સંત રાબિયા પવિત્ર ધર્મગ્રંથો વાંચે છે અને ભાવિકો પાસે પણ વંચાવે છે. આવા એક ગ્રંથનું વાચન કરતાં કરતાં એમની આંખે આ શબ્દો પડ્યા : ‘દુષ્ટને ધિક્કારો, દુષ્ટોથી દૂર રહો.’

થોડી વાર આ શબ્દોને ગળે ઉતારવાનો પ્રયાસ તો કર્યો પણ એનું અંતર આ શિખામણને સ્વીકારવા તૈયાર ન હતું. અહિંસા – પ્રેમ – કરુણાની ઉપાસક રાબિયાને આ શબ્દો ખૂંચ્યા – ‘અરે, હું ઊઠીને બીજાને ઘૃણાની નજરે કેમ જોઈ શકું? પ્રેમ – કરુણા – સહાનુભૂતિ વિના મારે બીજું ખપે નહીં, મારે મન તો ‘શત્રુ દેવો ભવ’, ‘દુષ્ટ દેવો ભવ’ છે.’

આવા શબ્દો અને લાગણી સાથે એણે તો પેલા શત્રુને- દુષ્ટને ધિક્કારવાની શિખામણના શબ્દો એ ધર્મગ્રંથમાંથી જ કાઢી નાખ્યા, પછી જ એને નિરાંત થઈ અને આગળ વાંચવું શક્ય બન્યું.

થોડા દિવસ પછી એક સંત મહાત્મા રાબિયાને ત્યાં ઉતર્યા. ચારે’ક દિવસ રહ્યા. સત્સંગ – જ્ઞાનચર્ચા પણ થઈ. એક દિવસ સાધુ મહાત્માએ રાબિયા પાસેથી કોઈ ધર્મ પુસ્તક વાંચવા માગ્યું. રાબિયાએ એક ગ્રંથ આપતાં કહ્યું, ‘આ સારો ગ્રંથ છે, મેં વાંચ્યો છે – અને મને આનંદ થયો છે. આપ પણ વાંચો અને આનંદ પ્રાપ્ત કરો, મહારાજ.’

પુસ્તક વાંચતાં વાંચતાં ધર્માત્માએ જોયું કે આમાંથી કોઈએ કેટલાક શબ્દો દૂર કર્યા છે! કોઈ સદ્‌ગ્રંથ સાથે આવા ચેડાં કરવા યોગ્ય ન કહેવાય. પેલા સંત રાબિયાને બોલાવીને કહ્યું, ‘આ કૃત્ય કોણે કર્યું છે?’ રાબિયાએ નિર્ભયતાથી જવાબ આપ્યો, ‘મહારાજ, મેં જ આ વાક્ય આ ગ્રંથમાંથી દૂર કર્યું છે, કારણ કે એમાં દુષ્ટ પ્રત્યે ધિક્કારની લાગણી રાખવાની વાત હતી.’ પેલા સાધુએ કહ્યું, ‘કોઈ ધર્મગ્રંથ સાથે આવી- અનધિકૃત ચેષ્ટા તમે કેવી રીતે કરી શક્યાં? તમને ખબર છે આ કાર્ય એ મહાન અપકૃત્ય છે, પાપકૃત્ય છે?’

રાબિયાએ વિનમ્રતાથી પણ દૃઢતા સાથે જવાબ આપ્યો, ‘મહારાજ, આપની વાત સાચી હશે પણ હું આ ધર્મશિક્ષાનું પાલન ન કરી શકું. આ વાંચીને મારા રોમેરોમમાંથી એની સામે વિરોધ જાગી ઊઠ્યો. મહારાજ, હું તો કરુણા – દયા – પ્રેમ – સહાનુભૂતિમાં શ્રદ્ધા રાખું છું. મારાં મન હૃદય પારાવાર પ્રેમથી ભર્યાં છે. ત્યાં આવી, કોઈને ય, અરે, દુશ્મનને ય ન ધિક્કારનારી હું – દુષ્ટને ધિક્કારવાની વાત કેવી રીતે સહન કરી શકું? એટલે જ ન છૂટકે મેં આ શબ્દો આ ગ્રંથમાંથી દૂર કર્યા છે – એનાથી જે પાપ લાગવું હોય તે પાપ સ્વીકારવા હું તૈયાર છું – પણ હું કોઈના પ્રત્યે ઘૃણા રાખી ન શકું. મહારાજ, આ મારી નબળાઇ ગણો કે જે ગણો તે, પણ પ્રેમ-કરુણા વિના હું જીવી ન શકું.’

પેલા સંત રાબિયા પર પ્રસન્ન થઈને બોલ્યા : ‘ધન્ય છે રાબિયા તને, તારા અનંત-અખંડ વહેતા કરુણાભર્યા પ્રેમભાવને. જેમને આ સંવાદી સૂર સાંપડી જાય એમની જીવન વીણામાંથી આવા જ શાંતિના સંવાદી સૂર વહેતા રહે અને બીજાના જીવનને પણ એ શાંતિનો સ્વાદ ચખાડીને માનવમાં રહેલી માણસાઈને જગાડે છે. ધન્ય છે રાબિયા તને, ધન્ય છે! મને ય આજે આ ઉત્તમ બોધ મળ્યો કે દુષ્ટ દેવો ભવ.’

સંકલક : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 218

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.