શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં પંચવટી તળે ભક્તો સાથે વાતચીત કરી રહ્યા હતા. એટલામાં બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન આવી પહોંચ્યા. તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘મહાશય, જો આપ અનુમતિ આપો તો હું આપના સંદેશનો પ્રચાર કરવા માગું છું. એથી લોકો લાભાન્વિત થશે અને જગતમાં શાંતિ આવશે.’ શ્રીરામકૃષ્ણદેવે ભાવાવસ્થામાં કહ્યું, ‘આનો (તેમનો પોતાનો) સંદેશ સમાચાર-પત્રો અને ભાષણોના માધ્યમથી ફેલાવવાનો સમય હજુ પાક્યો નથી. આની અંદર (તેમની પોતાની અંદર) જે શક્તિ અને વિચારો છે તે સમય જતાં પોતાની મેળે ફેલાશે. સેંકડો હિમાલયો પણ એ શક્તિને દબાવી નહીં શકે.’ આમ કહેતી વખતે શ્રીરામકૃષ્ણદેવનાં નયનો ખુલ્લાં હતાં અને તેમનો ચહેરો અદ્‌ભુત આભાથી ઝળહળી રહ્યા હતા. આટલું કહી શ્રીરામકૃષ્ણદેવ સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા.

આજે આપણે શ્રીરામકૃષ્ણદેવના ઉપરોક્ત કથનનો મર્મ થોડો સમજી શકીએ છીએ, જ્યારે આપણે જોઈએ છીએ કે – કેટકેટલાં દેશોના કેટલાંય લોકો શ્રીરામકૃષ્ણદેવના કથામૃતનું પાન કરવા તલસી રહ્યા છે; દેશ-વિદેશના કેટલાય મનીષીઓ શ્રીરામકૃષ્ણદેવના સંદેશમાંથી અદ્‌ભુત પ્રેરણા મેળવી રહ્યા છે; પોતાના જીવનની પ્રયોગશાળામાં પુરવાર કરીને પછી શ્રીરામકૃષ્ણદેવે ‘જેટલા મત તેટલા પથ’ની ઘોષણા કરી સર્વધર્મ સમન્વયનો જે આદર્શ રજૂ કર્યો હતો, તેને અનુસરીને વિશ્વના કેટલાય લોકો અન્ય ધર્માવલંબીઓને સ્વીકારતા થઈ ગયા છે; કેટલીય સંસ્થાઓ અને વ્યક્તિઓ તેમણે આપેલ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના મહામંત્રથી પ્રેરણા મેળવી રામકૃષ્ણ મિશનની જેમ વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઇ રહી છે; દેશ-વિદેશમાં કેટલાંય સ્થળોએથી રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો પ્રારંભ કરવા માટે માગણી આવી રહી છે.

હાલ રામકૃષ્ણ મઠ અને મિશનનાં ૧૩૭ શાખા કેન્દ્રો છે. આ સિવાય ૨૭ પેટા કેન્દ્રો આ શાખા કેન્દ્રોની હેઠળ છે કાર્યરત છે. ભારતમાં અને વિદેશમાં આ સિવાય સેંકડો અનૌપચારિક કેન્દ્રો એવાં છે, જેનું સંચાલન ભક્તો અને શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારાને વરેલા મિત્રો કરે છે, રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ અવારનવાર માર્ગદર્શન આપે છે. પરિશિષ્ટ નં.પમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં ઔપચારિક ૧૩૭ શાખા કેન્દ્રોનાં સરનામાં આપ્યાં છે. આ કેન્દ્રો દ્વારા ‘બહુજન હિતાય બહુજન સુખાય’ વિવિધ સેવા પ્રવૃત્તિઓનું સંચાલન રામકૃષ્ણ મઠ – મિશનના લગભગ બારસો સંન્યાસી – બ્રહ્મચારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. પરિશિષ્ટ-૧નું અવલોકન કરવાથી રામકૃષ્ણ મઠ – મિશનનાં વિભિન્ન ભાષાઓનાં પ્રકાશનો અને પ્રકાશન કેન્દ્રો વિશેની માહિતી સાંપડશે. પરિશિષ્ટ નં.-૨માંથી શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ વિચારધારાથી અનુપ્રાણિત વિભિન્ન ભાષાઓનાં પ્રકાશિત સામયિકો વિશેની જાણકારી મળશે. રામકૃષ્ણ મઠ મિશન દ્વારા પ્રકાશિત ૧૯૯૫-૯૬ના વાર્ષિક અહેવાલ પ્રમાણે પરિશિષ્ટ નં.૩માં રામકૃષ્ણ મઠ – મિશન દ્વારા સંચાલિત શૈક્ષણિક પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાહત કાર્યો તેમ જ ચિકિત્સા સેવાઓ વિશેની માહિતી આપવામાં આવી છે.

