(બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે અમેરિકામાં ઘણાં વર્ષો સુધી અદ્ભુત પ્રચાર કાર્ય કર્યું હતું. – સં.)

આ વિષય પરિણીત અને અપરિણીત એ બન્નેને સમાન રીતે સ્પર્શે છે, કેમ કે આધ્યાત્મિક ઉન્નતિ માટેની એ જ સાચી બુનિયાદ છે. બ્રહ્મચર્યનું અર્થનિરૂપણ જુદી જુદી રીતે કરવામાં આવ્યું છે અને તેનાં અનેકવિધ અર્થઘટનો પણ થયાં છે. પ્રત્યેક પ્રકારના જાતીય વિચાર કે આચારથી દૂર રહેવું એ તેનો સહજ સ૨ળ અને સ્વાભાવિક અર્થ છે. જાતીય કૃત્યનું સ્થૂળ સ્વરૂપ સંભોગ છે. અલબત્ત, આનો તો સંપૂર્ણપણે ત્યાગ ક૨વો જોઈએ. પરંતુ બ્રહ્મચર્યનું ખંતપૂર્વક પાલન કરતાં પ્રતીતિ થાય છે કે આ સ્થૂળ પ્રકાર એ ખરેખર તો અંતરની સૂક્ષ્મવૃત્તિઓનો આવિર્ભાવ છે. એટલે આ વૃત્તિઓને સંયમિત કરવા અને નિયંત્રિત કરવાનું ખરેખર આવશ્યક છે. પ્રારંભમાં કોઈ પણ વ્યક્તિ આવી ઊંચી કક્ષાએ પહોંચી શકતી નથી. એટલે તેણે નીચલી ભૂમિકાએથી શરૂઆત ક૨વી જોઈએ. આમ છતાં ધ્યેય કદી પણ ચુકાવું ન જોઈએ. આપણે જે જાતીય ચેતનાના પ્રકારો વિષે કહ્યું છે તે ૨જભાર પણ કાલ્પનિક નથી, તે હકીકત ઉ૫૨ આપણે ભાર મૂકવો જોઈએ, તે વાસ્તવિક અને સત્ય છે, અને જ્યાં સુધી તે બધાંને આપણે મનમાંથી નિર્મૂળ ન કરી શકીએ ત્યાં સુધી આપણે સાચા બ્રહ્મચારી બન્યા નથી તેમ સ્વીકારવું રહ્યું.

જો જાતીયભાવના ખરેખર એટલી બધી હાનિકારક હોય તો તેની પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ? આપણે તેને પ્રોત્સાહિત કરવી જોઈએ કે પછી જે કોઈ રીતે તેને હણી નાખવી જોઈએ? એવો પણ પ્રશ્ન ઉદ્ભવે કે આધ્યાત્મિક પ્રગતિ માટે જાતીય સંયમ નિતાંત આવશ્યક છે? અને જો તેમ હોય તો પછી પ્રાચીન જમાનામાં ઋષિઓ શા માટે લગ્ન કરતા અને બાળકોના જન્મદાતા બનતા હતા? જેટલા ભારપૂર્વક અમારાથી કહી શકાય તેટલા આગ્રહપૂર્વક અમે કહીશું કે તે નિતાંત આવશ્યક છે. તે માટે પૂરતાં કારણો છે. હિંદુઓ જાણે છે કે આપણા સાધકો અને ધર્મશાસ્ત્રોએ આપણા શરીરમાં બધાં મળીને સાત ચક્રો હોવાની અનુભૂતિ કરી છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર શરીરના નીચલા ભાગોમાં હોય છે, જાતીય લિંગ સામે અને પેટની સામે. અનાહતચક્ર હૃદયની સામે હોય છે. વિશુદ્ધ ચક્ર ગળાની સામે, આશાચક્ર ભૃકુટિની વચ્ચે અને સહસ્રાર ચક્ર મસ્તકમાં હોય છે.

આપણું મન અથવા આપણી સ્વચેતના ગમે તે નિશ્ચિત ક્ષણે આ ગુહાચક્રોમાંથી ગમે તે એક ગુરુત્વાકર્ષક કેન્દ્રમાં હોય છે. મનનું આ ચક્રોમાં ચઢવું ને ઉતરવું આપણે અનુભવી શકીએ છીએ. જ્યાં આપણું મન હોય ત્યાં આપણી શક્તિ અને લોહી એકાગ્ર બની જાય છે. આ આપણો સામાન્ય અનુભવ છે.

