પોરબંદરનો ભોજેશ્વર બંગલો રામકૃષ્ણ મઠ અને મિશનને સમર્પિત : સ્વામી વિવેકાનંદજીનું ભવ્ય સ્મારક બનશે

પરિવ્રાજકરૂપે દેશનું ભ્રમણ કરતી વખતે (ઈ.સ.૧૮૯૧-૯૨માં) પોરબંદરમાં જે સ્થળે સ્વામી વિવેકાનંદજીએ ચાર માસથી વધુ સમય ગાળ્યો હતો તે ઐતિહાસિક ભોજેશ્વર બંગલાને ગુજરાત સરકારે રામકૃષ્ણ મઠ અને મિશનને ‘સ્વામી વિવેકાનંદ સ્મારક’ બનાવવા સોંપી દીધો છે. તા. ૧૨મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન – રાષ્ટ્રીય યુવા દિનના ઉપલક્ષ્યમાં પોરબંદરમાં ભોજેશ્વર બંગલાની પાસે એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું, જેમાં લગભગ ત્રણ હજાર વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યુવા ભાઈ-બહેનો તેમ જ બહોળી સંખ્યામાં હાજર રહેલ પોરબંદરના વરિષ્ઠ નગરજનોની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રેટરી સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને સરકારી દસ્તાવેજો ઔપચારિકરૂપે સુપ્રત કર્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ પોતાના સ્વાગત પ્રવચનમાં મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ શ્રી ચીમનભાઈ શુકલ, મૅરીટાઈમ બૉર્ડના ચૅરમેન શ્રીનરસિંહભાઈ પઢિયાર, ખાદ્ય અને પુરવઠા વિભાગના મંત્રી શ્રી જશાભાઈ બારડ, આદિવાસી વિકાસના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ સોંદરવા, જૂનાગઢના કલેક્ટરશ્રી એમ.ડી.માંકડ, સભામાં ઉપસ્થિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમ જ પોરબંદરના નગરજનોને આવકાર્યા હતા. માજી મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતાએ આ મહાન કાર્ય માટે જહેમત ઉઠાવ્યા પછી શ્રી વાઘેલાએ આ વિશે ત્વરિત નિર્ણય લઈ સ્વામી વિવેકાનંદજીના જન્મદિને જ આ ઐતિહાસિક બંગલો રામકૃષ્ણ મઠ અને મિશનને સોંપવા બદલ શ્રી વાઘેલાને તેમ જ અન્ય અધિકારીઓને સ્વામી જિતાત્માનંદજીએ હાર્દિક અભિનંદન આપ્યાં હતા.

મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલાએ યુવા વિદ્યાર્થી ભાઈ-બહેનોને સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશને અમલમાં મૂકી વ્યક્તિત્વ ઘડતરની સાથે રાષ્ટ્ર ઘડતર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્વામી વિવેકાનંદનું રાષ્ટ્રને કેવું અને કેટલું પ્રદાન રહ્યું છે તેની સમીક્ષા ભારતીય ધર્મ અને અધ્યાત્મને કેન્દ્રમાં રાખી તુલના કરતાં જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીના વિચારો આજે અત્યંત પ્રાસંગિક છે. તે વિચારોનો પ્રસાર રામકૃષ્ણ મઠ અને મિશન કરી રહ્યું છે માટે ગુજરાત સરકાર આ સંસ્થાને જોઈતી બધી સવલતો પૂરી પાડવા તત્પર છે.

બેલુર મઠથી પધારેલા રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રેટરી સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તેમના વસવાટ કાળની સ્મૃતિ તાજી કરી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને ગરિમાની પ્રશંસા કરી હતી. આ સ્થળે સ્વામી વિવેકાનંદનું ભવ્ય સ્મારક થઈ રહ્યું છે તેને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની પ્રેરણા ગણાવી આ માટે પોરબંદરના નાગરિકોને તેમણે અભિનંદન આપ્યા હતાં.

આ પહેલાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હસ્તે વિશેષ અતિથિઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી ચીમનભાઈ શુક્લ, શ્રી નરસિંહભાઇ પઢિયાર, શ્રી જશાભાઈ બારડ, શ્રી બચુભાઈ સોંદરવા, કલૅક્ટર શ્રી એમ.ડી.માંકડ, ‘લય’ના અધ્યક્ષ શ્રી રમેશભાઈ હિંગલાજિયા, પોરબંદર ચૅમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ શ્રી ભગુભાઈ દેવાની, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૉમર્સ ફૅકલ્ટીના ડીન શ્રી પી.એમ.જોષી, પુરાતત્ત્વ સંશોધન મંડળ, પોરબંદરના અધ્યક્ષ શ્રી નાથાભાઈ રાયા૨ેલા, પોરબંદર નગરપાલિકાના ચીફ ઍન્જિનિયર શ્રી મનુભાઈ વિઠલાણી વગેરેનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને તેઓને સ્વામી વિવેકાનંદજીની છબી તેમ જ સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકો ભેટરૂપે આપવામાં આવ્યાં હતાં.

