તો શું આપણે બેદરકાર રહી શકીએ?

જેમ ઠાકુરે કહ્યું હતું કે મોતી અને આભૂષણો બાજુના ઓરડામાં રાખ્યાં છે, એ જાણ્યા પછી ચોર શું એની બાજુના ઓરડામાં શાંતિથી સૂઈ શકે? ના, જ્યાં સુધી તે દીવાલ તોડી, બાજુના ઓરડામાં જઈ તે સંપત્તિ મેળવી ન લે ત્યાં સુધી તેને ચેન નહીં પડે. એવી જ રીતે, જો આપણે જાણતા હોઈએ કે ‘તેઓ’ આપણા હૃદયમાં જ છે અને આપણે ‘તેમને’ પ્રાપ્ત કરવા જ જોઈએ, તો પછી આપણે શું બેદરકાર રહી શકીએ? આપણે શું સૂઈ શકીએ? આપણે માત્ર ઝંખનાના અભાવે ઉદાસીન થઈ જઈએ છીએ. તેથી વ્યક્તિએ હંમેશ સચેત અને સંપૂર્ણ જાગ્રત રહેવું જોઈએ. વારંવારના પ્રયાસ પછી તે એક આદત બની જશે અને સંસ્કાર કે પ્રભાવનું ગઠન થશે. જ્યારે આપણને ઊંઘ જેવું લાગતું હોય ત્યારે જરા લટાર મારી ફરી ધ્યાનમાં બેસવું જોઈએ. ઘણા પૂછે છે, ‘જ્યારે આપણને ઊંઘ આવતી હોય ત્યારે શું લટાર મારતાં મારતાં પણ જપ કરી શકાય?’ હા, તેમ કરી શકાય. એમ કરવાથી ઊંઘ ઊડી જશે, પરંતુ ધ્યાન નહિ થઈ શકે. ધ્યાન એટલે બધી જ ઇન્દ્રિયોને તેના રસના વિષયો અને પ્રવૃત્તિઓમાંથી ખેંચી લેવી. ત્યારબાદ મન માત્ર ધ્યાનની વિષયવસ્તુ પર જ લાગી રહેશે. ચાલતાં ચાલતાં ધ્યાન ન કરી શકાય.

સાચી વસ્તુ તો એ છે કે જેટલો સમય આપણે ધ્યાન કરીએ, તે યોગ્ય ભાવ (ખરા દિલથી અને યોગ્ય વલણ) સાથે કરવું જોઈએ. આપણે સાચા માનસિક વલણ સાથે જેટલો વધુ સમય તે માટે સમર્પિત કરીશું તેટલું આપણા માટે લાભદાયક રહેશે. જ્યાં સુધી મન સ્વસ્થ અને શાંત નહિ હોય ત્યાં સુધી પોતાની જાતને તપાસવી શક્ય નથી. મનનું અન્યથા વિશ્લેષણ કરી શકાતું નથી.

કઠોપનિષદમાં કહેવામાં આવ્યું છે:

અંગૂઠા જેવડા પરિમાણવાળું બ્રહ્મ શરીરમાં રહેલું છે; એ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું નિયમન કરે છે. જ્યારે આધ્યાત્મિક સાધક આ બ્રહ્મને જાણી લે છે, ત્યારે તે પોતાને છુપાવવા માગતો નથી. ખરેખર આ જ તે (બ્રહ્મ) છે કે જેને વિશે નચિકેતા પૂછી રહ્યો હતો.

જો પર્ણોથી આવરિત મધ્યમાં રહેલ દાંડીને પરાણે અને અચાનક ખેંચવામાં આવે તો તે તૂટી જશે. તે કોમળ દાંડીને ધીમેથી અને ખૂબ તકેદારીપૂર્વક અલગ કરવી જોઈએ. તે જ રીતે, શરીર (જે સ્વ નથી) વગેરેથી આત્મા (સ્વ)ને અલગ કરવો જોઈએ. અહીં આત્માને અલગ કરવાનું કહેવામાં આવ્યું છે. તે જ રીતે ધ્યાન દરમિયાન મનને પણ ધ્યાનની વસ્તુ સિવાયની અન્ય વસ્તુમાંથી ખેંચી લેવું જોઈએ, અને પછી તેને ઇચ્છિત વસ્તુ પર કેન્દ્રિત કરવું જોઈએ.