જ્યારે આપણને ઉચ્ચ પવિત્ર વિચારો આવે ત્યારે શરીરનાં ઉ૫૨નાં અંગો, હૃદય અને મસ્તકમાં ઉત્તેજનાનો અનુભવ થાય છે. પરંતુ જ્યારે અપવિત્ર વિચારો આવે ત્યારે શરીરનાં નીચેનાં અંગો ઉત્તેજિત થાય છે. આપણને સામાન્ય રીતે જે દેખાતું નથી તે હકીકત આ છે કે આ સ્વલક્ષી અનુભવોના અનુસાર, સાથોસાથ, વસ્તુલક્ષી વાસ્તવિક્તાઓનો એક ચોક્કસ ક્રમ હોય છે. જે મનુષ્યનું મન નીચલાં ચક્રોમાં હોય છે તેમને વાસ્તવિકતાની એક નિશ્ચિત અનુભૂતિ થાય છે. જેનું મન ઉપલાં ચક્રોમાં હોય તે માણસને એક ભિન્ન અનુભૂતિ થાય છે. પહેલા માણસને મન સંસાર એક નરકાગાર છે. (અલબત્ત, તે એને નર્ક તરીકે અનુભવતો નથી) તેને તેમાં કંઈ દિવ્ય તત્ત્વ દેખાતું નથી તેને મન તે સ્થૂળ અને ઈન્દ્રિય ભોગ્ય જ છે.

તે શરીરભાવના વિચારથી તરબોળ છે. તે પોતાની જાતને શારીરિક રીતે વધુ મહત્ત્વની માને છે એટલે તે શારીરિક સુખ – સગવડ અને શારીરિક ઉપભોગો માટે ઉત્સુક હોય છે. તે શરીર કરતાં કંઈ વધુ ઉચ્ચ વસ્તુ પ્રત્યે આકર્ષણ અનુભવતો નથી. ટૂંકમાં, તેનું અસ્તિત્વ એ પશુ અસ્તિત્વ છે અને તેના અનુભવ પણ પશુકક્ષાના હોય જ. પરંતુ જો તે પોતાનું મન આ નીચલાં ક્ષેત્રોમાંથી કોઈક રીતે ખસેડી લે અને તેને વધુ ઉચ્ચ ચક્રોમાં સ્થિર કરે તો આ જગતનું તેનું દર્શન તાત્કાલિક ફરી જાય છે. હવે તે જગતને સ્થૂળ અને અધમ કે તુચ્છ લેખતો નથી. તે તેને દિવ્ય પ્રકાશ અને દિવ્ય જીવનથી ભરેલું નિહાળે છે. તેને મન આ જગત હવે સ્થૂળ નથી, પરંતુ આધ્યાત્મિક છે. તેના પોતાના ગમાઓ અને અણગમાઓ, તેની ઈચ્છાઓ અને મહેચ્છાઓ, બીજાઓ સાથેના તેના સંબંધો – તે બધાનું સંપૂર્ણ રૂપાંતર થઈ જાય છે. જો તે તેના મનને સર્વોચ્ચ ચક્રમાં લઈ જઈ શકે તો તે સર્વત્ર કેવળ એક ઈશ્વરને જ જોશે. તેના સિવાય બીજું કશું જ જોવાનું રહેશે નહિ.

બ્રહ્મચર્ય પાળવાની આવશ્યકતા અને તેનાં મૂલ્યની ગણતરીમાં આત્મલક્ષી ચક્રો સાથે વસ્તુલક્ષી અનુભૂતિનાં દર્શનનો સંબંધ પણ મૂલવી લેવો જરૂરી છે. જો આપણે સત્યની અનુભૂતિના વધુ ઉચ્ચ દર્શનો સુધી પહોંચવું હોય તો – અને આધ્યાત્મિક ઉન્નતિનો બીજો કોઈ અર્થ થતો નથી – તો આપણે આપણા મનને વધુ ઉચ્ચ આત્મલક્ષી ભૂમિકાઓ ઉપર ઊંચે ઊઠાવવું પડશે. પરંતુ જો આપણે વિચાર અને કર્મ દ્વારા નીચલાં ચક્રોને જ ઉત્તેજિત રાખ્યા કરીએ તો આપણે આત્મલક્ષી ભૂમિકાએ ઊંચે ને ઊંચે કેવી રીતે જઈ શકીશું? જો આપણે જાતીય વિચાર અને કર્મમાં નિરંકુશ રીતે વિહરીએ તો પછી આપણાં નીચેનાં સૂક્ષ્મ ચક્રો ઉત્તેજિત રહ્યાં કરશે અને મન સતત ત્યાં જ રહેશે. પરિણામે, આપણે માટે સત્યની અનુભૂતિ માત્ર તુચ્છ વિષયાનંદોમાં જ સમાપ્ત થઈ જશે અને વધુ ઉચ્ચ આનંદની અનુભૂતિઓ સુધી આપણે પહોંચીશું નહિ. એટલે તે મહત્ત્વનું છે, એટલું જ નહીં અનિવાર્યપણે આવશ્યક છે કે આધ્યાત્મિક સાધકે કોઈ પણ હિસાબે નીચલાં ચક્રોનું ઉદ્દીપન કરવું ન જ જોઈએ. પરંતુ બ્રહ્મચર્ય પાળવું જોઈએ.

