તમારી ભીતરે જે છે, વળી તમ બહાર તે, સર્વ હાથે કરે કામ,
ચાલે જે સર્વ પાયથી, જેના દેહ તમો સર્વ તેની કરો ઉપાસના,
ને તોડો સર્વ મૂર્તિઓ!

જે છે સર્વ થકી ઉચ્ચ, નીચ તે સર્વથી વળી,
પાપી ને પુણ્યશાળી જે, કીટ, નારાયણેય ને,
ઉપાસના કરો તેની, પ્રત્યક્ષ, સર્વવ્યાપી, સત્,
ને તોડો સર્વ મૂર્તિઓ!

ગત જીવન ના જેમાં, ના પુનર્જન્મ, મૃત્યુ ના,
હતાં જેની મહીં એક, ને થયું એક ભાવિમાં,
ઉપાસના કરો તેની,
ને તોડો સર્વ મૂર્તિઓ!

મૂર્ખો! અવગણો છો જે નારાયણ જીવંત તે
ને અનંત પ્રતિબિંબો જે થકી જગ આ ભર્યું
જે કાલ્પનિક ઓછાયાને અનુસરતા તમે,
તેનાં કંકાશ ને કલેશો, કાળાં એ પરિણામ છે.
પાત્ર પ્રત્યક્ષ છે તેની તમે કરો ઉપાસના!
ને તોડો સર્વ મૂર્તિઓ!

– સ્વામી વિવેકાનંદ

પૂરાં એક સો વર્ષ પહેલાં, ૧૮૯૭ના જુલાઈની ૯મી તારીખે સ્વામી વિવેકાનંદે આ કાવ્ય લખ્યું છે. નવાં નવાં મંદિરોનાં નિર્માણ કરી તેમાં નવી નવી મૂર્તિઓ બેસાડનાર આજના હિંદુઓએ સ્વામી વિવેકાનંદની આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. મહા આરતીના યોજકોને અને શોભાયાત્રાઓ માટે નિમિત્ત શોધનારાઓને સ્વામીજીની આ વાત ધર્મવિરુદ્ધની પણ લાગે. પરંતુ, આ મૂર્તિઓ તોડવાની વાત, મૂર્તિનારાયણને બદલે જીવંત નારાયણને જ ભજવાની વાત સ્વામીજીની પૂર્વે પણ કહેવાઈ હતી. એક કરતાં વધારે વાર કહેવાઈ હતી. પણ આપણે એ વાત કદી કાને જ ધરી નહીં.

સ્વામી વિવેકાનંદનું આ પ્રેરક કાવ્ય આપણને ઘણી સદીઓ પાછળ લઈ જાય છે. અને નવાઈ લાગશે કે, જેની વિવિધ મનોહર મૂર્તિઓથી આપણે ધરાતા નથી, જેનાં અનેક હૃદયંગમ ચિત્રો અનેક કવિઓએ મધુર ભાષામાં દોર્યાં છે, પહાડી, રાજપૂત અને મોગલ શૈલીના અનેક ચિત્રકારોએ જેનાં ભક્તિભાવપૂર્ણ ચિત્રો દોર્યાં છે, તે શ્રીકૃષ્ણની કથા જેમાં આવે છે તે ‘શ્રીમદ્ ભાગવત’માં જ આ મૂર્તિઓ દૂર કરવાની અને સર્વના હૃદયમાં રહેલા નારાયણને જ ભજવાની વાત આવે છે.

‘શ્રીમદ્ ભાગવત’ના ત્રીજા સ્કંધમાં ભગવાનના એક અવતાર કપિલાવતારની કથા આવે છે. કપિલને આપણા સમગ્ર દર્શનશાસ્ત્રના પિતા કહી શકીએ. ષડ્દર્શનોમાંનું સૌથી પહેલું, સાંખ્ય, તે આ કપિલે આપ્યું છે. સાંખ્યની વાત કર્યા પછી, ‘ભાગવત્’માં કપિલ યોગની પણ થોડી વાત કરે છે. આવા મહાન દૃષ્ટા, કપિલ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહે છે –‘જેઓ પ્રાણીઓમાં મારી અવજ્ઞા કરીને કેવળ મૂર્તિમાં જ મારી પૂજા કરે છે, તેમની એ પૂજા કેવળ દેખાવારૂપ અને મારી મશ્કરી સમાન છે.’

