શ્રી ઠાકુરના ખંડમાં, હળવાશની પળોમાં આજે સત્સંગ ચાલી રહ્યો છે. એકાએક શ્રી ઠાકુરે, હાજરાને પ્રશ્ન પૂછ્યો, ‘‘હાજરા! તમારા સૌમાં આધ્યાત્મિકતાનું વિશેષ તત્ત્વ કોનામાં વધુમાં વધુ જોવા મળે છે?” એક પળનો પણ વિલંબ કર્યા વિના હાજરાએ જવાબ આપ્યો, ‘‘નરેન્દ્રમાં, સોએસો ટકા”, સૌ સ્તબ્ધ બની ગયા પરંતુ એનો અભિપ્રાય સૌને ગમ્યો. બીજો પ્રશ્ન પૂછ્યો, ‘‘તો પછી તારામાં આધ્યાત્મિકતાનો અંશ કેટલા ટકા?’’ ક્ષણ પણ ગુમાવ્યા વિના હાજરાએ જવાબ આપ્યો, “એકસો દસ ટકા’’. સૌ શિષ્યો અને ઠાકુર વિસ્મિત નયને હાજરા તરફ જોઈ રહ્યા. આજે ઠાકુર પણ હાજરાની ભીતર શું ભર્યું પડ્યું છે, એ જોઈ લેવા માગતા હતા. ઠાકુરથી રહેવાયું નહિ અને ફરી પૂછ્યું, “મારામાં કેટલા ટકા?” તત્ક્ષણ હાજરાએ ઠાકુરને મોંએ જ ફટકારી દીધું, ‘‘પંચોતેર ટકા” જાણે કે બૉમ્બ વિસ્ફોટ થયો! એક મિનિટ માટે હાસ્યનું મોજું ફરી વળ્યું અને પછી તરત જ સન્નાટો! હાજરાએ કારણ જણાવ્યું “ઠાકુરમાં હજુ પચીસ ટકા રજસ્નું તત્ત્વ ભર્યું પડ્યું છે!” ઠાકુરે હસતાં હસતાં સૌને કહ્યું “જુઓ, આ હાજરા શું કહે છે.” સૌ એની મૂર્ખતા તરફ હસી રહ્યા અને ઠાકુર એમની ગામઠી ભાષામાં બોલી ઊઠ્યા, ‘‘સા….લો હાજરો!”

અંગ્રેજીમાં એક કહેવત છે, ”As every saint has his past, so every sinner has his future.” દરેક સંતને પોતાનો ભૂતકાળ હોય છે, એમ દરેક પાપીને પોતાનું ભવિષ્ય હોય છે. પ્રતાપચંદ્ર હાજરા, અવગુણોથી ભરેલો, ભીતરથી સડેલો એક કનિષ્ઠ માનવ ‘ઘે લિવ્ડ વીથ ગોડ’ નામના પુસ્તકમાં સ્વામી ચેતનાનંદ હાજરાની અવગુણોની યાદી રજૂ કરે છે.

અહંથી ભરપૂર, અસત્યવાદી, લોભી, સ્વાર્થી, અદેખો, ખટપટી, લુચ્ચો, જબરો ટીકાકાર, ભયંકર ઢોંગી – ધુતારો. માનવ સહજ નબળાઈઓનું તો પોટલું જ જોઈ લો! પણ પૂર્વ જન્મના કોઈ પુણ્યને લીધે તે શ્રીરામકૃષ્ણદેવના સંપર્કમાં આવ્યો. ખાસ સુધર્યો તો નહિ પણ વધુ બગડ્યો પણ નહિ. શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલામાં હાજરાના પાત્રનો અભિનય એ ખૂબ જ અગત્યનો ગણાય છે. હાજરા વિનાની લીલા પૂર્ણ ન ગણાય.

