મહાત્મા ગાંધીનું ૧૫૦મું જન્મવર્ષ ચાલી રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ તેને ઊજવી રહ્યું છે. તે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અન્ય કાર્યક્રમો તો ઠીક છે, ઉજવવા જોઈએ, પણ આવા મહાપુરુષોની સાચી ઉજવણી તેમનું યોગ્ય મૂલ્યાંકન કરવું એ જ હોય છે. તેમણે પોતાના સમયમાં જે વિચારો આપ્યા અને જે કાર્યો કર્યાં, તેને સ્થૂળ રીતે તપાસવાને બદલે કે કાર્યોને એ રીતે અપનાવવાને બદલે આજના પરિવર્તનશીલ સમયમાં, બદલાયેલા માહોલમાં આ વિચારો અને કાર્યો કેટલાં પ્રસ્તુત છે એ તપાસવાની જરૂર હોય છે. એટલે કે આવા લોકોને તેઓ ‘આજે’ આપણને ઉપયોગી થાય, તેમના વિચારો મદદરૂપ થાય અને તે પણ માત્ર ભારતના જ સંદર્ભમાં નહીં, પણ વૈશ્વિક સંદર્ભમાં તે ઉપયોગી થઈ શકે કે નહીં તે રીતે એમને ચકાસવાની જરૂર છે. જો તેમના વિચારો તત્કાલીન સંદર્ભમાં જ હશે, તો આજે તે બિનઉપયોગી બનવાના. તો પછી તેને આદર આપીને શાંત થઈ જવાનું. પણ જો આજે એમના વિચારો ઉપયોગી હોય, તો તેમને આજના સંદર્ભમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એનું ચિંતન કરવાનું હોય. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીને તપાસવાની જરૂર છે.

આ સંદર્ભમાં આજના વિશ્વની પાયાની સમસ્યાઓ કઈ છે તે જાણવી પડે. નાનાં યુદ્ધો કે ત્રાસવાદ તેનાં ઉદાહરણો છે. બીજું, માણસ ટેકનોલોજીનો ગુલામ થતો જાય છે, માણસ સુખવાદમાં ખંૂપતો જાય છે, માણસ ગ્રાહક બનતો જાય છે, એક બાજુ ભલે વૈશ્વિકીકરણ વધતું દેખાય, પણ તેની સમાંતરે રાષ્ટ્રવાદ, ધર્મઝનૂન, સંકુચિતતા, પરસ્પર પારકાપણું વગેરે પણ વધતાં જતાં દેખાય છે. વાતાવરણના ફેરફારોની (ક્લાઈમેટ ચેન્જની) સમસ્યા દરરોજ વિકરાળ બનતી જાય છે. આ બધી સમસ્યાઓ આપણા દેશમાં પણ જોવા મળે છે અને વિશ્વમાં પણ ઠેરઠેર જોવા મળે છે.

આ બધી સમસ્યાઓનો જવાબ આજના યુવા જગતને સંતોષે તેવા મહાત્મા ગાંધીના ચિંતનમાંથી મળી શકે ખરો ?

પહેલી વાત એ સમજવાની જરૂર છે કે ગાંધી સત્યના ઉપાસક હતા. સત્યના ઉપાસક એટલે માત્ર સાચંુ બોલીને સંતોષ પામવો એમ નહીં, પણ સત્યને સમગ્ર રીતે જોવું, જાણવું, સમજવું અને અંગત જીવનમાં તેને જીવવું ! આવી રીતે કોઈ સત્યને સમજવાનો પ્રયત્ન કરે તો સત્ય તેના સમગ્ર સ્વરૂપમાં તેની સામે પ્રગટ થાય છે. એ સત્ય સાપેક્ષ સત્ય નથી હોતું. તે નિરપેક્ષ સત્ય હોય છે અને આવું સત્ય ત્રણેય કાળમાં ઉપયોગી થતું હોય છે. એમાંથી જન્મતું કર્મ કદાચ પ્રાસંગિક હોઈ શકે, પણ તેનું તથ્ય સાર્વત્રિક હોય છે. એટલે આવા સત્યને તપાસવા જતાં કર્મની પ્રાસંગિકતાને નથી જોવાની, તથ્યને જોવાનું છે.

