૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’ નામના ગ્રંથમાં (બીજા વૉલ્યુમના એપેન્ડિક્સ ‘સી’) આ લેખ સૌ પ્રથમ પ્રસિદ્ધ થયેલ હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ધ કમ્પલીટ વકર્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના નવમા ખંડમાં પણ આ લેખ પ્રકાશિત થયો છે.

હિન્દુ નારીના ચિત્રણમાં સ્વામીજી તેઓનાં સૌંદર્ય અને ઉચ્ચ ચારિત્ર્યની વાત ભાર દઈને કરે છે, અને જણાવે છે કે જ્યારે સંસ્કૃતિ સોળે કળાએ ખીલી હતી. ત્યારે સ્ત્રીઓનો કેટલો બધો આદર થતો હતો. આની સાથે તુલના કરવાથી આપણને તરત જ જણાઈ આવે છે કે કહેવાતા ‘ડેવલપમૅન્ટ’ એટલે કે ‘વિકાસ’ને માટે આપણને કેટલી મોટી માત્રામાં નુકસાન થઈ ગયું છે. આ ઉપરથી આપણે વિચારતાં થઈશું કે – શું નારીના આદર્શ વિશે ભૂતકાળ તેમ જ વર્તમાનકાળના સર્વોત્તમ તત્ત્વોનું સંતુલન કરી શકાય તેમ નથી? – સં.

(ગતાંકથી આગળ)

હિન્દુઓમાં માતાના પૂજનનું શું કારણ છે? અમારા વિચારકો આનું કારણ શોધે છે અને એ નિર્ણય પર આવ્યા છે કે, આપણે પોતાને આર્ય કહીએ છીએ. આર્ય એટલે કોણ? આર્ય એક એવો માનવ છે જેનો જન્મ ધર્મથી થયો હોય છે. આ દેશમાં કદાચ આ એક વિશિષ્ટ વિષય હોય તેમ બને, પણ આની પાછળ રહેલો વિચાર એ છે કે પ્રત્યેક માણસનો જન્મ ધાર્મિક રીતે થવો જોઈએ, પ્રાર્થના દ્વારા જ થવો જોઈએ. અમારા સ્મૃતિગ્રંથો તપાસશો તો જણાશે કે તેનાં કેટલાંક પ્રકરણો આ બાબતને લગતાં છે. તેમાં જણાવાયું છે કે બાળકના જન્મ પહેલાં તેના ગર્ભવાસ દરમ્યાન જ તેની માતા તેના ઉપર ક્યા પ્રકારનો પ્રભાવ પાડી શકે છે. મને પણ ખબર છે કે મારા જન્મ પહેલાં મારી માતા પણ ઉપવાસ, વ્રત, પ્રાર્થના વગેરે કરતાં અને પાંચ મિનિટ માટે પણ હું ન કરી શકું તેવાં તેવાં કઠણ વ્રત રાખતાં હતાં. આવું તેમણે બે – બે વર્ષ કર્યું. મારામાં જે કંઈ ધાર્મિક વૃત્તિ છે તે આ કારણથી જ છે, એમ મારું માનવું છે. મારાં માતાએ મને ખૂબ જ સભાનતાપૂર્વક ઉછેર્યો છે કે જેથી હું આવો બની શકું. જે કંઈ થોડી સારી વૃત્તિઓ હું ધરાવું છું, તે મને મારાં માતા તરફથી પ્રાપ્ત થઈ છે, અને તે અજાણતાં નથી અપાઈ બલ્કે પૂરી સભાનતાથી પ્રેરવામાં આવી છે.

