♦ આપના તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. આજે મૂલ્યહ્રાસ કરનારી સામગ્રી ચેપી રોગની જેમ ચોમેર ફેલાઇ રહી છે ત્યારે એના પ્રતિકાર માટે આવાં સામયિકોનો ખુબ ખપ છે. દિવાળી અંક ઘણો જ સમૃદ્ધ હતો : એક અગત્યના પાસાને વિશદ કરી આપતી અધિકૃત સામગ્રીથી અંક ઘણો જ મૂલ્યવાન બની રહ્યો. પુસ્તકરૂપે પણ આ સામગ્રી પ્રકાશિત કરી શકાય.

– રતિલાલ બોરીસાગર (સુપ્રસિદ્ધ હાસ્યલેખક), અમદાવાદ

♦ આવાં ધાર્મિક સામયિકોનો વાચક થવાનું મને ખૂબ ગમે છે. સાથે અમે અમારી કૉલેજમાં વિવેકાનંદ કેન્દ્ર ચલાવીએ છીએ. સ્વામીજીના વિચારો રજૂ કરવામાં આ સામયિક ખુબ જ ઉપયોગી થાય છે.

– સંગીતા મુંગરા, જુનાગઢ

♦ માર્ચ ૧૯૯૭ની ‘વિવેકવાણી : આ યુગનું નવવિધાન’ સુંદર-સત્ય અને શાશ્વત કર્મ માટે ખુબ જ પ્રેરણાદાયી વાણી છે. રાષ્ટ્રનું નવનિર્માણ અને ૨૧મી સદી તરફ દોટ મૂકવાની ઉત્કંઠાવાળા સૌ માટે આત્મ નિરીક્ષણનો આ રામબાણ ઇલાજ માનું છું.

– દિનેશ ચં. અંતાણી, ગાંધીનગર

♦ આપનું પ્રકાશન ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ખરેખર બધા સામયિક કરતાં ઉચ્ચ કક્ષાનું અને અમૂલ્ય છે એમાં જે લેખો આવે છે એ આજની ઉગતી પેઢીને ખાસ જરૂરના છે.

– સોની જગદીશચંદ્ર હીરાભાઇ, બિલિમોરા

♦ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાંચનથી મનમાં સદ્ભાવ – સદ્વિચાર અને દયાભાવ ઉત્પન્ન થાય છે તે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વિશિષ્ટતા છે.

– બાલુભાઇ કે. દવે, રાજકોટ

♦ આપનો અંક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ખૂબ જ આનંદપ્રિય છે, સાત્ત્વિક છે અને સંસ્કાર પ્રદાન કરે છે. અને યુવાનોને સદાચારી અને ભક્તિમય જીવન શિખવે છે. આપને એક સૂચન છે કે આજનો યુવાનો ખૂબ જ છેતરપિંડી, ખોટું બોલવું અને બનાવટ કરી ખોટા રૂપિયા ઉછીના લઇને પાછા ન આપવાની મનોવૃત્તિ રાખે છે યાને કપટબુદ્ધિ ખુબ જ છે. તો આપ દરેક અંકમાં બુદ્ધિ પવિત્ર થાય અને કર્મનો સિદ્ધાંત દાખલા સાથે આપશો.

– દિલીપભાઇ જોષી, સાવરકુંડલા

♦ દર માસે આવતા અંકો પણ ખુબ જ આધ્યાત્મિક ખોરાક પૂરો પાડે છે. સામાન્ય રીતે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની ભાષા લોકભોગ્ય બનવી જોઈએ તેવું મારું માનવું છે. ખૂબ ઊંચા સાહિત્યિક શબ્દો ગામડાના ઓછું ભણેલા લોકો સમજવા શક્તિમાન બનતા નથી.

– નટુભાઇ ડી. પટેલ, વલ્લભ વિધાનગર

♦ અંક -૧૧માં આપે પોરબંદરની સાહ્યબીનાં વખાણ કર્યાં છે, બાપુની જન્મભૂમિને પ્રગટ કરીને માટીની તાકાત પર પ્રકાશ પાડ્યો છે. એ કાંઇ સામાન્ય નથી જ. (જો કે કાઠિયાવાડ તો કાઠી છે જ) ઉપરાંત સ્વામીજીની વિવેકવાણી, એકાગ્રતા, સ્મરણશક્તિ પર પ્રકાશ પાડી સ્વામીજીની પ્રતિભાને પ્રકાશિત કરવા આપે જે પંથ અપનાવ્યો છે એ અનહદ આનંદની વાત છે. પ્રખર બુદ્ધિશાળી આત્માના જીવનને ખુલ્લો મુકવાનો ઉત્તમ તખ્તો છે. એને બાળભાષામાં પ્રસ્તુત કરી બાળક વિશેષાંક તૈયાર કરી મોકલાય તો સ્વામીજીના જીવનથી બાળકો પરિચિત થાય. ઉપરાંત ઊંચી બુદ્ધિમતાનો ખ્યાલ પોતાના જીવનમાં ઉતારી પ્રગતિ કરવાનો મક્કમ નિર્ધાર કરી શકે.

– પરમાર એમ. જે. (સા.શિ.), અમદાવાદ

♦ અધ્યાત્મ અંગે ઉદ્ભવતા ઘણા જ પ્રશ્નોનું નિરાકરણ આ અંક દ્વારા મળી રહે છે. અને ઘણી વાર તો આ અંક વાંચતા ભાવવિભોર બની રડી પડું છું.

– રસિકભાઇ ના. જોષી, અમદાવાદ

♦ પ્રબુદ્ધ ભારતમાંથી ભાષાંતર કરેલા લેખો ખૂબ જ અદ્‌ભુત હોય છે, સંપાદકીય લેખો ખૂબ સારા હોય છે, મિશનના ડૉક્ટર થયેલા સ્વામીજીએ પાશ્ચાત્ય ઔષધશાસ્ત્ર તરફ કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર સંપૂર્ણપણે Balanced રીતે જે Tranquilizers ઉપર લેખ લખ્યો હતો તે પણ સારો હતો. ઉપનિષદોનો અભ્યાસ ક્રમશઃ ચાલુ થઇ શકે? ફેબ્રુ. ‘૯૭ના અંકમાં સાધકોના પ્રશ્નોના ઉત્તર લેખ ખૂબ સારો છે. લેખની નીચે સંક્ષિપ્તમાં પરિચય આપવાની રીત પણ ખૂબ સારી છે.

– હેમલ વી. શુકલ, ગાંધીનગર

♦ ઉમદા વિચારોને લઇ ઘણાં ઓછાં સામયિકો બહાર આવે છે. એમાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ એક અનોખું છે. સુંદર છે અને દિનપ્રતિદિન એને સુંદર બનાવવાનો આપનો પ્રયાસ પણ અભિનંદનીય છે.

– મહેશચંદ્ર ‘નિસ્તેજ’, વલસાડ

♦ आपके द्वारा भेजी गई मासिक पत्रिका मार्च १९९७ धीरे धीरे रुक-रुक कर पढी। जिसमें ‘स्मरणशक्ति की कला’- लेख मुझे अंक में सबसे अच्छा लगा ।

– मदनलाल मालवीया, महिदपुर (म. प्र.)

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.