(સ્વામી વિદેહાત્માનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ.પ્ર.) દ્વારા પ્રકાશિત થતી ત્રિમાસિક હિન્દી પત્રિકા ‘વિવેક જ્યોતિના સંપાદક છે.)

ભગવાન ઈસુના જન્મનાં હજારો વર્ષ પહેલાં વૈદિકકાળથી જ ભારતવર્ષમાં લૌકિક તેમજ પારમાર્થિક અનેકવિધ વિદ્યાઓનો ઉદ્ભવ થતો રહ્યો છે. એ દૂરના પ્રાચીનકાળમાં શિક્ષણકેન્દ્રો નાગરિક કોલાહલ, વિલાસિતા અને ઝાકઝમાળથી દૂર વનો-પર્વતો અને તીર્થક્ષેત્રમાં વિકસિત થયા કરતાં, જ્યાં સમાજના બધાજ વર્ગના વિદ્યાર્થી સાદગી અને ત્યાગ-તપસ્યાના વાતાવરણમાં આચાર્યો પ્રત્યે સેવા અને શ્રદ્ધાભાવપૂર્વક પોતાના જીવનનાં ૨૫ વર્ષો સુધી બધા જ પ્રકારની વિદ્યા ગ્રહણ કરતા હતા. આ શિક્ષણ સંસ્થાઓને ગુરુકૂળ અથવા આશ્રમની સંજ્ઞા આપવામાં આવતી હતી. જ્ઞાનને એટલું પવિત્ર માનવામાં આવતું કે તેનું દાનના રૂપમાં જ આદાન – પ્રદાન કરવામાં આવતું હતું. ઉપનિષદો, રામાયણ, મહાભારત તથા પુરાણોમાં આપણને એવી અનેક વિદ્યાપીઠોનો ઉલ્લેખ મળે છે. પાછળથી બૌદ્ધયુગમાં તો વિદ્યાનો વધુ ઉત્કર્ષ થયો. નાલંદા અને તક્ષશિલામાં તો સમગ્ર એશિયાના દૂર દૂરના દેશોના વિદ્યાર્થીઓ પણ અધ્યયન ક૨વા માટે આવ્યા કરતા. વધુમાં દક્ષિણમાં કાંચીપુરમ્, ગુજરાતમાં વલ્લભી, બિહારમાં વિક્રમશીલા અને અવંતપુરી તથા બંગાળમાં નવદ્વીપ ભારતીય વિદ્યાઓનાં પ્રાચીન કેન્દ્રો તરીકે વિખ્યાત રહી છે.

લગભગ એક હજાર વર્ષ પહેલાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો વિનાશ થવા લાગ્યો અને હિન્દુ સમાજ એટલો ક્ષીણ થઈ ગયો કે તે મુઠ્ઠીભર વિદેશી આક્રમકોના આક્રમણનો સામનો કરી ન શક્યો અને આગામી કેટલીક સદીઓમાં વિસ્તારોન્મુખ ઈસ્લામી સામ્રાજ્યે અને ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનો સંપૂર્ણ વિધ્વંશ કરી નાખ્યો. મુસલમાન શાસકોએ પોતાની સંસ્કૃતિ અને શિક્ષણના વિસ્તાર માટે અલાહાબાદ, અજમે૨, બિડર, દિલ્હી, જૌનપુર, લાહોર, લખનઉ અને રામપુર વગેરે સ્થળોએ મદ્રેસાની સ્થાપના કરી જ્યાં અરબી અને ફારસીને શિક્ષણનું માધ્યમ બનાવવામાં આવ્યું. ભારતનું પરંપરાગત શિક્ષણક્ષેત્ર સંકુચિત થતું ગયું અને મોટાભાગની (મહદંશે) વિદ્યાઓ સંપૂર્ણ લુપ્ત થઈ.

