રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગાનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૪થી૭ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તા. ૩, ૫, અને ૬ સપ્ટેમ્બરના રોજ તેમણે આધ્યાત્મિક સાધકોને માર્ગદર્શન આપ્યું હતું અને નીચેના વિષયો પર વિચારોત્તેજક જાહેર પ્રવચનો કર્યાં હતાં – ‘આધુનિક યુગ માટે ગીતાનું મહત્ત્વ’, ‘જીવન વ્યવહારમાં વેદાંત’ અને ‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનું વૈશિષ્ટ્ય’. તા. ૭ સપ્ટેમ્બરના સવારે તેમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં સંગેમરમરના પત્થર પર કોતરેલી સ્વામી વિવેકાનંદની ધ્યાનસ્થ આકૃતિનું ઉદ્ઘાટન કર્યું હતું.

લીંબડીમાં નવનિર્મિત આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન

તા. ૪ સપ્ટેમ્બરનાં રોજ રામકૃષ્ણ મિશન, લીંબડીના નવા પ્રાંગણમાં નવનિર્મિત, આરોગ્ય મંદિરનાં ભવ્ય ભવનનો ઉદ્ઘાટન વિધિ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પ્રેરક પ્રવચન આપતાં તેમણે શ્રીરામકૃષ્ણે આધુનિક યુગ માટે આપેલ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના મહાન ઉપદેશની છણાવટ કરી હતી.

શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર, જામનગર

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, જામનગરના ઉપક્રમે તા. ૭મી સપ્ટેમ્બરના રોજ કસ્તુરબા વિકાસ ગૃહના પ્રાંગણમાં એક જાહેર પ્રવચનનું આયોજન થયું હતું. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે પ્રેરક અને રોચક પ્રવચન દરમિયાન કહ્યું કે, ‘સર્વ ઉપનિષદોરૂપી સાર ગીતામાં છે, એટલે જ કહેવામાં આવ્યું છે કે ઉપનિષદોરૂપી ગાયનું શ્રીકૃષ્ણરૂપી ગોવાળે દોહન કરીને ગીતારૂપી દુગ્ધામૃત આપ્યું છે. મુશ્કેલી એ છે કે આપણે આ દૂધને અત્યાર સુધી પોતાના માથા પર જ રાખ્યું છે, તેનું પાન કર્યું નથી. જ્યાં સુધી દૂધને પીવામાં ન આવે ત્યાં સુધી આપણા સ્વાસ્થ્ય પર એની કોઇ અસર નહીં પડે. આપણે ‘ગીતા’ની પૂજા તો કરી પણ તેના ઉપદેશનું આપણા દૈનિક જીવન વ્યવહારમાં પાલન ન કર્યું અને એટલે જ આપણો દેશ પાછળ રહી ગયો. આજે તાતી આવશ્યકતા છે – ગીતાના – કર્મયોગના આ મહાન સંદેશને પોતાના જીવનમાં અપનાવી પોતાના જીવનમાં સફળતા મેળવવી અને રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવું.’

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા નીચે પ્રમાણે જાહેર પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું : તા. ૨૭-૯-૯૬ – આધુનિક માનવ શાંતિની શોધમાં (સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા) તા. ૯-૧૦-૯૬ ‘ઇશાવાસ્યોપનિષદ્’ (સ્વામી જિતાત્માનંદજી દ્વારા). આ સિવાય વડોદરામાં અંગ્રેજી માધ્યમની ત્રણ શાળાઓમાં ‘વ્યક્તિત્વ વિકાસ’ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો યોજાયાં હતાં. દરેક જગ્યાએ વિદ્યાર્થી ભાઈ બહેનોએ પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં વિશેષ રસ દાખવ્યો હતો. આ પ્રસંગે તેઓને સ્વામી વિવેકાનંદની નાની પુસ્તિકાઓ ભેટરૂપે આપવામાં આવી હતી.

તા. ૯-૯-૯૬ બરોડા હાઇસ્કૂલ (બગીખાના),

તા.૨૭-૯-૯૬ નવરચના હાયર સૅકૅન્ડરી હાઇસ્કૂલ,

તા. ૨૭-૯-૯૬ તેજસ હાઇસ્કૂલ

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સૅન્ટર, અમદાવાદ

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સૅન્ટર, અમદાવાદ દ્વારા ૧લી ઑક્ટોબરના રોજ સ્વામી જિતાત્માનંદજીનું ‘મુંડકોપનિષદ’ વિષય પર પ્રવચન યોજાયું હતું.