શ્રીરામકૃષ્ણદેવના ભત્રીજા હૃદયનાથના ગામમાં ૧૮૭૯ની સાલમાં પ્રતાપચંદ્ર હાજરા શ્રીરામકૃષ્ણદેવને મળ્યા. એમણે પહેલો જ પ્રશ્ન શ્રીરામકૃષ્ણદેવને કર્યો “ભગવાનને કાન છે કે નહિ? આપણી પ્રાર્થના, આપણી વિનંતી, આપણી આજીજીને તો એ કોઈ દિવસ સાંભળતો જ નથી?” ઠાકુર પાસે સમજાવટની અજબ કલા હતી. દાખલા આપી સમજાવવાનું કૌશલ્ય પણ કમાલ! ઠાકુરે કહ્યું, ‘‘તમે લોકો ખેતી કરો છો, પાણી વાળો છો, નીક બનાવો છો એમાં જો છીદ્રો રહી જાય તો, પાણી ક્યારા સુધી ન પહોંચે, પાણી ધરતીમાં ઊતરી જાય. ઠીક એવી જ રીતે આપણી પ્રાર્થનામાં વાસનાનાં છીદ્રો હોય તો પ્રાર્થના પ્રભુનાં કાન સુધી ન પહોંચે, શુદ્ધ હૃદયથી નિઃસ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થના પ્રભુ અવશ્ય સ્વીકારે.’’ હાજરાને ઠાકુરના જવાબમાં વજૂદ તો લાગ્યું પણ મનથી એનો સ્વીકાર પણ ન કર્યો. કઠોર હૃદયી હાજરાના દિલમાં છતાં, ઠાકુરનું ખેંચાણ તો રહેવા લાગ્યું જ.

૧૮૪૬ની સાલમાં, કામારપુકુરથી થોડા માઈલ દૂર ‘મેરેગોર’ નામના ગામડામાં હાજરાનો જન્મ, પિતાનો વ્યવસાય ખેતીવાડીનો પણ સ્થિતિ સામાન્ય. પિતાના અવસાન પછી ઘર અને ખેતીનો ભાર હાજરા ઉપર આવ્યો પણ હાજરાએ બેમાંથી કોઈના ઉ૫૨ ધ્યાન ન આપ્યું. પરિણામે ખેતી ખલાસ થવા લાગી, ઘર ઘસાવા લાગ્યું, માથે દેણું થઈ ગયું. જવાબદારીમાંથી છટકવા હાજરા મહાશયે ઘ૨-બાર, કુટુંબકબીલો છોડી શ્રી ઠાકુરના ચરણોમાં આશરો લીધો. દક્ષિણેશ્વરમાં આવ્યા પછી હાજરાએ એનું પોત પ્રકાશવું શરૂ કર્યું. એક ખલનાયકની ભૂમિકામાં હાજરા ક્યારેય પાછો નથી પડ્યો. શ્રીરામકૃષ્ણદેવના ભવ્ય નાટકમાં હાજરાની ખલનાયકી પણ દાદ માગી લે એવી છે. છ વર્ષ સુધી હાજરા દક્ષિણેશ્વરમાં રહ્યો. પણ હંમેશાં અકળ બનીને જ રહ્યો. એને પામવો મુશ્કેલ, એની સાથે રહેવું મુશ્કેલ, એની સાથે કામ પાડવું મુશ્કેલ, પરંતુ નરેનની સાથે એની ગાઢ મૈત્રી. “નરેન એક જ મને બરોબર સમજી શક્યો છે.” એવો એનો દાવો. નરેનની સાથે ચર્ચા કરવી, ફિલસૂફી ડહોળવી, વાતોનાં વડાં કરવાં એમાં હાજરાને ભારે રસ.

૧૮૮૩, ૨૨, જુલાઈનો દિવસ છે. શ્રી ઠાકુર સમાધિમાં લીન છે. ભક્તો, ભજન-સંકીર્તનમાં રત છે. ઠાકુર સમાધિમાંથી બહાર આવે છે. નજીકના ભક્તોને બોલાવી ઠાકુર કહે છે, “‘મા’એ આજે જણાવ્યું કે, હાજરા તો સૂકું ભઠ્ઠ લાકડાનું બટકું છે.” ઠાકુરનું મન હાજરા ઉ૫૨થી ઊતરવા લાગ્યું. એમણે એક, બે વાર હાજરાને પોતાની પત્ની અને બાળકોની સંભાળ લેવા જવા સમજાવ્યો પણ એ ખસ્યો નહિ. ઊલટાની એની હરકતો વધવા લાગી. એ ત્રાસરૂપ બનવા લાગ્યો.

