(વિશેષ વિજ્ઞપ્તિ)

૧લી મે ૧૯૯૭થી ૧૯૯૮ સુધી રામકૃષ્ણ મિશનનો શતાબ્દી મહોત્સવ ઊજવવાનો નિર્ણય થયો છે. આના શુભારંભ રૂપે સ્વામી વિવેકાનંદના ભારતમાં પુનરાગમનનો શતાબ્દી મહોત્સવ પણ મિશન ઉજવશે.

જીવનનો સૌથી મહત્ત્વનો અને પ્રથમ આદર્શ છે આધ્યાત્મિક અનુભૂતિ. આ વિશે ભારતમાં અને વિશ્વમાં લોકોને સચેત – જાગ્રત કરવા – એ આ બંને જોડિયા મહોત્સવની ઉજવણી પાછળનો ઉદ્દેશ છે.

પશ્ચિમના દેશોમાંથી સ્વામીજીનું ભારતમાં પુનરાગમન – શતાબ્દી મહોત્સવ :

૧૮૯૭ની ૨૬મી જાન્યુઆરીના શુભ દિને વિદેશમાંથી ભારતની ભૂમિ પર દક્ષિણ ભારતના પંબનમાં સ્વામીજીએ સૌ પ્રથમ પોતાના પવિત્ર ચરણ મૂક્યા. બીજે દિવસે તેઓ રામેશ્વર પહોંચ્યા. બીજી ફેબ્રુઆરીએ મદુરાઈ અને છઠ્ઠી ફેબ્રુઆરીએ તેઓ મદ્રાસ આવ્યા. ત્યાંથી દરિયાઈ માર્ગે વહાણમાં ૧૮મી ફેબ્રુઆરીએ બજબજ પધાર્યા. ત્યાંથી ૧૯મી ફેબ્રુઆરીની વહેલી સવારે ૭.૩૦ કલાકે કલકત્તાના સિયાલદા સ્ટેશને પહોંચ્યા. એ જ દિવસે રિપન કૉલેજ – આજની સુરેન્દ્રનાથ કૉલેજમાં તેમનું ભવ્ય અભિવાદન થયું. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૯૭ના રોજ શોભા બજાર – રાજવાડી ખાતે કલકત્તાના નાગરિકો દ્વારા એમનો ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો.

ઉપર્યુક્ત સ્થળો ઉપરાંત સ્વામીજીએ પોતાના ભારત પરિભ્રમણ સમયે જે જે શહેરી-ગ્રામોની મુલાકાત લીધી હતી તે બધાં સ્થળોએ આ મહોત્સવ દરમિયાન યોગ્ય સ્મરણાંજલિ અપાય એ આ પ્રસંગને શોભારૂપ બની રહેશે.

સ્વામીજીની જે તે સ્થળની મુલાકાતની તારીખની આસપાસ આ શતાબ્દીની ઉજવણીની તારીખ ગોઠવાય એ વધુ સુયોગ્ય રહેશે. રામકૃષ્ણ સંઘનાં શાખા કેન્દ્રો, ભાવિક ભક્તજન – સમૂહો આવાં સ્થળોએ સુયોગ્ય રીતે આ મહોત્સવ ઉજવે તેવી હાર્દિક વિનંતિ.

ચર્ચા વિચારણાના વિષયો આ પ્રમાણે રાખવાનું અમારું વિનમ્ર સૂચન છે :

૧. સ્વામીજીનું પશ્ચિમના દેશોમાં પરિભ્રમણ અને પાશ્ચાત્ય લોકોનાં મન અને વિચારસરણી પર તેનો પ્રભાવ.
૨. સ્વામીજીની પશ્ચિમના દેશોની મુલાકાત અને તેની ભારતના લોકોનાં મન-વિચારસરણી પર પડેલ અસર-પ્રભાવ.
૩. ભારતવર્ષના પુનર્જાગરણમાં સ્વામીજીનું યોગદાન.
૪. ભારતના વિધવિધ સ્થળોમાં સ્વામીજીનું થયેલું અનોખું અભિવાદન.
૫. સ્વામીજીનાં સંભાષણોએ સમગ્ર રાષ્ટ્રને કેટલું અને કેવી રીતે ઝંકૃત કર્યું?
૬. સ્વામીજીએ પોતાના દેશ બાંધવોને કરેલું આહ્વાન અને લોકોએ આપેલો તેનો પ્રતિસાદ.
૭. સ્વામીજીની દૃષ્ટિએ ભારતની નિર્બળતાઓ અને તેની શક્તિઓ.
૮. નવભારત વિશે સ્વામીજીની યુગદૃષ્ટિ.
૯. નવલા વિશ્વનો આકાર આપવામાં ભારતનું કિંકર્તવ્ય.
૧૦. વ્યવહારુ વેદાન્ત : એક સંકલ્પના અને તેનું આચરણ.
૧૧. સ્વામી વિવેકાનંદ અને તેમનો વૈશ્વિક પ્રેમ.

