(ગતાંકથી આગળ)

ભારતીય જનોની પેઠે ચીનાઓ પણ માનતા હતા કે કોઈક પારમાર્થિક સત્ તત્ત્વ છે. એને તેઓ ‘તાઓ’ કહેતા. આ ‘તાઓ’ વિવિધ વસ્તુઓ અને ઘટનાઓને જોડતું અને એમાં અનુસ્યૂત તત્ત્વ છે. ‘તાઓ’ પૂર્ણ અને સર્વવ્યાપક છે. એ ‘નિખિલ’ છે. ‘તાઓ’નો મૂળ અર્થ તો ‘રસ્તો’ થાય છે. એ વિશ્વનો માર્ગ કે પ્રક્રિયા છે. એ કુદરતનો નિયમ – વ્યવસ્થા છે.૧૬

માધ્યમિક્કારિકામાં બે પ્રકારનાં સત્યોની વાત કરી છે. એક સંવિત્તિ (ચીલાચાલુ કે ભૌતિક સત્ય) અને બીજું પરમાર્થ (ઉચ્ચતર કે પેલી પારનું સત્ય). પહેલાનો સંદર્ભ દૈત કે અજ્ઞાન સાથે છે. એ સત્ તત્ત્વને ઢાંકે છે અને ખોટી છાપ ઊભી કરે છે; જ્યારે બીજું એવો સાક્ષાત્કાર છે કે આ દુનિયાની વસ્તુઓનું અસ્તિત્વ જ નથી, એ ખાલી ભ્રમાત્મક છે, ખાલી પડઘો છે. સાધકનો પ્રયત્ન આ પૂર્ણ જ્ઞાનમાં – પ્રજ્ઞાપારમિતામાં, આ સાક્ષાત્કારમાં સ્થિર થવાનો છે.૧૭

યોગાચાર સંપ્રદાય તત્ત્વજ્ઞાનની વ્યવહારુ બાજુને આગળ લાવે છે. જ્યારે વિજ્ઞાનવાદ તર્ક અને અનુમાનની બાજુ આગળ ધરે છે. આ સંપ્રદાયનો મહત્ત્વનો ગ્રંથ લંકાવતારસૂત્ર છે એ માને છે કે કેવળ મન (ચિત્તમાત્ર) જ ‘સત્’ છે અને બીજા બાહ્ય પદાર્થો એવા નથી.

યોગાચાર, માધ્યમિકથી ફક્ત આ વાતમાં જ જુદો પડે છે કે એ ગુણોને અંતિમ સત્-માં રહેલા કહે છે. અને એવું પણ માને છે કે ‘સત્ તત્ત્વ’ વિશુદ્ધ વિજ્ઞાન જ (વિજ્ઞાન માત્ર) છે; જ્યારે માધ્યમિકો માને છે કે એ તત્ત્વ ‘શૂન્યતા’ છે.

‘તથતા’ કે ‘ભૂતતથતા’ જેવી બધી જ વિભાવનાઓ બે બાજુવાળી છે : એક વિધાનાત્મક અને બીજી નિષેધાત્મક. જો શૂન્યતા નિષેધાત્મક રીતે વસ્તુ વિશેષતાનો અભાવ છે, તો વિધાયક રીતે એ થેરાવાદના અનિત્યતાનો સિદ્ધાંત ‘થતું રહેવાની શાશ્વત પરિવર્તન પામતી ઘટમાળ’- બની રહે છે. ‘બૌદ્ધ તત્ત્વજ્ઞાને સિદ્ધાંત ભલે રચ્યો. પણ એની સચ્ચાઈનો પુરાવો તો બૌદ્ધોની અનુભૂતિએ જ પૂરો પાડ્યો’ – એમ ક્રિસ્ટમસ હમ્પ્રેટઝ કહે છે.૧૮

અસંગ પોતાના મહાયાન સૂત્રાલંકાર નામના જાણીતા ગ્રંથમાં નાગાર્જુન કરતાંય ‘સત્ તત્ત્વ’ની વિધાયકતાની વિભાવનાને વધારે પ્રમાણમાં સ્વીકારે છે. એ વિભાવના, ‘વિજ્ઞાનવાદ’ તરીકે જાણીતી છે. ઘટનામય વિશ્વ કોઈ જ પાયા વગરનું ખાલી ખ્યાલમાત્ર જ છે’ એવા નાગાર્જુનના દાવાને એ સ્વીકારતો નથી. માધ્યમિક સંપ્રદાયના શૂન્યવાદ કરતાં સાવ જુદી જ રીતે એણે વિચાર્યું કે આ પરિવર્તન પામતું રહેતું ઘટનામય વિશ્વ કોઈક સ્થિર સત્ તત્ત્વના પાયા પર ખડું હોવું જ જોઈએ. એને મતે આ પાયો વિશુદ્ધ જ્ઞાન-ચેતના છે – સભાનતા છે.