આધ્યાત્મિક ઉન્નતિ માટે જાતીય નિરાહાર એટલે કે જાતીય આનંદનો ત્યાગ નિતાંત અનિવાર્ય છે. એક બીજું પણ કારણ છે. આધ્યાત્મિક સાધના, જ્ઞાનતંતુઓ અને મગજનું તંત્ર વિષય ઉપભોગથી નિર્બળ બન્યું હોય ત્યારે આધ્યાત્મિક સાધનાની આ તાણને જીરવવાની શક્તિ ધરાવવા આ તંત્ર અસમર્થ બની જાય છે. કોઈ ઉચ્ચ આધ્યાત્મિક આવેગની સમક્ષ જ્ઞાનતંતુઓ અને મગજનું આ તંત્ર ઢળી પડશે અને તેના પરિણામે મગજ સંપૂર્ણ ખસી પડશે અને કોઈ અસાધ્ય રોગ લાગુ પડશે. ઉપરાંત સત્યની ઉચ્ચતમ અનુભૂતિઓ અત્યંત સંવેદનશીલ જ્ઞાનતંતુઓની સતત ક્રિયા માગી લે છે. બ્રહ્મચર્ય વિના તેઓ (જ્ઞાનતંતુઓ) જડ બની જાય છે. અને કોઈ પણ ઉચ્ચ અનુભૂતિઓનો અનુભવ કરાવવા માટે નિષ્ક્રિય બની જાય છે. જેઓ બ્રહ્મચર્ય પાળતા નથી તેમને માટે ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભવો અસંભવિત છે.

ઋષિઓ સંબંધી આપણે એટલું બધું ઓછું જાણીએ છીએ કે તેમના આચાર કે વ્યવહારો વિષે કંઈ પણ કહેવું અત્યંત મુશ્કેલ છે. તેમાં કોઈ શંકા નથી કે ‘ઋષિ’ શબ્દ બહુ શિથિલ – ઢીલા કે મોકળા અર્થમાં વપરાતો હતો. વૈદ, વ્યાકરણશાસ્ત્રી, નીતિ નિયમોની સંહિતા રચનારા સુધ્ધાં ઋષિઓ તરીકે ઓળખાતા, અને અલબત્ત, આધ્યાત્મિક સાક્ષાત્કાર કર્યો હોય તેવો માણસ સુધ્ધાં ઋષિ હતો. દેખીતી રીતે જ બધા ઋષિઓ આધ્યાત્મિક ન હતા. અને જે ઋષિઓ આધ્યાત્મિક સાધના કરતા હતા તેઓ સુધ્ધાં ઉચ્ચ પ્રમાણમાં આધ્યાત્મિક ન હતા. તો પછી ઉચ્ચ આધ્યાત્મિક જીવન માટે આવશ્યક પૂર્વશરતો સંબંધી તેમના આચાર કે વ્યવહારમાંથી કશી ચોક્કસ તારવણી આપણે કેવી રીતે કરી શકીએ? તો પછી એમ પણ હોય કે જીવનના ભર યુવા કાળમાં તેઓ સંતાનોને જન્મ આપનાર પિતા બનતા હતા. પરંતુ તેમના પાછલા જીવનમાં તેઓ જ્યારે ગંભીરતાપૂર્વક આધ્યાત્મિક સાધના કરતા ત્યારે ચુસ્ત બ્રહ્મચર્ય પાળતા હતા. બ્રહ્મચર્યનો આ સર્વોપરી દાવો નવો ઉપજાવી કાઢેલો નથી તે હકીકત સ્પષ્ટ રીતે સ્વયં ઉપનિષદોમાં જુદાં જુદાં નિવેદનો દ્વારા આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે બ્રહ્મચર્યની અનિવાર્યતા જાહેર કરે છે. વધુમાં તે પ્રાચીનકાળમાં સુધ્ધાં એવા માણસોનું એક જૂથ હતું કે જે સંસાર બંધનમાં કદી પ્રવેશ કરતું ન હતું. અથવા જીવનભર કદી સ્ત્રીઓ સાથે સંપર્કમાં જ આવતું ન હતું. પરંતુ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતું હતું. બહુ લાંબી ચર્ચા કરવાને બદલે વાસ્તવિક અનુભવ ઐતિહાસિક પુરાવા કરતાં હજા૨ દ૨જ્જે ચઢિયાતા છે. આપણે આધ્યાત્મિક સાધના શરૂ કરીએ અને આધ્યાત્મિક જીવનમાં બ્રહ્મચર્યપાલનનું શું સ્થાન છે તેનો અનુભવ જાતે જ કરી લઈએ.