૨,૯૫૯ શૈક્ષણિક સંસ્થાઓમાં ૧,૬૮,૫૬૬ વિદ્યાર્થી ભાઇ-બહેનોને શિક્ષણ આપવામાં આપે છે. તેમાં પાછલે વર્ષે રૂા. ૪૦.૯૯ કરોડનો વ્યય થયો હતો. પ્રાથમિક રાહતકાર્યો અને પુનર્વસવાટ કાર્ય હેઠળ રૂા.૧.૨૨ કરોડનો વ્યય પાછલા વર્ષે કરવામાં આવ્યો હતો. મઠ-મિશનના ૧૪ ઇન્ડોર હૉસ્પિટલો, ૯૫ આઉટડોર ચિકિત્સાલયો અને ૨૮ હરતાં ફરતાં ચિકિત્સાલયો (Mobile Dispensary) દ્વારા લાખો દર્દીઓની ચિકિત્સા કરવામાં આવે છે, પાછલે વર્ષે રૂા. ૧૪.૯૭ કરોડનો વ્યય આ કાર્ય હેઠળ કરવામાં આવ્યો. પરિશિષ્ટ નં.૪માં રામકૃષ્ણ મઠ – મિશન દ્વારા સંચાલિત ગ્રામીણ વિકાસ તેમ જ આદિવાસી કલ્યાણ કાર્યોની ઝલક અલગથી આપવામાં આવી છે કારણ કે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય ઉત્થાન માટે ગ્રામ-વિકાસ તેમ જ પછાત વર્ગના લોકોના વિકાસને વધુ મહત્ત્વ આપતા. ગ્રામીણ વિકાસના વિશેષ કાર્યક્રમો પાછળ વધારાના રૂા. ૫.૭૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આધુનિક માનવ કોઈપણ સંસ્થાની પ્રગતિ જાણવા માટે આંકડાઓ (Statistics) માગે છે એટલે આ પરિશિષ્ટોમાં સંક્ષેપમાં આ આંકડાઓ આપવામાં આવ્યા છે. પણ આપણે ભૂલવું ન જોઈએ કે રામકૃષ્ણ મિશન એ એક સાધારણ સમાજસેવી સંસ્થા માત્ર નથી – એ તો દિવ્ય યોજના છે, આ પ્રવૃત્તિઓ, આશ્રમો, ભવનો એ તો તેના બાહ્ય કલેવર માત્ર છે. સંખ્યા (Quantity) કરતાં સેવાની ગુણવત્તા (Quality) વધુ મહત્ત્વની છે અને તેના કરતાં પણ વધુ મહત્ત્વનો છે – આ સેવા કાર્ય પાછળનો ‘શિવજ્ઞાનથી જીવસેવા’નો આધ્યાત્મિક અભિગમ. દેશની આવશ્યકતાની તુલનામાં આ સેવાકાર્યો તો સિન્ધુમાં બિન્દુ બરાબર છે, પણ આ કાર્યોનું મહત્ત્વ તેની સંખ્યા પર આધારિત નથી, એ તો નમૂના (Model) રૂપે છે, જેથી અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ પ્રેરણા મેળવી આ પ્રમાણેની પ્રવૃત્તિઓ પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રોમાં કરી શકે. અને આમ ઘણા કરી પણ રહ્યા છે.

રસ્કિને કહ્યું છે, ‘એક સેના કરતાં પણ એક વિચાર વધુ શક્તિશાળી છે.’ રામકૃષ્ણ મિશન વિશ્વના અન્ય સંન્યાસી સંઘો કરતાં ઘણો નાનો છે, તેમ છતાં વિશ્વના આધ્યાત્મિક જગતમાં તેનું અનેરું સ્થાન છે, તેનું કારણ તેની મિલકત, તેના આશ્રમો વગેરે નથી, પણ તેની પાછળની શક્તિ છે – તેના આદર્શો – તેની વિચારધારા.