શુન્યવાદીઓ માને છે કે આ સભાનતા-જ્ઞાન-ક્ષણક્ષણના જ્ઞાનનો સરવાળો છે. અસંગ આ ક્ષણભંગને ક્ષણભંગુર જ્ઞાનસન્તતિને પારમાર્થિક સત્-તત્ત્વ માનતા નથી. સત્-તત્ત્વ તો અદ્વિતીય છે. વિષય-વિષયીનું દ્વૈત એમાં હોતું નથી; એ અવર્ણનીય છે; બુદ્ધિની પકડની એ બહાર છે. એ તો ફકત અંતઃપ્રેરણાથી જ પામી શકાય છે. ક્ષણભંગુરતા ફકત પરિવર્તનશીલ ઘટનાઓને જ લાગુ પડે છે. અસંગ વિશુદ્ધ ચેતના-અભાનતા – વિજ્ઞપ્તિમાત્રાની પૂર્ણતા ઉપર ભાર મૂકે છે. અને એ માટે એ ‘ધ્રુવ’ અને ‘નિત્ય’ જેવા શબ્દો કહે છે અને અપરિવર્તનીય, શાશ્વત અને અવિનાશીને ‘સત્’ કહે છે. એનો પૂર્ણ સત્ તત્ત્વનો અભિગમ એ સ્પષ્ટ દર્શાવે છે કે અસંગનો વિજ્ઞાનવાદ કંઈ આત્મલક્ષી આદર્શવાદ ગણી શકાય નહિ. એ વેદાન્તના અદ્વૈતવાદ સાથે વધારે મળતો આવે છે.

આ પૂર્ણ-અનંત સત્ તત્ત્વની અનુભૂતિને અસંગ, ‘નિર્વાણ’, ‘ધર્મધાતુ’, ‘વિશુદ્ધ તથતા’, ‘તત્ત્વ’, ‘પરાબોધિ’, ‘બુદ્ધત્વ’ અને અહંજનિત જેવાં જુદાં જુદાં નામે કહે છે. ‘નિર્વાણ’ બધા વિચારો અને ભેદોની પેલી પારનું છે. એ અવર્ણનીય અને અવ્યાખ્યેય છે. એટલે જ અસંગ ‘નિર્વાણ’ને ‘વિકલ્પોપશમ’ એટલે કે અહંજનિત કલ્પિત વસ્તુઓ અને વિચારોના નાશ તરીકે કહે છે. અસંગ ભારપૂર્વક કહે છે કે સતત પરિવર્તન પામતો રહેતો વ્યક્તિનો અહં એ શાશ્વત આત્મા નથી.૧૯

હીનયાનીઓએ ફક્ત ‘પુદ્ગલ’ (આત્મા)ની હસ્તી જ નકારી છે. પણ તેમને માટે ધર્મો (ગુણો), સ્કન્ધો (જૂથો), ધાતુઓ (પાયાની ધાતુ સત્ત્વ) અને આયતનો (રૂપો)- એ બધું જ ‘સત્’ છે. અસંગને એ વાતનું દુ:ખ છે કે હીનયાનીઓ ધાતુઓની અશાશ્વતતાને પણ જોઈ શકતા નથી! બધાં તત્ત્વોની પરિવર્તનશીલતાને પિછાણી શકતા નથી ધર્મનૈરાત્મ્યને ઓળખી શકતા નથી! પુદ્ગલનૈરાત્મ્ય (આત્માની નિઃસત્ત્વતા) અને ધર્મનૈરાત્મ્ય (બધાં તત્ત્વોની નિઃસત્ત્વતા)ની અનુભૂતિ વગર નિર્વાણની સ્થિતિએ પહોંચવું શક્ય નથી. આ બંને પ્રકારની નિઃસત્ત્વતાની અનુભૂતિ પોતે જ એક મોટું જ્ઞાન છે અને આ રીતે એ મહાયાન કહેવાય છે.

