મૅનૅજમૅન્ટ!

આ પશ્ચિમનો વિચાર છે. ત્યાં જે રીતે ટૅકનૉલૉજી વિકસી છે, પરિણામે જે પ્રગતિ થાય છે, તેનું સંચાલન કરવા જે વ્યવસ્થા ઊભી કરાઈ છે તે આ ‘મૅનૅજમૅન્ટ’નામે ઓળખાય છે. ક્યારેક આ વ્યવસાયમાં કટોકટી ઊભી થાય છે, તો જે રીતે તેને ઉકેલાઈ છે તેને ‘ક્રાઈસિસ મૅનૅજમૅન્ટ’-કટોકટીનું મૅનૅજમૅન્ટ તરીકે ઓળખાય છે.

આપણે પશ્ચિમની નકલ કરીએ છીએ. તો આપણે ત્યાં જ્યારે આવી કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આપણને પશ્ચિમના ઉપાયો કામ આવે ખરા? આપણી પરિસ્થિતિને તે અનુકૂળ ખરા?

વિચારવા જેવો મુદ્દો છે.

‘સંકટ’ – એ મનુષ્યની નિયતિ છે. પરિસ્થિતિગત તેનો ચહેરો જુદો હોય, પણ ‘સંકટ’ પોતે સર્વત્ર સમાન ભાવ જ લાવે છે. એટલે તેમાં પશ્ચિમ-પૂર્વ નથી. તે કેવળ માનવીય ઘટના છે, અને હોવાની.

પણ ‘આપણી પરિસ્થિતિને પશ્ચિમના ઉપાયો અનુકૂળ ખરા?’ આ મુદ્દો વિચારવા જેવો છે. આને બીજી રીતે મૂકીએ તો કહી શકાય કે આ ‘કટોકટીના સંચાલન’ વિષે કોઈ ભારતીય ચિંતન ખરું? આમ તો બધા ઉપાયો ‘માનવીય’ જ છે. બધા માટે છે, તેથી અલગ રીતે વિચારવાની જરૂર નથી હોતી. પણ આ મુદ્દામાં પ્રચ્છન્ન સવાલ (કટાક્ષ?) એવો છે કે ભારતમાં આવું વિચારાયું છે ખરું? યા વિચારાય છે? સંભવ છે, લઘુતાગ્રંથીમાંથી આવો વિચાર આવે.

એ વાત સાચી છે કે ‘મૅનૅજમૅન્ટ’નો વિચાર પશ્ચિમની ઔદ્યોગિક સંસ્કૃતિની નિપજ છે. પણ ‘સંચાલન’ની જરૂર તો સર્વત્ર હોય છે, બધા યુગોમાં! આગળ ‘ગાડાં’ કક્ષાની કટોકટી હતી. આજે ‘રૉકેટ’ કક્ષાની કટોકટી છે. કટોકટીનું કૉમ્પ્યુટરાઈઝેશન થયું છે. પણ કટોકટી- સંકટ-પોતે (as it is) તો સર્વકાલીન સમાન છે.

ભારતીય સંદર્ભમાં બે રીતે તેના જવાબ આપી શકાય –

(૧) પ્રગતિશીલ પશ્ચિમ જ્યારે ગુફામાં ચિત્રો દોરતું સભ્યતાહીન દશામાં હતું ત્યારે ભારતનો શ્રેષ્ઠ કાળ ચાલતો હતો. ઘેટાં-બકરાંની સંસ્કૃતિવાળાં ટ્રૉય કે ઑડિશ્યસો ત્યાં હતા, ત્યારે ભારતમાં યાજ્ઞવલ્કય, રામ કે કૃષ્ણ જેવી પ્રતિભાઓ સતત આવતી હતી. મહાભારતનું યુદ્ધ થઈ ચૂક્યું હતું. જબરી કટોકટીમાંથી દેશ પસાર થતો હતો. ત્યારે તેના સંચાલનનું ચિંતન નહીં થયું હોય? કૃષ્ણ-વસિષ્ઠ–ભીષ્મ જનક શ્રેષ્ઠ મૅનૅજરો’ ન હતા?