રામકૃષ્ણ મઠ અને મિશનની શૈક્ષણિક સંસ્થાઓની ઉજ્જવળ સિદ્ધિઓ

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના મિદનાપુર કેન્દ્ર દ્વારા સંચાલિત શાળાના એક શિક્ષકને રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ૫મી સપ્ટેમ્બરે, ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાળ શર્માના હસ્તે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં તેમને આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. પુરસ્કારના ભાગરૂપે એક પ્રશસ્તિપત્ર, એક ચાંદીનો મૅડલ તથા રૂ. ૧૦,૦૦૦ રોકડા આપવામાં આવ્યા. આ શાળાને ૨૫મી ઑગસ્ટે મિદનાપુર જિલ્લામાં શ્રેષ્ઠ કાર્ય કરવા માટે – મેધા પુરસ્કાર ’૯૬ આપવામાં આવ્યો હતો.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ‘મદ્રાસ સ્ટુડન્ટ્સ હોમ’ કેન્દ્ર દ્વારા સંચાલિત નિવાસી હાઇસ્કૂલના આચાર્યને તામિલનાડુ સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પ્રશસ્તિપત્ર, મૅડલ અને રૂ. ૧૦૦૦/- રોકડા પુરસ્કારરૂપે પ્રદાન કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર તામિલનાડુના શિક્ષણ ખાતાના પ્રધાન દ્વારા મુખ્યમંત્રીની અને અનેક ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો.

રામકૃષ્ણ મિશનના આલોંગ કેન્દ્ર (અરુણાચલ પ્રદેશ) દ્વારા સંચાલિત શાળાના એક વિદ્યાર્થીએ સૅન્ટ્રલ બોર્ડ ઑફ સૅકૅન્ડરી ઍજ્યુકેશન, દિલ્હી દ્વારા લેવાયેલ ઑલ ઇન્ડિયા સિનિયર સૅકૅન્ડરી સર્ટિફિકેટ (ધો.૧૨) પરીક્ષામાં આ વર્ષે આદિવાસીઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ જ શાળાના અન્ય એક વિદ્યાર્થીએ ઑલ ઇન્ડિયા સૅકૅન્ડરી સ્કૂલ (ધો.૧૦) પરીક્ષામાં આદિવાસીઓમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ જ શાળાના અન્ય એક વિદ્યાર્થીએ એન.સી.ઇ.આર.ટી. (NCERT) દિલ્હી દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાના વિજ્ઞાન સેમિનારમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રામકૃષ્ણ મિશનના નરોત્તમનગર કેન્દ્ર (અરુણાચલ પ્રદેશ) દ્વારા સંચાલિત શાળાના એક વિદ્યાર્થીએ સૅન્ટ્રલ બૉર્ડ ઑફ સૅકૅન્ડરી ઍજ્યુકેશન દ્વારા માર્ચ ’૯૬માં લેવાયેલ ઑલ ઇન્ડિયા સિનિયર સૅકૅન્ડરી સર્ટિફિકેટ (ધો.૧૨) પરીક્ષામાં અરુણાચલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શાળાના ધો.૧૦ના એક વિદ્યાર્થીને ઑલ ઇન્ડિયા ચિલ્ડ્રન આર્ટ પ્રતિયોગિતા – ૧૯૯૫માં સુવર્ણ ચન્દ્રક મેળવ્યો છે.

રામકૃષ્ણ મિશનનાં નીચેનાં કેન્દ્રો દ્વારા સંચાલિત કૉલેજોના વિદ્યાર્થીઓએ આ વર્ષે કલકત્તા યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષામાં નીચેનાં સ્થાનો પ્રાપ્ત કર્યાં છેઃ

નરેન્દ્રપુર રસાયણશાસ્ત્ર – ૧, ૨, અને ૮, ભૌતિકશાસ્ત્ર – ૪, આંકડાશાસ્ત્ર ૧ અને ૪, ગણિત – ૨ અને ૬

શારદાપીઠ વિદ્યામંદિર રસાયણશાસ્ત્ર – ૭ અને ૧૦, ભૌતિકશાસ્ત્ર – ૭, ગણિત-૧, ૬ (૨ વિદ્યાર્થીઓ) અને ૭

રામકૃષ્ણ મિશન દ્વારા રાહત કાર્યો

રામકૃષ્ણ મિશન દ્વારા પં.બંગાળમાં (માલદા જિલ્લામાં) અને રાજસ્થાનમાં (ભરતપુર જિલ્લામાં) પૂરપીડિતો માટે રાહત કાર્ય- કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં ધરતીકંપથી પીડિત લોકોના પુનર્વસવાટના રાહત કાર્યના ભાગરૂપે ‘વિવેકાનંદ ગ્રામ વિકાસ પ્રકલ્પ’ નામની યોજના લાતુર જિલ્લામાં સર્વાંગીણ ગ્રામ વિકાસ માટે પ્રારંભ કરવામાં આવી છે.