કપિલ ભગવાન પાસે જ ભાગવત કહેવરાવે છે કે, ‘તું બધા પ્રાણીઓમાં રહેલી મારી જીવંત મૂર્તિની પૂજા કર. વળી તું તેને દાન આપે ત્યારે, માનપૂર્વક કોઈ હલકી નહીં પણ મૈત્રીની ભાવનાથી અને ભેદભાવની દૃષ્ટિએ નહીં પણ, સમદર્શી થઈને આપજે.’

‘શિવજ્ઞાને જીવસેવા’નો બોધ સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુ પાસેથી જ મળ્યો હતો.

સ્વામીજીનું આ કાવ્ય એક પત્રનો અંશ છે.

વિશ્વધર્મ પરિષદની પૂર્વ સંધ્યાએ, શિકાગો સ્ટેશનની બહાર નીકળી, અત્રતત્ર આથડી, થાકી, રસ્તાની પગથી પર મેલાઘેલા વેશે બેઠેલા વિવેકાનંદની સાધુતા દૃષ્ટિએ પડતાં જ પોતાના ઘરમાંથી દોડી આવી, સ્વામીજીને પોતાના વિશાળ ઘરમાં લઈ જઈ તેમનું માનપૂર્વક આદરાતિથ્ય કરી. તેમને વિશ્વધર્મ પરિષદમાં પહોંચાડનાર શ્રીમતી હેય્લ સ્વામીજીને ભગિનીથીયે વિશેષ હતાં. ૧૮૯૩ની ૯મી સપ્ટેમ્બરથી શ્રીમતી હેય્લ અને એમનાં કુટુંબીઓ સાથે જે સંબંધ બંધાયો હતો તે અંતકાળ પર્યંત ટકી રહ્યો હતો. તે પરિવારની કુ. મૅરીનો એક પત્ર સ્વામીજીને મળ્યો હતો, તેના ઉત્તરમાં, ૯મી જુલાઈ, ૧૮૯૭એ અલમોડામાંથી સ્વામીજીએ ઠીક ઠીક લાંબો પત્ર લખ્યો હતો. તેમાં વચ્ચે સ્વામીજી કવિતામાં સરી પડ્યા અને આ કાવ્ય તેમની કલમે ટપકી પડ્યું.

વિશ્વધર્મ પરિષદમાં, તેની પહેલાં કે પછી ક્યાંય કદીયે સ્વામીજીએ કોઈ ધર્મની નિંદા કરી નથી. પણ, વિશ્વધર્મ પરિષદમાં તેમણે અનેક વાર કહેલું કે કોઈ એક ધર્મ બીજા ધર્મો કરતાં ચડિયાતો નથી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારાર્થે આવતા ખ્રિસ્તી મિશનરીઓ હિંદુ ધર્મની સતત નિંદા જ કરતા. તેઓ આથી છંછેડાયા. એ મિશનરીઓના હિંદુ ધર્મના અને હિંદુ સમાજ વ્યવસ્થાના ઘોર અજ્ઞાનની સ્વામીજીએ ઝાટકણી કાઢી હતી. આથી છંછેડાયેલા એ મિશનરીઓ સ્વામીજી ઉપર ગમે તેવા આક્ષેપો મૂકતા અને ગમે તેવા ગપગોળા વહેતા મૂકતા.

પોતાના પ્રિય સ્વજન ઉપર થતા આવા ગલીચ હલ્લાથી મૅરીબહેન જરા ગભરાઈ ગયાં હતાં. ‘સ્વામીજીને ભારતમાં નાતબહાર મૂક્યા છે,’ એવી વાત એ પાદરીઓએ વહેતી મૂકેલી તે માની, અહીંની પરિસ્થિતિથી, પરંપરાથી અને અમેરિકાથી પાછા આવ્યા પછી સ્વામીજીને મળેલા અભૂતપૂર્વ આદર સન્માનથી અજાણ એવાં આ સન્નારીને સ્વામીજી માટે ચિંતા થઇ હતી તે એમણે પોતાના પત્રમાં વ્યક્ત કરેલી. પોતાના લાંબા ઉત્તરમાં, સ્વામીજી તેમને અહીંની પરિસ્થિતિ સમજાવે છે, અહીંના સમાજમાં સંન્યાસીનું સ્થાન શું છે તેનો ખ્યાલ આપે છે અને, પોતાની એક માત્ર ઇચ્છા દરિદ્રનારાયણની સેવા કરવાની છે – અરે, તેને માટે વારંવાર જન્મ લેવાની પણ છે – તેમ સમજાવતાં, સ્વામીજી કાવ્યસર્જનમાં સરી પડે છે.