(૨) ત્યારે જે ચિંતન થયું છે તે શ્રેષ્ઠતમ (excellent) થયું છે. આજે ભલે ઉકેલો માટે આપણે પશ્ચિમ તરફ મોં કરી બેઠા છીએ (કારણ કે સમસ્યાઓ પણ તેમની જીવનરીતિ સ્વીકારવાથી જ ઉભી થઈ છે ને!), પણ ત્યારના સમયનાં લખાણો જોઈએ તો આદરયુક્ત સ્તબ્ધ થઈ જવાય છે. જીવનની દરેક સમસ્યાઓ સુલઝાવવાનો પ્રયત્ન ત્યારે કરાયો છે. એટલું જ નહિ, બધી સમસ્યાઓનું સામાન્યીકરણ કરી, તેનું મૂળ શોધી અને વૈશ્વિક, સર્વયુગીન, સનાતન ઉકેલ શોધવાનો પ્રયત્ન પણ કરાયો છે. આ ઉકેલને તેઓએ ‘ઋત્’ કહ્યો છે. ઉપનિષદો અને ગીતા તેના શ્રેષ્ઠ ગ્રંથો ગણી શકાય, અને આજે પશ્ચિમ પણ તેમાંથી પોતાના પ્રશ્નોના જવાબ શોધી રહ્યું છે, જેને તેણે ‘વેદાંત મૅનૅજમૅન્ટ’ અથવા ‘વ્યવહારુ વેદાંત’ નામ આપ્યું છે.

‘તો શું ત્યારે પણ આવા મૅનૅજમૅન્ટ નિષ્ણાતો હતા?’

હા, આપણે તેમને ‘ઋષિ’ કહ્યા.

‘પણ તેમના પાસેથી ક્યારે સલાહ મળતી?’

આમ તો ગમે ત્યારે. તેમના આશ્રમો, આજની પરિભાષામાં ‘લાઈફ મૅનૅજમૅન્ટ ઈન્સ્ટિટયૂટો’ હતી. પણ, કમાલની વાત એ છે કે, ઋષિઓએ વ્યવસ્થા જ એવી કરી હતી કે કોઈને વારંવાર આવવું ન પડે. કેમ? તો કે, શિક્ષણમાં જ આનું માર્ગદર્શન આપી દેવાતું. એટલે વિદ્યાર્થી ઘેર જાય ત્યારે ‘મૅનૅજરીયલ હૅન્ડબુક’ સાથે જ જાય.

‘કઈ રીતે?’

વિદ્યાર્થી શિક્ષણ પૂરું કરી જતા હોય ત્યારે ગુરુ ‘વિદાય પ્રવચન’ (Convocation Address) આપે. ત્યારે આ કટોકટીના ઉપાયો કહી દેતા. અથવા ફરી યાદ અપાવી દેતાં, જે યાદ રાખી યુવક-યુવતી સ્વસ્થતાથી જીવી શકતાં. આ ‘વિદાય સંદેશ’ જાણી લેવાય તો ટોકટીનું મૅનૅજમૅન્ટ-સંકટની સાંકળ–સમજાઈ જાય.

યાદ કરીએ ફરી ‘તૈતરીય ઉપનિષદ’ને. તેના પ્રથમ પ્રકરણ (શિક્ષાવલ્લી)માં અંતે વિદાય પ્રવચનમાં ગુરુ જે કહે છે તેમાં સંકટની સાંકળ છૂપાયેલી છે, અજોડ-અચૂક પરિણામ લાવે તેવી. પ્રવચન તો લાંબું છે, પણ તેમાંનાં ત્રણ સૂચનો સમજવા પૂરતાં થશે.

‘સત્યં વદ’

‘ધર્મં ચર’

‘સ્વાધ્યાન્મા પ્રમદ:’

‘સત્ય બોલર્જ; ધર્મનું પાલન કરજે; સ્વાધ્યાયમાં આળસ ન કરજે.’