‘કૈવળ ભૌતિક કારણોથી જન્મેલું બાળક ‘આર્ય’ નથી હોતું; આધ્યાત્મિક કારણોથી અને રીતિથી જન્મેલું બાળક જ ‘આર્ય’ છે.’ પોતાને શુદ્ધ અને પવિત્ર કરવાના હેતુથી જે નારી આ બધાં કષ્ટો ઉઠાવે છે અને જેનો હેતુ પણ એ જ છે કે તેનાં બાળકો શુદ્ધ અને પવિત્ર ઉત્પન્ન થાય, તેવી જ માતાનો હક્ક પોતાના બાળકો પર બને છે. માતા કેટલી બધી નિઃસ્વાર્થ હોય છે, છતાં અમારા કુટુમ્બોમાં (પણ) માતાને સહુથી વધારે દુઃખ સહેવાનાં હોય છે. આખું કુટુમ્બ ભોજન પતાવી લે પછી જ તેણે ભોજન કરવાનું હોય છે. તમારા દેશમાં મને ઘણી વખત પૂછવામાં આવે છે કે, ‘હિંદુઓમાં પત્નીની સાથે ભોજન લેવા પતિ કેમ બેસતો નથી? શું તમારે ત્યાં પતિ તેની પત્નીને પોતાના કરતાં નીચી કક્ષાની ગણે છે?’ ના આ પ્રકારનો તર્ક સહેજ પણ યોગ્ય કે યથાર્થ નથી. તમને ખ્યાલ હશે જ કે ડુક્કરનો વાળ ઘણો અપવિત્ર મનાય છે અને જો એના વાળથી બ્રશ બનાવ્યું હોય તો હિન્દુઓ તેનાથી દાંત સાફ કરી શકે નહિ. આ કારણથી દાંતની સફાઈ માટે તે (બાવળ કે લીમડાની) નાની કુણી ડાળીનો ઉપયોગ કરે છે. કોઈ (વિદેશી) પ્રવાસીએ હિંદુઓને આ રીતે દાંત ઘસતા જોઈને નોંધ્યું છે કે ‘એક હિન્દુ સવારે વહેલો ઊઠે છે, એક છોડને તોડે છે અને પછી તેને ચાવીને પેટમાં પધરાવે છે!!’

આવી રીતે જ, ક્યારેક કોઈ (અજાણ મનુષ્ય) એમ જુએ કે પતિ અને પત્ની સાથે બેસીને ભોજન કરતાં નથી, ત્યારે એ બાબતનો તર્ક પોતાની બુદ્ધિથી ઊભો કરી લે છે. આવા તર્ક લડાવનારાઓ દુનિયામાં ઘણા બધા હોય છે, પણ સાચું નિરીક્ષણ કરનારા કેટલા ઓછા છે!! જાણે તર્ક લડાવનારાઓની વાત જાણવા દુનિયા અધીરી ન હોય! એથી જ હું કેટલીક વાર વિચારું છું કે છાપકામની શોધ કંઈ મિશ્રિત વરદાન જ નથી. સાચી હકીકત તો એ છે કે જેમ તમારા દેશમાં પણ સ્ત્રીઓ અમુક રીતનું કામ અથવા વર્તન પુરુષોની હાજરીમાં કરતી નથી, તેમ જ અમારા દેશમાં એમ માનવામાં આવે છે કે ચર્વણની ક્રિયા અશિષ્ટ હોવાથી સ્ત્રીઓ તે ક્રિયા પુરુષોની સમક્ષ કરે તે અશિષ્ટ ગણાય. એક મહિલા પોતાના જ ભાઈઓ સમક્ષ ચાવવાની ક્રિયા કરે તે માન્ય છે, પરંતુ જો એ સમયે એનો પતિ ત્યાં આવી પહોંચે તો તે તુરત જ ચાવવાનું બંધ કરી દે છે અને પતિ પણ ત્યાંથી દૂર જતો રહે છે. અમારે ત્યાં ભોજન માટે ટેબલ – ખુરશીનો વપરાશ થતો નથી. પુરુષ જ્યારે પણ ભૂખ્યો થાય ત્યારે તે આવીને ભોજન કરી લે છે, અને પછી બહાર ચાલ્યો જાય છે. એમ ન માનશો કે હિન્દુ પોતાની પત્નીને ટેબલ પર બેસવા જ નથી દેતો. હિન્દુ પાસે ટેબલ જેવી કોઈ ચીજ જ નથી! વળી, રાંધેલા અન્ન પર પહેલો અધિકાર અતિથિઓ અને ગરીબોનો ગણાય છે, બીજે આવે છે નિમ્ન કોટિનાં પશુપક્ષી, ત્રીજે બાળકો અને ચોથે પતિ અને સર્વથી છેવટે માતાનો અધિકાર ગણાય છે.

