Swami Vivekananda- A Hundred Years since Chicago A commemorative volume

પ્રકાશક: રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુ૨ મઠ ૭૧૧૨૦૨ (૫.બં.) મૂલ્ય: રૂ. ૪૦૦ પ્રાપ્તિસ્થાન: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદની ૧૩૧મી જન્મજયંતીને મંગલ દિવસે, બેલુ૨મઠ/મિશન તરફથી, સુપ્રસિદ્ધ વિદ્વાન ગ્રંથપાલ શ્રી આર. કે. દાસગુપ્તા અને અન્યમંડળી સંપાદિત ઉપર્યુક્ત બૃહદ્ગ્રંથ પ્રકાશિત થયો છે. ૯૫૫ પૃષ્ઠોની એ બૃહત્-સંહિતા સાત ખંડોની બનેલી છે. એને છ અનુસૂચિઓ છે અને ૩૫ પૃષ્ઠો વિષયાનુક્રમ રોકે છે એ પરથી એ ગ્રંથના ઊંડાણનો અને વ્યાપનો થોડો ખ્યાલ આવશે. એ મહાગ્રંથને પોતાના લેખોથી સમૃદ્ધ કરનાર કુલ ૭૦ લેખકોમાંથી ૩૩ પરદેશીઓ છે. એ પરદેશી લેખકોમાં ૬ મૂળ ભારતીય છે, ૨ જાપાની છે અને એક બાંગ્લાદેશી છે. બાકીના મોટે ભાગે યુરોપ-અમેરિકાના છે. લેખકોમાં બે ખ્રિસ્તી સાધુઓ છે અને બે મુસલમાનો છે. આ સાદા પૃથક્કરણ પરથી એ ગ્રંથની લેખકમંડળીનો વ્યાપ કેટલો મોટો છે તેની સહજ ઝાંખી થશે.

શિકાગોની વિશ્વધર્મપરિષદમાં કશા ઓળખપત્ર વગરના, કોઈ ધર્મ કે સંપ્રદાયના પ્રતિનિધિની હેસિયતે નહીં ગયેલા, વણનોતર્યા ને વધારે પડતા વહેલા ગયેલા વિવેકાનંદ એક અકિંચન ને અજાણ્યા સંન્યાસી હતા. સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, બપોર પછી, કશી જ પૂર્વ તૈયારી વગર સ્વામીજીએ આપેલા પોતાના પ્રથમ પ્રવચનથી જ વિશ્વપ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હતી. અને એ પરિષદની પૂર્ણાહુતિ સુધીમાં અજ્ઞાત, ભટકતા સંન્યાસીમાંથી જગદ્ગુરુપદે એઓ સ્થપાઈ ચૂક્યા હતા તેને પૂરાં સો વર્ષ થયાં. એ વિખ્યાત પરિષદમાં અને પછીના દાયકામાં સ્વામીજીએ ધર્મ વિશે, ધર્માચરણ વિશે, ધર્મસમન્વય વિશે જે કંઈ કહ્યું તે ભારતમાં અને જગતમાં કેટલું ઝીલાયું, બધા ધર્મો અને સંપ્રદાયો વચ્ચેના ગે૨સમજ અને વૈમનસ્યને દૂર કરી સાચી સમજણની ભૂમિકા ઊભી કરી તેમને એકમેકની નજીક લાવવાનું એ પરિષદના જનક ચાર્લ્સ બોનીનું સ્વપ્ન કેટલું સાકાર થયું, સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો સંદેશ કેટલો ઝીલાયો, તે તપાસવાનો સમય બરાબર પાકી ગયો છે. (૧) શિકાગોની ભૂમિકા, (૨) ભારતીય ભૂમિકા, (૩) શિકાગો અને તેની અસર, (૪) ઘર આંગણનું ધ્યેય, (૫) વારસો, (૬) વિશાલ સંપર્કો અને અર્થઘટન તથા, (૭) સનાતન ઉપયોગિતા: આ સાત ખંડોમાંના ૭૦ લેખોમાં દેશપરદેશના પ્રખર પંડિતોએ ઉપર જણાવેલા મુદ્દાઓની ચર્ચા સમર્થ રીતે કરી છે. પોતાની ૧૬ પાનાંની પ્રસ્તાવનામાં શ્રીરામકૃષ્ણ મઠ – મિશનના એક સ્તંભરૂપ સ્વામી લોકેશ્વરાનંદે સ્વામી વિવેકાનંદના જીવનની પીઠિકા ઊભી કરી, શિકાગો વિશ્વધર્મ પરિષદનો ઉલ્લેખ કરી, તેમાં વિવેકાનંદનો પ્રવેશ જણાવ્યો છે તથા, આ બૃહદ્ગ્રંથનાં વ્યુત્પન્ન વિદ્વાન લેખક-લેખિકાઓએ પોતપોતાની વિવિધ દૃષ્ટિએ કરેલા સ્વામીજીના પ્રભાવક જીવનકાર્યના મૂલ્યાંકનનો નિર્દેશ કર્યો છે.

