(શિકાગો વિશ્વધર્મસભા શતાબ્દી ઉત્સવ (૧૯૯૪) પ્રસંગે રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં તા. ૨૦-૧૧-’૯૪ના રોજ યોજાયેલ યુવ-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચન. – સં.)

આદરણીય સ્વામીજીઓ, માતાજીઓ, મિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ,

આજના મંગલ પ્રસંગે, લગભગ ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ, આમંત્રિત અતિથિઓ અને કલકત્તાના નામાંકિત નાગરિકોની વિરાટ મેદની વચ્ચે, એકસો વર્ષ પૂર્વે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીની ઉપસ્થિતિ અને એમના ઐતિહાસિક સંદેશની સ્મૃતિમાં સ્તબ્ધ થઈને ઊભા છીએ. સમગ્ર માનવજાતની તાત્ત્વિક દિવ્યતાના પોતાના સંદેશથી જગતને જીતવાના ને જાગ્રત થવાના ભારતને સ્વામી વિવેકાનંદના અનુરોધનો આજની સવારનો આ વિશાળ માનવ સમુદાય પોતે જ પ્રતિભાવ છે. રોમાં રોલાંએ કહ્યું છે, ‘‘વિવેકાનંદ બોલે ત્યારે સમગ્ર દુનિયાએ એ બોલને ઝીલનાર ધ્વનિમંજૂષા બનવું જોઈએ.” સ્વામીજીએ પોતે જ કેલિફોર્નિયામાં કહ્યું હતું, ‘‘તમે ખ્રિસ્તના બોલ સાંભળ્યા છે, ‘મારા શબ્દો સત્ત્વ અને આગ છે.’ હું પણ કહું છું કે, મારા શબ્દો સત્ત્વ અને આગ છે. એ પડશે ત્યાં ભડભડતાં દાવાનળની જેમ પ્રભાવ પાથરશે.” વિવેકાનંદની સિંહનાદ સમી ગર્જનાના શબ્દો સચોટ અસર કરવામાં અમોઘ છે. એમનો બોલેલો પ્રત્યેક બોલ પયગંબરની વાણીની જેમ સાચો પડ્યો છે. એ વચનામૃતો છે, આ યુગને માટે ઈશ્વરે તે માંડેલાં છે. ઈતિહાસની ક્ષિતિજ પર ‘પરિત્રાણ માટે આવેલા પ્રભુપુત્ર’ના મુખેથી તે ઝરેલાં ફૂલડાં છે.

આશરે સો વરસ પૂર્વે, પશ્ચિમમાંથી પોતાના પરાક્રમી પુનરાગમન પ્રસંગે, રામનદને તટે ઊભા રહી સ્વામીજીએ ભાવિ ભાખ્યું હતું કે જગસંસ્કૃતિની કીર્તિરૂપે ભારતનું ભાવિ ઉત્થાન એટલું પ્રચંડ હશે કે ભૂતકાળની એની બધી ઉત્કૃષ્ટતા ઢંકાઈ જશે. આજે, રોજ ને રોજ એ ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે. યુ.એસ.એ.ના જર્મનીના માજી રાજદૂત અને વૉશિંગ્ટન સ્થિત ઈન્વેસ્ટમેંટ કૉર્પોરેશનના વડા રિચાર્ડ બર્ટે થોડા સમય પહેલાં નિવેદન આપ્યું હતું (‘મિડ ડે’ – મુંબઈ, ૨૫મી મે, ૧૯૯૪) કે, ૧૯૯૯ સુધીમાં ચીનને નહીં પણ ભારતને રાજકીય- આર્થિક મહાસત્તા તરીકે ઉપસવાની વધારે સારી તક છે. આનું કારણ ભારતનું ગણતાંત્રિક વલણ, ટૅક્નૉલૉજી, વિજ્ઞાન અને શિક્ષણની સહાયથી ભારતના ચાળીસ કરોડ લોકો, મધ્યમ વર્ગના લોકોનો વિકાસ છે. આ કલકત્તા શહેરમાં, સો વર્ષ પૂર્વેના પોતાના ઐતિહાસિક સ્વાગત પ્રસંગે, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘‘હવે આપણે ઘ૨નો ખૂણો છોડી બહાર નીકળવું જોઈએ અને આપણી આધ્યાત્મિકતા અને આપણાં દર્શન વડે જગતને જીતવું જોઈએ. બીજો રસ્તો જ નથી. ભારતે વિકસવું જોઈએ, બહારની દુનિયા ખેડવી જોઈએ અને જગત ૫૨ વિજય પ્રાપ્ત કરવો જોઈએ, નહીં તો, કોહવાઈને એ મૃત્યુ પામશે.” આ વિવેકાનંદનું સ્વપ્ન હતું. મદ્રાસમાં ૧૮૯૭માં આપેલા, ‘‘આપણી સમક્ષ પડેલું કાર્ય” નામના પ્રવચનમાં, પહેલી વાર, સ્વામીજીએ પોતાના દેશ બાંધવોને જગતની સંસ્કૃતિની દૃઢતા અને વિશ્વવ્યાપકતા માટે પ્રેર્યા હતા.