ગીતામાં પણ કહેવામાં આવ્યું છે:

शनै: शनैरुपरमेद्बुद्ध्या धृतिगृहीतया |
आत्मसंस्थं मन: कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ||

અહીં शनै: शनै:, શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે ખૂબ ધીમે ધીમે. કારણ કે આપણે સમાધિ માટે પ્રયાસશીલ છીએ. જેની ઝંખના કરીએ છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મનને અવશ્ય શાંત કરવું પડશે. ધ્યાન કરવા માટે મનને શાંત કરવું તે અતિ જરૂરી છે. જ્યારે મન શાંત થઈ જાય, ત્યારે તેની અસર સમગ્ર જીવન પર પડે છે. વચન અને કર્મ—બધું શાંતિપૂર્ણ અને ધીરગંભીર બને છે. જીવન સુખમય બને છે અને વ્યક્તિત્વ પણ આનંદદાયક અને મધુર બને છે. વ્યક્તિત્વ સૌમ્યતાને આત્મસાત્‌ કરે છે. અસ્વસ્થતા રહેતી નથી. કેટલાક લોકો ઢોલ અને કરતાલની સાથે કીર્તન, નૃત્ય અને વધુ પડતી કૂદાકૂદ કરે છે. ધ્યાન કરનારને એ પસંદ નથી. શ્રીરામકૃષ્ણના જીવનમાં આ બંને પાસાં સારી રીતે અભિવ્યક્ત થતાં જોવા મળે છે. કેટલા ઉત્સાહપૂર્વક તેઓ નૃત્ય કરતા હતા! તેમની સાથે નૃત્ય કરનાર જ માત્ર નહિ પરંતુ શ્રોતાઓ પણ વધુ પડતા પરિશ્રમને કારણે પરસેવે રેબઝેબ થઈ જતા. ફરી કોઈ અન્ય સમયે તેમણે કહ્યું હતું, ‘હવે મને વધુ પ્રવૃત્તિ કરવી ગમતી નથી.’ આ હતો તેમનો શાંત ભાવ. તેમનો ઉદ્દેશ્ય તમામ મનોભાવની સંપૂર્ણ અભિવ્યક્તિને દર્શાવવાનો હતો. તેથી તેમણે બંને મનોભાવો પ્રગટ કર્યા.

યોગ માટે એક વિઘ્ન છે લય અથવા વિસ્મૃતિ. માંડૂક્યોપનિષદમાં કહ્યું છે:

જો મન વિસ્મૃતિના કારણે નિષ્ક્રિય થઈ ગયું હોય તો તેને ફરી જાગ્રત કરો. જો તે વિચ્છિન્ન થઈ ગયું હોય તો તેને ફરી પરમ શાંતિની સ્થિતિમાં (તટસ્થ અવસ્થામાં) પાછું લાવો. મન સંભવિત સ્વરૂપમાં શું ઇચ્છે છે તે જાણો. જો મન સંતુલનની સ્થિતિમાં પહોંચી ગયું હોય, તો તેને ફરીથી ખલેલ પહોંચાડશો નહીં.

લયનો ખરો અર્થ છે, સાધક જે વિષયવસ્તુ પર ધ્યાન કરે છે તેનું મનમાંથી અદૃશ્ય થઈ જવું. મન જાગ્રત હોય છે છતાં ધ્યાનની વસ્તુ અલોપ થઈ ગઈ હોય છે. ત્યારે સાધકે ફરી તે ધ્યાનની વિષયવસ્તુને મનની દૃષ્ટિમાં લાવવી જોઈશે. અને આપણા જેવા સામાન્ય લોકો માટે વિષયવસ્તુનું અદૃશ્ય થવું એટલે નિદ્રા, મનનું નિદ્રામાં સરી પડવું. આપણે મનને જાગ્રત રાખવા માટે સંઘર્ષ કરવો પડશે.

બીજું વિઘ્ન છે વિક્ષેપ અથવા અજંપો. આ પરિસ્થિતિ દરેકની સાથે ઘટે છે—દરેક તેના વિશે જાણે છે. આમાં મન ધ્યાનની વિષયવસ્તુ સિવાય અન્ય વસ્તુ વિશે વિચારે છે. આ કિસ્સામાં સાધકે મનને ફરી ધ્યાનની વિષયવસ્તુ પર કેન્દ્રિત કરવા પ્રયત્નો કરવા પડશે. કષાય એટલે સાંસારિક વૃત્તિઓથી રંગાયેલું. જો મન ઇન્દ્રિયસુખ પ્રત્યે આકર્ષિત હશે અથવા ઉપભોગ માટે ઇચ્છા ધરાવતું હશે તો એ તે તરફ ખેંચાશે. જો મન ઇન્દ્રિયસુખની વસ્તુઓ પ્રત્યે આકર્ષિત થયું હોય તો તેને જાગૃત અને સાવચેત કરો. આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે: મનની અંદર રહેલી ઇચ્છાઓને જાણો. सकषायम्‌ विजानीयात्‌.