આ બૃહદ્ગ્રંથના સાત વિભાગોના સીત્તેર લેખોમાં, જે તે લેખના વિદ્વાન લેખકે એ વિભાગીય વિષયના સ્વામીજીના જીવનકાર્યને સ્પર્શતાં જે પાસાં વિશે લખ્યું છે તે અગાધ ઊંડાણભર્યું છતાં પારદર્શક છે. દરેક લેખક કે લેખિકા પ્રથમ કોટિના વિદ્વાન હોવા છતાં, તે દરેકે, પોતાનો લેખ તૈયાર કરવા માટે અસાધારણ અભ્યાસનિષ્ઠા દાખવી છે. મૂળ સ્રોત શોધી, ત્યાંથી જરૂરી માહિતીનું ચયન કરી તેને તટસ્થતાપૂર્વક રજૂ કરવાનો ભગીરથ પ્રયાસ પ્રત્યેક લેખમાંથી નીતરે છે. શ્રી હિરેન મુખર્જી જેવા રાજકારણી અને તે પણ પાછા સામ્યવાદી વિચારધારાના પ્રખર પુરસ્કર્તા એવા – પણ વિવેકાનંદ પ્રબોધિત ધર્મને આદર પૂર્વક ઉલ્લેખે છે અને એ વિવેકાનંદ સંદેશ રાષ્ટ્રધર્મને કેટલો પ્રેરક હતો અને છે તે, વિવેકાનંદનાં અને અન્યોનાં લખાણોમાંથી અત્રતત્રથી સમુચિત અવતરણોની સહાયથી સફળ રીતે દર્શાવે છે.

સ્વામી વિવેકાનંદની પ્રતિભા સર્વતોમુખી હતી એટલે, સ્વાભાવિક રીતે જ, ધર્મને અફીણ માનનારા સામ્યવાદીથી માંડી વિવિધ ધર્મોના ધુરંધરો સ્વામીજી પ્રત્યે આકર્ષાય. આ બૃહદ્ગ્રંથનાં સીત્તેર લેખક લેખિકાઓમાં શ્રી રામકૃષ્ણ મઠ-મિશન સાથે દેશ-પરદેશમાં સંકળાયેલી તે૨ વ્યક્તિઓ, ચાર પ્રવાજિકાઓ અને નવ સંન્યાસીઓ છે. જો કે, ખરેખરી રીતે તો એમ કહેવું જ ઉચિત થશે કે, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, આણ્વિક ભૌતિકશાસ્ત્ર, ગણિત, અર્થશાસ્ત્ર કે અંગ્રેજી, કે કોઈ બીજી વિદ્યાશાખામાં ઉચ્ચકોટિનું પ્રાવીણ્ય ધરાવનાર હોઈ, આ ગ્રંથમાં બધા લેખક-લેખિકાઓની શ્રદ્ધાસરિતાઓ વિવેકાનન્દ મહાસાગરને મળે છે. પ્રત્યેકે પ્રત્યેક લેખ પાસાદાર રત્ન હોઈ, બધા જ લેખો તેમના લેખકોની ગહન બુદ્ધિપ્રતિભાથી, સ્વામી વિવેકાનંદ પ્રત્યેની ઊંડી શ્રદ્ધાથી અને સ્વામીજીના સંદેશના રહસ્યને પામ્યાના પાવક તેજથી ઝળહળે છે.