આજે સો વર્ષે, એમના શબ્દો આપણે સાચા પડતા જોઈએ છીએ. આજે સર્વત્ર જાગતિકતાની ભાવના જોવા મળે છે. રાષ્ટ્રસંઘ-લીગ ઑફ નેશન્સ-ની અને, પાછળથી, સંયુક્ત રાષ્ટ્રસંઘ – યુનાઈટેડ નેશન્સ-ની સ્થાપનાથી રાજકારણ જાગતિક બની ગયું છે. લોખંડી પડદા પર બંધાયેલ- યુરો- સામ્યવાદનો ગઢ ગંજીપા ઘરની જેમ તૂટી પડ્યો છે. બર્લિન દિવાલ એને ચણનારાઓએ જ તોડી નાખી છે. રાષ્ટ્રો વચ્ચેની માનસિક આડશો ધીમે ધીમે દૂર થતી જાય છે. ૧૯૯૪માં, ‘ગાટ’માં જોડાયા પછી આર્થિક મોરચે ભારત જાગતિક બન્યું છે અને ૧-૧-૯૫થી અસ્તિત્વમાં આવેલી જગત વેપાર સંસ્થામાં જોડાયું છે. પાછલાં બે વર્ષોમાં ભારતના પરદેશી ચલણનો સંગ્રહ બેથી વીસ અબજ ડૉલરે ગયો છે. માત્ર એક ક્ષેત્રમાં જાગતિક મંચ ઊભો નથી થયો. આપણે વિશ્વધર્મ સંસ્થાની રચના હજી સુધી નથી કરી. આ કાર્ય માટે જ શ્રીરામકૃષ્ણ જીવ્યા હતા. એમનું જીવન દૈનિક વિશ્વધર્મ સંસદ હતું જેમાં, બધા ધર્મના ઈશ્વરના ચાહકો પરસ્પર સન્માન અને સ્વીકાર સાથે એકઠા થતા.

શિકાગો પરિષદ સમક્ષ, સો વર્ષ પહેલાં, પોતાના ઐતિહાસિક પ્રવચનમાં, સ્વામી વિવેકાનંદે બધા ધર્મોની એકતા સાધવાનો આ અતિ અગત્યનો સંદેશ આપ્યો હતો. જગતે હજી એ સંદેશનો સ્વીકાર કર્યો નથી પરંતુ, કરવો પડશે જ. દુનિયા જેની સદીઓથી વાટ જોતું હતું તે, માનવીની નવી ઝાંખી, સ્વામીજીએ આપણને કરાવી. મનુષ્ય પાપમાં જન્મ્યો નથી, એ ‘‘અમૃતનો પુત્ર” છે, તત્ત્વતઃ દિવ્ય અને પૂર્ણ. ઍરિસ્ટોટલે કહ્યા મુજબ, માણસ માત્ર ‘રાજકીય જીવ’ નથી કે, યુ.ઍસ.એ.માં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનાં વલણ વધતાં જોઈ બઁજામિન ફ્રઁકલિને કહ્યા પ્રમાણે માણસ ‘ઉપકરણ બનાવતું પ્રાણી’ પણ નથી. એ સાદું જૈવિક પ્રાણી પણ નથી, જેને તમે સંગીનની અણીએ સમાજવાદી બનાવી શકો અને આશરેભાખરે રીઝવી શકો. ફ્રોઈડવાદીઓ આપણને મનાવવા ચાહે છે તેમ એ કેવળ જૈવિક પ્રાણી પણ નથી કે પૈસા પાડતા આજના મૅનૅજરો કે ટૅકનિશ્યનોને વર્ણવતા ઍલ્વિન ટૉફલરનું ‘આર્થિક પ્રાણી’ પણ મનુષ્ય નથી. તત્ત્વતઃ દરેક મનુષ્ય પૂર્ણ છે અને ખ્રિસ્ત કે બુદ્ધ બનવાની ક્ષમતા એ ધરાવે છે.

