• દરેક જણ નિસાસો નાખીને કહે છે કે, ‘આ સંસારમાં આટલું બધું દુઃખ છે. અમે ઇશ્વરની આટલી બધી પ્રાર્થના કરી, તેમ છતાં દુઃખનો પાર નથી.’ પરંતુ દુઃખ તો ઇશ્વરની બક્ષિસ છે. એ તો તેની કરુણાનું પ્રતીક છે.
  • મનુષ્ય અવતારમાં ક્યાંય પણ સુખ નથી. ખરેખર સંસાર દુઃખથી ભરેલો છે. સુખ તો નામનું જ છે. જેના ઉપર ઠાકુરની દયા થઈ છે, તે જ તેમને સાક્ષાત્ ઇશ્વરરૂપે ઓળખી શક્યા છે, અને યાદ રાખો કે એ જ એક માત્ર સુખ છે.
  • શ્રીરામકૃષ્ણમાં વિશ્વાસ રાખો, તેઓ તમારાં દુ:ખોમાંથી તમને ઉગારી લેશે અને તમને માનસિક શાંતિ આપશે. ભગવાનના નામનો ઉચ્ચાર કરો અને બીજાનાં દુષ્કર્મોનો ભાર પોતાના ઉપર લેવાથી શ્રીરામકૃષ્ણને કેવાં દુઃખ ભોગવવાં પડ્યાં હતાં, તેનો વિચાર કરો. તેમ કરવાથી તમારાં શરીર અને મન પવિત્ર થતાં જાય છે એમ તમને માલૂમ પડશે. ઇશ્વરાવતાર અને તદ્દન પવિત્ર હોવા છતાં બીજાઓને માટે શ્રીરામકૃષ્ણે કેટલું બધું દુઃખ ભોગવ્યું હતું! અને તેમ છતાં એક ક્ષણ પણ મહાભાવથી કે આદ્યાશક્તિના મંગલમય ચિંતનમાંથી તેઓ વિચલિત થયા ન હતા, તે વાતનું સ્મરણ કરશો, તો તમારો શોક અને તમારાં દુઃખ વિસાત વગરનાં લાગશે.
  • ઠાકુર તમારું રક્ષણ કરશે. તેના ઉપર આધાર રાખીને તમારે જીવન ગાળવું. તેમની ઈચ્છા હોય તો તમારું ભલું કરે અથવા તેમને ગમે તો તમને ડૂબાડે. પરંતુ તમારે જે ધર્મસંગત હોય તે જ કરવું અને તે પણ તેમણે તમને આપેલી શક્તિ અનુસાર.
  • દિવસમાં પંદરથી વીસ હજાર નામ જપ કરવામાં આવે, તો મન સ્થિર થઈ જાય. ખરેખર એમ જ છે… મેં પોતે તેનો અનુભવ કર્યો છે. પહેલાં તો સૌ તેનું આચરણ કરી જુએ; અને પછી જો એમ ન બને તો ફરિયાદ કરે.
  • જો કોઈ માનવીને ચાહશો તો તેને માટે દુ:ખ ભોગવવું પડશે. જે માત્ર ઇશ્વરને જ ચાહે તેનું જીવતર ધન્ય છે. ઇશ્વરને ચાહે તેમાં દુ:ખ નહીં. હું તમને એક વાત કહું છું : જો તમારે માનસિક શાંતિ જોઈતી હોય, તો બીજા કોઈના દોષ જોવા નહીં. તેથી ઊલટું તમારા જ દોષ જોતાં શીખો. આખી દુનિયાને તમારી કરતાં શીખો. અહીં કોઈ અજાણ્યું નથી, બેટા! આખી દુનિયા તારી પોતાની જ છે. બીજાની ભૂલ જુએ તે પહેલાં માણસનું પોતાનું મન જ કલુષિત થાય છે
  • કોઈ બધો વખત યાતના ભોગવી શકે નહીં. પૃથ્વી પર કોઈ આખી જિંદગી દુઃખમાં કાઢવાનું નથી. દરેક કર્મ તેનું પરિણામ લાવે છે અને તે પ્રમાણે દરેકને તક મળે છે.
  • મારું બાળક કાદવથી ખરડાઈ ગયું હોય, અથવા તેને ધૂળ ચોંટી ગઈ હોય, તો તેને સાફ કરવાની અને પછી મારા ખોળામાં લેવાની શું મારી ફરજ નથી?
  • જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભુંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે છે.
  • મુસીબતો તો આવે. પણ તે કંઈ જિંદગીભર બેઠી રહેતી નથી. તમને માલૂમ પડશે કે એ બધી પુલ નીચેના પાણીની માફક સડસડાટ ચાલી જાય છે.
Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.