૧૮મી સદીથી ભારતમાં અંગ્રેજોનો પ્રભાવ વધવા લાગ્યો અને જેમ જેમ ભારતમાં તેના સામ્રાજ્યના પગ પ્રસરતા ગયા તેમ તેમ શાસકવર્ગ (અંગ્રેજો)ને સ્થાનિક લોકોને શિક્ષિત કરવાની જરૂરિયાત જણાવા લાગી. આ દિશામાં છૂટક છૂટક પ્રયાસ થતા રહ્યા, પરંતુ ભારતમાં પશ્ચિમી ઉચ્ચ શિક્ષણની પ્રણાલીને વ્યાપક સ્તર પર આરંભ કરવાનું શ્રેય લૉર્ડ મૅકૉલેને આપવામાં આવે છે. લૉર્ડ મૅકૉલે ઈ.સ. ૧૮૩૪માં ગર્વનર જનરલના સર્વોચ્ચ કાઉન્સિલના ‘લૉ મેમ્બર’ તરીકે ભારત આવ્યા. એ દિવસોમાં સ૨કા૨માં વિવાદ છેડાયો હતો કે શિક્ષણનું માધ્યમ સંસ્કૃત, અરબી અને ફારસી જ રાખવામાં આવે અથવા તેની જગ્યાએ અંગ્રેજીને પ્રાધાન્ય આપવામાં આવે. મૅકૉલેએ અંગ્રેજી શિક્ષણના જોરદાર સમર્થન માટે એક મુસદ્દો તૈયાર કર્યો અને ૭મી માર્ચ ઈ.સ. ૧૮૩૫ના રોજ સરકારે તેનો સ્વીકાર કર્યો. ફળ સ્વરૂપે ભારતની શિક્ષણ સંબંધી નીતિમાં એક મોટું પરિવર્તન આવ્યું. મૅકૉલેએ પોતાના એ મુસદ્દા (પ્રારૂપ)માં પ્રાચ્ય ભાષાઓ અને સંસ્કૃતિની કઠો૨ શબ્દોમાં આલોચના કરતા અંગ્રેજી શિક્ષણનું લક્ષ્ય નીચે પ્રમાણેના શબ્દોમાં અભિવ્યક્ત કર્યું હતું:

“We must at present do our best to form a class who may be interpreters between us and the millions whom we govern – a class of persons Indian in blood and colour, but English in tastes, in opinions, in morals and in Intellect.”

(હાલ તો અમારું સર્વોચ્ચ કર્તવ્ય એક એવો વર્ગ તૈયા૨ ક૨વાનું છે જે અમારી તથા અમારા દ્વારા શાસિત કરોડો ભારતવાસીઓની વચ્ચે સંપર્કસૂત્રનું કાર્ય કરે. આ એક એવા લોકોનો વર્ગ હશે જે કેવળ રક્ત અને રંગમાં ભારતીય પરંતુ રુચિ, ભાષા તથા આચાર વિચાર વગેરે દૃષ્ટિએ અંગ્રેજ હોય.)