વળી સ્વામીજીએ આપણને નારીનું પણ એક અભિજાત ને અત્યંત ઉચ્ચ દર્શન કરાવ્યું હતું. પોતાની ગ્રામીણ પત્ની શારદાદેવીને ઉચ્ચતમ માન આપતા, ગ્રામ- નારીમાંથી ક્રમે ક્રમે પવિત્ર દેવીને સ્થાને લઈ જતા, પવિત્ર અતિથિ પુરુષો અને સ્ત્રીઓ બંનેના ગુરુ સ્થાને બેસાડતા અને, આધ્યાત્મિક ગુરુને સ્થાનેથી જગન્માતાને સ્થાને તેમને સ્થાપતા શ્રીરામકૃષ્ણને સ્વામીજીએ જોયા હતા. અમેરિકાના સહસ્ર દ્વીપ ઉદ્યાનમાં, વિવેકાનંદે ભવિષ્યવાણી ભાખી હતી કે, આ યુગમાં ભગવાન મા તરીકે પૂજાશે અને જગતભરમાં લોકોને સર્વોચ્ચ આધ્યાત્મિક જ્ઞાન આપતી નારીઓ દ્વારા માતૃશક્તિ પ્રગટ થશે. ભગિની નિવેદિતાને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતીય મહિલાઓએ વિરાટ બુદ્ધિમત્તા અને ઉચ્ચતમ આધ્યાત્મિક જ્ઞાન, બેઉ, સાધવાં પડશે. આમ, મૈત્રેયી અને ગાર્ગીના જેવી બ્રહ્મવાદિની સમી સ્ત્રીઓ બહાર પડશે અને માત્ર સ્ત્રીઓની જ નહીં, પુરુષોની પણ એ ગુરુ બનશે. આજે ભારતની સાધ્વીઓ ગુરુ તરીકે વિદેશગમન કરે છે અને વિદેશી સમાજમાં ગુરુપદ પ્રાપ્ત કરે છે. સ્વામી વિવેકાનંદે ભાવિ ભાખ્યું હતું કે, વિદ્યા દ્વારા સ્ત્રીઓ શૈક્ષણિક, આર્થિક સ્વાતંત્ર્ય દ્વારા સામાજિક અને, કોઈને ય જન્મ આપ્યા વિના બધાંની જનની બની, પવિત્ર જીવન વિકસાવી આધ્યાત્મિક મુક્તિ મેળવશે, અને, આમ પરિવર્તિત, સર્વમાતા બનેલી આપણી સંસ્કૃતિને આધ્યાત્મિક બનાવશે. થોડા દિવસ અગાઉ હું તિહાર જેલમાં હતો જ્યાં, આપણાં લાડીલાં કિરણ બેદી, ભારતના સૌથી મોટા કેદખાનામાંના કેદીઓને સંબોધવા મને લઈ ગયાં હતાં. એ નવીન ઘટના હતી. જેલમાંનાં આઠ હજાર ગુનેગાર નરનારી પ્રત્યેની પોતાની સતત સહાનુભૂતિને કારણે, સંજોગોના ભોગ બનેલા અનેક કમનસીબ લોકો એમને સદ્ભાવથી અને સન્માનથી જોતાં.