ભૌતિકવાદની નાગચૂડમાં આવી ગયેલા અને ભોગપ્રધાન સંસ્કૃતિમાં રમમાણ માનવી શ્રદ્ધાના પાયા હલાવે તેવો પ્રશ્ન કરશે કે, શિકાગોની એ વિશ્વધર્મ-પરિષદ થઈ તે પછીનાં સો વર્ષોમાં એક એકથી ભયંક૨ એવાં બે સંહારક યુદ્ધો વિશ્વે જોયાં છે. ધર્માંધતાના અતિરેકમાં અમુક ધર્મોનાં દેવસ્થાનોનો વિધર્મીઓના ઝનૂની હાથે વિનાશ થતો જોયો છે કે વિધર્મીઓ કે ભિન્ન મતધારકો પ્રત્યેની અસહિષ્ણુતાની માત્રા બેહદ વધતી જોઈ છે. ભૌતિક સુખ પાછળની આંધળી મૃગયાએ આસુરી લંપટતાને માટે મેદાન મોકળું કરી આપ્યું છે અને ધર્મને નામે દુરાચારીઓ ચરી ખાય છે. માત્ર આવી બાબતો જોનારાનું ધ્યાન છેલ્લાં સો વર્ષની નહીં પણ છેલ્લા એક વર્ષની કેટલીક ઘટનાઓ તરફ દોરીએ: દક્ષિણ આફ્રિકામાં વર્ણભેદની તોતિંગ દીવાલ અકલ્પ્ય શાંતિથી તોડી પડાઈ છે. એકંદરે શાંતિપૂર્ણ રીતે શ્યામ લોકોએ સત્તા પ્રાપ્ત કરી છે અને નેલ્સન મંડેલાની દોરવણી હેઠળ દ્વેષને દાટી દેવામાં આવ્યો છે; પશ્ચિમ એશિયામાં યહુદીઓ અને આરબો સદીઓ જૂનાં વે૨ને દફનાવી એકમેકની સાથે શાંતિથી રહેવા યત્નશીલ બન્યા છે; આયર્લેંડમાં પણ સદીઓ જૂનાં સાંપ્રદાયિક વૈમનસ્યનો અંત આણવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો થઈ રહ્યા છે. ઘ૨ આંગણાની જ વાત કરીએ તો ધર્માંધતાનો ઢોલ પીટનાર પક્ષોને શાણી પ્રજા ચાર રાજ્યોની ચૂંટણીમાં યોગ્ય સ્થાને બેસાડી દે છે. આ મોટી વાતોની સાથે થોડી નાની લાગતી બાબતો પણ ભૂલીએ નહીં: ઘણે વર્ષે ૫૨દેશથી આવના૨ એક મુસલમાન ગૃહસ્થ ધર્મના તથા નાતજાતના ભેદ વગ૨ જોડિયામાં ડઝનેક કન્યાઓનાં લગ્ન કરાવી ખુદાની રહેમ અંકે કરે છે અને ઉત્તર ગુજરાતના એક ગામમાં એક પ્રૌઢ સ્ત્રી પોતાના પુત્રના ખૂનીને માફી બક્ષી બે કોમ વચ્ચેના વે૨ને શમાવે છે.