ગાંધીજીને કેવું સત્ય મળ્યું ? તેમને મનુષ્યમાં રહેલ સારપતા જોવા મળી. મનુષ્ય ભલે કોઈપણ સંદર્ભમાં નબળો છે, વિવશ છે, પણ તેનામાં અદ્‌ભુત ક્ષમતા છુપાયેલ પડી છે. વિવેકાનંદ કહે છે ને કે મનુષ્ય એટલે સુષુપ્ત દિવ્યતા. આ સુષુપ્ત દિવ્યતા ગાંધી જોઈ શકતા હતા. તેમણે અડધી સદી સુધી જે અનેક કાર્યો કર્યાં તેનો જો સાર જોઈએ તો માણસની સારપતાને, તેની ક્ષમતાને પ્રગટ કરવાનો જ પ્રયાસ કર્યોે. લોકોને પોતાની ક્ષમતાને પ્રગટ કરવાની જ તાલીમ આપી. તે પહેલા હતા કે જેમણે ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર દેશને આવી તાલીમ આપી. વ્યક્તિગત તાલીમ તો બધા મહાન લોકોએ આપી છે, પણ વ્યાપક સંદર્ભમાં કદાચ ગાંધીએ પહેલીવાર પ્રજાને તૈયાર કરી. તેમના જે સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રયોગો-વિવિધ આંદોલનો હતાં તે બધાં હકીકતે લોકોને તૈયાર કરવાના ઉપાયો હતા. ધીમે ધીમે તેમણે ભાષણો અને લખાણોથી નહેરુ અને સરદારથી લઈને ખૂણાના ગામડાના અશિક્ષિત માણસોને પણ આ બાબતે તૈયાર કર્યા. એટલે જ તેમના આવ્યા પછી ભારતીય સંગ્રામે રાષ્ટ્રિય સ્વરૂપ ધારણ કર્યું. તેમના પહેલાં ઉત્તમ નેતાઓ હતા, પણ તે બધાનો પ્રભાવ અખિલ ભારતીય સ્તરે ન હતો. તેઓ પણ સમગ્ર ભારતને જાણતા ન હતા. ગાંધી પહેલા એવા માનવ હતા કે જેમણે સમગ્ર ભારતનાં દર્શન કર્યાં. વાઇસરોયથી લઈને નાનામાં નાના માણસને મળ્યા હતા અને તેમને તેમણે પ્રેર્યા હતા. પરિણામે તે ભારતીય ઇતિહાસમાં સર્વપ્રથમ રાષ્ટ્રિય વ્યક્તિ બન્યા. એટલે જ સમગ્ર ભારત તેમના આદેશને માનતું. તેમણે પાયામાં રહેલી માણસની ક્ષમતાને પડકારી. તેને તાલીમ આપી. તેને સંગ્રામ કરવાની હિંમત આપી. તેનામાં આત્મવિશ્વાસ પ્રેર્યો. તેમના પહેલાં રાજા રામમોહન રાયથી માંડીને વિવેકાનંદ કે ટિળક સુધીના મહામાનવોએ લોકોને પ્રેર્યા હતા, પણ ગાંધીએ આ લોકોને લડવા તૈયાર કર્યા, મેદાનમાં ઉતાર્યા અને ઊભા રાખ્યા, તેમની મદદથી અંગ્રેજોને હાંકી કાઢ્યા. એના પાયામાં આ સત્યનું દર્શન કે માણસમાં સારપ રહેલી છે અને તેની અમાપ ક્ષમતા પણ છે. માત્ર લોકોને તાલીમ આપો.

તેમની આ પદ્ધતિ આજે પણ એટલી જ ઉપયોગી છે. આજે તો વિજ્ઞાનની મદદથી વિશ્વની સમગ્ર પ્રજા સાથે સંપર્ક કરવો સરળ બનતો જાય છે. પણ એના પાયામાં પ્રજા સાથે અંગત-વ્યક્તિગત સંપર્ક જરૂરી છે. વળી આજે પણ પ્રજાના મોટા ભાગના લોકોને આગળ વધવું છે. તેમને પ્રેરણાની જરૂર છે. સાથે ને સાથે તેમને પોતાની પાસે બેસીને, તેમના જેવા થઈને માર્ગદર્શન આપે તેવા હૂંફાળા નેતાની જરૂર છે. આ સત્ય આજે પણ એટલું જ ઉજાગર છે, ઉપયોગી છે. માણસને ગ્રાહક કે મતદાતા કે એક આંકડા તરીકે ન જોતાં તેને ‘ઈશ્વરના અંશ’ રૂપે જોવાય તો આજે પણ પ્રજા પ્રગતિ કરવા તત્પર છે. આ છે ગાંધીવિચારની પ્રથમ ઉપયોગિતા.