રામકૃષ્ણ મઠ-મિશનનાં દેશ-વિદેશનાં ૨૦થી પણ વધુ પ્રકાશન કેન્દ્રો દ્વારા અંગ્રેજી, સ્પેનીઝ, જાપાનીઝ, ફ્રેંચ, ચાઇનિઝ, રશિયન, સ્વીડીશ, જર્મન, ડચ, ઇટાલિયન, ગ્રીક, હીબ્રુ, પોર્ટુગીઝ, નેપાલી, ઉર્દૂ, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ, ઉડિયા, કન્નડ વગેરે અનેક ભાષાઓમાં ૨,૫૦૦થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને વિભિન્ન ભાષાઓમાં ૧૪ સામયિકો પ્રકાશિત થઇ રહ્યાં છે. આ સાહિત્ય દેશ-વિદેશમાં કેટલીય વ્યક્તિઓના જીવનમાં અદ્‌ભુત પરિવર્તન લાવી રહ્યું છે, કેટલાંયને આત્મ- હત્યામાંથી ઉગારી નવજીવન બક્ષી રહ્યું છે, કેટલાયને ‘આત્મનો મોક્ષાર્થમ્ – જગદ્ધિતાય ચ’ના આદર્શને વરી સર્વસ્વ ત્યાગ કરી સંન્યસ્ત જીવન સ્વીકારવાની પ્રેરણા આપી રહ્યું છે, કેટલાયને ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના આદર્શને વરી ગામડાઓમાં, જંગલોમાં ગરીબ – આદિવાસી લોકોની સેવા કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે, કેટલાયને સંસારમાં રહી આદર્શ ગૃહસ્થ જીવન જીવી જીવનમાં સફળતા અને પરિપૂર્ણતા અર્પી રહ્યું છે.

એક યુવક રાતે બાર વાગે દિલ્હી સ્ટેશન પર ઊતર્યો. સ્ટૉલ પર ચા પીને બાંકડા પર બેસીને વિચારવા લાગ્યો કે જીવવાનો કોઈ અર્થ નથી. તેનું મન હતાશાના સાગરમાં ડૂબેલું હતું. અને તેથી ‘સ્વખુશીથી આત્મ-હત્યા કરીને જીવનનો અંત આણું છું, તે માટે મને ક્ષમા કરો’ એવી ચિઠ્ઠી લખીને પોતાના ખિસ્સામાં મૂકી અને ગાડી આવે ત્યારે પડતું મૂકવાનું તેણે મનમાં નક્કી કર્યું. ગમે તેમ રાતના આત્મ-હત્યા કરવાનું થયું નહિ. સવારના તે છાપું લેવા બુકસ્ટૉલ પર ગયો, ત્યાં તેણે સ્વામી વિવેકાનંદના ચિત્રવાળું એક પુસ્તક જોયું. તેને ખરીદીને વાચવાથી તેના મનમાં અપાર શાંતિ થઇ. અસ્થિર મન સ્થિર થયું. જીવવું શા માટે? જીવનનો અર્થ શું? તેના જવાબો તેને આ પુસ્તકમાંથી મળ્યા. તેને સમજાયું કે બીજાનું ભલું કરવું, દયા કરવી, પરોપકાર કરવો એ જ જીવનનો પ્રેરક હેતુ છે. આ પુસ્તકે તેના જીવનમાં ક્રાંતિ કરી. આત્મ હત્યાનો વિચાર મનમાંથી નીકળી ગયો. તેણે પછીથી લશ્કરમાંથી નિવૃત્તિ લઇ પોતાનું સમસ્ત જીવન જનસેવા માટે સમર્પિત કર્યું. મહારાષ્ટ્રમાં પોતાના ગામ – રાળેગણ સિદ્ધિમાં આવીને ગ્રામવિકાસના એટલાં સુંદર કાર્યો કર્યાં કે આરોગ્ય, સમાજ સુધારણા, શિક્ષણ, આર્થિક વિકાસ દરેક બાબતમાં એ આદર્શ ગ્રામ બની ગયું. દિલ્હીના આયોજન પંચના સર્વેક્ષણ અનુસાર ૧૯૭૫-૭૬માં આ ગામમાં કુટુંબ દીઠ સરાસરી આવક ઉત્પાદન ૨૦૦થી ૨૫૦ હતું તે ૧૯૮૫-૮૬માં વધીને ૨૨૫૦નું થયું. મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રના ૩૦૦ તાલુકાના દરેક તાલુકામાં રાળેગણ સિદ્ધિ જેવું એક આદર્શ ગ્રામ બને એ માટે ૧૫૦ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું અને આ સમાજસેવકને તેની જવાબદારી સોંપી. સ્વામી વિવેકાનંદના પુસ્તકથી જે યુવક પ્રેરિત થયો હતો તેને આજે સૌ અણ્ણા હજારેના નામથી જાણે છે – તેમને ભારત સરકારે પદ્મશ્રી અને પદ્મવિભૂષણના ખિતાબોથી નવાજ્યા છે.