વલસાડમાં સ્વામી વિવેકાનંદજીની કાંસ્ય પ્રતિમાની પ્રતિષ્ઠાની યોજના

શ્રીરામકૃષ્ણ સેવા સંસ્થાના, વલસાડ દ્વારા વલસાડના અગ્રણી નગરજનોના સહયોગથી વલસાડમાં ઍસ.ટી. સ્ટેન્ડ સામે સ્વામી વિવેકાનંદજીની સાડા સાત ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠાનું આયોજન થઇ રહ્યું છે. ૧૮મી ફેબ્રુઆરી ‘૯૭ સુધીમાં આ પ્રતિમાની પ્રતિષ્ઠા થઇ જાય તે માટેના પ્રયત્નો ભાવિકજનો કરી રહ્યા છે; સ્મારક સમિતિના અંદાજ પ્રમાણે આ માટે લગભગ રૂ. ૧૦ લાખનો ખર્ચ થશે. સ્વામી વિવેકાનંદજીના વિચારોથી વલસાડના નગરજનો, વિશેષરૂપે યુવા વર્ગ પ્રેરણા પ્રાપ્ત કરી પોતાનું જીવન ઘડતર કરી શકે એવા મહાન ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું છે.. તન, મન, ધન દ્વારા આ ઉમદા કાર્યમાં સહાયભૂત થવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

રાજકોટમાં ‘મૅનૅજમેન્ટ અને ઉચ્ચમૂલ્યો’ વિશે સેમિનાર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, રોટરી ક્લબ ઑફ રાજકોટ ગ્રેટર અને રોટરી કલબ ઑફ રાજકોટ-મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે આશ્રમના પ્રાંગણમાં મૅનૅજમેન્ટ’ના ક્ષેત્રમાં તેમ જ જીવનના અન્ય ક્ષેત્રોમાં ઉચ્ચ મૂલ્યો દ્વારા દક્ષતા, સફળતા અને પૂર્ણતા કેવી રીતે મળી શકે તે વિશેનો દ્વિ-દિવસીય સેમિનાર તા. ૨૬ અને ૨૭ ઑક્ટોબર ‘૯૬ના રોજ યોજાયો હતો, જેનો ૫૦૦થી વધુ ઉદ્યોગપતિઓ, ઑફિસરો, ડૉક્ટરો, શિક્ષકો વગેરે પ્રતિનિધિઓએ લાભ ઉઠાવ્યો હતો. ઍમ. ઍમ. સી. સ્કૂલ ઑફ મૅનૅજમેન્ટ, મુંબઇના સંસ્થાપક અને ડાયરેક્ટર સુપ્રસિદ્ધ મૅનૅજમેન્ટ કન્સલ્ટન્ટ ડૉ. એન. એચ. અથ્રેય, જર્મનીમાં મૅનૅજમેન્ટની શિક્ષા પ્રાપ્ત કરી મુંબઇમાં કન્સલ્ટન્સીમાં કાર્યરત શ્રી સુરેશ પંડિત, વડોદરાના સુપ્રસિદ્ધ મૅનૅજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રી જી. નારાયણ, ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝના મૅનૅજિંગ ડાયરેક્ટર શ્રી અતુલ શ્રોફ, ગ્રામવિકાસના કાર્યોમાં અદ્ભુત સફળતા મેળવનાર શ્રીમતી શ્રુતિબહેન શ્રોફ, શિક્ષણ ક્ષેત્રે સફળતાપૂર્વક અભિનવ પ્રયોગો કરનાર શ્રી ચંદ્રકાન્તભાઈ પાઠક, સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી શશિકાંતભાઇ મહેતા, વિપશ્યના પર પ્રયોગો કરનાર મુંબઇના શ્રી જયંતીભાઇ શાહ, સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી વગેરેએ વિભિન્ન વિષયો પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રશ્નોત્તરી, ચર્ચા-વિચારણા પણ થઇ હતી. સેમિનારના અંતમાં પ્રતિનિધિઓએ પ્રતિભાવ આપતાં આવા સુંદર સેમિનાર અવારનવાર યોજાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. રોટરી કલબ વતી ડૉ. સુનીલ મોદીએ આભાર-દર્શન કર્યું હતું.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.