ગાંધીએ એક બીજું અદ્‌ભુત કાર્ય કર્યું અને તે કદાચ ઇતિહાસમાં પહેલીવાર ! માનવ-ઇતિહાસમાં બધી જ પ્રજાઓ એમ માનતી હતી કે શૂરવીરતા, પરાક્રમ, વગેરે જ મહત્ત્વનાં છે, પૌરુષત્વ જ મનુષ્યનું લક્ષણ છે. પણ આ જ વિચારે હિંસા અને અહંકારને જન્મ આપ્યો, જેમાંથી યુદ્ધોનો જન્મ થયો. આપણો સમગ્ર ઇતિહાસ યુદ્ધોથી ખરડાયેલો છે અને તે પણ આજની પળ સુધી. સમયનો એકપણ ટુકડો શાંત કે સ્વસ્થ દેખાતો નથી. કારણ-અહંકાર અને તેમાંથી જન્મેલ હિંસાને અપાયેલું મહત્ત્વ. માણસ જેટલો વધારે હિંસક, તેટલું તેનું ગૌરવ વધારે. પરિણામે સમગ્ર ઇતિહાસ પૌરુષત્વને મહત્ત્વ આપતો રહ્યો અને અસ્વસ્થ થતો રહ્યો. ગાંધીજીએ આ ચિંતનને બદલવાનો પ્રયત્ન કર્યો. એમણે જોયું કે આ પૌરુષત્વ નુકસાનકારક છે. સામાન્ય જીવનમાં પૌરુષત્વની જરૂર નથી. માણસે સ્વસ્થ રહેવા માટે તો પ્રેમ અને સ્નેહની જરૂર છે અને તે ત્યારે જ શક્ય બને, જો હિંસાને દૂર કરવામાં આવે; અને હિંસા ત્યારે જ દૂર થાય કે જ્યારે પૌરુષત્વનો વ્યર્થ ખ્યાલ ઓછો થાય. તેની સામે નારીત્વના ભાવ મહત્ત્વના બને. આ સંદર્ભમાં તેમણે અહિંસાને મહત્ત્વ આપ્યું. અહિંસા કોમળતા લાવે છે, પરસ્પરના પ્રેમને જન્માવે છે, સંબંધો વધારે છે ને આવું થાય તો જ સમાજમાં સ્વસ્થતા આવે. ગાંધી માટે અહિંસા કોઈ સાદી ટેકનિક ન હતી. તે તો સ્વસ્થ જીવન જીવવાની એક ભાવના હતી. સામાન્ય રીતે પ્રેમ, હૂંફ વગેરે કૌટુંબિક બાબતો છે. ગાંધીએ તેને વ્યાપક સ્વરૂપ આપીને સામાજિક મૂલ્યો બનાવ્યાં.