મેં પણ મારી માતાને કેટલીક વખત છેક બપોરે બે વાગ્યે ભોજન પામતાં જોયાં છે, જ્યારે અમે તો દસ વાગે ભોજન લઈ ચૂક્યાં હોઈએ. તેમને ભોજન લેતાં તો બે વાગી જ જતા. કેટલાંય કામ તેમણે પતાવવાનાં હોય; કોઈ ગરીબ આંગણે આવી જાય અને ‘અતિથિ’નો સાદ પાડે, ત્યારે જો પોતાને માટે જ વધેલું અન્ન હોય તો તે પણ પ્રેમથી એ અતિથિને જમાડી દેતાં. ત્યાર પછી જ પોતાના ભોજનના બનવાની રાહ જોતાં. રોજેરોજની તેમની આવી જ પ્રક્રિયા હોય અને તેવામાં પણ તેઓ પ્રસન્ન જ રહેતાં. આવાં કારણોથી જ અમે માતાઓને દેવની જેમ પૂજીએ છીએ. મારી ખાતરી છે કે (અહીં બેઠેલી મહિલાઓ) તમને પણ પ્રેમથી ટપલીઓ ખાવી અને ઉપકાર હેઠળ દબાવા કરતાં પુજાવું જ વધારે ગમશે! માનવ જાતિનો નમ્ર સભ્ય, હિન્દુ, આવું બધું (હવે તો) સમજતો તો નથી, પણ જ્યારે તમે પણ કહો કે ‘અમે તમારી માતા છીએ અને અમારી આ આજ્ઞા છે.’ તો એ અવશ્ય તમને નમી જશે. આ રીતે, હિન્દુએ નારીના ચરિત્રની આ બાજુને ઘણી વિકસિત કરી છે એમ કહી શકાય.

આપણા વિચારોમાં આગળ ધપીએ. આજથી લગભગ સો વર્ષ પહેલાં પશ્ચિમી દુનિયામાં એવો વિચાર પ્રચલિત થયો કે આપણે અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા રાખવી જોઈએ. પણ (હવે) આપણે સમજીએ છીએ કે ધર્મ પ્રત્યે કેવળ સહિષ્ણુતાની ભાવના રાખવી તેટલું જ પૂરતું નથી, બલકે તે ધર્મોનો સ્વીકાર પણ આવશ્યક છે. આ કોઈ બાદબાકીનો પ્રશ્ન નથી, પણ સરવાળાનો જ છે. સત્ય એ છે કે આ બધી જ બાબતોને એકમેકમાં ઉમેરવાથી (પૂરક બનાવવાથી) જ પરિણમે છે. પ્રત્યેક ધર્મ સત્યનાં એક વિશિષ્ટ પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. પૂર્ણ સત્યને મેળવવા માટે આ બધા જ ધર્મોનો સરવાળો કરવો જોઈએ. વળી આ જ નિયમ દરેક વિજ્ઞાનને પણ લાગુ પડે છે. સરવાળો કરવો એ જ નિયમ છે. જુઓ, હિંદુઓએ એક આ પાસું વિકસિત કર્યું છે, તો શું એ પૂરતું છે? હિન્દુ નારી, જે માતા છે, તેઓને સાચી સહચરી પણ (હવે) બનવા દો, પણ તે કરતાં કરતાં તેમનામાં વસતી માતાનો નાશ ન થવા દેશો. આ જ બાબત સહુથી વધુ મહત્ત્વની છે, જે તમે કરી શકશો.

