અંતર મમ વિકસિત કરો અન્તરતર હે, નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. અંતર…

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હું, મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. અંતર…

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ, સંચાર કરો સકલ કર્મે શાન્ત તોમાર છંદ, અંતર…

ચરણપદ્મે મમ ચિત નિસ્પંદિત કરો હે, નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે. અંતર…

– રવીન્દ્રનાથ ટાગોર

જ્યારે કોઈ મજાનું મરાઠી ભજન સાંભળું છું અથવા વાંચું છું ત્યારે નાનપણના દિવસો અને મહારાષ્ટ્રમાં કરેલી બળદગાડીની તીર્થયાત્રાઓ યાદ આવે છે. રોજ સાંજે જલદી જલદી જમી લઈ ધર્મશાળામાં સૂવાની તૈયારી કરીએ, એટલામાં કોઈ ગામડિયો ભક્ત તુકારામનો કે નામદેવનો અભંગ શરૂ કરે, ત્યારે હૃદયમાં જે ઉલ્લાસ જાગતો હતો અથવા ભક્તિભાવમાં ભાવનાઓ દ્રવી જતી હતી તે બધું યાદ આવે છે.

ગુજરાતી ભજન સાંભળું છું ત્યારે વડોદરાના દિવસો, અથવા સત્યાગ્રહાશ્રમમાં ગાળેલા જીવનના સર્વોત્તમ દિવસો યાદ આવે છે. અને એકાદ ભજન સાંભળતાં એ જ ભજન વિશે બાપુજી કોક વખતે બોલ્યા હતા તે યાદ કરીને તલ્લીન થઈ જવાય છે.

એ જ રીતે જ્યારે કોઈ બંગાળી ભજન સાંભળું છું ત્યારે રામકૃષ્ણ મિશનના કોઈ બંગાળી સાધુએ હિમાલયમાં અમારી સાથે મુસાફરી કરી હોય અને સાંજે કે સવારે મળીને પ્રાર્થના કરી હોય, એ પવિત્ર દિવસો યાદ આવે છે.

પણ એવા પ્રસંગો ઓછા. બંગાળી ભજન સાંભળું એટલે ભારતના અમારા કવીન્દ્ર રવીન્દ્રનાથ અને એમની હસ્તી દિવસરાત જ્યાં અમે અનુભવતા હતા તે શાંતિનિકેતનના દિવસો એકદમ જીવતા થાય છે.

હું શાંતિનિકેતનમાં ગયો અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે જોતજોતામાં ઉત્તમ રીતે ભળી ગયો. બંગાળી વાંચતાં મને સરસ આવડે. પણ સાંભળેલું બંગાળી પકડતાં વાર લાગે. પણ હું વિદ્યાર્થી-પ્રેમી. એમની સાથે એમના ક્રમમાં પૂરેપૂરો ભળી જાઉં. એટલે મારો ભાવ એ બરાબર સમજે, એમનો ભાવ હું પૂરેપૂરો સમજું. પછી ભાષા સમજવામાં ગોટાળો થાય તો યે મુશ્કેલી નહીં!

પછી તો વિદ્યાર્થીઓ મારી અસાધારણ રવીન્દ્રભક્તિ ઓળખી ગયા. અને તેથી જ અમે એક-હૃદય થવા લાગ્યા.

અધ્યાપકો સાથે હું ભળતો ખરો. પણ બે-ત્રણ જણા જોડે જ હૃદય ખોલીને વાતો થતી.

એકવાર ગુરુદેવે મને કહ્યું કે, ‘મારે મહારાષ્ટ્રમાંથી કોઈ સારો સંગીત શિક્ષક જોઈએ છે. મેં જોયું છે કે ત્યાંનાં સંગીતના ઉપાસકો ચારિત્ર્યના નિર્મળ હોય છે. એટલે મારા વિદ્યાર્થીઓ સાથે તેઓ ભળે તો કશી મુશ્કેલી નહીં. ઊલટો હું રાજી થાઉં.’ અમે એક સંસ્કૃતના ઉત્તમ વિદ્વાન, હિંદુસ્તાની સંગીતના પૂરેપૂરા પાવરધા અને વિદ્યાર્થી-પ્રેમી શિક્ષકને લઈ આવ્યા. એમણે બંગાળી સંગીત પણ શીખી લીધું. પછી તો બંગાળી સંગીત અને હિંદુસ્તાની સંગીત એવાં તો ખીલ્યાં કે ગુરુદેવે અનેક વાર પોતાનો સંતોષ મુક્તકંઠે વ્યક્ત કર્યો.

ગુરુદેવ પોતે અનેક વાર પોતાનાં ગીતો ગાઈ સંભળાવે, એમની ચર્ચા પણ કરે. એટલે એકાદ બંગાળી ભજન સાંભળું એટલે જાણે શાંતિ નિકેતનમાં હું પહોંચી ગયો છું અને ગુરુદેવના દિવસો સજીવન થયા છે એમ જ લાગવા માંડે છે.