એન.સી.સી.નો એક મૅજર વારંવાર કહેતો, ‘હું પોતાને જ ગોળી મારી મરી જઇશ.’ તેનું જીવન વિષાદમય હતું, કદાચ પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ તેનું કારણ હશે. તે મૅજરના ઉપરી અફસરે ત્રિવેન્દ્રમના રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને આ વાત કરી તેમને વિનંતી કરી કે તેઓ આ મૅજરને આત્મ-હત્યા ન કરવા સમજાવે. એ સંન્યાસીએ કહ્યું કે તેઓ તેમને ઓળખતા પણ નથી, તેથી તેમની સલાહ તે માનશે તેવું લાગતું નથી. માટે તેમણે એ મૅજર માટે સંદેશો મોકલાવતાં કહ્યું કે તેને કહેજો કે તેના મરી જવાથી પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવાનું બંધ નહિ કરી દે, સંસાર તો તેના વગર પણ ચાલતો રહેશે, પણ આત્મ-હત્યા કરવી એ કાયરતા છે અને જીવનમાં ઉત્સાહ મેળવવા માટે, જીવનનો ઉદ્દેશ સમજવા માટે, મનમાં સાહસ લાવવા માટે તેને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું વાંચન કરવાનું કહેજો. થોડા મહિના પછી અફસરે આ સંન્યાસીને આવી જણાવ્યું કે કથામૃતના વાચનથી તે મૅજરમાં અદ્‌ભુત પરિવર્તન આવ્યું છે અને તે હવે કહે છે કે સંસારના બધા લોકો કહે તો પણ હું પોતાને ગોળી મારી મરીશ નહિ.’