આપણા દેશમાં આજે ઘણા આધુનિક ખ્યાલો પ્રવર્તી રહ્યા છે, જે મનુષ્યના સર્વાંગી વિકાસમાં બ્રહ્મચર્યને અકુદરતી અને અંતરાયરૂપ ગણે છે. આ બધા ખ્યાલો મૂર્ખાઈ ભરેલા છે અને ઓછામાં ઓછું હિન્દુઓએ તો તેમનો તિરસ્કાર કરી સાંભળવાનો સુધ્ધાં ઈન્કા૨ ક૨વો જોઈએ. એમ બને કે જાતીય સંયમ કેટલાક રોગોનાં લક્ષણોને ઉત્પન્ન કરે તો તેની ચિંતા શી? કંઈક અનંતગણી ઊંચા પ્રકારની પ્રાપ્તિ શું આપણે કરતાં નથી? આપણે તેની કસોટી કરીએ. ગમે તેવાં દુઃખ પડવા છતાં આપણે આપણી મંઝિલ તરફ આગળ વધવું જોઈએ. ચોક્કસ, ચોક્કસ જો આપણે સર્વદેશ અને સર્વકાળના ઋષિ- મુનિઓને માની શકીએ તો માર્ગ સુવર્ણ દ્વાર સુધી આપણને લઈ જશે. પ્રયત્ન વિના, બ્રહ્મચર્યનું પાલન થઈ શકે નહિ. સંયમ જો કે અનેક ગૂંચવણો ઊભી કરે તો પણ જરૂરી છે. આપણા આ પ્રયત્નનું પરિણામ આ માત્ર ગૂંચવણો કે સમસ્યાઓ નહિ હોય. સાથોસાથ આધ્યાત્મિક રોશની અને દીપોત્સવ પણ તેના પરિણામે પ્રકટશે અને કેવળ તેનું જ મૂલ્ય છે.

