સમાચાર-દર્શન વિભાગમાંથી નવાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યા થોડી વધારે આપવી જોઈએ.

– રમેશ એચ. કોટડિયા (ગોંડલ)

ઓગસ્ટ-’૯૭ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં યુવા વિભાગમાંની ક્વીઝમાં મોટાભાગના પ્રશ્નો સ્વામી વિવેકાનંદનાં દર્શન-સંદેશ-હેતુ સાથે કોઈ જ સંબંધ ધરાવતા નથી, તેનું સ્વામી વિવેકાનંદની ફિલસૂફી-પ્રચાર + યુવ – જાગરણ અંગે કોઈ Educative Value નથી, ગોખણપટ્ટીની જ ચકાસણી કરે છે. તો, ચીલાચાલુ શિક્ષણ પ્રણાલી / પરીક્ષા પ્રણાલી તથા બજારું અર્થહીન ક્વીઝ, અને ‘રામકૃષ્ણ જ્યોત’ની ક્વીઝ-ક્વૉલીટી વચ્ચે કોઈ ભેદ રાખવો નથી કે?

– તરુણ ૨. શાહ (અમદાવાદ)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જુલાઇ-૯૭ અંક વાંચ્યો. ‘માનવ પોતાનો ભાગ્ય વિધાતા’ પૂ. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ બહુ જ અસર કરી ગયો.

– બાલુભાઇ દવે (રાજકોટ)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ખરેખર ખૂબ જ સારું માસિક છે. ગુરુની શોધ, સાધકોની પ્રશ્નોત્તરી તથા જ્યોતિબહેન થાનકીનો લેખ – ‘તમે ભાગ્યશાળી છો’ ખૂબ જ ગમ્યો છે.

– દિનેશ કે. દવે (ઉમરેઠ)

જુલાઇ – ‘૯૭નો અંક ખૂબ જ સરસ આવ્યો. તેમાં ‘પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્ર અને આધ્યાત્મિકતા’ લેખ ખૂબ જ સરસ છે. આવા લેખ વાંચવાથી માનસિક અને શારીરિક દર્દીઓ માટે ખૂબ જ અસરકારક બને છે, સાચી આધ્યાત્મિક વસ્તુનો ખ્યાલ આપે છે. આવા લેખ વાચકોને મળતા રહે તેવી મારી નમ્ર અપીલ છે.

– ભરત આર. ભટ્ટ (જુનાગઢ)

જુલાઇ-’૯૭નો અંક વાંચ્યો. સ્વામીજીના વિચારો રાષ્ટ્રવાદી છે. જ્યોતિષશાસ્ત્ર, અંધશ્રદ્ધા વગેરે વિરુદ્ધ છે. જે આવકાર્ય છે.

– ગૌતમ ગોહિલ (જામનગર)

જુલાઇ-’૯૭ના અંકમાં કાવ્યાસ્વાદમાં સ્વામીજીનું સિસ્ટર ક્રિસ્ટીનને સંબોધીને લખાયેલું કાવ્ય ખૂબ પ્રેરણાદાયી લાગ્યું.

– કુન્તલ ઠાકર (વડોદરા)

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પત્રે મારા જીવનમાં નવી જ જ્યોત જગાવી છે. આ પત્ર વાંચવાનું મને વ્યસન થઇ ગયું છે તેમ કહું તો ચાલે. આપ સત્ સાહિત્ય આપવાનો પ્રશસ્ય અને પવિત્ર પ્રયત્ન કરો છો તે માટે ખૂબ ખૂબ અભિનંદન. આજે સારા સાહિત્યનો દુષ્કાળ પ્રવર્તે છે તે સમયે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહારાના રણમાં મીઠી વીરડી જેવું કામ કરે છે.

– ડૉ. દિનેશભાઇ જાની (ભાવનગર)

ઓગસ્ટ-’૯૭નો અંક મળ્યો. વાંચી ખૂબ જ ગમ્યો. વિવેકવાણીમાં ‘સાચો દેશભક્ત’ હૃદયને સ્પર્શી ગયો. વિવેકાનંદજી સાથે ગાંધીજીની સરખામણી અમુક અંશે યોગ્ય છે પરંતુ સ્વામીજી યુવા પેઢીના આદર્શ હતા અને અનંતકાળ સુધી રહેશે. જ્યારે ગાંધીજીના આદર્શો અને વિચારોનો વર્ગ હવે અમુક પ્રમાણમાં રહી ગયો છે. શ્રી આનંદનો લેખ ‘ક્વીઝ’ મેદાન મારી ગયો.

– પ્રીતિબહેન વી. જોશી (જામનગર)

ખાસ કરીને સાધના અને યુવા-બાળ વિભાગના લેખો મને ઘણા જ ગમે છે. હમણાં ચાલુ કરેલ ‘આનંદ-બ્રહ્મ’ વિભાગથી તેમાં વધુ ઉમેરો થયો.

– મોતીભાઇ જાંબુ (વડોદરા)

જુલાઇ-૯૭ના અંકમાં ‘ગુરુની શોધમાં’ શીર્ષકે છપાયેલ સંપાદકીય લેખ ખૂબ મનનીય બન્યો છે. તેવી જ રીતે શ્રી દુષ્યંતભાઇ પંડ્યાનો ‘મોસમ પહેલાં ઊગેલા વાયલેટને’ મૂળ અંગ્રેજી પરથી ગુજરાતીમાં અનુવાદિત કરી મૂકેલ સ્વામીશ્રી વિવેકાનંદની ટચૂકડી પણ અર્થસભર કવિતાની ઉપરનું વિવરણ, વિશ્લેષણ, વિસ્તાર પ્રસ્તારયુક્ત લેખ સુંદર બન્યો છે.

આજકાલ જે લલિત સાહિત્યના સામયિકો પ્રસિદ્ધ થાય છે કે ઇતર મનોરંજન સભર માસિકો કે પત્રો પ્રસિદ્ધ થાય છે, તેમાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સાવ નોખું તરી આવે છે. એની ભાત નિરાળી છે, જીવનને સમજનાર વૃત્તિના વાચકોને સન્માર્ગે દોરી જનાર પત્ર તરીકે પ્રતિષ્ઠા પામેલ આ માસિક છે.

– રતુભાઇ દેસાઇ (મુંબઇ)

મારા એક પરમ મિત્ર શ્રી હરેશભાઇ મહેતાએ મારા જન્મદિન પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું લવાજમ ભરી, મારા માટે એક ખજાનો ખુલ્લો મૂકી દીધો છે.

છેલ્લા સાત માસથી હું નિયમિત અંક મેળવું છું અને બનતી ત્વરાએ વાંચન પૂર્ણ કરું છું. જુલાઇ-૯૭ના અંકમાં (વર્ષ ૯, અંક ૪) ગુરુની શોધમાં સંપાદકીય પ્રેરણા રૂપ રહેલ છે. સમગ્ર અંકની સામગ્રી પ્રેરણાપ્રદ છે.

– પ્રૉ. જે. એન. અંતાણી (ભુજ-કચ્છ)

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.