બાહ્યાચાર અને કુલાભિમાનમાં મદાંધ હાજરો બ્રાહ્મણત્વમાં એટલો તો પાગલ કે એક વાર એમણે સૌને સ્પષ્ટ કહી દીધું કે, “જે જનોઈ ધારણ કરતા નથી, કપાળમાં ત્રિપુંડ તાણતા નથી, માળા ફેરવતા નથી, હરરોજ સ્નાન કરતા નથી અને જેનું ખોળિયું બ્રાહ્મણનું નથી એને ઈશ્વરપ્રાપ્તિ થતી નથી. એણે તો શ્રીરામકૃષ્ણદેવને પણ બાહ્યાચાર અપનાવવા સલાહ આપી. શ્રીરામકૃષ્ણદેવે એને સમજાવ્યો, ‘‘હાજરા, બાહ્યાચાર એ વૈધિભક્તિની નિશાની છે, જેમાં કર્મકાંડ, બાહ્ય શુદ્ધિ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ભીતરની ભક્તિનો રંગ તો કોઈ જુદો જ છે. એને ‘રાગ ભક્તિ’ કહેવામાં આવે છે. બ્રાહ્મણત્વના પૂછડાંને પકડીને તું પરમ સમીપે પહોંચી શકીશ નહિ. ભીતરમાં દીવો પ્રગટાવ, બેડો પાર થઈ જશે. જાત-પાંતથી ઉપર ઊઠી જો જરા! સર્વત્ર, સર્વમાં નારાયણનાં દર્શન ક૨. હીરો હાથ લાગી જશે. ટીલાં ટપકાંથી તારો ઉદ્ધાર નહિ થાય.”

આપણે ત્યાં સંતો-મહંતો, સાધુપુરુષો કે અવતાર પુરુષોએ કુલાભિમાન કે બાહ્યાચાર સામે હંમેશાં બુંગિયો ફૂંક્યો છે. ગુજરાતમાં જ્ઞાનીકવિ અખાએ પણ બાહ્યાચાર સામે લાલબત્તી ધરી છે.

તિલક કરતાં ત્રેપન થયાં
જય માળાનાં નાકાં ગયાં,

કથા સુણી સુણી ફૂટ્યા કાન
તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન

અને બ્રાહ્મણત્વનો બોજ લઈને ફરનારાઓને તો રોકડું પરખાવ્યું છે.

ઊંચમાં રામ બમણો નથી ભર્યો,
નીચ પિંડ ઠાલો નથી કર્યોં.

પરંતુ, હાજરા મહાશય તો ધર્મના વડા તરીકે ઉપદેશકની મૂર્તિ બની ૨હેવા માગતો હતો, એમનો દેખાવ તો જુઓ જરા!

પાંચ હાથ પૂરો, પડછંદ કાયા, વિશાળ ભાલ, ભાલ ઉ૫૨ તિલક, હાથમાં માળા, ગળામાં રુદ્રાક્ષ અને ઠાકુરની પરશાળમાં આંખ બંધ કરી સમાધિ લગાવી બેસે. પણ એનું ધ્યાન બકઘ્યાન. માછલું જોયું નથી કે પકડ્યું નથી. ફરી, ધ્યાનમાં બેધ્યાન. સરખું આવી જાય તો શ્રીરામકૃષ્ણદેવ પાસે આવતા મુલાકાતીઓ પાસેથી પૈસા પણ ઉઘરાવી લે. ઘરનું દેણું ચૂકવવા આવા તો કંઈક ખેલ કરે. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, શાસ્ત્રો, પુરાણો કે વેદ-વેદાંત ઉપર બિનજરૂરી ચર્ચા કરે. સમજે ઓછું પણ સમજવાનો ડોળ ઝાઝો. શ્રીરામકૃષ્ણદેવ સામે એનો ખુલ્લો આક્ષેપ, “ઠાકુર તો ધનિકોના છોકરાઓ તરફ, વિશેષ પક્ષપાત કરે છે.’’ શ્રીરામકૃષ્ણદેવ કકળી ઊઠ્યા, ભક્તો સૌ ઊકળી ઊઠ્યા. ઠાકુરે તો સીધું ‘મા’ને જ પૂછ્યું ‘‘મા, મેં ક્યારેય પક્ષપાત કર્યો છે? ‘મા’એ કહ્યું, ‘‘હાજરો તો મૂરખ છે.” શ્રીરામકૃષ્ણદેવની ધીરજની કસોટી થતી હતી. વાતાવરણ ધુંધવાતું હતું. હાજરાના વર્તનથી સૌ વાજ આવી ગયા. પરંતુ શ્રીરામકૃષ્ણદેવ તો પરમ પુરુષ, અવતારી પુરુષ. હાજરો જેટલો ભૂંડો એટલા જ શ્રીરામકૃષ્ણદેવ ભવ્ય, ભલા. સૌએ શ્રીરામકૃષ્ણદેવ પાસે પ્રસ્તાવ મૂક્યો ‘‘હાજરાને દૂર કરો, અહીનું વાતાવરણ કલુષિત કરે છે, પ્રદૂષિત કરે છે, સૌ અકળાયા છે.” ઠાકુર સ્થિર છે. ઠાકુર પાસે સુંદર જવાબ છે, ‘‘જટિલ, કુટિલ વિના નાટક જામે નહીં” ‘‘પ્રભુની નાટક મંડળીમાં હાજરાએ ખલનાયકની ભૂમિકા ભજવવાની છે, જુઓ તો ખરા, હજુ નાટકનો અંત ક્યાં આવ્યો છે? અથરા થાશો નહિ, ધીરજ ગુમાવશો નહિ. બધું જ પાર પડી જશે.’’