રોમન કેથલિક સંપ્રદાયના કલકત્તાના વડા આર્કબિશપ હેન્રી દ સુઝાએ પોતાના નાનકડા લેખમાં સ્વામી વિવેકાનંદની જે બે બાબતો નજર કરી છે તે આજે ને, અહીં જ નહીં પણ, સર્વદા અને સર્વત્ર, ઉચિત છે. એ બે બાબતો છે: ‘જીવસેવા તે જ શિવસેવા’ અને ધર્મોની વિવિધતાનો સ્વીકાર. બોસ્ટન યુનિવર્સિટીના ધર્મશાસ્ત્ર – થીઓલોજીના પ્રાધ્યાપક રેવ. કલૂનીને પણ બધા ધર્મોની વિવિધતાના સ્વીકારનું સ્વામી વિવેકાનંદનું લક્ષણ આકર્ષે છે. ખુદ વિવેકાનંદનું નામ આગળ ધરી સંકુચિત અને ઝનૂની ધર્માંધતાના પ્રચારના પ્રયત્નો કેટલાંક હિંદુ સંગઠનો તરફથી થઈ રહ્યા છે ત્યારે, આ બે પાદરીઓએ વિવેકાનંદના બોધનું નવનીત તારવી બતાવવાનું અને એની અગત્યના સ્વીકાર પર ભાર મૂકવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. રેવરંડ કલૂનીએ સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ શ્રીરામકૃષ્ણને અનુલક્ષીને સાક્ષાત્કાર, ધર્મ અને ત્યાગ વચ્ચેનો તાત્ત્વિક સંબંધ માર્મિક રીતે તા૨વી બતાવ્યો છે.

નિપ્પોન વેદાન્ત ક્યોંકાઈ (જાપાન વેદાંત કેન્દ્ર)ના ભૂતપૂર્વ મંત્રી સુમિતોરા મોમાએ વિવેકાનંદના શિકાગો પ્રયાણ પાછળની પ્રેરણા અને હેતુ ‘માની ઈચ્છા’ કહેલ છે, આલાસિંગા પેરુમલ અને બીજા ઉત્સાહી યુવાનોએ પરદેશગમન માટે કરેલો ફાળો સ્વામીજીએ ગરીબોને વહેંચી દીધો હતો. દરિયા પર ચાલતા દેખાયેલા ગુરુના આદેશને પણ સ્વામીજીએ આખરી માન્યો ન હતો. પૂજ્ય શારદામાના આશીર્વાદ આવ્યા ત્યારે જ સ્વામીજીને ખાતરી થઈ ચૂકી હતી કે શિકાગોની એ વિશ્વધર્મ-પરિષદમાં પોતે ડંકો વગાડવાના છે. ‘આ પરિષદ આને માટે છે’, એમ પોતાની છાતી ઠોકી પોતાના એક ગુરુભાઈને ખાતરીપૂર્વક કહ્યા પછી જ સ્વામીજી જહાજે ચડ્યા હતા.

શિકાગોની એ પરિષદમાં પોતે આપેલાં વ્યાખ્યાનો દ્વારા તેમ જ પરિષદની વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચામાં પોતે લીધેલા ભાગ દ્વારા એ પરિષદના મંચ ઉ૫૨થી જગત સમક્ષ સ્વામી વિવેકાનંદે સર્વધર્મસમભાવનો માર્ગ ખુલ્લો કરી દીધો હતો. પોતાના સિવાયના બીજા તમામ ધર્મો પ્રત્યે હીણી નજરે જોઈ એ પરિષદથી અળગા રહેનાર તુર્કીના ખલીફાની કે ઈંગ્લેંડના કેંટરબરીના આર્કબિશપને આજે કોણ યાદ કરે છે? મૅક્સમૂલર અને ડોયસનથી આરંભાયેલા હિંદુ ધર્મના અધ્યયનથી જગત આજે ક્યાંય આગળ વધ્યું છે અને અનેક યુનિવર્સિટીઓમાં આજે ધર્મોનું તુલનાત્મક અધ્યયન થઈ રહ્યું છે. સમજણનો અભાવ અસહિષ્ણુતાનું મૂળ છે. આવા તુલનાત્મક અધ્યયન મારફત જ સાચી સમજણનાં બીજ રોપાય છે. અને અંતરની સાચી સમજણ વિના સમભાવ, સંહિષ્ણુતા અને સ્વીકાર પાંગરી શકતાં નથી.

