સ્વામી વિવેકાનંદની બાળવાર્તા

એક હતો દેડકો. તે ઘણા વખતી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે હતો તો એક નાનકડો દેડકો જ. તે કૂવામાંના જીવ-જંતુઓને ખાઈને તાજોમાજો થયો હતો.

એક દિવસ સાગરમાં રહેતો બીજો એક દેડકો એ કૂવામાં આવી પડ્યો.

કૂવામાંના દેડકાએ તેને પૂછ્યું : ‘તમે ક્યાંથી આવો છો?’

‘હું સાગરમાંથી આવું છું.’

‘સાગરમાંથી? સાગર વળી કેવડો મોટો હશે? શું એ આ કૂવા જેટલો મોટો છે ખરો?’ આમ કહીને પેલા કૂવામાંના દેડકાએ કૂવાની એક બાજુએથી બીજી બાજુ સુધી કૂદકો માર્યો.

સાગરના દેડકાએ જવાબમાં કહ્યું : ‘મારા મિત્ર, તારા આ નાનકડા કૂવાને સાગર સાથે કેવી રીતે સરખાવી શકે?’

પેલા કૂવામાંના દેડકાએ બીજો કૂદકો માર્યો અને પૂછ્યું : ‘ત્યારે તમારો સાગર આવડો મોટો છે?’

સાગરનો દેડકો હસતો હસતો બોલ્યો : ‘અરે ભાઈ, તારા આ કૂવા સાથે સાગરને આ રીતે સરખાવવાની તું કેવી વાહિયાત વાત કરે છે! ક્યાં કૂવો અને ક્યાં સાગર!’

કૂવાનો દેડકો એ સાંભળીને ચિડાઈને બોલ્યો : ‘જાણ્યું, જાણ્યું! મારા કૂવાથી કોઈ પણ વસ્તુ વધારે મોટી ન હોઈ શકે. તું જુઠ્ઠાબોલો છે. તને અહીંથી તગડી મૂકવો જોઈએ.’

હમેશાં આપણી આ જ મુશ્કેલી રહેલી છે. હું હિંદુ છું. મારા નાના કૂવામાં બેસી હું એમ વિચારું છું કે આ આખું જગત આ મારા નાના કૂવામાં સમાઈ જાય છે. ખ્રિસ્તી ધર્મનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે અને આખી દુનિયા એના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે. ઇસ્લામનો અનુયાયી એના નાના કૂવામાં બેસી રહે છે અને એને જ આખું જગત માને છે.

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.