અસંગના મતે નિર્વાણ એ કેવળ દુઃખોનું પ્રશમન કે નાશ જ નથી; પણ એ માણસના હૃદયમાં રહેલા બુદ્ધત્ત્વના બીજની અનુભૂતિ પણ છે. એ નિષેધાત્મક વિભાવના નથી. એ તો છે વિધાનાત્મક આનંદ!

અસંગ વિજ્ઞાનવાદને વખાણે છે. કારણ કે (૧) એને બૌદ્ધોના બહોળા સૂત્રસાહિત્યનો ખૂબ મોટો સાથ (આલંબન) છે. (૨) માણસ પોતે સમજીને બીજાને એ સમજાવે એવું એ મહત્ત્વ ધરાવે છે. (૩) એ પુદ્ગલનૈરાત્મ્ય (આત્માની નિઃસત્ત્વતા) અને ધર્મનૈરાત્મ્ય (વસ્તુઓની નિઃસત્ત્વતા) એ બંને પ્રકારના જ્ઞાનનું મહત્ત્વ ધરાવે છે. (૪) એ સર્વદા સતત સત્કર્મો કરવા કહે છે..(૫) દુઃખોને લીધે જીવન તરફ નકારાત્મક અભિગમ એ રાખતો નથી. (૬) એમાં અખિલ બુદ્ધનું સંપૂર્ણ જ્ઞાન ભર્યું છે. (૭) બુદ્ધનાં કાર્યો અને વારંવાર છેવટના -અંતિમ-જ્ઞાનપ્રકાશની ઝંખનાનો સમાવેશ એમાં છે.૨૦

શંકર, મધ્વ અને રામાનુજે શૂન્યવાદનું ખંડન કર્યું :

શંકરાચાર્ય પોતાના, બ્રહ્મસૂત્ર ઉપરના ૨/૨/૧૮ સૂત્રના ભાષ્યમાં બૌદ્ધોની હીનયાન શાખાના સૌચાન્તિક અને વૈભાષિક સંપ્રદાયોનું ખંડન કરે છે. समुदाय उभयहेतुकेऽपि तदप्राप्तिः એ સંપ્રદાયો (૧) સર્વાસ્તિવાદમાં એટલે કે દરેક પદાર્થની હસ્તીમાં અને બાકીના બે સંપ્રદાયોમાં (૨) વિજ્ઞાનવાદ કેવળ સભાન વિચારોની જ હસ્તીમાં અને (૩) શૂન્યવાદ બધાના જ અભાવમાં ખાલીપણામાં માને છે.

શંકર કહે છે કે ઈશ્વર કે બ્રહ્મના અસ્તિત્વમાં ન માનનારા વાસ્તવવાદીઓ માને છે કે પદાર્થો, ગુણો અને ઈન્દ્રિયોનું આ બાહ્ય જગત તેમજ આંતરિક જગત એ બંને ‘વસ્તુ સત્’ છે. આ બાહ્ય જગત ચાર પ્રકારના અણુઓથી ઉત્પન્ન થાય છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુના આ અણુઓ છે. અને આંતરિક જગત ચાર સ્કંધો (જૂથો)નું બનેલું છે. રૂપ (ભાન), વિજ્ઞાન (જ્ઞાન), વેદના (લાગણી), સંજ્ઞા (શબ્દજ્ઞાન) અને સંસ્કાર – આ પાંચ સ્કન્ધો છે. વાસ્તવવાદીઓની ધારણા પ્રમાણે અણુઓ કે સ્કન્ધો કેવળ અણુઓ કે સ્કન્ધો પોતે મેળે મળી શકે નહિ. કારણ કે તેઓ અચેતન-જડ છે. જો તેઓ પોતે પોતાની મેળે ક્રિયાશીલ સ્વભાવ ધારણ કરનારાં હોય તો તો તેઓ હંમેશાં સક્રિય જ રહેવાનાં અને એમાંથી છૂટવાનો કોઈ મોકો જ ન મળે! તેમને સુવ્યવસ્થિત કરવા માટે તેમની વચ્ચે સુમેળ સાધવા માટે તેમની ઉ૫૨ કોઈ ઉચ્ચત૨ ચેતનાની જરૂર છે.’૨૧

વળી, જો શૂન્યવાદીઓને મતે બધું જ ખાલી-શૂન્ય અજાત હોય તો જે કંઈ હજુ અસ્તિત્વ પામ્યું નથી, તે કંઈક બીજા સાથેના સંબંધમાં કેવી રીતે આવી શકે? અર્થાત્ તેમનો જ માનેલો ‘પ્રતીત્યસમુત્પાદ’નો સિદ્ધાંત કેમ સંભવી શકે?