આ પ્રમાણે વિચારવાથી તમને વિશ્વનો એક અનેરો દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે અને પછી તો તમે સમગ્ર દુનિયામાં ફરતાં ફરતાં જુદાજુદા દેશોમાં ભ્રમણ કરતાં કરતાં એમ નહિ કહો કે ‘આ બધા લોકો તો તદ્દન ભંગાર છે, તેમને તો સદૈવ બાળી શેકીને પૂરાં કરવાં જેવાં છે!’ જો આપણે નિર્ધાર કરીએ કે પ્રભુના રચાયેલા આ વિશ્વમાં દરેક દેશ માનવપ્રકૃતિના એક એક પાસાંને વિકસિત કરે તો કોઈ દેશ નિષ્ફળ નહિ ગણાય. અત્યાર સુધી તો તેમનું કાર્ય સારું છે, પણ હવે તેમણે વધારે સારું કામ કરવાનું છે. (તાળીઓ) હિન્દુઓને ‘અણઘડ, અસંસ્કારી, ભંગાર કે ગુલામો’ જેવા કહેવા કરતાં તમે ત્યાં જાઓ અને કહો કે ‘અત્યાર સુધીનું તમારું કામ તો પ્રશંસનીય છે, પરંતુ બધું જ કામ તેવું નથી; તમારે હજી પણ ઘણું કરવાનું બાકી છે. ભગવાનની કૃપા તમારા પર વરસો કારણ કે નારીની માતાની પ્રકૃતિ તમે વિકસાવી (શક્યા) છો. પણ હવે તેના એક અન્ય પાસાંના વિકાસમાં મદદ કરો. તેને પોતાના પતિની પત્ની બનવા દો.’ અને એ જ રીતે (અને આ વાત હું ખૂબ જ નિખાલસતાથી કહું છું), મને લાગે છે કે તમે પણ તમારા રાષ્ટ્રીય ચરિત્રમાં હિન્દુ નારીની માતૃ-પ્રકૃતિનાં લક્ષણો જો ઉમેરો તો વધુ સારું!! મારા જીવનમાં જે સર્વ પ્રથમ કવિતા હું શીખ્યો, તે મારા શાળાજીવનનો પહેલો જ દિવસ હતો અને એ કવિતા હતી : ‘એ માણસ ખરેખર વિદ્વાન હશે જે નારીને પોતાની માતા સમાન ગણશે; જે દરેક માણસની સંપત્તિને ધૂળ સમાન માનશે; જે દરેક માનવને પોતાના આત્માના જેવો જ જાણશે અને જોશે.’

એક બીજો વિચાર પણ છે, જેમાં નારી પુરુષની સાથે જ કામ કરે, તેવી વાત છે. એવું નથી કે હિન્દુઓમાં આવા વિચારો અથવા આદર્શો છે જ નહિ; એટલું જ કે તે સર્વેનો વિકાસ તેઓથી થઈ શક્યો નથી. તમે જોશો કે માત્ર સંસ્કૃત ભાષામાં જ એવા શબ્દો છે જેમાં એક શબ્દથી જ ‘પતિ અને પત્ની’ બન્નેનો સમાવેશ થાય છે. (તે આવા વિચારને પ્રગટ કરે છે) અમારે ત્યાં લગ્નમાં પતિને પત્ની વચન આપે છે, ‘મારું હૃદય છે તે હવે તારું છે’, અને પતિ પણ પત્નીને આ જ વચન આપે છે. વળી, આ વચન આપતી વખતે પતિએ ધ્રુવ તારાની સામે જોવાનું હોય છે અને પત્નીના હાથને સ્પર્શીને તે કહે છે, ‘જેમ આકાશમાં ધ્રુવનો તારો નિશ્ચલ છે, તેવી જ રીતે તારા પ્રત્યેની લાગણીમાં હું નિશ્ચલ રહીશ.’ પત્ની પણ આવું જ વચન આપે છે. જે નારી રસ્તે રખડવા જેટલી દુષ્ટ હોય તેને પણ પોતાના પતિ ઉપર ભરણપોષણ માટે દાવો માંડવાનો અધિકાર છે. અમારા આખા દેશમાંના ગ્રંથોમાં આવા વિચારો જ પડ્યા છે, પણ અમે નારીચરિત્રનાં એ બધાં પાસાઓનો યોગ્ય વિકાસ કરી શક્યા નથી.