આ નવી શિક્ષણપ્રણાલી (નીતિ)ના આધારે સ૨કારે ઈ.સ. ૧૮૩૬માં સર્વ પ્રથમ હુગલીમાં અને તદુપરાંત ઢાકા અને પટણામાં કૉલેજોની સ્થાપના કરી. એ વર્ષના અંતમાં ૧૨મી ઑક્ટૉબર ૧૮૩૬ના રોજ મૅકૉલેએ કલકત્તાથી પોતાના પિતાને એક પત્રમાં લખ્યું કે: ‘‘આપણી અંગ્રેજી શાળાઓ અદ્ભુત રીતે ઉન્નતિ કરી રહી છે. શિક્ષણ મેળવવા ઈચ્છુક બધા વિદ્યાર્થીઓની અધ્યયનની વ્યવસ્થા કરવાનું કાર્ય ખૂબજ કઠિન થતું જાય છે. અને કેટલીક જગ્યાએ અસંભવ જ બની ચૂક્યું છે. એક હુગલીની શાળામાં જ કુલ ચૌદસો છોકરાઓ અંગ્રેજી શીખી રહ્યા છે. અને હિન્દુઓ ૫૨ આ શિક્ષણનો પ્રભાવ વિલક્ષણ થાય છે. અંગ્રેજી શિક્ષણ મેળવ્યા પછી કોઈ પણ હિન્દુ પોતાના ધર્મ પ્રત્યે ખરી નિષ્ઠા નથી રાખી શકતો. તેમ છતાં આમાંથી કોઈક હિન્દુ ધર્મને નૈતિક દૃષ્ટિથી માને છે, પરંતુ મોટા ભાગના પોતાને સંપૂર્ણ અજ્ઞેયવાદી માને છે. અને કોઈક તો ઈસાઈ ધર્મનો સ્વીકાર કરી લે છે. મારો દૃઢ વિશ્વાસ છે કે જો આપણી શિક્ષણ યોજનાઓ ચાલુ રાખવામાં આવી તો આજથી ત્રીસ વર્ષ પછી બંગાળના સંભ્રાન્ત (ભદ્ર) વર્ગમાં એક પણ મૂર્તિપૂજક દૃષ્ટિગોચર થશે નહિ અને આ બધા ફક્ત જ્ઞાન અને ચિંતનની સ્વાભાવિક પ્રક્રિયાથી સંપન્ન થઈ જશે, તેઓના માટે ન તો આપણે કોઈ ધર્મ પરિવર્તનની ચેષ્ટા કરવી પડશે કે ન તો કોઈ તેઓની ધાર્મિક સ્વાધીનતામાં થોડો પણ હસ્તક્ષેપ કરવો પડશે. મને આ સંભાવનાઓથી હાર્દિક આનંદનો અનુભવ થાય છે.” પછીના ૫૦-૬૦ વર્ષોના ઈતિહાસના ઘટનાક્રમનું અધ્યયન કરીને આપણે લૉર્ડ મૅકૉલેની દૂરદૃષ્ટિની પ્રશંસા કર્યા વગર રહી શકતા નથી. પરંતુ મનુષ્ય વિચારે છે કંઈ અને નિયતિને કંઈ બીજું જ મંજૂર હોય છે. ઈ.સ. ૧૮૩૬માં લૉર્ડ મૅકૉલે દ્વારા પ્રવર્તિત આધુનિક શિક્ષણ આપવામાં નિમિત્ત બંગાળના હુગલી નામના સ્થાનમાં પ્રથમ કૉલેજ ખૂલી અને એ જ વર્ષે એ જ જિલ્લાના કામારપુકુર નામના એક નાનકડા ગામમાં ૧૮મી ફેબ્રુઆરીએ એક એવા શિશુએ જન્મ લીધો જેમણે ઉક્ત શિક્ષણનીતિના વિનાશકારી પ્રભાવમાંથી ભારતને ઉગારી લીધું. પાછળથી શ્રીરામકૃષ્ણ પરમહંસ રૂપમાં સુવિખ્યાત થનાર બાળક ગદાધરની શરૂઆતથી જ સત્ય અને ધર્મમાં નિષ્ઠા હતી, રામાયણ, ભાગવત તથા પૌરાણિક કથાઓ અને ભજન વગેરે તરફ રુચિ હતી. અને બાળપણથી જ તેને કેટલીક અતીન્દ્રિય અનુભૂતિઓ થવા લાગી હતી. ‘હું પેટ ભરવાવાળી વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છતો નથી’ – એમ કહીને તેમણે શાળાએ જવાની સાફ ના કહી દીધી હતી. ફલતઃ તેઓ આજીવન નિરક્ષર ભટ્ટાચાર્ય જ રહી ગયા. કલકત્તા એ દિવસોમાં બ્રિટિશ ભારતની રાજધાની હતી. જ્યાં તેમના મોટાભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાયે એક નાનકડી સંસ્કૃત પાઠશાળા ખોલી હતી. વધુમાં કેટલાક સંપન્ન પરિવારોને ત્યાં પૂજાપાઠ કરીને તેઓ પોતાની આજીવિકા ચલાવતા હતા. પોતાની સાથે રાખવાથી ગદાધરને થોડું શિક્ષણ પણ મળી રહેશે અને પોતાના કામમાં મદદ પણ મળી જશે એમ વિચારી પોતાના અનુજને કલકત્તા લાવ્યા. એ જ દિવસોમાં કલકત્તાની નજીકમાં જ દક્ષિણેશ્વ૨ નામના સ્થાનમાં ગંગાતટ પર રાણી રાસમણિએ એક વિશાળ દેવાલય બનાવડાવ્યું જેમાં ભવતારિણી કાલી, રાધાકાન્ત શ્રીકૃષ્ણ તથા બાર શિવમંદિરો નિર્માણ પામ્યાં. એક યુવકના રૂપમાં ગદાધર (શ્રીરામકૃષ્ણ) અહીં જ કાલીમંદિરના પૂજારી તરીકે નિયુક્ત થઈ રહેવા લાગ્યા. જગદંબાની પૂજા કરતી વખતે તેમના મનમાં પ્રશ્ન ઊઠતો હતો કે માની મૂર્તિ પથ્થર માત્ર છે કે એમાં જીવ પણ છે. તેમની કઠોર સાધના તેમજ વ્યાકૂળ પ્રાર્થના ૫૨ દ્રવિત થઈને જગન્નમાતાએ મૂર્તિમાંથી ચિન્મય રૂપમાં પ્રગટ થઈને તેમને દર્શન આપીને કૃતાર્થ કરી દીધા. તદુપરાંત તેઓએ હિન્દુ પરંપરાના વાત્સલ્ય, મધુર, દાસ્ય આદિ ભાવોનો આશ્રય લઈને પણ ઈશ્વરોપલબ્ધિ કરી, તંત્ર અને વેદાંતની સાધનામાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી તેમજ ઈસ્લામ તેમજ ઈસાઈ ધર્મોના નિર્દેશ ઉપર ચાલીને મહમ્મદ પૈગમ્બર તથા ઈસા મસીહનું દર્શન પ્રાપ્ત કર્યું. પોતાની સમસ્ત સાધનાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કર્યા. પછી તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે પ્રત્યેક ધર્મ માનવને ઈશ્વર સુધી લઈ જવાવાળા એક એક સાચા રસ્તાઓ છે.