‘અરેરે! બસ! આ તો ‘ખબર’ છે!’

હા, ખબર છે, પણ ખબર નથી…પણ કટોકટીના સંચાલનની દૃષ્ટિએ તેને તપાસીએ.

પ્રથમ વિચાર જ આવે કે ‘સત્ય’ બોલવાથી તો કટોકટી ઉભી ન થાય? આજે તો સાચું બોલે તે જ દુઃખી થાય છે! પણ જરા ઊંડાણથી વિચારાશે તો દુઃખી તો ખોટું બોલનારું, દંભી થનાર, થાય છે. તેનાથી બચવા હજાર બહાનાં શોધવા પડે છે. કાયરતા તેનામાં હોય છે.

‘સત્ય પાલન’નો સાચો અર્થ છે – પોતાની નિશ્ચયાત્મક બુદ્ધિને આધારે જે વિચારો આવે, શુદ્ધ તર્કને આધારે જે વિચારો ઘડાય, અને તે સાચા લાગે, તે વિચારોને પ્રામાણિકતા, સ્વસ્થતા અને સબળતાથી રજુ કરવા…તો એક જાતનું માનસિક બળ વધશે; વિચારો અને કાર્યો વચ્ચે ખાઈ ન થવાથી દંભ નહી જન્મે; વારંવાર વિચારો બદલવા નહીં પડે, અને ઇચ્છાશક્તિ વધશે. તો વિચાર શક્તિ વધશે, ચારિત્ર્ય પ્રગટશે અને જીવનદર્શન સ્પષ્ટ રહેશે-જે, કટોકટી ઊભી થશે તો, તેને હલ કરવામાં મદદ કરશે.

‘ધર્મ’ શબ્દ તો બીવડાવે છે! એક બાજુ તેનો અર્થ ‘સંપ્રદાય’ એવો કરાય છે. – હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી-વગેરે! તો બીજો અર્થ ‘સદ્ગુણીપણું’ (Righteousness)એવો કરાય છે. બન્ને અર્થ પાંગળા છે. વાસ્તવમાં અર્થ છે ‘ધારણ કરે તે ધર્મ’ વિશ્વ સ્તરે બધા સમયે ચાલે તેવાં મૂળભૂત મૂલ્યો જે નૈતિક જીવન માટે મજબૂત પાયારૂપ છે, જે બધા સંપ્રદાયોનાં મૂળમાં છે, અને જે વ્યક્તિને પૂર્ણતા તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે-તે ધર્મ છે. અને તેનો વ્યવહારુ અર્થ છે ‘ફરજ…કર્તવ્ય!’

જે સંસ્કૃતિ ‘હક’ પર ઊભી છે, જેમાં ‘હું’ મુખ્ય છે, ત્યાં હક ‘મેળવવા’ માથાકૂટ-ઝગડા-વિવાદ થવાના. હકને પકડી રાખવા યુદ્ધ-ક્રાંતિ સંગ્રામો થવાના. માટે શાંતિ જોખમાવાની. અને ત્યાં સતત સંકટો ઉભા થવાનાં.

પણ જે સંસ્કૃતિ ‘ફરજ’ પર ઊભી છે, જે ‘કર્તવ્ય’ને મૂળભૂત વિશિષ્ટ અધિકાર માને છે, ત્યાં ‘માગવા’ની વૃત્તિ નહીં વિકસે, પણ ત્યાગવૃત્તિ વિકસશે. બીજા માટે જીવવાની વૃત્તિ વધશે. સંગ્રહની જગ્યાએ ‘દાન’નો ખ્યાલ સ્વીકારાશે…આ ધર્મ…! પહેલામાં ‘મારું…શું…મને શું? નો વિચાર હશે, બીજામાં ‘મારે શું કરવાનું છે?’ નો વિચાર હશે. જ્યાં ‘ત્યાગ’ની ‘લડાઈ’ હશે, ત્યાં કટોકટી કેવી? અને જો તેને કટોકટી કહેવાય, તો તે ઉકેલવાની કેવી મજા આવે! રામ અને ભરત વચ્ચેની કટોકટી કેવી ભવ્ય છે!