આ કાવ્ય લખતાં પહેલાં સ્વામીજી કેટલીક સ્પષ્ટતા કરે છે:

‘મને લાગે છે કે મારું કાર્ય પૂરું થયું છે – મારી જિંદગીનાં બહુ બહુ તો ત્રણ કે ચાર વરસ બાકી રહ્યાં છે. મેં મારી મુક્તિની ઇચ્છાનો સર્વ રીતે ત્યાગ કર્યો છે. …મારી એક જ ઇચ્છા છે કે જે એક માત્ર ઈશ્વરનું અસ્તિત્વ છે, જે એક ઈશ્વરમાં હું માનું છું, જે સર્વ આત્માઓના એકંદર સમૂહરૂપ છે અને એથી વિશેષ તો જે મારો ઈશ્વર દુષ્ટ-નારાયણ રૂપે છે, જે મારો ઈશ્વર દુઃખી – નારાયણ રૂપે છે, જે સર્વ પ્રજાઓના અને સર્વ જાતિઓના દરિદ્ર-નારાયણ રૂપે છે, જે મારી પૂજાનું ખાસ પાત્ર છે, તેનું પૂજન કરવા સારુ હું વારંવાર જન્મ ધારણ કરું અને હજારો કષ્ટ વેઠું.’ (‘સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળા’, પુ. ૧૧, પૃ. ૩૭૦) સેવાની અને ત્યાગની કેવ ઉદાત્ત ભાવનાથી સભર, પ્રેરણાદાયી આ શબ્દો છે!

એ ઉદાત્ત ભાવના સ્વામીજીની કલમે જે શબ્દો ટપકાવે છે તે સુજ્ઞ વાચકને વેદોક્ત ‘પુરુષ સુક્ત’ની અને ‘ગીતા’ના ૧૧મા અધ્યાયના વિશ્વરૂપ દર્શનની યાદ અપાવે તેવા છે.

‘ગીતા’ના ૧૦મા અધ્યાયના ૨૦મા શ્લોકનું વિવરણ કરતાં સંત જ્ઞાનેશ્વર લખે છે :

‘આંતુલીકડે મીચી યાંચાં અંતઃકરણી,
ભૂતાંબાહેરી માઝીચ ગંવસણી,
આદિ મી નિર્વાણી,
મધ્યહી મીચિ. –

‘સર્વ પ્રાણીઓનાં અંતઃકરણમાં હું છું; દરેકનું દેહ ઢાંકણ હું છું; દરેકને આરંભે અને અંતે હું છું; મધ્યમાં પણ હું જ છું.’

આ પુરાણપ્રસિદ્ધ વાતને સ્વામીજી પોતાની વેધક રીતે મૂકી કહે છે :

‘પરમાત્મા જ તમારી અંદર અને બહાર છે. કામ કરનાર દરેક હાથ ઈશ્વરનો છે. ને સૃષ્ટિ પર જે કોઈ પણ ચાલે છે તે સર્વ ઈશ્વરના છે. જે પરમાત્માને તમે તમારા દેહમાં ધારણ કર્યો છે તેની જ, જીવંત નારાયણની જ, ઉપાસના કરો. કોઈ મૂર્તિની ઉપાસનાની જરૂર નથી, તોડી નાખો એ મૂર્તિઓ.’

‘તદન્તરસ્ય સર્વસ્ય, તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ’- એ (પરમ તત્ત્વ), સર્વની અંદર છે અને એ સર્વની બહાર પણ છે, એમ ‘ઈશ’ ઉપનિષદે કહ્યું જ છે.

સ્વામીજી ‘જેના દેહ તમો સર્વ’ કહે છે ત્યારે, ‘શ્વેતાશ્વતર’ ઉપનિષદના શબ્દો

‘ત્વં જાતો ભવસિ વિશ્વતોમુખ’-

‘હે પ્રભુ, આપ વિશ્વનાં બધાં રૂપે જન્મી રહ્યા છો’ – ની સ્મૃતિ આપણને કરાવે છે.