આજનો યુવાન કદાચ એવી દલીલ કરે કે કોઈ હિંસક વ્યક્તિ કે સમૂહ સામે લડવું હોય તો ? તો તેની સામે હિંસક થવાની જરૂર ન પડે ? તેના જવાબમાં ગાંધીજીએ ‘સત્યાગ્રહ’ પદ્ધતિ શોધી. સામાન્ય રીતે એમ મનાય છે કે હિંસક વ્યક્તિ બળવાન હોય છે. તેની પાસે બળ હોય છે અથવા તો શસ્ત્ર હોય છે. તેની સામે ટકવું અશક્ય હોય છે. પણ ગાંધીજીએ કહ્યું કે હિંસક વ્યક્તિ કે સમૂહ કરતાં અહિંસક વ્યક્તિ કે સમૂહ વધારે પ્રભાવક અને પ્રબળ હોય છે. હિંસક વ્યક્તિની શ્રદ્ધા તેનાં બળ કે શસ્ત્ર પર હોય છે. પરંતુ અહિંસક વ્યક્તિની શ્રદ્ધા પોતાના દૃઢ આત્મવિશ્વાસ પર હોય છે. હિંસક વ્યક્તિ પાસે બળ કે શસ્ત્ર ન હોય તો તે ડરી જાય છે, અસહાય બની જાય છે. પરંતુ અહિંસક વ્યક્તિ તો પોતાના આંતરિક બળ પર મુસ્તાક હોવાથી નીડર હોય છે. આ વ્યક્તિમાં સાચો ‘અભય’ હોય છે. એટલે તે કોઈ પણ પ્રકારના હુમલાથી ડરતી નથી. તે સામી છાતીએ તેના સામે ઊભો રહે છે. કદાચ હુમલો થાય કે માર પડે તો ડરે નહીં. શાંતિથી ઝીલી લે. સામો પ્રતિકાર પણ નથી કરતો. વળી તે હિંસક વ્યક્તિને ધિક્કારતો પણ નથી. આ બધું હિંસક વ્યક્તિને મૂંઝવે છે. આવી વ્યક્તિ સામે કેેમ વર્તવું તેની હિંસકને સમજ પડતી નથી. હિંસક વ્યક્તિ તેને મારી શકે છે, પણ નમાવી શકતો નથી. આ વલણ હિંસકને હચમચાવી દે છે. હિંસકના અહંકારને ડગમગાવી દે છે. પરિણામે સમય જતાં તેને હટવું પડે છે.

ગાંધીજીના બધા સત્યાગ્રહોનું સરકારે થઈ શકે તેટલું દમન કર્યું, અત્યાચારો કર્યા, લોકોને જેલમાં ગોંધ્યા પણ સત્યાગ્રહી ન જ નમ્યા. બધું સહન કરતા જ રહ્યા. છેવટે સરકારે નમવું પડ્યું. આત્મબળ આધારિત વ્યક્તિથી સમય જતાં હિંસક વ્યક્તિ ડરવાનો જ એટલે જ જનરલ સ્મટ્સે ચર્ચિલને કહેલ કે તે ગાંધીના શરીરને પકડી શકશે, તેને હેરાન કરી શકશે પણ તેને નમાવી નહીં શકે. તેમના ગયા પછી પણ વિશ્વમાં જ્યાં તેમની પદ્ધતિનો ઉપયોગ થયો, ત્યાં સરકારને નમવું જ પડ્યું છે. દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા અને અમેરિકાના માર્ટિન લ્યૂથર કિંગ આનાં ઉદાહરણો છે.

ગાંધીજીના સત્યાગ્રહોમાં ભારતની નારીઓએ મહત્તમ ભાગ લીધો છે, તેનું કારણ એ છે કે અહિંસા અને દૃઢ મનની કોમળતા. એટલે અહિંસાને કેવળ એક મૂલ્યરૂપે નહીં, પણ એક પદ્ધતિ અને વૈચારિક ટેકનિક રૂપે જોવાની છે. સામાન્યમાં સામાન્ય માણસ પણ તેને ઉપયોગમાં લઈ શકે છે. સમૂહ શસ્ત્ર વિના અભયથી, આત્મશ્રદ્ધાથી, જો સામે થાય તો શસ્ત્રો નિષ્ફળ જાય. લાખો લોકો ગાંધીજીના આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ શક્યા તેનું કારણ પણ એ જ છે. ગાંધી પહેલાં એ ચળવળ કેવળ ભણેલા લોકોની હતી, અખિલ ભારતીય ન હતી અને સામાન્ય જનતાની પણ ન હતી. ગાંધીએ આ લડતને સર્વની લડત બનાવી.

