• આ એક મહાન સત્ય છે, શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદ રૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત તાણ અને યાતના છે; મૃત્યુ છે.
  • વેદાંત કહે છે કે દુઃખનું એક માત્ર કારણ નબળાઈ છે. આપણે દુઃખી થઈએ છીએ તેનું કારણ એ છે કે, આપણે નબળા છીએ. આપણે ખોટું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, ખૂન કરીએ છીએ,; બીજા પણ ગુના કરીએ છીએ, કારણ કે આપણે નબળા છીએ. આપણે હેરાન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. આપણે મૃત્યુને આધીન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. જ્યાં આપણને દુર્બળ બનાવે એવું કંઈ જ ન હોય ત્યાં મૃત્યુ કે શોક હોય જ નહિ, આપણે ભ્રમને લીધે દુ:ખી છીએ. ભ્રમને છોડી દો એટલે આખી વસ્તુ અદૃશ્ય થઈ જશે.
  • લક્ષ્યે પહોંચવાનો એકમાત્ર માર્ગ આ જ છે, કે પોતાની જાતને તેમ જ બીજા સર્વ કોઈને કહેવું કે આપણે દિવ્ય છીએ. જેમ જેમ આપણે આનું રટણ કરતા જઈશું. તેમ તેમ શક્તિ આવતી જશે. પ્રથમ જે લથડિયાં ખાતો હશે તે વધુ ને વધુ બળવાન બનતો જશે; અવાજનું જોર વધશે ને અંતે સત્ય આપણા હૃદયનો કબજો લઈ લેશે; આપણી નાડીઓમાં સત્ય વહેવા લાગશે, આપણાં શરીરોમાં સત્ય ઓતપ્રોત થઈ રહેશે.
  • જેઓ બીજાને દોષ દે છે – અને અફસોસની વાત છે કે તેવાઓની સંખ્યા રોજ રોજ વધ્યે જાય છે – તેઓનાં મગજ નબળાં પડી જાય છે; તેઓ સાધારણ રીતે દુઃખી થાય છે. તેઓ પોતાની જ ભૂલોથી એ દશાએ પહોંચ્યા હોય છે; છતાં દોષનો ટોપલો બીજાઓને માથે ઓઢાડે છે. પણ એથી કાંઈ તેમની દશા બદલાતી નથી; એથી એમને કંઈ પણ લાભ પણ નથી થતો. બીજાઓ ઉપર દોષ ઢોળી નાખવાનો તેમનો પ્રયત્ન ઊલટા તેમને વધુ નબળા બનાવે છે. માટે તમારા પોતાના જ દોષને માટે અન્ય કોઈનો વાંક કાઢો નહિ; તમારા પોતાના પગ પર ખડા રહો; બધી જવાબદારી પોતાના માથે લો, એમ બોલો કે, ‘જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે. અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે.’ જે આપણે સર્જ્યુ તેનો નાશ આપણે કરી શકીએ; પણ જે બીજા કોઈની કૃતિ હોય તેનો આપણાથી કદી નાશ કરી શકાય નહિ. માટે ખડા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ.
  • જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. ‘ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી.’ તમારી સામે અનંત ભાવિ પડેલું છે; હંમેશા યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો તે તમારે માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે; વળી જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવા તૈયાર હોય છે, તેમ જ બીજે પક્ષે પ્રેરક આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર હોય છે.
  • નબળાઈનું ચિંતન કર્યા કરવું એ નબળાઈ દૂર કરવાનો ઉપાય નથી, પરંતુ શક્તિનું ચિંતન કરવું એ એનો ઉપાય છે. મનુષ્યની અંદર પ્રથમથી જ જે બળ રહેલું છે તે તરફ સભાન બનાવો. તેનું ધ્યાન ખેંચો. તમે પાપી છો તેમ કહેવાને બદલે વેદાંત એથી વિરુદ્ધ જઈને કહે છે કે, ‘તમે પવિત્ર અને પૂર્ણ છો; જેને તમે પાપ કહો છો, તે તમારામાં નથી.’ પાપો એ આત્માની અભિવ્યક્તિની નીચી કક્ષા છે; તમારા આત્માને ઉચ્ચ માત્રામાં અભિવ્યક્ત કરો. યાદ રાખવાની બાબત એ એક જ છે; અને આપણે સહુ એ કરી શકીએ છીએ. કદી ‘ના’ કહો નહીં, મારાથી બનતું નથી, એમ કદી ન કહો, કારણ કે તમે અનંત છો, તમારી પ્રકૃતિની તુલનામાં દેશ અને કાળ કંઈ હિસાબમાં નથી, તમે સર્વ કંઈ કરી શકો છો; તમે સર્વશક્તિમાન છો.