ભગવાન જીવ માત્ર છે, નાના અમથા કીડાથી લઈને નારાયણ સુધી સર્વમાં એ વિલસી રહ્યા છે પછી, ઊંચનીચના, પાપી અપાપીના ભેદ જ ક્યાં રહ્યા? પુષ્પદન્ત પોતાના પ્રસિદ્ધ ‘મહિમ્ન સ્તોત્ર’માં કહે છે તે પ્રમાણે, પ્રભુ ‘ક્ષોદિષ્ઠ’ (સૂક્ષ્મમાં સૂક્ષ્મ)’માં અને ‘વરિષ્ઠ’ (મોટામાં મોટા)માં, સકલ સૃષ્ટિમાં વસેલા છે.

આ જીવંત નારાયણને મૂકી મૂર્તિની પૂજા અર્ચા શી કરવી?

રાણી રાસમણિના જમાઈ મથુરબાબુ સાથે કાશીની જાત્રાએ જવા નીકળેલા શ્રીરામકૃષ્ણ કલકત્તાથી થોડેક જ દૂર, મથુરબાબુની જાગીરને ગામે સંઘ સાથે પહોંચ્યા અને ત્યાંથી આગળ વધવાની ના પાડી દીધી. એ ગામમાં દુષ્કાળ પડેલો અને લોકોને અન્નવસ્ત્રના વખા હતા. ઠાકુર કહે :

‘આ લોકોને – આખા ગામને – એક ટંક પેટ ભરીને જમાડ નહીં અને દરેક ગ્રામવાસીને વસ્ત્રો આપ નહીં ત્યાં સુધી, મારે તારી જાત્રાએ નથી આવવું.’

અભિનેત્રીમાં, વેશ્યામાં, શરાબીમાં, સૌમાં ઠાકુરને ભગવાનના એક કે બીજા સ્વરૂપનાં દર્શન થતાં. સ્વામી વિવેકાનંદ આ કાવ્યમાં ગુરુબોલનો જ પડઘો પાડે છે.

બ્રહ્મ તત્ત્વ અમૃતનો સાગર છે. એ દેશકાલથી પર છે. પછી એમાં ગત જીવન ક્યાંથી હોય? એમાં પુનર્જન્મ પણ ન હોય. અમૃતનો સાગર એટલે જીવનમૃત્યુથી પર. ભૂતકાળમાં આપણે સૌ એક જ હતાં અને ભવિષ્યમાં એક જ થઈશું. આંખ આગળના તરણાને કારણે જ વર્તમાનમાં ભેદ જણાય છે. એ તરણું હટાવો, અભેદનો ડુંગર દેખાશે.

આ અભેદની, એકતાની વાત પ્રાચીન કાળથી ઉચ્ચારાતી આવી છે. ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે’, એમ નરસિંહ મહેતા કહી ગયા છે. ‘ઇશાવાસ્ય’ ઉપનિષદના છઠ્ઠા અને સાતમા શ્લોકમાં પણ આ અભેદની જ વાત કરવામાં આવી છે.

‘યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાવનુપશ્યતિ,
સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજાગુપ્સતે’ –

‘જે ભૂતમાત્રને પોતાના આત્મામાં જુએ છે તેને, પોતાના આત્માને બધાં પ્રાણીઓમાં જુએ છે તેને રાગદ્વેષ સ્પર્શતા નથી.’ જે વ્યક્તિને આ જ્ઞાન લાધ્યું છે તે પછી કોઈ મૂર્તિની પ્રહર પ્રહરની પૂજામાં અચ્છો રહે ખરો કે?

સુપ્રસિદ્ધ ફ્રેંચ નવલકથાકાર વિક્ટર હયુગોની વિખ્યાત નવલકથા ‘લે મિઝેરાબ્લ’ (પીડિતો)માં આવતા એક પાદરી, આ રીતે, દૃષ્ટિપૂત હતા. જે ગુનેગારને દેવળમાં આશરો આપ્યો હતો, તેણે દેવળમાંથી બે સોનાની દીવીઓ ચોરી રાતોરાત ચાલતી પકડી. એ ચોર દુર્ભાગ્યે પોલીસને હાથ એ મુદ્દામાલ સાથે તરત ઝડપાઈ ગયો. પોલીસને એણે કહ્યું : ‘મને પાદરીએ એ ભેટ આપી છે!’

