સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત પરંતુ અત્યંત પ્રેરક લેખમાં દર્શાવે છે કે નિષ્ઠાવંત શિક્ષકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની પ્રાણશક્તિ દ્વારા, અને પ્રારાશક્તિ ઓછી હોય તો પોતાની ચીવટાઈ અને કાર્યનિષ્ઠા દ્વારા નિશાળને રળિયામણી બનાવી દે છે, આવાં જ શિક્ષક ભાઈ-બહેનો રાષ્ટ્રને ઉત્તમ શાસકો મેળવી આપવાના માધ્યમ બને છે. – સં.

જીવનમાં ત્રીસેક વર્ષો ગુજરાતની માધ્યમિક શાળાઓના આચાર્યો અને શિક્ષકોની તાલીમમાં વીત્યાં છે. એ શ્રેષ્ઠ સમયગાળામાં અધ્યાપનની સાથોસાથ અધ્યયન કરવાની તક મળી. જેઓને બી.ઍડ. કે ઍમ.ઍડ્.ના વર્ગોમાં ભણાવવાનું ન બન્યું તેમને સેમિનારો અને સંમેલનોમાં મળવાનું બન્યું. ઉપનિષદમાં આચાર્યનો અર્થ શિક્ષક થાય છે. ઐતરેય ઉપનિષદમાં આચાર્યને ‘વક્તા’ કહ્યો છે. ત્રીસ વર્ષના અનુભવમાં આચાર્યો પાસેથી મને જે શીખવા મળ્યું તેનો સાર અહીં રજૂ કરવાનો લોભ થયો છે.

કોઈ પણ માણસની પસંદગી કરતી વખતે એક બાબતની ચકાસણી કરી લેવી. એની પ્રાણશક્તિ કેટલી છે? પ્રાણ એ જ બ્રહ્મ છે, એવું તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે. માણસની પ્રાણશક્તિ ત્રણ બાબતો થકી પ્રગટ થાય છે :

(૧) કામ કરવાની ધગશ

(૨) કામ પાર પાડવાની સંકલ્પશક્તિ અને

(૩) કાર્યક્ષમતા

આ ત્રણ બાબતો ઓછી હોય તેવા લોકો મંદપ્રાણ ગણાય. જેની પ્રાણશક્તિ પહેલેથી જ ઓછી હોય તેવો માણસ પૂરતો પગાર લઈને અપૂરતું કામ જ આપવાનો. આપણા દેશની ગરીબીનું આ જ રહસ્ય છે. ગુલામી સદીઓ સુધી ચાલી તેથી પ્રજા મંદપ્રાણ બની ગઈ. દયાનંદ, વિવેકાનંદ અને ગાંધી હાંફી ગયા પણ આપણે ન સુધર્યા.

મંદપ્રાણ આચાર્યશ્રીની કૉલેજ કે નિશાળમાં જઈ આવજો. વાંરવાર શબ્દો સાંભળવા મળશે : બધું બગડવા બેઠું છે. કોઈને ભણવું નથી. કોઈને કામ કરવું નથી. એ કૉલેજ કે નિશાળમાં તેજસ્વી શિક્ષક સૌથી દુઃખી હશે. તેજસ્વી વિદ્યાર્થીઓ પણ દુ:ખી હશે. એ સંસ્થામાં ઝાઝી સમસ્યાઓ નહીં હોય. જ્યાં પરાક્રમ નથી હોતું ત્યાં સમસ્યા નથી હોતી. પરાક્રમ એટલે પ્રાણશક્તિ બચી છે એની સાબિતી. મેં તો એવા કેટલાય આચાર્યો જોયા છે, જેમના કરતાં એમના હાથ નીચે કામ કરનારા પટાવાળાની પ્રાણશક્તિ વધારે હોય. યાદ રહે કે પ્રાણશક્તિને હોદ્દા સાથે કોઈ જ લેવા દેવા નથી.

ગુજરાતમાં કેટલીક નિશાળો અને કૉલેજોને પ્રાણવાન આચાર્યો મળ્યા છે. એમની સંસ્થામાં પ્રવચન આપવાનું બને ત્યારે પાંચ મિનિટમાં સમજાઈ જાય છે કે સંસ્થા જીવતી છે અને પ્રાણશક્તિ વિદ્યાર્થીઓના ચહેરા સુધી પહોંચી છે. સૌરાષ્ટ્રના એક ગામડાની કૉલેજમાં બે દિવસ રહ્યો. વીણીવીણીને પસંદ કરેલા વિદ્યાર્થીઓનો શિબિર કર્યો. આચાર્ય જીવંત હતા તેથી આખી કૉલેજને જીવનનો ચેપ લાગ્યો હતો. બધું રસાતળ જવા બેઠું છે, એવું બોલવાનું મરી પરવારેલા શિક્ષકોને વધારે ફાવે છે. આચાર્યની અંદરની ગરીબી નિશાળ કે કૉલેજ પર અને શિક્ષકની ગરીબી વર્ગ પર છવાઈ જાય છે.