એક યુવક રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે બારીમાંથી કોઈએ એક નવું પુસ્તક રસ્તા પર ફેંક્યું. તે પુસ્તક જોતો હતો ત્યારે ઉપરથી એક વ્યક્તિએ કહ્યું, ‘લઇ જાવ આ પુસ્તક, મેં જ તેનો ઘા કર્યો છે, કારણ કે આ ખતરનાક પુસ્તક વાંચવાથી મારા પુત્રના મનમાં પરિવર્તન થઇ રહ્યું છે, મને બીક છે તે સાધુ બની જશે.’ તે પુસ્તક હતું – ‘ધ કમ્પલીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’નો પ્રથમ ભાગ, એ યુવકે આ પુસ્તક ઉપાડી લીધું અને વાંચ્યું. તેનું સમસ્ત જીવન બદલાઇ ગયું. તેના મનમાં આશા, ઉત્સાહ, શક્તિનો સંચાર થયો, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેને સફળતા મળવા માંડી. આ પછી તેણે આ પુસ્તકોની અનેક પ્રતો પોતાના મિત્રોને ભેટરૂપે દેવા માંડી. ઇન્દોરના એક પ્રખ્યાત ડૉક્ટરને પણ આવી જ રીતે આ પુસ્તક ભેટરૂપે મળ્યું. તેમણે કબાટમાં રાખી મૂક્યું, કારણ કે તેમને એમાં રસ નહોતો, પણ તેમના પુત્રને એમાં રસ પડ્યો, પુત્રના જીવનમાં અદ્‌ભુત પરિવર્તન આવ્યું, એ પણ મહાન ડૉક્ટર થયો અને પછી રામકૃષ્ણ મિશનમાં સંન્યાસીરૂપે જોડાઇ ગયો. એક પિતાએ ખતરનાક પુસ્તક ફેંકી દીધું જેથી તેનો પુત્ર સંન્યાસી ન બને, પણ છેવટે એ પુસ્તક આમ આડકતરી રીતે એક અન્ય પુત્રને સંન્યાસી બનાવવાનું માધ્યમ બન્યું! આજે તો શ્રી સરદારસિંહ કોઠારી ૮૯ વર્ષની વયના છે પણ પચાસ વર્ષો પહેલાં બનેલી આ ઘટનાને તેઓ ભૂલ્યા નથી. તેઓ અનેક સુગર મિલોના સફળ મૅનૅજર રહ્યા, ઘણી માંદી મિલોમાં તેમને કઠિન કાર્ય સોંપવામાં આવ્યું દરેક જગ્યાએ તેમને અદ્‌ભુત સફળતા સાંપડી. કામદારો માટે પણ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના આદર્શ પ્રમાણે ઘણાં કલ્યાણકારી કાર્યો તેમણે કર્યાં. તેઓ પોતાના જીવનની બધી સફળતાના મૂળમાં સ્વામી વિવેકાનંદનો આ ગ્રંથ છે. એમ માને છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્વામી વિવેકાનંદના અન્ય ગ્રંથો પણ આટલા જ સારા છે, તે વાંચ્યા છે કે નહિ ત્યારે તેઓ જવાબ આપતા કે આ એક જ ગ્રંથ તેમણે અનેક વાર વાંચ્યો છે અને તેમાંથી જ તેમને બધું મળી ગયું છે.

વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યવસાયિક (જેમની સંપતિ લગભગ ૪૦ બીલીયન ડૉલરની છે) કૉમ્પ્યુટર સૉફ્ટવેરના રાજા – બીલ ગેટ્સ તાજેતરમાં ભારત આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના ‘કર્મયોગ’ પુસ્તકનું વાચન તેઓ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ અચૂક કરે છે, સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોના વાચનથી તેમનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઇ ગયો છે, ભારત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમના મનમાં અહોભાવની લાગણી જન્મી છે.

ભારતની પ્રથમ મહિલા ટૅક્સી ડ્રાઇવર શ્રીમતી જસબીર કૌરે એક ઇન્ટરવ્યુમાં પત્રકારો સમક્ષ કહ્યું હતું કે તેમની પ્રેરણાના સ્રોત છે – સ્વામી વિવેકાનંદ. ‘ઊંગો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થઇ જાય ત્યાં સુધી મંડ્યા રહો.’ – તેમનું આ વાક્ય વાંચ્યા પછી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું.

ગરીબ હોય કે તવંગર, ઉચ્ચવર્ણ હોય કે નિમ્ન વર્ગના, ભણેલા કે અભણ, ભારતમાં કે વિદેશમાં, અસંખ્ય લોકો આ રીતે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યથી લાભાન્વિત થઇ રહ્યા છે, જીવનમાં શાંતિ પામી રહ્યા છે, દેશસેવા અને સમાજસેવા દ્વારા પોતાનું જીવન સાર્થક કરી રહ્યા છે.

રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત પુસ્તક – ‘World Thinkers on Ramakrishna – Vivekananda’ માં વિશ્વના મનીષીઓ પર શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારાનો કેવો પ્રભાવ પડ્યો તેનું સંકલન કરવામાં આવ્યું છે. વિશ્વના પ્રખ્યાત ઇતિહાસકારો – શ્રી એ. એલ. બાશમ, શ્રી આર્નોલ્ડ જે. ટૉયન્બી, શ્રી વીલ ડ્યૂરાં; વિશ્વના સુવિખ્યાત મનીષીઓ ટૉલ્સટૉય, રોમાં રોલાં, મૅક્સમૂલ૨, શ્રી અરવિંદ, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, ડૉ. રાધાકૃષ્ણન્‌, પીટીરીન સૉરોકીન, વિલિયમ જૅમ્સ વગેરેએ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો તેઓના પોતાના પર પડેલા પ્રભાવ વિશે અને વિશ્વના ઇતિહાસમાં આ વિચારધારાની મહત્તા વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે.