સંબંધ તો બે હસ્તી ધરાવતી વસ્તુઓ વચ્ચે જ ફક્ત શક્ય છે. એક હસ્તી ધરાવતી અને બીજી હસ્તી ન ધરાવતી હોય અથવા તો બંને હસ્તી ન ધરાવતી હોય તેવી બે વસ્તુઓ વચ્ચે સંબંધ હોઈ ન શકે અને કેવળ હસ્તી ધરાવતી વસ્તુઓ જ પરિચ્છિન્નતાવાળી કહી શકાય. અનન્ત અભાવ કે પછી અવિભાજ્યને ‘એના જન્મ પહેલાં હોય’ એમ કહી શકાય નહિ.

શંકર છાન્દોગ્ય ઉપનિષદનો સંદર્ભ આપે છે : ‘ब्रह्मैवेदं। अग्र आसीत्, एकमेवाद्वितीयम् ’ (છા.ઉ. ૫/૧/૧૧) ‘શરૂઆતમાં કેવળ બ્રહ્મ જ એકલું અને અદ્વિતીય હતું.’ શ્રુતિનું આ અનુભૂત્યત્મક જ્ઞાન, શંકરના મતે, જગતના અસ્થાયી-પરિવર્તનશીલ અસ્તિત્વના મૂળમાં શૂન્યતાના પૂર્વપક્ષી સૂચનને નકારી કાઢે છે. એમની એ પાયાની દલીલ છે કે ‘અભાવ’માંથી ‘ભાવ’ ઉત્પન્ન થતો જ નથી.

બ્રહ્મસૂત્રમાં (૨/૨/૩૧) ‘क्षणिकत्वाच्च’એ સૂત્રના ભાષ્યમાં શંકર દલીલ કરે છે કે શૂન્યવાદ એટલે કે સર્વપદાર્થોનો સંપૂર્ણ નિષેધ શક્ય જ નથી. કોઈક સ્થિર સ્થાયી પાયા-મૂળ વગર કે સત્ તત્ત્વ વગર એ બને જ નહિ. એવા સત્ તત્ત્વમાં જ વાસ્તવવાદીની દૃશ્ય છબીઓ ઝીલી શકાય. સ્વામી વિવેકાનંદે સુંદર દલીલ કરી છે કે ઘટનાની હસ્તીનાં આવનજાવન દૃશ્યો, એની પશ્ચાદ્ભૂમિકામાં રહેલાં સ્થિર પડદામાં જ સમજી જોઈ શકાય છે. જગતની પાર્શ્વભૂમિ એ શાશ્વત બ્રહ્મ છે.

એક બીજું સૂત્ર (૨/૨/૩૧) ‘सर्वथानुपपत्तेश्च’ ફરીથી શૂન્યવાદનું ખંડન કરે છે. (કારણ કે એ બધી રીતે ખામી ભરેલો છે.)

રામાનુજ પણ આ સૂત્રને લે છે અને શૂન્યતાનું ખંડન કરે છે. એ એવો શૂન્યવાદ છે કે જે કહે છે : કંઈ પણ ‘સત્’ નથી; આપણી જાણીતી દુનિયા નાશવંત છે; એમાં બનતી ઘટનાઓ પોતાના જન્મની સાથે જ અપદાર્થ-અભાવમાં સરકી પડે છે. આ જગત ‘સંસાર’ એટલે કે કોઈ નક્કર સત્ત્વ વગર પદાર્થોની સતત પરિવર્તનશીલતા જ છે. ભૌતિકજ્ઞાનના વિષયો અસ્થિર, પરિવર્તનશીલ અને અન્ય પદાર્થ સાથેના સંબંધથી સતત રૂપાંતર પામતા રહે છે. જ્યારે વિશ્લેષણ કરવામાં આવે, ત્યારે એ પૂરેપૂરા સાપેક્ષ અને ક્ષણભંગુર સિદ્ધ થાય છે. અહીં રામાનુજનો આ મત છે કે આવા અપૂર્ણ જગતનો મહિમા એ છે કે આ અસ્થાયી જગતની ભીતર રહેલા ‘સત્ તત્ત્વ’નું આપણને ભાન કરાવે છે. નહિતર જીવનની પરિવર્તનશીલતા અને ક્ષણભંગુરતાને લીધે ઉત્પન્ન થતા અજ્ઞાનમાંથી કોઈ બુદ્ધ તે કેવી રીતે આવી શકે ભલા?