પછી તો જેમ ફૂલના ખીલવાથી ભમરાઓનું ઝુંડ પોતાની મેળે ખેંચાઈને ચાલી આવે છે તે રીતે બધા જ પ્રકારના ધર્મપિપાસુઓના દળ દક્ષિણેશ્વ૨ના પરમહંસની બે-એક વાતો સાંભળવા ઉમટી પડ્યા. તેમાં હિન્દુ – અહિન્દુ, ધનવાન – દરિદ્ર, શિક્ષિત – અશિક્ષિત, વૃદ્ધ – યુવાન, પુરુષ – નારી બધા જ વર્ગોના લોકો હતા. એ દિવસોમાં ખૂબ સરસ ચાલતા પાશ્ચાત્ય શિક્ષણના પ્રભાવથી દિગ્ભ્રમિત થઈને બંગાળના મોટા ભાગના નવયુવકો પોતાની ધર્મ – સંસ્કૃતિમાં આસ્થા ખોઈ રહ્યા હતા. અને તેમાનાં કેટલાક ઈસાઈ ધર્મ તરફ પણ આકર્ષિત થઈ રહ્યા હતા. હિન્દુ સંસ્કૃતિ ઉ૫૨ ઈસાઈ- આક્રમણની પ્રતિક્રિયારૂપે હિન્દુ સમાજે પોતાના રક્ષણ માટે આર્યસમાજ, બ્રાહ્મસમાજ, પ્રાર્થનાસમાજ તથા અન્ય સુધા૨ક દળોને જન્મ આપ્યો. પરંતુ આ દળો પણ મૂર્તિપૂજા, અવતારવાદ વગેરે હિન્દુત્વનાં અવિભાજ્ય અંગો પર કઠોર આઘાત કરવા લાગ્યા હતા. આ વખતે શ્રીરામકૃષ્ણનું જીવન પ્રકાશમાં આવ્યું જે સર્વાંગી રીતે હિન્દુ ધર્મનું જીવંત સાક્ષી રૂપ હતું.