અહિંસા મજબૂત ક્યારે બને કે જ્યારે વ્યક્તિ નીડર બને. ગાંધીજી પાસેથી શીખવા જેવો કોઈપણ ગુણ હોય તો તે છે નીડરતા. તેમના સમગ્ર જીવનનો અભ્યાસ કરીએ તો એવું જોવા મળે છે કે તેઓ કલ્પનાતીત નીડર હતા. એક પળ પણ કોઈથી ડર્યા નથી. તેમને મારવાના અનેક પ્રયાસ થયા છે, છતાં ડર્યા નથી અને પોતાનું કામ ચાલુ રાખ્યું. કોમી હુલ્લડો વખતે અત્યંત જોખમી વિસ્તારમાં એકલા ગયા છે અને હુલ્લડોને શાંત કર્યાં છે. અરે હુલ્લડ કરનારા ગુંડાઓ તેમને શરણે આવ્યા હતા અને તેમનાં શસ્ત્ર તેમનાં ચરણોમાં મૂકી દીધાં હતાં. આ હતું તેમની નીડરતાનું પરિણામ. નીડર વ્યક્તિ જ અહિંસક બની શકે. જેના હાથમાં શસ્ત્ર હોય તેને તો ડરપોક કહી શકાય. તે પારકી બાબત પર આધાર રાખે છે. શસ્ત્ર વિના તે નિ :સહાય બની જાય છે. અહિંસક વ્યક્તિ પોતાની આંતરિક તાકાત પર જ મુસ્તાક રહે છે. આજના યુવાનોએ ગાંધીજી પાસેથી આ ગુણ શીખવાની જરૂર છે.

આ સિવાય તેમના બીજા વિચારો પણ આજે ઉપયોગી છે. આજે ક્લાઈમેટ ચેન્જની ભયાનક અસરો જોવા મળે છે. તેનું કારણ છે ભોગવાદ અને ગ્રાહકવાદ. આજે લોકોને જરૂર ન હોય તોપણ ખરીદવાની, અને તેને ભોગવવાની લાલચ અપાય છે. સમગ્ર બજાર જાહેરાતના જગત પર ઊભું છે. એને લીધે પૃથ્વી પરનાં સંસાધનો ઘટતાં જાય છે, કચરો વધે છે, ગરમી વધે છે અને પર્યાવરણ બગડે છે. આ બાબતને પડકારતાં ગાંધી કહે છે, ‘વણ જોતું નવ સંઘરવું.’ જૂની ભાષામાં આને અપરિગ્રહ કહેવાય. માણસ સાદાઈ સ્વીકારશે, બિનજરૂરી વસ્તુઓનો ઉપયોગ નહીં કરે કે સંગ્રહ નહીં કરે તો આપોઆપ સમત્વ આવશે, પર્યાવરણ સ્વસ્થ બનશે. એકવીસમી સદીમાં પૃથ્વીને બચાવવા આ ‘અપરિગ્રહ’ શબ્દ મહત્ત્વનો બનવાનો છે.

આજે પણ આપણા દેશમાં અનેક સંતો અને ગાંધીના પ્રયાસો છતાં અસ્પૃશ્યતા(આભડછેટ) ચાલુ છે. અસંખ્ય લોકો તેનો ભોગ બને છે. તેને દૂર કરવાની તાતી જરૂર છે. એ જશે તો માનવગૌરવ પુન :સ્થાપિત થશે. આ કામ યુવાનો જ કરી શકે. યુવાનો જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મઝનૂનને હટાવી શકે. યુવાનો માણસને કેવળ માણસ રૂપે જોવાનો પ્રયાસ કરી શકે.

ગાંધીજી પર એવો આક્ષેપ હતો કે તેઓ યંત્રોના વિરોધી હતા. હકીકતમાં તેઓ ગુલામીના વિરોધી હતા. માણસ જેને અપનાવે તેનો બહુ થોડા સમયમાં ગુલામ બની જાય એવી એની સમસ્યા છે. ગાંધીજીએ પોતાના સમયમાં ટેકનોલોજી અને યંત્રોની ગુલામી અને પરવશતા જોઈ હતી. તેઓ એના વિરોધી હતા. ગુલામી માનવગૌરવને હણે છે. ટેકનોલોજી જરૂરી છે, ઉપયોગી છે; પણ તે માણસ માટે છે, માણસ એના માટે નથી. આજે માણસો ટેકનોલોજીના એટલા ગુલામ બની ગયા છે કે તેના વિના એક પળ પણ ચાલતું નથી. મોબાઈલ વિના અકળાઈ જાય છે. તેની પાછળ કલાકો બગાડે છે. તેની સર્જકતા ખતમ થઈ જાય છે. ગાંધીજી આના વિરોધી હતા.