આશ્રમ ભજનાવલિનાં ભજનો વિશે થોડુંક લખવાનું શરૂ કર્યું છે. એમાં બંગાળી ભજનો હાથમાં આવતાંવેંત જે ભાવના જાગી તે આમ નોંધી રાખ્યા વગર ચાલે જ કેમ?

ભારતના કોઈ પણ પ્રાંતનો, કોઈ પણ સામાન્ય માણસ સાંભળે તો એને ભાષાની કે ભાવની કશી મુશ્કેલી નડે નહીં, એવું એક સુંદર સંગીતવાળું ભજન લઈને પ્રારંભ કરું છું.

આ ભજન નથી, પણ જાણે કવીન્દ્રની સવારે કરેલી એક પ્રાર્થના જ છે. અને પ્રાર્થના પણ કેવી, ‘ભગવાન મને ફલાણું આપો, ઢીંકણું આપો, દીકરાઓ આપો. નોકરીમાં બઢતી આપો અથવા મારાં બધાં પાપો ધોઈ કાઢો’ એવું કશું અહીં માગ્યું નથી. ‘ભગવાનની પ્રાર્થના કરવા માટે હૃદય જાગે, ભગવાનની આ મંગલ સૃષ્ટિ સાથે હૃદય એકરૂપ થઈ જાય અને સમસ્ત જીવન પ્રાર્થનામય બને’ એ જ આ પ્રાર્થના છે.

અને અહીં ભગવાનને માટે વાપરેલું એકમાત્ર નામ પણ કેવું છે! ‘મારા અંતરના ઊંડાણમાં વસનાર મારા સ્વામી, મારા ગુરુ અને મારા સર્વસ્વ’ એમ કહીને પ્રાર્થના શરૂ થાય છે. આમાં ભગવાન માટે એક જ નામ છે, ‘અંતરતર.’ અંતર એટલે હૈયું. એના ઊંડાણમાં જે અખંડ વસે છે, અને એનો માલિક થઈ એને ઘડતો જાય છે એવો એ ભગવાન.’ કવિ કહે છે, ‘મારા અંતરમાં જાગ્રત થયા છો, તો મારું હૃદય-પુષ્પ એકદમ ખીલી ઊઠે એવું કરો. મારા અંતરને વિકસિત કરો, નિર્મળ કરો, ઉજ્જવળ કરો અને એને સુંદર કરો’, બસ એ જ છે કવિની પ્રાર્થના. એમાં નથી કોઈ પૌરાણિક પ્રસંગોના ઉલ્લેખો, નથી કોઈ આધ્યાત્મિક કે વેદાન્તની છણાવટ.

કવિ કહે છે મારા હૃદયને જગાડો. નિર્ભય કરી પુરુષાર્થ માટે તૈયાર કરો. એ પુરુષાર્થ કરતાં ન મનમાં કોઈ શંકા ઊઠે, ન ઉત્સાહ મંદ પડે. હૃદયની બધી મંગલ ભાવનાઓ જાગ્રત થઈ જાય.

અને કરવું પણ શું છે? દુનિયા પ્રત્યે અસંતોષ કે અવિશ્વાસ સેવી અલગ થવાની વાત જરાયે નથી. જીવન જીવીએ છીએ તો એ દ્વારા બધા સાથે આત્મીયતા વધતી જાય. આપ-૫૨-ભાવનું બંધન ઉત્પન્ન જ થાય નહીં. જાણે ભગવાનના જ કાર્યમાં આપણે ભળી ગયા છીએ. જીવન એ જ મોટું સંગીત છે. એ સંગીત મારફતે ભગવાનનાં શાંત, પવિત્ર અને ઉત્સાહપૂર્ણ કામો કરતાં આ સંગીતમૂર્તિ વિશ્વકવિનો પ્રેમ-ભક્તિ-રાગ જ જીવનમાં પ્રગટ થતો જાય.

અને ભગવાન, મારું ચિત્ત તારા ચરણકમળમાં સ્થિર થઈને ભક્તિનો આનંદ માણતું જાય એટલું જ માગું છું. આ ભજન ભૈરવી રાગમાં ગાઓ કે આસાવરીમાં. આખો દિવસ પવિત્ર અને ઉલ્લાસયુક્ત કરવાની તાકાત આમાં છે. ભાષા એટલી સહેલી છે કે સંસ્કારી બાળક પણ સમજે. અને વિચાર એટલા સરળ અને ઉન્નત, કે ગમે તે ધર્મના વાતાવરણમાં આ ભજન સુખેથી ગવાય. ભજન સાંભળતાંવેંત સમગ્ર ચિત્ત તરતોતરત નંદિત થઈ જાય છે.

Total Views: 101

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.