ડૉ. જયશ્રી મુખર્જીએ તાજેતરમાં એક શોધગ્રંથ લખ્યો છે. – ‘The Ramakrishna-Vivekananda Movement – Impact on Indian Society and Politics (1893 – 1922)’ આ ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ આંદોલનનો ભારતીય સમાજ અને રાજનીતિ પર ૧૮૯૩ થી ૧૯૨૨ દરમિયાન કેવો પ્રભાવ પડ્યો હતો, તેની વિગતો આપી છે. સ્વામી વિવેકાનંદની ઇચ્છાનુસાર ‘રામકૃષ્ણ મિશન’ રાજનીતિથી તદ્દન વેગળું રહે છે, ત્યાં સુધી કે સિસ્ટર નિવેદિતાને પણ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે રામકૃષ્ણ મિશનના સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમ છતાં રામકૃષ્ણ મિશને ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં આડકતરી રીતે કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તે ડૉ. જયશ્રી મુખર્જીએ ડાલીફ રિપોર્ટ, બખરગંજ ડાયરી, ટેગાર્ટ રિપોર્ટ, ટિન્ડાલ રિપોર્ટ, રૉવલૉટ્ટ રિપોર્ટ વગેરે અનેક ગુપ્ત દસ્તાવેજોનો પુરાવો આપી દર્શાવ્યું છે.

અમેરિકાનાં રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રોના પ્રભાવ વિશે કાર્લ થૉમસ જેક્સને એક શોધગ્રંથ લખ્યો છે – ‘The Swami in America – A History of the Ramakrishna Movement in the United States – 1893-1960’ તેમાં તેમણે દર્શાવ્યું છે કે શ્રીરામકૃષ્ણ આંદોલન એક અભિનવ આંદોલન છે જેની મહત્તા તેના કદ કરતાં ઘણી વધુ છે -‘યુનિવર્સિટી ઑફ સાઉથ ફ્લૉરીડા’ અને ‘નૅશનલ કૉન્ફરન્સ ઑફ ક્રિશ્ચિયન્સ ઍન્ડ જ્યુસ’ના સંયુક્ત ઉપક્રમે થયેલ શોધકાર્ય પ્રમાણે, ‘અમેરિકામાં સૌથી વધુ જૂની અને સૌથી વધુ અસરકારક હિન્દુ સંસ્થા છે – રામકૃષ્ણ મિશનની વેદાંત સોસાયટી.’

રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે ભારત અને વિશ્વને રામકૃષ્ણ મિશનના એકસો વર્ષના પ્રદાન વિશે એટલું કહી શકાય કે પ્રદાન છેનમ્ર ઝાકળના બિન્દુ જેવું.’ જેમ નમ્ર ઝાકળ નીરવ રહીને પુષ્પ ખીલવવાનું કાર્ય કર્યે જાય છે, તેવી રીતે રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદની ઇચ્છા પ્રમાણે, કોઈપણ જાતનો દેખાડો કર્યા વગર – નીરવે પોતાનું પ્રદાન આપી રહ્યું છે.

રામકૃષ્ણ મિશનનું ધ્યેય છે – સમસ્ત વિશ્વનું કલ્યાણ – વિશ્વના બધા લોકોનાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક દુઃખો દૂર કરવા – નાત જાતના ભેદભાવ વગર સૌને શાશ્વત સુખ-શાંતિના માર્ગે લઇ જવા. શ્રીરામકૃષ્ણદેવે અધ્યાત્મ અને વિજ્ઞાન, સંસાર અને વ્યવહાર અને વિભિન્ન ધર્મો વચ્ચે સમન્વય સાધ્યો હતો. તેમના આદર્શોમાં એવી શક્તિ રહેલી છે જે નવી આધ્યાત્મિક સભ્યતાનું નિર્માણ કરી શકે. રામકૃષ્ણ મિશન આ માટે કટિબદ્ધ છે. તો ચાલો, રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે આપણે પણ આ મહાન કાર્યમાં પોતપોતાની રીતે યોગદાન આપી આપણું જીવન સાર્થક કરીએ.

Total Views: 257

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.