‘શિકાગો અને તેની અસર’ એ શીર્ષક હેઠળના ત્રીજા ખંડમાંના તેર લેખો સ્વામીજીના સંદેશનું નવનીત તા૨વી બતાવી એ સંદેશ જગતે કેટલો ઝીલ્યો છે તે ભણી અંગુલિનિર્દેશ કરે છે. એ વિભાગમાંના, બે અમેરિકન વિદુષીઓ, સિસ્ટર ગાર્ગી અને પ્રોફેસર જોન શેકના ઊંડાણભર્યા લેખોમાં તેમ જ, શિશિરકુમાર દાસ અને ગોવિંદ ગોપાલ મુખોપાધ્યાયના વિશદ લેખોમાં, શિકાગો પરિષદમાં સ્વામી વિવેકાનંદે ધર્મ પ્રત્યેની સંકુચિત દૃષ્ટિ પર કુઠારાઘાત કરી સર્વસમાવિષ્ટિત દૃષ્ટિની જોરદાર હિમાયત કરી હતી તેનો પ્રભાવ આજના જગતમાં કેવો ને કેટલો વ્યાપક થયો છે તેનું સ્પષ્ટ દર્શન કરાવવામાં આવ્યું છે.

આ બાબત વાત કરતી વખતે છેલ્લાં દોઢેક વર્ષથી અમેરિકાની સુવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીનાં બે વિદ્વાન પ્રાધ્યાપકોનાં બે વિભિન્ન દૃષ્ટિબિંદુઓ પરનાં મંતવ્યોએ મોટા પાયા પર જગાવેલી ચર્ચાનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. પ્રોફેસર સેમ હંટિંગ્ટને એક અભ્યાસનિષ્ઠ લેખમાં એવું પ્રતિપાદન કર્યું હતું કે હવે પછીનો સંઘર્ષ પાશ્ચાત્ય (ખ્રિસ્તી) સંસ્કૃતિ અને પૈારસ્ત્ય (ઈસ્લામી) સંસ્કૃતિ વચ્ચે થશે. યુરોપ અને એશિયા ખંડોને છૂટા પાડતી રેખાને એમણે એ બે સંસ્કૃતિઓની ભેદક રેખા બતાવી હતી. બંને સંસ્કૃતિઓ વચ્ચે કશા સમાધાનનો અવકાશ એમને ભાસતો ન હતો. પ્રોફેસર ડાયાના બેકનું દૃષ્ટિબિંદુ આનાથી જુદું હતું . શિકાગો પાર્લામેન્ટ પછીનાં સો વર્ષોને લગતા પોતાના એક સુંદર લેખમાં એ દૃષ્ટિપૂત વિદૂષીએ શિકાગોમાં જ મસ્જિદો, હિંદુ મંદિરો, બૌદ્ધ મંદિરો વગેરેની સંખ્યા આપી છે ને વિવિધ ધર્મો પાળતી એ બધી પ્રજાઓ એકબીજાની સાથે કેટલી સલુકાઈથી રહે છે તે જણાવ્યું છે. બાબરી મસ્જિદના ધ્વંસની સાથે, ધાર્મિક એકતા પર ભાર મૂકતાં ભારતનાં કેટલાંક સંગઠનોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમ જ, ઈસ્લામધર્મી દેશોમાં બધે જ ઝનૂન નથી અને એ ઝનૂનનો સામનો કરવાના મિસરમાં અને બીજે સતત થતા રહેતા જોરદાર પ્રયત્નોના ઉલ્લેખો એમના એ અદ્ભુત લેખમાં છે.