અંતિમ ‘સત્ તત્ત્વ’ને ‘નેતિ નેતિ’ કહેતા શંકરના અદ્વૈતવાદને મધ્વ તો ‘પ્રચ્છન્ન બૌદ્ધ’ તરીકે જ જુએ છે. એ ભારપૂર્વક કહે છે કે નિર્ગુણ બ્રહ્મ અથવા વાણી અને મનથી અતીત સર્વવ્યાપક ચૈતન્ય અને માધ્યમિકોના શૂન્ય તત્ત્વ વચ્ચે કશો જ ફરક નથી, અદ્વૈતવાદીઓ એને અવર્ણનીય અને અજ્ઞેય લેખે છે અને વળી સાથોસાથ એને જ સર્વજ્ઞાન સ્વરૂપ પણ ગણાવે છે!૨૨

શ્રી નિવાસ કહે છે કે શૂન્યવાદનો દૃષ્ટિકોણ ખામી ભરેલો છે. કારણ કે એ જીવનના અધિષ્ઠાનરૂપ બ્રહ્મતત્ત્વનો નિરાદર કરે છે. એ ન જોયેલા અને ન સાંભળેલા અણુઓના સમૂહને માને છે પણ કહે છે કે અણુઓના સમૂહનું કારણ અસ્પષ્ટતા છે!૨૩

સાંખ્ય કહે છે કે પહેલાં હસ્તી ન ધરાવતી હોય તેવી કોઈ વસ્તુનું સર્જન થઈ જ શકતું નથી. આ સિદ્ધાંતને ‘સત્કાર્યવાદ’, એટલે કે પરિણામ કે કાર્ય ઉત્પન્ન કરવા માટે કારણની પ્રક્રિયા શરૂ થાય, તે પહેલાં જ કાર્ય કે પરિણામની હસ્તી – સત્તા હોય જ છે.૨૪

સ્વામી વિવેકાનંદ : શૂન્યની અનુભૂતિ, પણ શૂન્યવાદનો અસ્વીકાર :

ઈશ્વરની ઝંખના સેવતા એક યુવાન તરીકે સ્વામી વિવેકાનંદ એક વિખ્યાત વિદ્વાનને પૂછ્યું હતું કે ‘પંચદશીકારે પણ કહ્યા પ્રમાણે’ જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, એ જ બૌદ્ધોનું શૂન્ય છે – એ એક જ સત્ય છે – આ બધાનો શો અર્થ-મર્મ છે?૨૫

પછીનાં વર્ષોમાં એમની પોતાની પરમતત્ત્વની અનુભૂતિએ જ એમની પાસે એમની પોતાની સમાધિનું ગીત ગવરાવ્યું :

‘અવકાશમાં અવકાશ ભળી ગયું

અકથનીય, અવ્યાખ્યેય!

કેવળ એ જ એને સમજે છે, જેણે આનો અનુભવ કર્યો છે.’

ઉપનિષદની આ પ્રસિદ્ધ પંક્તિઓ હમેશાં તેમની આ અકથનીયની અનુભૂતિની યાદ અપાવે છે : ‘न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः । तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति ।’ ‘ત્યાં સૂર્ય પ્રકાશતો નથી અને ચંદ્ર કે તારાઓ પણ પ્રકાશતા નથી; વીજળીએ ત્યાં ચમકતી નથી, તો વળી અગ્નિ તો ક્યાંથી જ હોય? અને છતાં એના જ પ્રકાશથી બધું પ્રકાશી ઊઠે છે.’