આ બધા વિષયોની ચર્ચા બિન-જાતીયતા અને બિન-સાંપ્રદાયિકતાને જ ધ્યાનમાં રાખીને થશે. સ્વામીજીની સફળતા એમની વૈયક્તિક સફળતા ન હતી, કોઈ જ્ઞાતિ-જાતિ કે સંપ્રદાયની સિદ્ધિ ન હતી. પણ એમની સફળતા સમગ્ર ભારત વર્ષના પ્રજાજનોની સફળતા હતી, એ વાસ્તવિક વાત પર ભાર મૂકવો જોઈએ. સ્વામીજીની સિદ્ધિઓ – સફળતા – શાશ્વત ભારતની ભાવના – એટલે પ્રેમ અને સદ્ભાવનો જ્વલંત વિજય.

રામકૃષ્ણ મિશનનો શતાબ્દી મહોત્સવ

રામકૃષ્ણ મિશનની ઉદ્ઘાટન સભામાં સ્વામીજીએ મિશનના હેતુઓ-આદર્શ-સંક્ષેપમાં સમજાવ્યા હતા. કમનસીબે આજે ય કેટલાક લોકો મિશનના આ આદર્શ હેતુઓથી અજાણ છે. આ જ આદર્શો મિશનને અનન્ય બનાવે છે. લોકો મિશનના કાર્યથી વાકેફ હશે પણ એના સેવાકાર્ય પાછળના સદ્ભાવના – જુસ્સાથી પરિચિત ન પણ હોય, અને એટલે જ મિશનના ધુરંધરોએ રામકૃષ્ણ મિશનની શતાબ્દી વિશાળ પાયે ઉજવવાનું નક્કી કર્યું છે.

વિવિધ કાર્યક્રમોનું આયોજન આ પ્રમાણે છે :

૧. બેલુર મઠ અને બલરામ મંદિરમાં ૧લી મે – ‘૯૭ના રોજ વિશેષપૂજાથી આ મહોત્સવનો મંગળ પ્રારંભ થશે.

આ જ દિવસે સાંજે શક્ય ગિરીશમંચ, બાગ બજાર પાસે એક જાહેરસભાનું આયોજન કર્યું છે. એ સભામાં મિશનના આદર્શ – હેતુઓની ચર્ચા થશે.

૨. દેશભરના મુખ્ય શહેરોમાં પણ જાહેરસભાઓનું આયોજન થશે. મિશનનાં શાખા કેન્દ્રો પણ ૧લી મે’૯૭ના રોજ વિશેષ પૂજા અને શક્ય હોય તો જાહેરસભાનું આયોજન કરે. રાજ્યની રાજધાનીનાં શહેરોમાં આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાય તેવી વ્યવસ્થા કરવી.

૩. આ ઉપરાંત ત્યાં અને જ્યારે શક્ય હોય ત્યાં અને ત્યારે જાહેરસભાઓનું આયોજન કરવું. આ સભાઓનું એવી રીતે આયોજન થવું જોઈએ કે લોકોને આ બાબતનો સ્પષ્ટ ખ્યાલ આવે કે આ વર્ષ એક વિશિષ્ટ વર્ષ છે, સ્વામી વિવેકાનંદને સમર્પિત થતું વર્ષ છે.

૪. સભા-સરઘસ, પ્રદર્શન, વિવિધ સ્પર્ધાઓ અને ‘યુવ મિલન’ યોજી શકાય. પડતર કિંમતે મળી રહે તે રીતે ઓડિયો વિડિયો કૅસૅટોનું વિતરણ-વેચાણનું આયોજન પણ થશે.

૫. મઠ કે મિશનનાં બધાં શાખાકેન્દ્રોમાં આ શતાબ્દી મહોત્સવ ઉજવાશે. વિદેશનાં શાખા કેન્દ્રમાં પણ આ શતાબ્દી મહોત્સવની ઉજવણી સુયોગ્ય રીતે થશે.

૬. મિશનની કાર્યસેવાના બહોળા પ્રચાર-પ્રસાર માટે માસ-મૅગા માધ્યમોનો સાથ-સહકાર લેવામાં આવશે.

શતાબ્દી મહોત્સવનાં વિશિષ્ટ પ્રકાશનો :

વિવિધ દેશોના ગણમાન્ય પ્રતિભાશાળી વિદ્વાનોના લેખોની સમૃદ્ધ વાચન-સામગ્રી સાથે ‘રામકૃષ્ણ મિશનનાં ૧૦૦ વર્ષ’ (Ramakrishna Mission : One Hundred Years) નામે એક ‘સ્મૃતિગ્રંથ’નું પ્રકાશન થશે. વિદ્વાનોના પ્રાસંગિક લેખો સાથેના રામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ ભાષાઓનાં સામયિકોના વિશેષાંક પ્રકાશિત થશે. બીજાં સામયિકો પણ આવી વિશેષ વાચન સામગ્રી સાથે અંકો બહાર પાડે તેમ જ વર્તમાનપત્રો-સામયિકો મિશનની સેવા પ્રવૃત્તિના પ્રદાનને બહોળી પ્રસિદ્ધિ આપે તેવી બધાને વિનંતી કરવામાં આવશે. સ્વામીજીના સેવાના સંદેશને કેન્દ્રિત કરતા વિચારોવાળી પુસ્તિકાઓનું વિવિધ ભાષાઓમાં પ્રકાશન થશે. આ પુસ્તિકાઓનું નિઃ શુલ્ક વિતરણ થશે, અથવા પડતર કિંમતે વેચાણ થશે.

