(સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત લેખમાં આજના જીવનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કેટલો આવશ્યક છે તેની રજૂઆત પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે. – સં.)

પૂર્વમાં ધર્મ, દર્શન અને રહસ્યવાદનો વિકાસ સદીઓથી થતો રહ્યો. પશ્ચિમમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ઉત્તુંગ શિખરો સર કર્યાં. આ વિઘાનોને નિરપવાદ સત્યો તરીકે નથી લેવાનાં. પરંતુ મહદ્ અંશે એ વાત સાચી છે. કેવળ પ્રતીકરૂપે જોઈએ તો પૂર્વમાં જે ચિંતન ચાલ્યું તેની ફળશ્રુતિ યોગ અને પશ્ચિમની વિજ્ઞાનપૂત મથામણની ફલશ્રુતિ કોમ્પ્યુટર. આ બે સંકેતો છે અને બંને ભિન્ન સાંસ્કૃતિક જીવનઘારાઓને સમજવામાં ખપ લાગે તેમ છે. યાદ રહે કે સંકેતો દ્વારા સમગ્ર સત્ય રજૂ નથી થતું, પરંતુ સત્યનો સારાંશ રજૂ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદ્યાની ઉપાસના થઈ તેના પાકેલા પુણ્યફળ તરીકે પૂર્વ તરફથી દુનિયાને યોગની ભેટ મળી અને અવિદ્યાની ઉપાસનાને કારણે પશ્ચિમ તરફથી દુનિયાને કોમ્પ્યુટર મળ્યું. સંકેતની ભાષામાં જ વાત આગળ ચલાવીએ તો કહી શકાય કે વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો સમન્વય એટલે યોગ અને કોમ્પ્યુટર વચ્ચે સુમેળ જળવાઈ રહે તેવી જીવનરીતિ. આ વાત ઉપરથી દેખાય તેટલી સીઘીસાદી કે સરળ નથી. સદીઓથી સદી ગયેલી લઢણો અવચેતન અને અચેતન મનના ઊંડાણમાં નિવાસ કરનારી હોય છે.

સમન્વયની પ્રક્રિયા પણ પોતીકી પીડા લેતી આવે છે. પશ્ચિમની યુવતી યોગ શીખી જાય અને પૂર્વના પરિવારમાં કોમ્પ્યુટર આવી જાય એટલે સમન્વય થઈ જાય એવું નથી. યોગ આવડી જાય તોય ઘણુંબધું બાકી રહી જાય છે. એ જ પ્રમાણે ઘરમાં કોમ્પ્યુટર આવી જાય, તોય ઘણુંબધું આવવાનું બાકી રહી જાય છે. યોગ આવડી જાય, એટલે સ્વસ્થતા પ્રાપ્ત થાય જ એની ગેરંટી નથી મળતી. વળી કોમ્પ્યુટર આવી જાય એટલે વૈજ્ઞાનિક વલણ કેળવાઈ જાય એવી ખાતરી ન રાખી શકાય. ઘડિયાળનો માલિક નિયમિતતા કેળવે એવી અપેક્ષા રહે છે. પણ ઘડિયાળ નિયમિતતાની ગેરંટી ન આપી શકે. આવનારાં વર્ષોમાં માનવજાત સમન્વયની પ્રક્રિયામાંથી પસાર થતી વેળાએ અસુખનો અનુભવ કરશે. વાસ્તવમાં આપણે આજે એવો અનુભવ કરી જ રહ્યા છીએ.