પાંચ વિદ્યાર્થીઓ ૫૨ પણ પ્રભાવ ન પડે એવા અધ્યાપકે કૉલેજ છોડી દઈને પાનનો ગલ્લો શરૂ કરવો જોઈએ. અનુભવે મને સમજાયું છે કે જેઓ નવું નવું વાંચવાનું વ્યસન ગુમાવી બેઠા છે તેવા શિક્ષકો અને પ્રાધ્યાપકો કાળક્રમે ઝંખવાણા પડી જાય છે. એક જીવંત શિક્ષક વર્ગમાં જાય છે અને વિદ્યાર્થીઓમાં ચેતનાની લહેર પ્રસરી જાય છે. કોઈ મંદપ્રાણ શિક્ષક વર્ગમાં કબ્રસ્તાન લેતો જાય છે અને એ તાસ પૂરો કરે ત્યારે વર્ગ દટાઈ ચૂક્યો હોય છે. નબળી પ્રાણશક્તિ ધરાવતા મૃતઃપ્રાય શિક્ષકોને મળેલી સંપૂર્ણ સલામતી શિક્ષણને ખતમ કરનારી છે. મંદપ્રાણ મિલ મજુર ચાલી જાય, મંદપ્રાણ મામલતદાર નભી જાય પરંતુ મંદપ્રાણ શિક્ષક ન જ ચાલે. ચક્રવર્તી રાજગોપાલાચારીએ શિક્ષણનો ‘ચેતનની ખેતી’ તરીકે મહિમા કરેલો. ચેતનની – ખેતીમાં મરેલો શિક્ષક નભાવી લેવો પડે તો દેશને ગરીબ રહેવું જ પડે. આચાર્ય સંઘો અને શિક્ષક સંઘો મરેલા કે મરી પરવારેલા શિક્ષક કે આચાર્યની સલામતીની રખેવાળી માટે નથી. તેઓ શિક્ષણના દેવાલયના દ્વારપાળો છે. પગાર ઓછો ન જ ખપે એ માટે લડવું પડે તો લડવું. પરંતુ પછી નબળો માલ ન ખપે, અન્નબ્રહ્મ સાથે પ્રાણબ્રહ્મની રક્ષા પણ થવી જોઈએ. દ્રવ્યલાભ થાય તે સાથે ઊર્જા ઓછી ન વપરાય તે પણ જોવું પડે. આ કંઈ બહુ મોટા આદર્શની વાત નથી, વ્યવહારુ વાત છે. પગાર વસૂલ ન થાય એ રીતે કામ કરવું એ ગુનો છે.

મારા ડિપાર્ટમેન્ટમાં એક વિનયશીલ અને સજ્જન અધ્યાપક કામ કરતા હતા. તેઓ મંદપ્રાણ હતા પરંતુ અત્યંત નમ્ર અને ભલા હતા. એમણે મને મારી ઑફિસમાં આવીને એકાંતમાં કહ્યું; ‘સાહેબ! તમારી વાત જુદી છે. અમારી શક્તિ મર્યાદિત છે. તમને અમારા જેવાથી અસંતોષ રહે તેનું કારણ શક્તિમાં રહેલો તફાવત છે.’

એમની વાતમાં પ્રામાણિકતાનો રણકો હતો. મેં એમને એટલી જ પ્રામાણિકતાથી જણાવ્યું : ‘તમારી વાત માની લઉં છું પણ એક પ્રશ્ન પૂછું? તમે નિયમિતપણે વર્ગમાં મોડા જાઓ છો, એમાં શક્તિનો તફાવત ક્યાં આવ્યો? માની લો કે તમારામાં થોડીક શક્તિ ઓછી છે. કંઈ વાંધો નહીં. તમે તમારી ઓછી શક્તિની પૂર્તિ થોડીક વધારે ચીવટાઈ અને થોડીક વધારે કાર્યનિષ્ઠાથી ન કરી શકો?’ લાંબા અનુભવે સમજાયું છે કે થોડીક ઓછી પ્રાણશક્તિની ખોટ ઘણા શિક્ષકો અને આચાર્યો નિષ્ઠાપૂર્વક કામ કરીને પૂરી કરી આપે છે. આવા આચાર્યશ્રીની સંસ્થાનું તેજ સૂર્ય જેવું નથી હોતું પરંતુ પૂનમના ચંદ્રનાં શીતળ કિરણો સંસ્થાને જીવતી રાખે છે. ભગવાન આવા લોકોથી બહુ રાજી હોય છે. ધન્ય છે આવા નિષ્ઠાવંત શિક્ષકોને. એમની નિશાળ રળિયામણી હોય છે, દયામણી કે ગરીબડી નથી હોતી. મારી આ વાત ન સમજાય તો કોઈ દૂર જંગલ વિસ્તારમાં આવેલી રળિયામણી આશ્રમ શાળા જોઈ આવજો. આવી જ રળિયામણી પી.ટી.સી. કૉલેજો પણ આંખ ઠારે એવી હોય છે.

થૉમસ કાર્લાઈલે કહેલું કે : ‘એ નેશન મસ્ટ બી ગર્વન્ડ બાય ધ બેસ્ટ ઍલીમેન્ટ્સ, અધરવાઈઝ ધ નેશન વુડ પૅરિશ,’ રાષ્ટ્રનું શાસન ઉત્તમ માણસોના હાથમાં ન હોય તો રાષ્ટ્રનો વિનાશ થાય. રાષ્ટ્રનું શિક્ષણ ઉત્તમ આચાર્યોના હાથમાં હોય તો ઉધાર શાસકોને પ્રજા વેઠી જ ન શકે. આ છે શિક્ષકોની સત્તા એટલે કે ટીચર-પાવર.

********

નિષ્ફળતા

નિષ્ફળતા એ સફળતાની શરૂઆત છે.

જો તમે પડશો નહિ, તો કશું શીખશો નહિ.

તમે લક્ષ્ય ચૂકી ગયા? તેથી શું? લક્ષ્ય તો હજી ચમકી રહ્યું છે. દોડમાં, તમે પાછળ પડી ગયા? તેથી શું? શ્વાસ લઈ લો અને ફરીથી દોડો.

ઈલા વ્હીલર વિલકૉકસ

********

હાથવગાં પુષ્પોનો ગજરો બનાવવો એ સુખી થવાની ચાવી છે.

બૉબ ગોડાર્ડ

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.