એક ગરીબ માણસ હતો. એને ધનની જરૂર હતી. એણે સાંભળ્યું હતું કે ભૂતને જો વશ કર્યું હોય, તો એને ધન અથવા જે કંઈ જોઈએ તે લાવવાનો હુકમ કરી શકાય. આથી તે ગરીબ માણસ એકાદ ભૂતને વશ કરવા માટે ઘણો જ આતુર હતો. પોતાને ભૂત મેળવી આપે એવા માણસની શોધમાં એ ફરતો હતો.

આમ કરતાં છેવટે એને એક સાધુ મળ્યા. સાધુએ એને પૂછ્યું : ‘ભૂત મેળવીને તું શું કરીશ?’ માણસે કહ્યું : ‘મારે મારું કામ કરે તે માટે ભૂત જોઈએ છે. કેવી રીતે ભૂત મેળવવું એ મને શીખવો. ભૂત મેળવવા હું ખૂબ આતુર છું.’ પેલા સાધુ કહે : ‘બહુ સારું. હમણાં ઘેર જાઓ.’

બીજે દિવસે પેલો માણસ ફરીથી સાધુની પાસે ગયો અને રડી રડીને આજીજી કરવા લાગ્યો : ‘બાપજી, મને એક ભૂત મેળવી આપો. મને મદદ કરે એ માટે એક ભૂત જોઈએ છે.’

છેવટે સાધુ એનાથી કંટાળ્યા. તેમણે કહ્યું : ‘આ મંત્ર લઈ જા. આ જાદુ – મંત્રનો ઉચ્ચાર કરીશ એટલે ભૂત આવશે. તું એને જે કહીશ તે એ ક૨શે. પણ ધ્યાન રાખજે, આ ભૂત લોકો બહુ ભયંકર હોય છે. એમને હંમેશાં સતત કામમાં રોકી રાખવા જોઈએ, જો તું ભૂતને કામ નહીં આપે, તો એ તને મારી નાખશે.’ પેલો માણસ કહે : ‘અરે, એ તો બહુ સહેલું છે. આખી જિંદગી ચાલે એટલું કામ હું એને આપી શકીશ.’

પછી એ માણસ જંગલમાં ગયો. ત્યાં મંત્રનો ખૂબ ઉચ્ચાર કર્યા પછી એની સામે એક ભૂત હાજર થઇને બોલ્યો : ‘હું ભૂત છું. તમારા મંત્રથી હું વશ થયો છું, પણ તમારે મને સતત કામ આપ્યા કરવું પડશે, નહીં તો હું તમને ખાઇ જઇશ.’

પેલા માણસે કહ્યું : ‘મારે માટે સરસ મહેલ બનાવ.’ ભૂતે તરત જ કહ્યું : ‘લો, આ મહેલ બંધાઈ ગયો.’ પેલો માણસ કહે : ‘ધન લાવ.’ ભૂત કહે : ‘આ રહ્યું તમારું ધન.’ માણસ બોલ્યો : ‘આ વન કાપીને અહીં એક શહેર બાંધ.’ ભૂત કહે : ‘થઈ ગયું. બોલો બીજું કંઈ?’

હવે પેલા માણસને બીક લાગવા માંડી! એ ભૂતને સોંપવાનું ખાસ કશું કામ હવે એની પાસે રહ્યું ન હતું, તેથી તે ખૂબ વિમાસણમાં પડી ગયો! ભૂતને જે કાંઈ સોંપવામાં આવતું એ ઘડીના છઠ્ઠા ભાગમાં તે કરી નાખતો હતો!

ભૂતે કહ્યું : ‘મને કામ આપો, નહીં તો તમને ખાઈ જાઉં.’

પેલો માણસ બાપડો ભૂતને માટે બીજું કશું કામ શોધી શક્યો નહીં અને એ ખૂબ બી ગયો. તે દોડ્યો, ખૂબ દોડ્યો અને છેવટે પેલા સાધુ પાસે પહોંચીને આજીજી કરતો બોલ્યો : ‘મહારાજ, મહારાજ, મને બચાવો!’

સાધુએ હકીકત પૂછતાં માણસે કહ્યું : ‘ભૂતને કશું કામ સોંપવાનું હવે મારી પાસે નથી. જે કાંઈ એને કરવાનું કહું છું તે ઘડીના છઠ્ઠા ભાગમાં એ કરી નાખે છે! અને એને જો કામ ન આપું તો એ મને ખાઈ જવાની ધમકી આપે છે!’

સાધુએ એ માણસની દયા ખાઈને કહ્યું : ‘તારા માટે હું રસ્તો કાઢું છું. તું પેલા કૂતરાને સાથે લઈ જા. ભૂતને તું એ કૂતરાની વાંકી પૂંછડીને સીધી કરવાનું સોંપજે.’

માણસ ભૂત પાસે જઈને બોલ્યો : ‘તારે કામ જોઈએ છે ને! લે, આ કૂતરાની પૂંછડી સીધી કરી આપ.’

ભૂતે કૂતરાની પૂંછડી હાથમાં લીધી. ધીમે ધીમે સંભાળથી તેને સીધી બનાવી. પણ જેવી એણે હાથમાંથી છૂટી કરી કે તરત જ તે પાછી વાંકી વળી ગઈ!

ભૂતે એક વાર ફરીથી મહેનત કરી, પૂંછડીને સીધી કરી. પણ હાથમાંથી છૂટતાં એ પાછી વાંકી થઈ ગઈ!

આમ ભૂતે દિવસોના દિવસો સુધી મથામણ કરી પણ કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહી! છેવટે ભૂત થાક્યો અને માણસને કરગરીને કહેવા લાગ્યો : ‘હું જૂનો અનુભવી ભૂત હોવા છતાં આવી મુશ્કેલીમાં કદી આવી પડ્યો નથી! હું તમારી સાથે સમાધાન પર આવું. મને તમે છૂટો કરી દો અને એના બદલામાં મેં તમને હમણાં સુધી જે કંઈ આપ્યું છે એ તમે રાખી લો. ભવિષ્યમાં કદી હું તમને હેરાન નહીં કરું એની તમને ખાતરી આપું છું.’

પેલા માણસને પણ એ જ જોઈતું હતું. એણે રાજી થઈ ભૂતની માગણી સ્વીકારી લીધી.

આ જગત કૂતરાની વાંકી પૂંછડી જેવું જ છે. સેંકડો વરસ થયાં લોકો એને સીધું કરવાની મથામણ કરી રહ્યા છે, પણ જ્યારે એને છૂટું મૂકે છે ત્યારે એ પાછું વાંકું થઈ જાય છે. એથી બીજું થાય પણ શું? એવા જગતમાં માણસે અનાસક્ત રહીને કામ કરવાનું શીખવું જોઈએ.

માટે જગતનું ભલું કરવા જતાં જો ધાર્યું પરિણામ ન આવે તો નિરાશ ન થવું જોઈએ. પરિણામની પરવા કર્યા વગર સેવા કાર્ય આગળ ધપાવવું જોઈએ. કૂતરાની વાંકી પૂંછડી સીધી કરવા જતાં આપણે સીધા થઈ જઈશું.

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘ચાલો સાંભળીએ : સ્વામીજી વાર્તા કહે છે’માંથી સંકલિત)

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.