પશ્ચિમનાં યુવકયુવતીઓને યોગનું ઘેલું લાગ્યું છે. એમાંના કેટલાંક તો યોગવિદ્યામાં ખાસા ઊંડા ઊતર્યાં છે. કંઈ કેટલાંય યુવકયુવતીઓ દિલ્હી કે મુંબઈ એરપોર્ટ પર ઊતરીને સીઘાં કોઈ આશ્રમમાં કે દૂર આવેલી ગુફામાં રહેતા સાધુ પાસે પહોંચી જાય છે. આપણા લોકો આવાં સૌ યુવકયુવતીઓને હિપ્પી કહીને ટૂંકમાં પતાવે છે. પરંતુ છેક એવું નથી. એમ જોવા જઈએ તો ‘ધ તાઓ ઓફ ફિઝિકસ’, ‘ટર્નિંગ પોઈન્ટ’ અને ‘અનકોમન વિસ્ડમ’ જેવા મહાન ગ્રંથો આપનારો ફ્રિંટજાફ કાપ્રા પણ એક જમાનામાં હિપ્પી હતો અને કેફી દ્રવ્યો પણ લેતો હતો. મૂળે વાત એમ છે કે પશ્ચિમના યુવાનોમાં અમુક અંશે જીવનની યંત્રવત્ ચાલતી ઘટમાળ તથા સમૃધ્ધિને કારણે જન્મેલા ખાલીપા અંગે વિદ્રોહની લાગણી પ્રવર્તે છે. તેઓને લાગે છે કે બધું છે છતાં કશુંક ખૂટે છે. આ ‘કશુંક’ની શોઘમાં તેઓ ભારત, ચીન, જપાન અને શ્રીલંકા જેવા દેશોમાં જાય છે. આધ્યાત્મિક રહસ્ય તેમને ચુંબકની માફક ખેંચે છે કારણ કે તેઓ પોતાની બેચેની વચ્ચે શાંતિનો એક ટાપુ ઝંખે છે.

પૂર્વનાં યુવકયુવતીઓને યોગ પ્રત્યેનું આકર્ષણ પણ પશ્ચિમમાં યોગની બોલબાલા વધી તે પછીનું છે. ભારતનો જુવાનિયો કોમ્પ્યુટર ટેક્નોલોજી પ્રત્યે આકર્ષાય છે અને અમેરિકા પહોંચી જવા માટે આકાશપાતાળ એક કરે છે. બ્રહ્મવિદ્યાની બડી બડી વાતો પ્રત્યે એને જરા જેટલું ખેંચાણ નથી. ઘાર્મિક પ્રવચનોમાં એકઠાં થયેલાં માથાંઓમાં સોએ નેવું માથાં સફેદ હોય છે. ગીતા કે ઉપનિષદની વાતો આપણાં અર્થઘટનો સાથે નવા સંદર્ભમાં રજૂ કરે છે. મોટા પેટવાળા મહંતો યુવાનોને પ્રાણીસંગ્રહાલયના સભ્યો જેટલા વિચિત્ર લાગે છે. જ્યાં સુધી જીન્સ પહેરીને ફરતાં અલ્લડ યુવકયુવતીઓ ઉપનિષદ પ્રત્યે ન ખેંચાય ત્યાં સુધી ઉપનિષદના ગ્રંથોનું ખરું સ્થાન મ્યુઝિયમ જ ગણાય. આવું બની રહ્યું છે તે માટે નવી પેઢી જવાબદાર નથી; ઘરડાંઓની જડતા જવાબદાર છે. તેઓ હજી દ્વાપર યુગમાં જ જીવી રહ્યાં છે. તેઓ ફરે છે મોટરગાડીમાં પરંતુ એમની પાદુકાવૃત્તિ અને રથવૃત્તિ કાયમ છે. યુવાનો ક્યારેક મહંતોને વડીલોના આગ્રહને કારણે નમસ્કાર કરે છે. મહંતોની કહેવાતી બ્રહ્મવિદ્યાનો આજના વિજ્ઞાન સાથે મેળ પડતો નથી. સમન્વય ત્યારે જ શક્ય બને, જ્યારે માણસને બંને બાજુઓનો થોડોઘણો ખ્યાલ હોય. જેઓ આંખે દાબડા (બ્લિંર્ક્સ) પહેરી રાખે તેઓ સમન્વય ન સાધી શકે.

અહીં અંધપંગુ ન્યાયનું સ્મરણ થાય છે. અધ્યાત્મ (વિદ્યા) આંખ છે અને વિજ્ઞાન (અવિદ્યા) પગ છે. આંખ હોય પણ પગ ન હોય તો ચાલી ન શકાય. પગ હોય પણ આંખ ન હોય તો પણ ચાલવું મુશ્કેલ. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય થાય તો આંઘળાને ખભે બેઠેલો લંગડો જરૂર માર્ગ બતાવી શકે. વિનોબાજી આ જ વાત સાઈકલની ઉપમા પ્રયોજીને કરે છે. સાઈકલનું ગવર્નર પેડલ વગર શા કામનું? પેડલ મારીએ પણ ગવર્નર દિશા ન જાળવે તો! એકબીજામાં ઓતપ્રોત થયા વગર અધ્યાત્મ અને વિજ્ઞાન અધૂરાં ગણાય.

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.