જીવનમાં સુખસુવિધા મળે એ માટે ટેકનોલોજી કબૂલ, પણ એની ગુલામી મંજૂર નથી. આજે ગાંધીના કોઈપણ વિચારની તાતી જરૂર હોય તો તે છે ‘સર્વધર્મસમભાવ’. ભારત અને વિશ્વમાં ધર્મઝનૂન વધતું જાય છે. ધર્મના નામે હુલ્લડો અને ત્રાસવાદ વધતાં જાય છે. તેનું ભયંકર પરિણામ એ આવ્યું છે કે માણસ માણસ વચ્ચે અવિશ્વાસ વધતો જાય છે. સામો વ્યક્તિ બીજા ધર્મનો હોય તો તે ‘પારકો’ લાગે છે. આ રોગ સર્વત્ર વધી અને પ્રસરી રહ્યો છે. આવી વિષમ પરિસ્થિતિમાં ગાંધીનો સર્વધર્મસમભાવ ઉપયોગી છે. ગાંધીએ સર્વધર્મસમભાવની જ વાત કરી ન હતી, પરંતુ તેમણે તો બધા ધર્મો આદરપાત્ર છે એમ કહ્યું છે. આપણે આ સમભાવ સુધી પહોંચી શકીએ તો પૂરતું છે. એનાથી સહિષ્ણુતા, વિશ્વાસ ઉદ્ભવશે અને સલામતી આવશે, પારકાપણું ઓછું થશે. ગાંધીજી આ માટે જ લડ્યા અને પોતાનો જીવ પણ ગુમાવ્યો. આજે જાન ગુમાવવાની જરૂર નથી, પણ બીજાના જાન જળવાય એવા ધર્મો પ્રત્યેનો સમભાવ રાખવાની જરૂર છે. અને તો દેશમાં અને વિશ્વમાં સાચી શાંતિ સ્થપાશે. વિશ્વમાં સુખસગવડો વધ્યાં છે સાથે સાથે સંકુચિતતા પણ વધી છે એટલે આ સુખસગવડતાને બધા ભોગવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં ગાંધીજીના વિચારો બધાને સ્વસ્થ રાખી શકે છે.

છેલ્લી વાત. ચારે બાજુ આજે લોકશાહી પ્રસરી રહી છે. લોકોનાં કામ થાય છે, એવા દાવા કરાય છે. વાસ્તવિક રીતે સામાન્ય માણસ કે ગરીબનું કોઈ નથી. બીજા બધા પોતાના સ્વાર્થમાં મશગૂલ છે. સરકારો ધનવાનોની ચિંતા કરે છે. આવે વખતે વિવેકાનંદ અને ગાંધી યાદ આવે છે.

સ્વામી વિવેકાનંદે સર્વ પ્રથમવાર ‘દરિદ્રનારાયણ’ શબ્દનો ઉપયોગ કર્યો અને ગાંધીએ તેની ચિંતા કરવાનો વ્યાપક પ્રયાસ કર્યો. તેના ઉત્થાન માટે સમગ્રજીવન મથ્યા છે. આજે પણ ગરીબ તો અસહાય જ છે. આજના યુવાનો આવા ગરીબ અને સામાન્યજન પર ધ્યાન આપે, એની સેવા કરવા તત્પર થાય, તેને શિક્ષણ આપીને પ્રગતિને પંથે અને પગભર થવામાં મદદ કરે તો આ મહાન કાર્ય ગણાશે.

ગાંધીજીની દૃષ્ટિએ માનવનું ગૌરવ ગમે તેમ કરીને જળવાવું જોઈએ. સ્વતંત્રતા, સ્વાવલંબન માનવને ગૌરવ બક્ષે છે. સમાજના છેલ્લા માણસની ઉન્નતિ કરવાની છે, અંત્યોદય કરવાનો છે. સામાન્ય અને ગરીબમાં નારાયણને જોવાનો ભાવ આવે તો આ અંત્યોદયનો અમલ કરી શકાય અને એનાથી માત્ર ગાંધી જ નહીં, પણ ભૂતકાળના બધા મહામના ખુશ થશે.

ચાલો, આપણે નીડરતાથી સત્યનું પાલન કરીએ, અહિંસક બનીએ, સમાજસેવા કરીએ, સમાજમાં વિશાળતાનો સંદેશ પ્રસરાવીએ અને ગાંધીજીની ૧૫૦મી સદીની સાચી ઉજવણી કરીએ. અને આ શક્ય છે જો ઇચ્છા હોય તો.

Total Views: 426

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.