શ્રીયુત કેશવચન્દ્ર સેન બ્રહ્મોસમાજના લોકપ્રિય નેતા અને સુપ્રસિદ્ધ વક્તા હતા, ઈસાઈધર્મ પ્રત્યે તેઓને વિશેષ રુચિ હતી. અને ઇંગ્લૅન્ડ આદિ દેશોનો તેઓ પ્રવાસ કરી આવ્યા હતા. એ સમયે અધિકાંશ વર્ગ અને વિશેષ કરીને બંગાળના શિક્ષિત નવયુવકો પ્રેરણા અને નેતૃત્વ માટે તેમની તરફ ખૂબ આશાપૂર્ણ દૃષ્ટિથી જોતા હતા. ઈ.સ.૧૮૭૫માં કેશવબાબુનું શ્રીરામકૃષ્ણનાં સંપર્કમાં આવવું એક મહાન ઐતિહાસિક ઘટના હતી. અને તેનાં પરિણામો દૂરગામી રહ્યાં. શ્રીરામકૃષ્ણ સાથેની પોતાની મુલાકાતોની વાતો કેશવબાબુએ પોતાના પત્ર – પત્રિકાઓમાં પ્રકાશિત કરી. પરિણામ સ્વરૂપે ભારતનો સંપૂર્ણ શિક્ષિત સમાજ દક્ષિણેશ્વરના આ નિ૨ક્ષ૨, જ્ઞાનાતીત સંતના વિચારો અને અનુભૂતિઓથી પરિચિત થયો. દેશના મહાન પંડિતો અને વિદેશી વિદ્વાનો તેમનાં દર્શન કરવા તથા તેમના બે શબ્દો સાંભળવા ઉત્સુક થઈ ગયા. આ રીતે સંપૂર્ણ શિક્ષિત સમાજ તેમની તરફ આકર્ષિત થયો અને સમસ્ત હિન્દુઓ ધર્મ વિશે પોતાના દૃષ્ટિકોણ બદલવા લાગ્યા. બ્રહ્મોસમાજના જ એક બીજા પ્રસિદ્ધ નેતા શ્રી પ્રતાપચન્દ્ર મજુમદારે ‘Theistic Quarterly’ના ઑક્ટોબર ૧૮૭૯ના અંકમાં શ્રીરામકૃષ્ણ વિષયક એક સુંદર લેખ લખ્યો જેમાં આ પ્રભાવનું તેઓ નિમ્ન લિખિત શબ્દોમાં વર્ણન કરે છે – “એમના અને મારા વચ્ચે ભલા, શું સાદૃશ્ય (સામ્ય) છે? ક્યાં હું યુરોપીય ભાવપૂર્ણ સુસભ્ય આત્મકેન્દ્રી અર્ધનાસ્તિક અને તથાકથિત શિક્ષિત યુક્તિવાદી અને ક્યાં તેઓ એક અભણ, નિર્ધન ગ્રામીણ, અર્ધમૂર્તિપૂજક અને પરિચયહીન હિન્દુ ભક્ત! શા માટે તેમની વાતો સાંભળવા કલાકો સુધી બેસી રહું છું? હું કે જેણે ડિઝરાયલી અને ફૉસેટનાં વ્યાખ્યાનો સાંભળ્યાં છે, સ્ટૈનલી અને મૅક્સમુલરનાં ભાષણો સાંભળ્યાં છે સમસ્ત યુરોપિય વિદ્વાનો તેમજ ધર્મ-નેતાઓનાં વક્તવ્યો સાંભળ્યાં છે ભલા કેમ તેમની વાણી સાંભળીને મંત્રમુગ્ધ રહી જાઉં છું? …અને ફક્ત હું જ નહીં પરંતુ મારા જેવા જ બીજા પણ ડઝનેક લોકો તેમની પાસે આ રીતે જતા રહે છે.”