જ્યારે આપણે કોઈ ખરા ખોટાનો ચુકાદો આપવાનો હોય ત્યારે લાગણીથી ઉપર ઉઠવું જરૂરી બની જાય છે, અને આપણે જાણીએ છીએ કે વિશ્વમાં માત્ર લાગણીથી જ બધાં કાર્યો થઈ શકતાં નથી. તેમ છતાં લાગણીની પાછળ કોઈક તત્ત્વ હોય છે ખરું. આર્થિક કારણો, આસપાસના સંયોગો અને એવી બીજી બાબતોની અસર રાષ્ટ્રોના વિકાસ ઉપર પડતી જ હોય છે. (અત્રે મારો આશય નારીના ‘પત્ની’ તરીકેના વિકાસનાં કારણોની છણાવટ કરવાનો નથી) આને લીધે આ જગતમાં પ્રત્યેક દેશ કોઈ ખાસ સંયોગોમાંથી પસાર થાય છે અને પોતાના લોકોનું એકાદ ખાસ પ્રરૂપ (type) બનાવે છે. એક દિવસ એવો આવી રહ્યો છે જ્યારે આવાં વિશિષ્ટ પ્રરૂપો એકમેકમાં મિશ્રિત થઈ જશે, અને પેલા વિચિત્ર ‘રાષ્ટ્રપ્રેમ’નું એ સ્વરૂપ કે જેમાં ‘દરેકને લૂંટો અને બધું મને આપો’નું તત્ત્વ જ મુખ્ય હોય છે, તે નષ્ટ થઈ જશે. સમગ્ર વિશ્વમાં ત્યાર પછી કદી એક પક્ષીય વિકાસ નહિ થાય અને દરેક માનવનું લક્ષ્ય એ બાબત ઉપર જ રહેશે કે તેમણે સત્ય આચરણ કર્યું છે. ચાલો, આપણે આજથી જ આ કામ ઉપાડી લઈએ, અને નવા રાષ્ટ્રને ધરતી પર ઉતારીએ.

શું તમે મારી એ માન્યતાને પ્રકટ કરવા દેશો કે દુનિયાની લગભગ તમામ સભ્યતાઓનો સ્રોત પેલી વિશિષ્ટ જાતિ છે – આર્યો. સભ્યતાઓ ગ્રીક, રોમ અને હિન્દુ જેવા ત્રણ મૂળ વિભાગની છે એમ ગણી શકાય. રોમન સભ્યતાના પ્રરૂપમાં સંગઠન, વિજય અને સ્થિરતાનાં લક્ષણો હતાં, પણ તેમાં લાગણીશીલતાનો, કળાની પરખનો અને ઉચ્ચ આદર્શોની ભાવનાઓનો અભાવ હતો. ગ્રીક સભ્યતા, સૌંદર્ય વિષે ખૂબ જ પ્રોત્સાહિત હતી, તેમ છતાં તે ઉપરછલ્લો ઉત્સાહ હતો, અને તેનામાં અનીતિ પ્રત્યેનો ઝૂકાવ પણ અવશ્ય હતો. હિન્દુ સભ્યતાનું સ્વરૂપ મોટે ભાગે આધ્યાત્મિક અને ધાર્મિક હતું, પરંતુ તેમાં સંગઠન અને કાર્યશક્તિનો સદંતર અભાવ હતો. આજે રોમન સભ્યતાના પ્રતિનિધિ તરીકે ઍન્ગ્લો – સૅકસન લોકોને ગણી શકાય, જ્યારે અન્ય કોઈ દેશ કરતાં વધુ સારી રીતે ગ્રીક સભ્યતાનું પ્રતિનિધિત્વ ફ્રાંસ કરે છે. પ્રાચીન હિન્દુઓ તો જાણે નષ્ટ જ નથી થયા (અને તેઓ જ પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે). પ્રત્યેક પ્રરૂપના પોતપોતાના લાભ તમારા આ નવીન અને વણખેડાયેલા દેશને માટે છે (મળે તેમ છે). રોમનોનું સંગઠન, ગ્રીકોનો સૌંદર્ય પ્રતિનો પ્રેમ અને હિન્દુઓનો -પ્રભુપ્રેમ અને ધર્મની કરોડરજ્જુ પણ તમારી સામે છે. આ બધી જ વિશિષ્ટતાઓને તમે મિશ્રિત કરો અને એક તદ્દન નવી જ સભ્યતા અને સંસ્કૃતિ ઊભી કરો. મને આ સાથે જ એ કહેવા દો કે આ કાર્ય પણ તમે સ્ત્રીઓ દ્વારા જ થવા દો.