પ્રોફેસર ડાયાના બેકે બીજી એક બાબત તરફ ભારપૂર્વક નિર્દેશ કર્યો છે. એ છે ગઈ સદીમાં પ્રૉફેસર મૅક્સમૂલ૨ અને ડોયસન વગેરેથી આરંભાયેલા ધર્મોના તુલનાત્મક અધ્યયનનો. આપણા પોતાના ધર્મ વિશે ય આપણે સ૨ખું અને પૂરું જાણતા નથી હોતા. કેટલા થોડા હિંદુઓએ વેદો અને ઉપનિષદો વાંચ્યાં હશે? ત્યાં બીજા ધર્મોનાં સિદ્ધાંતોનું, માન્યતાઓનુ અને આચારોનું સહાનુભૂતિપૂર્વકનું અધ્યયન ક્યાં સંભવે? પરંતુ આ બે પંડિતોએ જગવેલી જિજ્ઞાસા, જગતમાં વધેલાં વ્યવહારનાં ઝડપી સાધનોએ જુદા જુદા ધર્મોને અનુસરતી પ્રજાઓને એકબીજાની નિકટ આણી દીધી તે હકીકત અને, શિકાગોની વિખ્યાત પરિષદ પછીથી બીજા ધર્મો પ્રત્યે જોવાની બદલાયેલી દૃષ્ટિ: આ અને આવાં કારણોએ જગતભરની વિદ્યાપીઠોમાં ધર્મોનું તુલનાત્મક અધ્યયન વધવા પર છે. એ અધ્યયનનો હેતુ વિવિધ ધર્માનુયાયીઓ વચ્ચે સહિષ્ણુતાનો અને સમજણનો સેતુ બાંધવાનો છે. શિકાગોની એ વિશ્વધર્મપરિષદમાંના પોતાના પ્રથમ પ્રવચનથી જ સ્વામીજી આ વાત ઉપર ભાર મૂકતા હતા અને ધર્માન્તરને બંધ કરવાનું કહેતા હતા. એમની એ પ્રે૨ક વાણીએ આ તુલનાત્મક અધ્યયન તરફ સૌનું લક્ષ દોર્યું હોય એમ બને.

આ બૃહદ્ગ્રંથના પાછલા પૂંઠા પર સ્વામી વિવેકાનંદના લખાણમાંથી એક અદ્ભુત અવતરણ આપવામાં આવ્યું છે. એમાં સ્વામીજીએ જણાવ્યું છે કે પોતે બધા ધર્મોનાં દેવસ્થાનોમાં જશે અને પ્રકાશ મેળવવાનો પ્રયત્ન કરશે. એથી વિશેષ તો, ‘હું મારું હૃદય ખુલ્લું રાખીશ જેથી ભવિષ્યમાં જે કંઈ બનવાનું છે તેને હું સ્વીકારી શકું. પરમાત્માનો ગ્રંથ શું પૂરો થયો છે? કે હજી પ્રાગટ્યની પ્રક્રિયા ચાલી રહી છે?’

પ્રાગટ્યની એ પ્રક્રિયા સતત ચાલુ છે. ગુરુદેવ રવીન્દ્રનાથે કહ્યું છે કે જન્મ ધારણ કરતું પ્રત્યેક બાળક દર્શાવે છે કે ભગવાનને માનવજાતના ઉદ્ધારની આશા છે. તો પ્રાગટ્યની એ પ્રક્રિયા જોવા અનુભવવા આપણાં અંતર આપણે ખુલ્લાં રાખીએ ને માનવજાતના ઉદ્ધારની પળને નજીક આણીએ.

આ બૃહદ્ગ્રંથ બદલ સ્વામી લોકેશ્વરાનંજીનો, સૌ સંપાદકોનો અને શ્રી દાસગુપ્તાનો આભાર માનીએ તેટલો ઓછો છે.

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.