એ પૂરેપૂરું સાચું છે કે બધાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી શકે નહિ અને કરવું ન જોઈએ. આપણે તો કેવળ તેમનો જ વિચાર કરી રહ્યા છીએ કે જેઓ આધ્યાત્મિકતાને વ્યાકુળતાપૂર્વક ઝંખે છે, નહિ કે બધા જનસમૂહ અંગે. આધ્યાત્મિક લગન સિવાય બ્રહ્મચર્યનું પાલન કરી શકાય નહિ. બ્રહ્મચર્યના પાલનની અનિવાર્ય શરત ઈશ્વર માટેની વ્યાકુળતા છે. શરીરને ભૂલી જવું તે એનું ખરું રહસ્ય છે. ઘણું ખરું એવું જોવામાં આવે છે કે બ્રહ્મચર્યનું પાલન ચુસ્ત રીતે કરવામાં સ્થૂળ સર્વેન્દ્રિય વિષયક નાની અને ક્ષુદ્ર વિગતો અને આહાર અને આચારની ઝીણી ઝીણી વિગતો ઉપર વધુ પડતું ધ્યાન આપવામાં આવે છે. બ્રહ્મચર્યના પાલનની સભાનતા ઘણી વધુ પડતી છે. આ અતિશય અહમ્ જાગૃતિ કે અહમ્ભાવ મનોનૈતિક રીતે નુકસાનકારક છે અને આખરે સફળતામાં પરિણમતો નથી. જાતીય ઉપભોગ ભોગવવાની ઈચ્છા સાથે આપણે વધુ પડતો વિચાર કરીએ તો તેમાંથી મુક્ત થવામાં આપણને ભાગ્યે જ સફળતા સાંપડે. સફળતાનો સહેલો માર્ગ બ્રહ્મચર્ય પાલનને ભૂલી જવામાં છે. ઈશ્વર ચિંતનમાં તમારા મનને એવી રીતે ડુબાડી દો કે તે શરીર કે તેની આરામદાયક સુવિધાઓ માટે મન કશું જ વિચારી શકે નહિ. આ માટે ઈશ્વરના નામનો જપ અત્યંત અસરકારક છે. અલબત્ત, કેટલીક સહાયરૂપ બને તેવી ટેવો પાડી શકાય. બધી આવશ્યક છે. પણ તેમને નાહક મન ઉપરનાં ભારણો બનવા દેશો નહિ. આહાર વિષયક કેટલાક નિયમો જરૂરી છે. જાતીયતાનું સ્મરણ કરાવે તેવી વ્યક્તિઓ સાથે કે પદાર્થો સાથે આપણે કદીય સંસર્ગમાં આવવું જોઈએ નહિ. જેઓ જાતીય ઉપભોગમાં રચ્યાપચ્યા રહેતા હોય તેવા માણસોનો સંગ સુધ્ધાં છોડી દેવો જોઈએ તે અત્યંત જરૂરી છે. વધુ સુકોમળ લાગણીઓનું અતિશય સંસ્કરણ સુધ્ધાં નુકસાનકા૨ક છે. આપણે વધુ પડતું સૂવું ન જોઈએ કે બહુ ઓછું પણ સૂવું ન જોઈએ. રાતનું ભોજન અત્યંત અલ્પ હોવું જોઈએ અને તે અર્ધું પચી ગયું ન હોય તે પહેલાં આપણે સૂવું ન જ જોઈએ. ઈશ્વરનું નામ સ્મરણ અને જપ કરતાં કરતાં નિદ્રાને ખોળે પોઢી જવું તે એક સારી ટેવ છે. વધુ પડતાં ગ૨મ વસ્ત્રોનું પરિધાન ક૨વું ન જોઈએ. અથવા શરી૨ને પીડવું પણ બિનજરૂરી છે. પુનરુચ્ચાર કરીએ કે આપણા હૃદયમાં ઈશ્વર માટે સર્વગ્રાહી વ્યાકુળતા ન હોય ત્યાં સુધી બધું નિરર્થક છે. તે વ્યાકુળતાની પાંખો ઉપ૨ જ જાતીયતાની ખાડી આપણે પાર કરવાની છે.

જો રાતના સમયમાં કોઈ વાર વીર્ય-સ્ખલન થાય તો તે માટે વ્યગ્ર થવાની જરૂર નથી. શરૂઆતમાં તેની ચિંતા કરવી જરૂરી નથી. આ બધું છતાં આપણે આગળ ધપવાનું રાખીએ. ક્રમશઃ આપણું મન શાંત અને પવિત્ર બને તેમ – તેમ આ રાત્રીના વીર્ય-સ્ખલન જૂજ બની જાય છે. પરંતુ આપણે આપણા ચિત્તને ડામાડોળ નહિ કરી મૂકવાની કાળજી હંમેશાં રાખવી જોઈએ. કેમકે આવા ચિત્ત મંથનો ખરાબ સ્વપ્નાં લાવે છે અને શાંતિમય ઊંઘ અનિવાર્ય છે. જે દિવસે વીર્ય-સ્ખલન થયું હોય તે પછીના દિવસે અશંતઃ કે સંપૂર્ણ ઉપવાસની સાથો સાથ ઈશ્વર ચિંતન અને પ્રાર્થનાનો અભ્યાસ ખૂબ જ હિતકારી છે. આનો પ્રતિભાવ અદ્ભુત હોય છે.

બ્રહ્મચર્યના અભ્યાસમાં સફળતા માટે જેમને સૂચનો જોઈએ તેમને અમારી સર્વોચ્ચ સલાહ એ છે કે તેમણે નિયમિત સાધના કરવી જોઈએ અને ઈશ્વર ચિંતનમાં શરી૨ અને સંસારનું વિસ્મરણ કરવું જોઈએ. સફળતાનો આ કેવળ એક જ માર્ગ છે. અન્ય કોઈ નહિ.

ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ ય. મહેતા
(‘Spiritual Practice’ માંથી સાભાર)

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.