આચાર્ય રામમૂર્તિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. ચિત્રકામ શીખવતી વખતે બાળકોને કોઈ વસ્તુ જોઈને દોરવાનું કહેવામાં આવે છે. ટેબલ, માટલું કે પાંદડું જોઈને બાળકો તેને બને તેટલી વફાદારીથી કાગળ ૫૨ દોરતાં રહે છે. એક વાર શિક્ષક બાળકોને પોતાને ખૂબ જ ગમતી હોય એવી ચીજ દોરી લાવવા કહ્યું. સૌ બાળકો કાંઈ ને કાંઈ કાગળ પર પાડીને શિક્ષકને બતાવી ગયા. કોઈએ સૂર્ય પાડ્યો, કોઈએ નદી પાડી, કોઈએ ઝાડ દોર્યું અને કોઈએ માણસ દોર્યો. વર્ગમાં એક બાળકે કશું જ ન દોર્યું. શિક્ષકે એને પાસે બોલાવી પૂછ્યું: ‘તું કેમ બેસી રહ્યો છે?’ બાળક થોડો મૂંઝાયો. શિક્ષકે વાત પકડી રાખી એટલે શરમાઈને એણે કહ્યું, ‘સાહેબ, મને જે ચીજ ગમે છે તેનું ચિત્ર દોરવું મુશ્કેલ છે.’ શિક્ષકે આતુરતાથી પૂછ્યું, ‘એવી તે કઈ ચીજ છે જે તું કાગળ પર દોરી ન શકે?’ બાળકે કહ્યું, ‘છુટ્ટી.’

ઘણાંખરાં બાળકોને નિશાળ ભારે અળખામણી લાગે છે. નિશાળ શરુ થાય ત્યારે ઘંટ વાગે છે અને છૂટે ત્યારે પણ ઘંટ પડે છે. ઘંટ પડે અને બાળકો જે ઝડપથી નિશાળ છોડે છે એ નિશાળ નામની ચીજ કેટલી અળખામણી છે એ વાતને આબાદ છતી કરે છે. પહેલી વખત નિશાળે જતી વખતે કોઈ બાળક મથાવે ત્યારે હજીય એક દૃશ્ય નજરે પડે છે. બાપ નિશાળ ભણી તાણે અને બાળક ઘર ભણી તાણે ત્યારે મહોલ્લાની વચ્ચે ગજેંદ્ર મોક્ષની વાર્તા ખડી થાય. કસાઈવાડે જતી બકરીની માફક બાળક હઠપૂર્વક ચિચિયારી પાડતો રહે અને એ સ્થિતિમાં જ નિશાળના ઝાંપામાં દાખલ થઈ જાય. નિશાળનો પ્રથમ દિવસ આ રીતે શરુ થાય. ‘માસ્તર’ એ ‘માસ્ટર’ શબ્દનું અધઃપતન છે.

બધી શાળાઓ અળખામણી જ હોય એવું નથી. ઑસ્કર વાઈલ્ડે સરસ વાત કરેલી. નિશાળ એ ગામની સુંદરતમ જગ્યા હોવી જોઈએ. એ એટલી મજાની હોવી જોઈએ કે જ્યારે કોઈ માથાભારે બાળકને શિક્ષા કરવી પડે ત્યારે એને એટલું જ કહેવાનું કે તું બે દિવસ નિશાળે ન આવતો. નિશાળ ન આવવાની વાત સજા બની રહે એટલી પ્રસન્ન નિશાળ હોઈ શકે ખરી? દેશપરદેશની આવી અનેક નિશાળો જોયા પછી ભારપૂર્વક ‘હા’ કહેવામાં ખચકાટ નથી થતો.

વડોદરાની નિશાળમાં ભણતો પાર્થ નામનો બાળક એક વાર ઘરે પહોંચવામાં મોડો પડ્યો. માતાને ચિંતા થવા માંડી. થોડી વાર થઈ ત્યાં ભાઈ આવતો જણાયો. પહેરેલું સ્વૅટર કાઢીને હાથમાં ઝાલ્યું હતું. શિયાળાની ટાઢમાં આમ સ્વૅટર કાઢવાથી શરદી થઈ જાય એટલે માતાએ પહેલાં તો સ્વૅટર પહેરવાનું ફરમાન કાઢ્યું. બાળકે માતાને એક ખૂણામાં બોલાવી અને પછી સ્વૅટરમાં કાળજીપૂર્વક રાખેલું ફળિયાનું નવજાત કુરકુરિયું બતાવ્યું. પાર્થને ઠંડીમાં કુરકુરિયાનું શું થશે એની ચિંતા હતી અને માતાને પોતાના કુરકુરિયાની ચિંતા હતી. પાર્થને એ વઢી નહિ. એ માતાના પિતા તે ગુજરાતના જાણીતા કેળવણીકાર અને બાળપ્રેમી સ્વ. હરભાઈ ત્રિવેદી. હવે બીજું ચિત્ર જોઈએ.