મહોત્સવના વર્ષાન્ત કાર્યક્રમો

વર્ષભરની આ મહોત્સવની ઉજવણીના અંતે કલકત્તા અને બેલુરમઠમાં વિવિધ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાઓમાં વિવિધ દેશોના વિદ્વત્જનો અને વિવિધ ધર્મના જ્ઞાતાઓ ભાગ લેશે. મિશનની વિવિધ ક્ષેત્રોની સેવાઓની ઝલક આપતું એક પ્રદર્શન પણ બેલુરમઠમાં યોજાશે.

જનરલ કમિટી

શતાબ્દી મહોત્સવને અમલમાં મૂકવા એક જન૨લ કમિટી બનાવવામાં આવી રહી છે. નાત-જાત-દેશના ભેદભાવ વગર દરેક એવી વ્યક્તિ આ કમિટીની સભ્ય બની શકશે, કે જે મિશનના ઉદ્દેશની સાથે સહાનુભૂતિ ધરાવતી હોય. કમિટીમાં પ્રવેશ મેળવવા માટે સભ્યોએ ઓછામાં ઓછું રૂ. ૨૦૦/-નું દાન દેવું આવશ્યક છે. રામકૃષ્ણ મિશનની ગમે તે શાખા કેન્દ્રોના માધ્યમથી અથવા જનરલ કમિટીના સૅક્રેટરી દ્વારા અધિકૃત સંસ્થાના માધ્યમથી સભ્યરૂપે નોંધણી થઇ શકશે.

આ શતાબ્દી મહોત્સવની સ્મૃતિરૂપે બહાર પાડનાર ગ્રંથ જનરલ કમિટીના સભ્યોને ખાસ વળતરથી મળશે. બેલુરમઠ અને અન્ય સ્થળોએ યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપવા એ અંગેની પૂર્વશરતોનું પાલન થાય એ રીતે – એમને અગ્રતાક્રમ આપવામાં આવશે.

આ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યાક્ષ તરીકે, રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પોતે રહેશે. મિશનના જનરલ સૅક્રૅટરી પણ પોતાના હોદ્દાની રૂએ આ સમિતિના ઉપાધ્યક્ષ રહેશે. ‘રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર’ના સ્વામી લોકેશ્વરાનંદજી આ સમિતિના સૅક્રૅટરી રહેશે. રામકૃષ્ણ સંઘના કેટલાક વરિષ્ઠ સંન્યાસીઓની એક કારોબારી સમિતિ પણ રહેશે.

આ સરનામે પત્ર વ્યવહાર કરવા વિનંતી :

સ્વામી લોકેશ્વરાનંદ, સૅક્રૅટરી – રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ સમિતિ, રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટયૂટ ઑફ કલ્ચર, ગોલ પાર્ક, કલકત્તા – ૭૦૦૦૨૯. ફોનઃ (૯૧-૩૩) ૪૬૪-૧૩૦૩, (૯૧-૩૩) ૪૬૬-૧૨૩૫, ફેકસ : (૯૧-૩૩) ૪૬૪-૧૩૦૭.

આ મહોત્સવ નિમિત્તે બધાં દાન – ભેટના ચૅક/ડ્રાફટ્ ‘RAMAKRISHNA MISSION CENTENARY CELEBRATIONS’ ના નામે મોકલવા વિનંતી.

ઈન્ડિયન ઈન્કમટેક્ષ ઍક્ટ, ૧૯૬૧- પ્રમાણે સૅકશન ‘૮૦ જી’ હેઠળ આ બધાં દાન આવકવેરામાં કપાતને પાત્ર છે.

આ શતાબ્દી મહોત્સવની માહિતી રામકૃષ્ણ મિશનનાં અહીં આપેલાં સામયિકોમાં સમયે સમયે આપવામાં આવશે :

ઉદ્બોધન (બંગાળી), પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી), વેદાન્ત કેસરી (અંગ્રેજી), વિવેક જ્યોતિ (હિન્દી), શ્રીરામકૃષ્ણ જ્યોત (ગુજરાતી), શ્રીરામકૃષ્ણ વિજયમ્ (તમિળ), શ્રીરામકૃષ્ણ પ્રભા (તેલુગુ), પ્રબુદ્ધ કેરલમ્ (મલયાલમ્) અને જીવન વિકાસ (મરાઠી).

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.