આ લેખ પ્રકાશિત થયો અને કેટલાંક વર્ષો પછી સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો ત્યારે તેઓ ૧૮-૧૯ વર્ષના તરુણ હતા તથા નરેન્દ્રનાથ દત્તના નામથી ઓળખાતા હતા. કૉલેજનું શિક્ષણ મેળવીને અને બ્રહ્મોસમાજના સંર્પકમાં આવીને નરેન્દ્રનાથ પરંપરાગત હિન્દુ ધર્મમાં પોતાની આસ્થા ખોઈ બેઠા, મૂર્તિપૂજા ન કરવાનું પ્રતિજ્ઞાપત્ર ભરી દીધું અને ત્યાં સુધી કે ઈશ્વરના અસ્તિત્વમાં પણ સંદેહ કરવા લાગ્યા. તેમના મનમાં આ રીતે સહજ પ્રશ્ન ઉઠવા લાગ્યો કે જો આ જગતમાં કર્તા, ધર્તા અને સંહર્તાના રૂપમાં ખરેખર જ કોઈ ઈશ્વ૨નું અસ્તિત્વ છે, તો શું કોઈએ તેનું દર્શન પણ કર્યું છે? આ પ્રશ્નને લઈને તેઓ તત્કાલીન પ્રમુખ ધર્માચાર્યો સુધી ગયા. પરંતુ કોઈ પણ તેની શંકાનો સમાધાનકારી ઉત્તર ન આપી શક્યું. અંતે તેઓ પોતાની કૉલેજના પાદરી પ્રાધ્યાપક પાસેથી સંકેત મેળવીને દક્ષિણેશ્વર જઈને શ્રીરામકૃષ્ણને મળ્યા અને તેમની સમક્ષ પણ પોતાનો એ જ પુરાણો પ્રશ્ન ફરી કર્યો, ‘શું તમે ઈશ્વ૨ને જોયો છે?’ પરંતુ આ વખતે તેમને એક અકલ્પ્ય ઉત્તર મળ્યો ‘‘હા, જોયો છે. જેમ તને જોઈ રહ્યો છું તેનાથી પણ વધુ સ્પષ્ટ રૂપથી તેને જોઉં છું.” નરેન્દ્રનાથના બૌદ્ધિક સંશયની કરચ ઉડવા લાગી અને અંતર આસ્થા તેમજ શ્રદ્ધા સૂર્યનાં કિરણોથી ઉદ્ભાસિત થઈ ઊઠ્યું! પછીનાં ચાર વર્ષો સુધી તેઓ કૉલેજમાં પાશ્ચાત્ય શિક્ષણ મેળવવાની સાથે સાથે શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં સાધના અને સ્વાઘ્યાય દ્વારા અધ્યાત્મવિદ્યા પણ પ્રાપ્ત કરતા રહ્યા. સુપ્રસિદ્ધ કવિ રામધારીસિંહ ‘દિનકર’ આ અદ્ભુત મિલનનું આ શબ્દોમાં વર્ણન કરે છે, “નરેન્દ્રનાથ જ્યારે શ્રીરામકૃષ્ણને શરણે ગયા ત્યારે અસલમાં નવ્યભારત જ પ્રાચીન ભારતની શરણમાં ગયું હતું. અથવા યુરોપ ભારતની સામે આવ્યું હતું. શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રનાથનું મિલન શ્રદ્ધા અને ભક્તિનું મિલન હતું. રહસ્યવાદ અને બુદ્ધિવાદનું મિલન હતું.” સ્વામી વિવેકાનંદ સ્વયં પણ આ પ્રસંગ વિશે કહે છે, “આજ કાલ મૂર્તિપૂજાને જૂઠી બતાવવાની પ્રથા જ પડી ગઈ છે. મેં પણ એક સમયે એમ જ વિચાર્યું હતું અને દંડ રૂપે મારે એક એવી વ્યક્તિનાં ચરણકમળોમાં બેસીને શિક્ષણ (જ્ઞાન) ગ્રહણ ક૨વું પડ્યું જેમણે બધું જ મૂર્તિપૂજા દ્વારા પ્રાપ્ત કર્યું હતું.”