સ્વામીજીએ પશ્ચિમમાં તર્કની ભાષામાં ‘નિર્વાણ’ની આ રીતે સમજૂતી આપી છે : ‘જ્ઞાની પહેલેથી કશું જ સ્વીકારી લેતો નથી. શુદ્ધ તર્કથી એ પૃથક્કરણ કરે છે, એમાં ઇચ્છાશક્તિ ઉમેરે છે અને જ્યાં સુધી એ નિર્વાણને એટલે કે – બધી સાપેક્ષતાઓના લયને પામે નહિ, ત્યાં સુધી એ ચાલુ રાખે છે. આ સ્થિતિનું વર્ણન કરી શકાય તેમ નથી. અરે, આ સ્થિતિની કોઈ પૂર્વધારણા પણ બાંધી શકાય તેમ નથી.’૨૬ અથવા ‘જ્ઞાની પોતાની બૌદ્ધિક સમાધાનશક્તિના બળથી આ ભૌતિક બંધનમાંથી પોતાને વછોડી નાખવાની ઝંખના સેવે છે. આ ‘નેતિ નેતિ’ – ‘આ નહિ, આ નહિ’- નો નિષેધાત્મક માર્ગ છે.૨૭

કોઈને યાદ આવે કે ઈશ્વર સંબંધી પ્રશ્નોનો બુદ્ધે આપેલો જવાબ કેવળ મૌન હતું. ‘જ્ઞાનયોગ’ ઉપરના પોતાનાં પ્રવચનોમાં સ્વામી વિવેકાનંદ પહેલાં બૌદ્ધોના મુદ્દાને રજૂ કરે છેઃ ‘કોઈએ સ્થિર સત્ત્વને જોયું નથી; કોઈ પણ એને ક્યારેય ધારી કે પામી શકે તેમ નથી. તો પછી આવા તત્ત્વને – પદાર્થને વિશે વિચારવાનો શો અર્થ છે? શા માટે ક્ષણિકવાદી ન થવું? અને એમ શા માટે ન કહેવું કે જે કંઈ હસ્તી ધરાવે છે, તે આ માનસિક પ્રવાહોની પરંપરા જ છે અને બીજું કશું જ નથી?

તમારી વ્યક્તિમત્તા શું છે? આ રાતે તમારો એક વિચાર છે અને આવતીકાલે વળી બીજો જ વિચાર તમારો હોય છે… અને બૌદ્ધો દલીલ કરે છે કે પુરુષવિધ-સગુણ ઈશ્વરના આ વિચાર સાથે જ પુરોહિતોની જંજાળ અને જુલમ આવે છે. બૌદ્ધો હજુ વધારે દલીલ પણ કરી શકે : અને આટલા માટે જ તે લય-વિલય નિર્વાણની સંકલ્પના કરી છે કે જેથી આવા સંઘર્ષ અને જુલમથી બચી શકાય.૨૮

આ પછી સ્વામી વિવેકાનંદ બૌદ્ધોના ઉપર બતાવેલા વાંધાઓનું ખંડન કરે છે અને બૌદ્ધોની જ તર્કપ્રણાલીની સહાય લઈને એક, સર્વવ્યાપક, ‘સત્’ તત્ત્વની હસ્તીને સિદ્ધ કરે છે. બૌદ્ધોનો પહેલો તાત્ત્વિક વાંધો એ છે કે પદાર્થ (ગુણી) અને ગુણ અલગ છે. ત્યારે અદ્વૈતી કહે છે કે અલગ નથી. ગુણી અને ગુણ વચ્ચે કશો ભેદ નથી. તમે પુરાણું ઉદાહરણ જાણો છો કે તમે દોરડીને સાપ કેમ માનો છો અને જ્યારે તમે સાપ જુઓ છો, ત્યારે તમે દોરડીને જોતા જ નથી; ત્યારે દોરડી નાશ પામેલી હોય છે. એક જ વસ્તુના પદાર્થ-ગુણી અને ગુણ એવા ભાગ પાડવા, એ ફિલસૂફોના દિમાગનું કંઈક અનોખું તાત્ત્વિક લક્ષણ છે. કારણકે તે બંને ક્યારેય બહાર પરિણામ પામતાં જણાતાં નથી.૨૯