એને નખશિખ જાણતો સિપાઈ એને દેવળમાં લઈ આવ્યો, પાદરીની મોઢામોઢ. ચોર તો ખસિયાણો પડી જ ગયો હતો અને મૂંગો થઈ નીચી મૂંડીએ ઊભો હતો. પોલીસે વૃદ્ધ પાદરીને પૂછ્યું : ‘આવડો આ કહે છે કે આ સોનાની દીવીઓ આપે આ નાલાયકને ભેટ આપી છે?’

‘હાજી, એ ભાઈને એ દીવીઓ મેં પ્રેમપૂર્વક ભેટ આપી છે.’ પાદરીએ કહ્યું. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં પાદરીની દૃષ્ટિએ એ ગુનેગાર ન હતો, એ નારાયણ હતો, ‘જેની મહીં એક હતાં’ તે એ હતો.

ટૉલ્સ્ટોયની એક સુંદર વાર્તામાંનો એક વૃદ્ધ મોચી પોતાનો સમગ્ર પરિવાર ગુમાવી બેસે છે. એ નાસ્તિક જ બની જતો હશે તે સમયે પાદરી એને ‘બાઈબલ’ વાંચવાનું કહે છે. ‘બાઈબલ’ના વાચને એની શ્રદ્ધા પુનઃ પ્રગટે છે. ખૂબ બરફ પડતા એક દિવસે એ વૃદ્ધ ત્રણ પીડિત વ્યક્તિઓને સહાય કરે છે. સાંજે ‘બાઈબલ’ વાંચે છે ત્યારે, ‘બાઈબલ’ના આ ‘ઈશ’ ઉપનિષદના છઠ્ઠા સાતમા શ્લોકને ઠીક ઠીક મળતા શબ્દો જ એના વાંચવામાં આવે છે અને, પોતે જેમને જેમને મદદ કરી હતી તે સર્વ ભગવાનનાં જ રૂપો હતાં એમ તેને પ્રતીતિ થાય છે.

બધામાં એકતા જોનારને રાગદ્વેષ નથી, કંકાશકલેશ નથી. ગાંધીજીની પર્ણકુટિમાં એક વાર સાપ નીકળ્યો. કોઈએ એને પકડ્યો. ‘એને વગડામાં મૂકી આવો, મારશો નહીં. અને કદાચ કોઈ નાગ મને કરડે ને એના ઝેરથી હું મરી જાઉં તો તે નાગને પણ કોઈએ મારવો નહીં.’ ગાંધીજીની આ અહિંસા હતી. પોતાને ગોળી મારનાર નાથુરામ ગોડસેને ‘પકડો’ એમ એ બોલ્યા ન હતા. એમના અંતિમ શબ્દો હતા : ‘હે રામ’.

આપણને અહિંસામાં શ્રદ્ધા નથી, બધાંમાં ઈશ્વર દેખાતો નથી તે તો ઠીક, જોવાનો યત્ન પણ કરતાં નથી. સ્વાર્થથી ધૃતરાષ્ટ્ર જેવાં અંધ બની ગયાં છીએ એટલે તો, ખુરશી માટે, સત્તા માટે, પદ માટે આ બધા કલેશકંકાસો જોવા મળે છે.

આત્મનારાયણની આ ઉપાસનાનાં દુષ્પરિણામો છેલ્લાં પચાસ વર્ષોથી આપણે ભોગવી રહ્યાં છીએ. વિવેકાનંદ પ્રબોધ્યે, ગાંધી ચીંધ્યે માર્ગે આપણે ચાલતાં નથી. નાનામાં નાની પંચાયતથી ને પાર્લાર્મેન્ટ સુધીની ચૂંટણીઓ સ્વાર્થ માટે લડાય છે, સિદ્ધાંત માટે નહીં. પરિણામે પ્રજાનાં કાર્યો થતાં નથી. પ્રજા તરફ જોવાની રાજકર્તાઓની, અમલદારોની, નાના મોટા તમામ કર્મચારીઓની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવશે નહીં ત્યાં સુધી, જીવંત નારાયણની, દરિદ્ર નારાયણની ઉપેક્ષા થતી રહેશે. ત્યાં સુધી નારાયણ દરિદ્ર રૂપે જ રહેશે.

સ્વામી વિવેકાનંદનું આ કાવ્ય આજને સમયે આપણા સમગ્ર દેશ માટે પ્રેરણા સમાન બનવું જોઈએ.

આ કાવ્ય નથી, દરિદ્રનારાયણોપનિષદ છે.

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.