હજુ એક વધુ વિઘ્ન છે: રસાસ્વાદ—આધ્યાત્મિક સાધનાથી ઉદ્‌ભવતા સ્વર્ગીય સુખનો આનંદ. સાધકની બહુ જ થોડી પ્રગતિ થઈ હોય છે, આધ્યાત્મિક અભ્યાસથી સ્વર્ગીય સુખનું માત્ર એક જ ટીપું તેને પ્રાપ્ત થયું હોય છે, અને તે તેમાંથી આનંદ મેળવવાનું શરૂ કરે છે. પરંતુ મન અનુશાસિત હોવું જોઈએ અને તેણે સાધકને કહેવું જોઈએ કે લક્ષ્ય અને આદર્શ હજુ જોજનો દૂર છે. ઉદાહરણ તરીકે, શ્રીરામકૃષ્ણે કહેલ કઠિયારાની બોધકથા લો, જેમાં સાધુ દ્વારા કઠિયારાને હજુ વધુ ને વધુ આગળ જવાની સલાહ આપવામાં આવી હતી. જ્યારે મન સમતુલા પ્રાપ્ત કરે ત્યારે તેને ફરી વિક્ષિપ્ત કરવું જોઈએ નહિ. એટલે કે વ્યક્તિએ મનને જે સ્થિતિએ તે ઉદિત થયું છે તે ઉચ્ચ સ્તરે ટકાવી રાખવા હંમેશાં પ્રયાસ કરવો જોઈએ.

પરંતુ પછી, આપણે કશાયથી હતાશ થવાની જરૂર નથી. નાનો અમથો, ભલે તે ગમે તેટલો અલ્પ હોય, ઉમદા પ્રયત્ન પણ એળે જવાનો નથી. તે સંચિત થયેલો રહેશે. જો આપણે આદર્શ તરફ એક નાનું પગલું ભરીએ, વચ્ચેનું અંતર પણ તેના પ્રમાણમાં ઘટશે. કંઈ નહિ તો એટલું તો સંચિત થશે જ. જો કે એ પણ સત્ય છે કે જો આપણા મનમાં એવી કોઈ ઝંખના નહિ હોય તો આપણે જે કંઈ કરીશું તેનો કોઈ ફાયદો થવાનો નથી. એનો અર્થ શું એવો છે કે આપણે તમામ પ્રયત્નો છોડી દેવા? ના, આપણને જ્યાં સુધી એવી ઝંખના ન થાય ત્યાં સુધી આપણે સંઘર્ષ ચાલુ રાખવો જોઈએ. આપણો જરા અમથો પ્રયત્ન પણ નકામો નથી ગયો, કે નકામો જવાનો પણ નથી. એ સંગ્રહિત થતો રહેશે. જ્યારે પણ ભવિષ્યમાં આપણને કોઈ ફટકો પડે છે કે જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવે છે ત્યારે તે નાનો પણ ઉમદા પ્રયત્ન, જે આપણે કર્યો છે તે, આપણને બચાવી લેશે. પ્રયત્ન ભલે નાનો હોય, પરંતુ તે ઉમદા પ્રયાસને આપણે કદી ભૂલવો ન જોઈએ. મુશ્કેલી અને પ્રતિકૂળતાના સમયે તેની સ્મૃતિ આપણા મનને શક્તિ આપે છે, માનસિક શક્તિ બક્ષે છે. વ્યક્તિએ ઈશ્વર પ્રત્યેના પ્રારંભિક આકર્ષણ, વૈરાગ્યની ભાવના અને તે સમયે કરેલા પ્રયાસોને યાદ રાખવાં જોઈએ. ત્યારે આપણે અનુભવ કરીશું, ‘અહા, ત્યારે મારી મનઃસ્થિતિ કેવી હતી! એ આદર્શો પ્રત્યે કેવો લગાવ હતો, મારામાં કેવો વૈરાગ્ય જાગ્યો હતો!’

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.