સ્વામી વિવેકાનંદ અને અન્ય હજારો પાશ્ચાત્ય ભાવપૂર્ણ નવયુવકોને શ્રીરામકૃષ્ણે જ ભારતીય સંસ્કૃતિનું દુગ્ધપાન કરાવ્યું હતું. આ વિષયમાં પ્રસિદ્ધ ક્રાંતિકારી દાર્શનિક તેમજ યોગી શ્રી અરવિંદે પણ મુંબઈમાં ૧૯મી જાન્યુઆરી ૧૯૦૮માં આપેલ વ્યાખ્યાનમાં કહ્યું હતું, – ‘૫૨માત્માએ તેમને બંગાળમાં મોકલ્યા અને દક્ષિણેશ્વર મંદિરમાં નિયુક્ત કર્યા. ઉત્તર અને દક્ષિણથી, પૂર્વ તેમજ પશ્ચિમથી શિક્ષિત લોકો એવા લોકો જે વિશ્વવિદ્યાલય માટે ગૌરવરૂપ હતા અને જેમણે તે બધું શીખી લીધું હતું, જે યુરોપ તેઓને શીખવી શકતું હતું; તેઓ આ સંન્યાસીના ચરણમાં બેસવા માટે આવ્યા અને ત્યારથી મુક્તિનું કાર્ય, ભારતની ઉન્નતિનું કાર્ય પ્રારંભ થઈ ગયું.”

ઑક્સફર્ડના જર્મન પ્રાધ્યાપક મૅક્સમૂલરે કહ્યું હતું, “શ્રીરામકૃષ્ણ એક મૌલિક વિચારક હતા કેમકે તેમની શિક્ષા – દિક્ષા કોઈ વિશ્વવિદ્યાલયની પરિધિમાં થઈ ન હતી.” ફ્રાન્સના સુપ્રસિદ્ધ નોબલ પુરસ્કાર વિજેતા મૉશિયો રોમા-રોલાંએ તેઓને નરદેવ (Mangod) અને વિશ્વાત્માની અનુપમ સંગીત રચનાના રૂપમાં પ્રસ્તુત કર્યા. આ રીતે વિશ્વના અનેક દેશોના હિન્દુ, મુસલમાન, ઈસાઈ, પારસી, યહુદી વિદ્વાનો મનીષીઓ તેમજ વિચા૨કોએ શ્રીરામકૃષ્ણના અનુપમ વ્યક્તિત્વ પ્રતિ અદમ્ય આકર્ષણનો અનુભવ કર્યો છે.

એ વિચારીને ખૂબજ વિસ્મય થાય છે કે કેવી રીતે ભારતના એક સુદૂર ગામડામાં જન્મેલા એક નિર્ધન તેમજ અશિક્ષિત વ્યક્તિ વિશ્વભ૨ના સંખ્યાબંધ પ્રતિભાવાન લોકોના શ્રદ્ધાભાજન તેમજ પ્રેરણાનું કેન્દ્ર બની શકે છે. પરંતુ થોડો માત્ર વિચાર કરીને તેનું કારણ સ્પષ્ટ સમજમાં આવી જાય છે. શ્રીરામકૃષ્ણે પોતાની સાધનામાં વૈજ્ઞાનિક પદ્ધતિનો સહારો લીધો અને સાક્ષાત્કાર કર્યા વગર કોઈ પણ વાતને સાચી ન સ્વીકારી. અનુભૂતિ પર આધારિત હોવાના કારણે જ તેમની ઉક્તિઓ એટલી અપીલ કરે છે. મહાત્મા ગાંધી લખે છે – “એમનું જીવન આપણને ઈશ્વરને પ્રત્યક્ષરૂપમાં જોવામાં સમર્થ બનાવે છે. તેમની ઉક્તિઓ એક પંડિતના વિચારો માત્ર નથી પરંતુ એમના જીવન-પુસ્તકનાં પૃષ્ઠો છે. તે તેમની પોતાની અનુભૂતિઓની અભિવ્યક્તિઓ છે.” આ રીતે આપણે જોઈએ છીએ કે શ્રીરામકૃષ્ણે ધર્મને એક વૈજ્ઞાનિક તેમ જ યુક્તિ યુક્ત આધાર પ્રદાન કર્યો છે.