હવે પછીની પેઢીને માટે આદર્શ સમાજનું અને આદર્શ વ્યક્તિનું દર્શન સ્વામીજીએ આપણને આપ્યું. પાશ્ચાત્ય સમાજશાસ્ત્રી પિયે૨ હિયેસિન્ય લૉયસનને સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સ્થાનિક સમાજ બ્રાહ્મણની બુદ્ધિ અને આધ્યાત્મિકતા, ક્ષત્રિયની વહીવટ કુશળતા, દ્રવ્યોપાર્જનની વૈશ્યની શક્તિ અને શ્રમ પ્રત્યેની શૂદ્રની નિષ્ઠાનું એકીકરણ ક૨શે. સમસ્ત માનવજાતમાં ખાસ કરીને રંક અને અકિંચનોમાં, વસી રહેલા દિવ્ય તત્ત્વની પૂજાનું સ્થાન સેવા લેશે. એ જ રીતે, દરેક વ્યક્તિ બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ થશે, વ્યવસ્થાશક્તિમાં અને વહીવટમાં કુશળ થશે, બીજાના લાભ માટે દ્રવ્યોપાર્જન ક૨વા જેટલો વ્યવહારુ થશે અને, બધાં કાર્યને ઈશ્વર પ્રત્યેની સેવારૂપે સમર્પિત ક૨શે. સ્વામીજીએ કહ્યું છે કે, આવતા કાળમાં, આદર્શ નરનારીઓ પાશ્ચાત્ય વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીને સર્વને આવરી લેતા ભારતની વિભુ જીવનદૃષ્ટિ સાથે સંલગ્ન ક૨શે અને, જ્ઞાન, ભક્તિ, રહસ્યવાદ તથા વહેવારુ કાર્યમાં પ્રવીણ થઈ ઊભાં રહેશે. સિસ્ટર ક્રિસ્ટાઈનને એમણે કહ્યું હતું તે પ્રમાણે, એ નરનારીઓ ભાવિ સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ નરનારીઓ બનશે. એમનું સ્વપ્ન આજે સાકાર થતું આવે છે.

સો વરસ પહેલાં, પશ્ચિમમાં દિગ્વિજય કરી સ્વામીજી પાછા રામનદ આવ્યા ત્યારે, રામનદના મહારાજાએ સ્વામીજીને ચરણે પડી વિનંતી કરી હતી: “મારા મસ્તકે આપના ચરણ મૂક્યા પછી જ આપ ભારતની ધરતી પર ચરણ મૂકો.’’ ભારતના રાજાઓના ગુરુ તરીકે અને આમ જનતાના તારણહાર તરીકે સ્વામી વિવેકાનંદ પ્રગટ થયા. રામનદથી આલમોડા સુધી હજારો ને હજારો લોકો, “મારા ભારત દેશ! તું જાગ,” એ કેન્દ્રવર્તી વિચા૨ ૫૨ હૃદયસ્પર્શી રીતે બોલતાં સાંભળવા ટોળે મળતા. અને, ૧૨૦૦ વર્ષોથી પરાધીન બનેલો સુષુપ્ત વિરાટને, ઉપખંડના ઝંખાતા આત્માને નવચેતના લાધી, નવું બળ મળ્યું અને નવશક્તિનો વિદ્યુત્સંચાર તેનામાં થયો. પોતાના ત્રાતા પયગંબરને સાદે ભારત દેશ જાગ્યો. આજે, આ ઘડીએ, આ વિરાટ સંમેલનમાં રહી, જગતને જીતવા તત્પર ભારતાત્માની નવજાગ્રતિના આપણે સાક્ષી બનીએ છીએ. આ ક્ષણે મને ૨વીન્દ્રનાથ ઠાકુરની અમર પંક્તિઓનું સ્મરણ થાય છે:

તવ કરુણારુણ રાગે
નિદ્રિત ભારત જાગે,
તવ ચરણે નત માથા,
જય જય જય હે જય રાજેશ્વર
ભારત ભાગ્ય વિધાતા,
જય હે, જય હે, જય હે
જય જય જય જય હે.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.