  • મનુષ્યને ખડો કરી કામ કરાવનાર કોણ છે? સામર્થ્ય. સામર્થ્ય એ ભલાઈ છે, દુર્બળતા એ પાપ છે. ઉપનિષદોમાંથી બૉમ્બની પેઠે નીકળી આવતો અને અજ્ઞાનના સમૂહ પર ધડાકાભેર પડતો જો કોઈ એક શબ્દ દેખાતો હોય તો તે છે અભીઃ – નિર્ભયતા. શીખવવા જેવો જે એક માત્ર ધર્મ છે, તે નિર્ભયતાનો ધર્મ છે. આ વ્યાવહારિક જગતમાં કે ધાર્મિક જગતમાં એ સાચું છે કે ભય એ જ અધઃપતન અને પાપનું મુખ્ય કારણ છે. દુઃખને લાવનાર ભય છે. મૃત્યુને બોલાવનાર ભય છે, અનિષ્ટને ઉછેરનાર ભય છે : પરંતુ ભયને કોણ ઉત્પન્ન કરે છે? આપણા સ્વસ્વરૂપનું અજ્ઞાન.
  • સામર્થ્ય, આપણા માટે સામર્થ્ય જોઈએ. જરૂર છે સામર્થ્યની. એ શક્તિ આપણને કોણ આપશે? આપણને દુર્બળ બનાવનાર તો હજારો લોકો છે; વાતોનાં વડાં તો હવે બહુ થયાં… એક રાષ્ટ્ર તરીકે આપણને નબળા પાડે એવી અનેક વસ્તુઓ છેલ્લા એક હજાર વરસથી આપણામાં આવી છે. એવું દેખાય છે કે જાણે એ સમય દરમિયાન આપણા રાષ્ટ્રીય જીવનની નજર સામે એક જ ધ્યેય હતું, કે આપણે વધુ ને વધુ નબળા કેમ બનીએ! તે ને એટલે સુધી કે આપણે સાચેસાચ અળશિયાં જેવાં થઈ ગયાં છીએ. અને જે કોઈ આપણે માથે પગ મૂકવાની હિંમત ધરાવે તે દરેકના પગ ચાટવા જ જીવીએ છીએ. એટલા માટે, મારા મિત્રો! તમારા એક સગા ભાઈ તરીકે, જીવનમાં અને મૃત્યુમાં તમારા સાથી તરીકે, હું તમને કહેવા માગું છું કે આપણે જોઈએ છે સામર્થ્ય, સામર્થ્ય અને હર સમયે સામર્થ્ય!
  • શારીરિક, માનસિક કે આધ્યાત્મિક શિક્ષણ લેતાં તમામ સ્ત્રીપુરુષો ને બાળકોને, દરેકને હું આ એક જ સવાલ પૂછું છું : તમે બળવાન છો? તમને તાકાતનો અનુભવ થાય છે? કારણ કે હું જાણું છું કે એક સત્ય જ શક્તિ આપે છે. હું જાણું છું કે એકલું સત્ય જ જીવન આપે છે; બીજું કશું જ નહીં; માત્ર સત્ય તરફનું પ્રયાણ જ સત્ય પ્રત્યે અભિમુખ થવાથી જ આપણને બળવાન બનાવશે; બળવાન બન્યા સિવાય સત્યને કોઇ પ્રાપ્ત કરવાનું નથી. તેથી જે જે વિચાર પદ્ધતિ મનને નબળું પાડે, માણસને વહેમી બનાવે, માણસને સોગિયો બનાવે, તેનામાં રહસ્યોની ને વહેમોની ઇચ્છા ઊભી કરે, તે મને પસંદ નથી, કારણ કે તેની અસર જોખમકારક છે. આવી વિચાર પદ્ધતિઓ કદીએ કશું જ સારું પરિણામ નથી લાવતી. આવી બાબતો મનમાં રોગ ઉત્પન્ન કરે છે, તેને નબળું પાડી નાખે છે; એટલું નબળું પાડી દે છે કે સમય જતાં તેનાથી સત્યને ગ્રહણ કરવું કે તે અનુસાર જીવન જીવવાનું લગભગ અશક્ય થઇ જાય છે. તેથી એક માત્ર આવશ્યક વસ્તુ છે શક્તિ.

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદની અભયવાણી’માંથી સંકલિત)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.