ભારતીય ચિંતન કહે છે કે શ્રેષ્ઠ મૅનૅજમૅન્ટ એટલે ફરજપાલન. દરેક વ્યક્તિ પોતાની ફરજનું પાલન કરે તો કટોકટી ઊભી જ ન થાય. બાહ્ય-કુદરતી બળો દ્વારા આવતાં સંકટો પછી આ વિચારને આધારે સરળતાથી ઉકેલી શકાય, કારણ કે-‘સ્વાર્થી મન કરતાં કુદરત સાથે કામ કરવું ખૂ…બ સરળ છે.’

અને ત્રીજું – ‘સ્વાધ્યાયમાં આળસ નહીં’

કેમ! શબ્દ જુવો. ‘સ્વાધ્યાય’ છે, ‘અભ્યાસ’ નથી. ‘સ્વ’નું અધ્યયન કરવાનું છે, સતત કરવાનું છે…શું હું ‘સત્યમય’ એટલે કે બૌદ્ધિક પ્રામાણિક છું? હું ‘ધાર્મિક’ એટલે કે કર્તવ્યશીલ છું? સતત સ્વને ચકાસવાનો છે. તેનું અધ્યયન કરવાનું છે. તેમાં ચૂક આવે તો તેને યાદ કરાવતાં ગ્રંથો-શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે. બહારના ગ્રંથો-‘સુરતિ’ સ્મરણ-કરાવે છે. તેને આધારે ‘સ્વ’ જાગૃત રહે છે.

આ ‘સ્વાધ્યાય’! તેમાં આળસ ન કરવી.

આધુનિક અર્થ લઈએ તો નવું નવું જ્ઞાન આવે તેની જાણકારી મેળવી પોતાને અને સમાજને ‘અપ-ડેટેડ’ કરવાનો અને ત્યારે ઊભી થતી સમસ્યાઓને હલ કરવાની. તે માટે પણ અધ્યયનમાં સાતત્ય રાખવું Well read થવાનું. નવા વિચારો સ્વીકારવા, આવકારવા, ચકાસવા અને પરિસ્થિતિ અનુસાર તેને અનુકૂળ કરી જીવનને સ્વસ્થ બનાવવામાં તેનો ઉપયોગ કરવો. આંતરિક-બાહ્ય સંકટો ઊભાં થાય ત્યારે તેનો વ્યવહારમાં વિનિયોગ કરવો. તે માટે પણ અભ્યાસ કરવો.

અને જે સ્વ-અધ્યયન કરે, તે ધર્મ-ફરજ વિષે સભાન રહે જ. અને મોટો ધર્મ છે ‘જીવન-સત્ય’ જોવાનો. પોતામાંની દિવ્યતા પ્રગટ કરવાનો, ચારિત્ર્ય પ્રગટાવવાનો, બધી રીતે પ્રામાણિક રહેવાનો. તો તેનું વ્યક્તિત્વ પ્રબળ બનશે. વ્યક્તિ શું વ્યવસાય કરે છે તેનું મહત્ત્વ નથી, પણ તે બૌદ્ધિક રીતે પ્રામાણિક છે. તે મોટી વાત હશે. આવી વ્યક્તિ ફરજને નહીં ટાળે. રાગ- દ્વેષ (ગમા-અણગમા)ને બાજુએ રાખી બીજાને સુખી કરવા માટે શું કરવાનું છે તે જ વિચારશે.

આ છે મૂળભૂત ભારતીય મૅનૅજમૅન્ટનું ચિંતન. ભારતીય દર્શને જીવનના આર્થિક, સામાજિક, રાજકીય-એવા ભાગલા નથી પડ્યા, પણ તેને સમગ્રતાથી જોયું છે. માટે પૂર્ણ ચિંતન આપ્યું છે.

કાશ! તેનો સ્વીકાર થાય!

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.