‘જો પદાર્થ ગુણ વગરનો હોય તો તે એક જ હોઈ શકે. જો તમે આત્મામાંથી ગુણો કાઢી અને બતાવી શકો કે આ ગુણો ખરેખર તો મનમાં છે અને આત્મામાં ઠોકી બેસાડવામાં આવ્યા છે, તો પછી બે આત્મા કદીય હોઈ શકે નહિ. કારણ કે ગુણવત્તા જ એક આત્માને બીજા આત્માથી અલગ પાડે છે. તમે કેવી રીતે જાણી શકો કે એક આત્મા બીજા આત્માથી અલગ છે? બે વચ્ચેનો ભેદ દર્શાવતાં કેટલાંક ચિહ્નોથી જ ને? બંનેમાં રહેલા વિભિન્ન ગુણોથી જ ને? અને જ્યાં ગુણો હસ્તી જ ન ધરાવતાં હોય ત્યાં અલગતા ક્યાંથી હોય? એટલા માટે બે આત્મા નથી જ, આત્મા ફક્ત એક જ છે અને એ એક ‘પરમાત્મા’ કેહવાય છે. અને એનો એ જ જીવાત્મા અને એવા બધા નામે ઓળખાય છે.

એટલે વેદાન્તી કહે છે કે જ્યાં લગી ‘બે’ છે, ત્યાં સુધી ભય દૂર થતો નથી. ‘બેથી જ ભય ઉત્પન્ન થાય છે.’ ‘द्वितियाद् वै भयं भवति’ (બૃ.ઉપ.) જ્યારે માણસ બીજાને જોતો નથી, બીજાને અનુભવતો નથી, જ્યારે એને માટે બધું એક બની જાય છે, ત્યારે જ ફક્ત ભય દૂર થાય છે; ત્યારે જ મૃત્યુ મરી જાય છે અને ફક્ત ત્યારે જ સંસાર નાશ પામે છે.

સ્વામી વિવેકાનંદ બૌદ્ધોના બીજા વાંધાને ગતિની સાપેક્ષતાના સીધા સાદા તર્કથી નકારી કાઢે છે. આ બીજા વાંધો એ છે કે આ વિશ્વ સતત ગતિશીલ છે. આ ક્ષણિકવાદીઓનું તત્ત્વજ્ઞાન છે. બધી ઘટનાઓ ક્ષણેક્ષણે સતત પરિવર્તન પામતી હોવાનું એ લોકો માને છે. સ્વામી વિવેકાનંદ દલીલ કરે છે કે આપણા આ નાનકડા વિશ્વ જગતમાં લાગણીઓ અને વિચારો, મન અને શરીર, માનવ અને પ્રાણીઓ આ બધું સતત ક્ષણે – ક્ષણે પરિવર્તન પામ્યા કરવાની સ્થિતિમાં જ છે. પણ ધારો કે તમે વિશ્વને એક અખંડ એકમ તરીકે લો, તો શું એ ગતિ કરે કે પરિવર્તન પામે ખરું? કદાપિ નહિ જ. જે કંઈ થોડી ઓછી ગતિવાળું કે પછી સંપૂર્ણ રીતે ગતિ વગરનું હોય, એની સાથેની સરખામણીમાં જ ‘ગતિશીલતા’ શક્ય છે. જ્યારે ‘હું વિશ્વમય છું’ – એવો સાક્ષાત્કાર થાય ત્યારે બધો ભય ચાલ્યો જાય છે.’૩૦

(ક્રમશઃ)

અનુવાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

સંદર્ભ સૂચિ

(૧૬) Tao of Physics : Fritzof Capra 1975

(૧૭) Buddhism 2500 years P. 107

(૧૮) Christmas Humphry : Buddhism 1961, P.107, 108, 109, 149

(૧૯) Mahayana Sutra of Asanga, Delhi, P. 11, 127, 138, 139

(૨૦) Mahayana Sutra of Asanga, Delhi, Introduction

(૨૧) The Brahmasutra : Dr. Radhakrishnan P. 378

(૨૨) The Brahmasutra : Dr. Radhakrishnan P. 63

(૨૩) The Brahmasutra : Dr. Radhakrishnan P. 378-389

(૨૪) Indian Philosophy : Dasgupta P. 257

(૨૫) Complete works of Swami Vivekananda VI-211

(૨૬) Complete works of Swami Vivekananda VIII-11

(૨૭) Complete works of Swami Vivekananda III-28

(૨૮) Complete works of Swami Vivekananda II-411

(૨૯) Complete Works of Swami Vivekananda V-415

(૩૦) Complete works of Swami Vivekananda VI-416-17

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.