મદ્રાસની એક કૉન્વેન્ટ શાળા. શાળા છૂટી એટલે ખિલખિલાટ કરતાં બાળકો વર્ગ છોડીને બહાર આવવા માંડ્યાં. દાદર પરથી (પર્વત પરથી વહેતી નદી જેવી) એક બાળકી કૂદતી ઉછળતી હરખભેર ઊતરી રહી હતી. દાદરને નીચલે છેડે એક શિસ્તપ્રેમી શિક્ષિકા ઊભી હતી. તેણે પેલી બાળકીને કરડાકીથી કહ્યું, ‘લીના, બિહેવ યૉરસૅલ્ફ.’ (લીના, તારું વર્તન સખણું રાખ.) નિશાળોમાં કટોકટી હજી ચાલુ જ છે. ઘણાં ઘરોમાં મિસા હજી કાયમ છે.

બાળક પ્રથમ વાર નિશાળે આવે ત્યારે એ શું પામે છે? એવું લાગે છે કે લગ્ન પછીની પહેલી રાત્રિ જેટલું જ મહત્ત્વ જીવનમાં નિશાળના પહેલા દિવસનું ગણાવું જોઈએ. હૉસ્પિટલમાં ખાટલામાં પડેલા ઘરડા દરદીઓને પણ હેતાળ નર્સ ગમે છે. વારંવાર ચીઢાઈ જતી, છણકા કરતી અને સેવા ન આપતી નર્સ કેવી અળખામણી લાગે છે? રૅન્ડૉલ્ફ બૉર્ન કહે છે કે આપણી સારી ગણાતી નિશાળોમાં પણ કંઈક અડવું અડવું લાગ્યા કરે છે; જાણે બધું ઍન્ટિસૅપ્ટિક ન હોય! એ કહે છે કે લૂખા, બોડા વર્ગખંડો અને ભારેખમ બેઠકો હૉસ્પિટલની યાદ અપાવે છે જ્યાં બૌદ્ધિક ઑપરેશનો થયા કરે છે.

સભામાં કોઈ લાંબું પ્રવચન કરે ત્યારે કોઈક વાર ઉંમરલાયક, શિક્ષિત લોકોય તાળી પાડીને વક્તાને બેસી જવાની ફરજ પાડે છે. કયારેક અઢાર કે વીસ રીલ લાંબું ચલચિત્ર પણ કંટાળાજનક બની રહે છે. મનોરંજન પણ લાંબુંલચક હોય તે ન પાલવે. લેખ પણ અમુક હદથી લાંબો થાય ત્યારે વાચકો તે પડતો મૂકે. વાર્તા પણ ટૂંકી જ ગમે. આવું બધું જો મોટેરાંને અકળાવે તો બાળકો લાંબાં પ્રવચનો શીદને સહે? શું વીતતું હશે એ ‘બચાડા’ જીવો પર? શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે?

કેટલાક શિક્ષકો એવા હોય છે જેઓ જ્યોતીન્દ્ર દવેનો પાઠ ભણાવે ત્યારે પણ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો પાઠ ભણાવતા હોય એટલા જ ગંભીર બની રહે! મનુભાઈ પંચોળી કહે છે કે જે દિવસે સ્મિત જાળવવાનું શક્ય ન હોય તે દિવસે શિક્ષકે રજા લઈ લેવી જોઈએ. મનુભાઈએ સ્મિત વગરના શિક્ષકની પત્નીનો વિચાર કર્યો નથી લાગતો. એક સાચો બનેલો પ્રસંગ યાદ આવે છે. મુંબઈની કૉલેજમાં અધ્યાપકોના ઈન્ટરવ્યૂ લેવાનું થયેલું. એક ઉમેદવાર ઘુવડ-ગંભીર ચહેરે દાખલ થયા. એમનું ગાંભીર્ય એટલું તો ચેપી હતું કે અમે પણ થોડી વાર માટે તો ગંભીર બની ગયા. થોડી વારે હિંમત એકઠી કરીને મેં પૂછ્યું: ‘તમારા વિષયમાં પીએચ.ડી. કરવાનું વિચારો છો ખરા?’ એમણે મોં પરની તંગ રેખાઓ તેવી ને તેવી જ રાખીને કહ્યું, ‘હા, મેં એ અંગે કામ શરૂ પણ કર્યું છે. મારો વિષય છે: ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ!’ તેઓએ ત્યાર પછી ગઝલ અને હઝલની વાત પણ કરેલ. કેટલાક માણસો જ એવા હોય છે જે શાયરી ગાતા હોય ત્યારેય ‘વૈષ્ણવજન’ ગાતા હોય એવા ઠાવકા થઈ જાય.

શિક્ષકની અપ્રસન્નતા ભારે ચેપી હોય છે. આખા વર્ગ પર એ છવાઈ જાય છે. અંગ્રેજીમાં ‘સ્મિત કરવું’ એ માટે ‘ટુ વેર એ સ્માઈલ’ એવો પ્રયોગ થાય છે તે નોંધવા જેવું છે. સહજ સ્મિત અસલી કેસર જેવું દોહ્યલું બની રહ્યું છે. એર હોસ્ટેસ સ્મિત કરે તે ‘ Wear a Smile’ ના અર્થમાં કરતી હશે ને?

નિશાળ તેવી ને તેવી રાખીને દેશને આબાદ બનાવવા મથતા સૌ કોઈ નેતાઓને એટલું જ કહેવું છે: ‘ખુદા હાફિઝ.’

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.