અમારા કેટલાક ગ્રંથોનું કથન છે કે પ્રભુનો નવો અને છેલ્લો અવતાર (અમે દસ અવતારમાં શ્રદ્ધા રાખીએ છીએ), એક સ્ત્રી સ્વરૂપે થવાનો છે. દુનિયામાં આપણે કેટકેટલાં સંશોધનોને આજે પણ જોઈ શકીએ છીએ, જેને આપણે વિશ્વની પરિસ્થિતિને લીધે ઉપયોગમાં લાવી શક્યા નથી? શરીરનાં અન્ય અંગો નિષ્ક્રિય રહેવા છતાં હાથ તો પોતાનું કામ કરતો જ હતો. પણ હવે, આ શિથિલ, નિષ્ક્રિય અંગોને પણ જાગૃત થવા દો. સંભવ છે કે આવી સુસંગત કાર્યપદ્ધતિને લીધે દુનિયામાંથી દુઃખ અદૃશ્ય થઈ જાય. તમારા આ નવા દેશમાં તમારી રગોમાં વહેતા આ નવા લોહીમાં કદાચ એ શક્તિ છે, કે નવી સંસ્કૃતિનું નિર્માણ થઈ શકે, અને કદાચ એ કાર્ય અમેરિકન સ્ત્રીના કાર્યથી સંભવિત બને.

અમારી પૂણ્યભૂમિ ભારત, જેણે મને મારું શરીર આપ્યું છે, તેના પ્રત્યે હું અત્યંત અહોભાવ ધરાવું છું અને એ તત્ત્વનો ખૂબ જ આભાર માનું છું જેણે મને એ દેશમાં જન્મ લેવા દીધો, જે સારી – એ પૃથ્વીમાં સૌથી વધુ પવિત્ર છે. જ્યારે આખી દુનિયાના લોકો પોતાના પૂર્વજોને યુદ્ધોમાં સફળ થયેલા નેતાઓમાં શોધે છે, ત્યારે આ જ દેશ એક એવો છે જે પોતાના પૂર્વજોને –પોતાના વંશના સ્થાપકને – ઋષિઓમાં ગણવામાં અભિમાન લે છે.

જીવનના આ મહાસમુદ્રમાંથી નર અને નારીને – માનવજાતને – સદીઓથી પાર ઉતારનાર તે અદ્ભૂત નાવમાં કદાચ અહીં તહીં નાનાં છિદ્રો પણ હશે. છતાં એ તો ભગવાન જ જાણે છે કે તેમાંનાં કેટલાં છિદ્રો નાવમાં અંદર બેઠેલા લોકોને કારણે પડ્યાં છે અને કેટલાંય એવાં લોકોને કારણે પડ્યાં છે જેઓ હિન્દુઓને તિરસ્કા૨ની નજરે જુએ છે. જો એવાં છિદ્રો હોય તેમ છતાં મારા જેવા તદ્દન મામૂલી એવા તેના સંતાનનો વિચાર તો એ જ છે કે મારે તેને મારા જીવનના ભોગે પણ પૂરવાં જોઈએ. જો હું મારા સમગ્ર પ્રયત્નોને ઠાલા બની જતા જોઈશ, તો પણ – ભગવાન સાક્ષી છે – હું તેના લોકોને મારા હૃદયના ઊંડાણમાંથી આવતા શબ્દો સંભળાવીશ કે ‘હે મારા બંધુઓ! તમે બધું કાર્ય સારું જ કર્યું છે, – ના, ના, આખી દુનિયામાં અન્ય બધી જાતિઓ પણ આવા સંયોગોમાં ન કરી શકી હોત એટલું સારું કાર્ય તમે કર્યું જ છે; મારી પાસે છે તે સર્વ કાંઈ તમે જ આપેલું છે; તો હવે તમે મને એ વિશિષ્ટાધિકાર આપો કે છેક છેવટ સુધી હું તમારી સાથે જ હોઉં. અને જો આપણે ડૂબી જવાનું જ હોય તો આપણે એક બીજાની સાથે રહીને જ ડૂબીશું.’

ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા

Total Views: 199

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.