સ્વામી વિવેકાનંદજીના વિચારોનો પ્રસાર પોરબંદરમાં કરવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ કેન્દ્રના સભ્યો – શ્રી પી.એમ. જોષી, શ્રી જ્યોતિબહેન થાનકી, શ્રી સુમનસિંહ ગોહિલ, શ્રીમતી મિન્ટુબહેન દાસાણી વગેરે પ્રસંશનીય કાર્ય કરી રહ્યાં છે. આ સૌનો તેમ જ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓનો, વિદ્યાર્થી ભાઈ-બહેનોનો, પ્રેસના પ્રતિનિધિઓ વગેરેનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કાર્યક્રમના અંતમાં આભાર માન્યો હતો. આ સાથે ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ, અધિકારીઓ, વિશેષરૂપે મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ અને માર્ગ તથા મકાન વિભાગના ગાંધીનગરનાા અધિકારીશ્રીઓ; જૂનાગઢના કલૅક્ટર શ્રી; જૂનાગઢ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને સ્ટાફ, પોરબંદરના ડૅપ્યુટી કલૅક્ટર તેમ જ સ્ટાફનો આ બંગલાને સુપ્રત કરવાની કાર્યવાહી આટલી તત્પરતાથી કરવા બદલ તેમણે હાર્દિક આભાર માન્યો હતો.

રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી પ્રસંગે રાજકોટમાં સ્વામી આત્માનંદજી મહારાજનું પ્રવચન

૧૮૯૭ના મે મહિનામાં સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આથી ૧૯૯૭-૯૮માં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી દેશ-વિદેશમાં મોટા પાયે કરવામાં આવશે. રાજકોટમાં આ ઉજવણીનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ૧૩મી જાન્યુઆરીના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રેટરી સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના પ્રવચન દ્વારા થયો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલ ભક્તજનોને સંબોધતાં પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કહ્યું કે રામકૃષ્ણ મિશનનો મૂળમંત્ર છે : ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ.’ રામકૃષ્ણ મિશનની વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતાં તેમણે કહ્યું કે આજે દેશ-વિદેશમાં અનેક સ્થળોએથી નવાં કેન્દ્રો પ્રારંભ કરવાની માગણી આવી રહી છે, આ જ રામકૃષ્ણ મિશનનો પ્રભાવ અને તેની લોકપ્રિયતા સૂચવે છે. આ બધી પ્રવૃત્તિઓના મૂળમાં શ્રીરામકૃષ્ણદેવનો ‘શિવજ્ઞાનથી જીવસેવા’ નો ઉપદેશ રહેલો છે, એમ જણાવી તેમણે ગૃહસ્થ ભક્તોને પણ રામકૃષ્ણ મિશનની વિવિધ પ્રવૃતિઓમાં તન, મન, ધનથી સહાયરૂપ થવા અપીલ કરી હતી. વિશેષમાં તેમણે જણાવ્યું કે રામકૃષ્ણ મિશન દ્વારા સ્વામી વિવેકાનંદજીના કલકત્તાના મૂળ નિવાસસ્થાનને સ્મારકમાં પરિવર્તિત કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે, આ માટે મોટી ધનરાશિની આવશ્યકતા છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુજરાતની ઉદાર જનતા આ પાવન કાર્ય માટે અવશ્ય આગળ આવશે.

ભૂજમાં શ્રીરામકૃષ્ણ સેવા-ભવન શિલાન્યાસ સમારંભ

ભૂજમાં છેલ્લાં ૨૭ વર્ષોથી શ્રીરામકૃષ્ણ યુવક મંડળ દ્વારા અનેવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે. તા. ૧૯મી ડિસેમ્બર ૧૯૯૬ના રોજ સવારના ૧૦-૩૦ વાગે, આ સંસ્થાને તાજેતરમાં સંસ્કારનગરમાં દાનસ્વરૂપે મળેલી જમીનમાં, શ્રીરામકૃષ્ણ સેવાભવનનો શિલાન્યાસ સમારંભ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો. શિલાન્યાસ વિધિ સ્વામી જિતાત્માનંદજી મહારાજના વરદ્ હસ્તે સંપન્ન થયો. તે જ દિવસે સાંજે ભૂજના ટાઉનહૉલમાં એક જાહેર સભાનું આયોજન થયું હતું, જેમાં નગરવાસીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. સ્વામી જિતાત્માનંદજીએ ‘જીવનમાં સફળતા અને પરિપૂર્ણતા માટે આધ્યાત્મિક માર્ગ વિષય પર, સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘જીવનવ્યવહારમાં અધ્યાત્મ’ વિષય પર અને આકાશવાણી ભુજના ડાયરૅક્ટર શ્રી જયંતિભાઈ જોષીએ ‘સાફલ્યનું સરનામું’ વિષય પર રોચક વક્તવ્યો આપ્યાં હતાં. આ સમારંભમાં શ્રીરામકૃષ્ણ યુવક મંડળ દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં.

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.