ફરી શ્રીરામકૃષ્ણદેવે હાજરાને સમજાવ્યો, ‘‘ઈશ્વરને રાજી રાખ, જગત આખું તારી ઉપર રાજી રહેશે. આધ્યાત્મિક અહમ્ અત્યંત સૂક્ષ્મ હોય છે. હીરની દોરી જ જોઈ લો.” આજે હાજરા થોડો પલળ્યો. લાકડાના સૂકા ભઠ્ઠ કટકા ઉપર લીલી ટશર ફૂટી, કાળઝાળ રેતીના રણમાં ફૂલ ખીલ્યું. દોડીને ઠાકુરના ચરણ-સ્પર્શ કરવા ગયો. પણ ઠાકુર જરા પાછા ખસી ગયા. હાજરા ભીતરથી ઘવાયો. વરસો સુધી આચરેલાં ફૂડ-કપટ યાદ આવ્યાં, દુષ્કૃત્યો નજર સમક્ષ દેખાવા લાગ્યાં, પશ્ચાતાપના અગ્નિમાં એ શેકાવા લાગ્યો. દોડ્યો, ગંગાજળ લઈ આવ્યો, માટીમાં ગંગાજળ મેળવી નાનીનાની ગોળીઓ બનાવી અને બેસી ગયો જપ કરવા. એકમાળા પૂરી થાય અને માટીની એક ગોળી મોઢામાં મૂકે. શ્રીરામકૃષ્ણદેવને ખબર પડી કે હાજરા તો ત્રાગું કરી બેઠો છે. ૠજુહૃદયી શ્રીરામકૃષ્ણ હાજરા પાસે પહોંચ્યા. ઠાકુરે હાજરાને પગ દાબવા દીધા, સેવા કરવા દીધી. હાજરાનો હાથ ફરી પોતાની મૂછ તરફ ગયો. ‘કેવું કર્યું’નો ગર્વ એના મુખ ઉપર દેખાવા લાગ્યો.

પણ છેવટે, હાજરા, દક્ષિણેશ્વર છોડી ઘર જવા તૈયાર થયો, નરેન એનો હાથ પકડી ઠાકુર પાસે ખેંચી લાવ્યો. ‘‘ઠાકુર! હાજરા ઉપર કૃપા કરો, અંત સમયે એને ઈષ્ટદર્શનના આશીર્વાદ આપો.” નરેનના અતિ આગ્રહને વશ થઈ ઠાકુરે હાજરાને ઈષ્ટદર્શનના આશીર્વાદ આપ્યા. હાજરા પોતાના ઘર તરફ રવાના થયો. મંદિરમાં શાંતિ થઈ.

હાજરાનો અંતકાળ નજીક છે. ઘરના બધા જ સભ્યો હાજરાની આસપાસ જમા થયા છે. હાજરા તો સતત ઠાકુરના સ્મરણમાં મગ્ન છે. એમાં એકાએક ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે, હાજરા પોતાને લઈ જવા વિનંતી કરે છે. સૌ એને ત્યાં ખસેડે છે. હાજરા પાસે એક જ પ્રાર્થના છે,

લાજ તમારી જાશે,
ભુધર ભાળજો રે…. પ્રભુ!

‘‘કાલીનાગ પાસે વિષ સિવાય શું હોય? તમે તો પાપપુંજહારી, તમારે ચરણે મને સ્થાન આપો.’’ અને ત્યાં હાજરાનો ચહેરો પ્રકાશથી ઝળહળી ઊઠ્યો. સાક્ષાત્ શ્રીરામકૃષ્ણદેવ અંત સમયે દર્શન દેવા આવી પહોંચ્યા છે. હાજરા બોલી ઊઠ્યો, “અરે, સૌ જુઓ તો ખરા, ઠાકુર આવ્યા છે. બેસવા માટે એમને આસન તો આપો, ઠાકુરનાં દર્શનથી કૃતાર્થ હાજરા બે હાથ જોડે છે, આંખો બંધ કરે છે અને જય શ્રીરામકૃષ્ણ બોલતાં બોલતાં દેહ છોડે છે.

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.