આજે જે ધર્મના નામ પર અજ્ઞાન, અંધવિશ્વાસ તથા સાંપ્રદાયિક વિદ્વેષનું રાજ્ય ચાલી રહ્યું છે, એ માટે વધુમાં વધુ આપણી શિક્ષણપ્રણાલી તથા સ૨કા૨ની ધર્મ નિરપેક્ષતાની નીતિ જ જવાબદાર છે. ધર્મનિરપેક્ષતાનો અર્થ ધર્મહીનતા કરીને જો લોકોને ધર્મના આલોકથી વંચિત રાખવામાં આવશે તો પછી અધર્મના અંધકારના ફેલાવાને કોણ રોકી શકવાનું છે? આપણે ધર્મના નામે પ્રચલિત અયુક્તિપૂર્ણ પ્રથાઓ, અંધવિશ્વાસો, કટ્ટરતા, પુનરુત્થાન, જાદુટોના, રહસ્યવાદ, સાંપ્રદાયિક કલહ આદિથી દેશ અને સમાજને બચાવવો છે? તો આપણું એ કર્તવ્ય થઈ જાય છે કે આપણે શિક્ષણનાં બધા જ સ્તરોમાં અને વિશેષ કરીને વિશ્વવિદ્યાલયના પાઠ્યક્રમમાં ધર્મશિક્ષણને અનિવાર્ય રીતે સંયોજિત કરવું જોઈએ. શિક્ષણ સંસ્થાઓના ઉપયોગ માટે બધા જ ધર્મોનાં મૂળતત્ત્વોનો સાર સંગ્રહ ક૨વો જોઈએ. અને આ દિશામાં શ્રીરામકૃષ્ણ અને તેમની ઉક્તિઓ દિશાનિર્દેશ કરી શકે એમ છે. કારણ કે સ્વામી વિવેકાનંદના શબ્દોમાં, ‘‘શ્રીરામકૃષ્ણનું જીવન એક અસાધારણ જ્યોતિર્મય દીપક છે, જેના પ્રકાશમાં હિન્દુ ધર્મના વિભિન્ન અંગ અને આશય સમજી શકાય છે. શાસ્ત્રોમાં નિહિત સિદ્ધાંતરૂપ જ્ઞાનના તેઓ પ્રત્યક્ષ ઉદાહરણ સ્વરૂપ હતા. ઋષિ આપણને જે વાસ્તવિક શિક્ષણ આપવા માગતા હતા તેને તેઓએ પોતાના જીવન દ્વારા બતાવી દીધું છે. શાસ્ત્ર મતવાદ માત્ર છે. શ્રીરામકૃષ્ણ એની પ્રત્યક્ષ અનુભૂતિ છે. તેમણે ૫૧ વર્ષમાં પાંચ હજાર વર્ષનું રાષ્ટ્રીય આધ્યાત્મિક જીવન જીવ્યું, આ રીતે તેઓ ભવિષ્યનાં સંતાનો માટે પોતાની જાતને એક ઉપદેશાત્મક ઉદાહરણ બનાવી ગયા.”

ભાષાંતર: બ્રહ્મચારી જયસુખ

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.