શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. – સં.

આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો જ તે સ્વચ્છ રહે છે અને તેનાથી સારીયે કુદરત પલ્લવિત અને પુષ્પિત બને છે અને સમસ્ત માનવજાતને માટે પણ પ્રવાહિત જલ જ ઉપકારક બને છે. બંધિયાર પાણી ધીમેધીમે પોતામાં રહેલું સત્ત્વ ગુમાવી બેસે છે. ગંધાઈ ઊઠે છે અને ઉપકારક બનવાને બદલે હાનિકારક જ બને છે.

આ રીતે, આપણું જીવન પણ જો પ્રગતિના પંથે આગળ ન વધતું રહે તો તેનો વિકાસ સ્થગિત થઈ જાય છે. અજ્ઞાનથી ભરેલું એદી જીવન જીવવું એ માનવજીવન ન કહી શકાય. માટીનાં ઢેફાંની જેમ પડ્યાં રહેવું. નહીં કશો વિચાર કે નહીં કશું કર્તવ્ય એને શું આપણે માનવજીવન કહીશું? ના, ના. આ વિશ્વમાં બીજા બધા દેહ કરતાં માનવદેહ ઉત્તમ છે. માનવ જ પૂર્ણત્વને પામી શકે છે. પણ ક્યારે? જ્યારે એ વિકાસ માટે પ્રગતિશીલ રહે ત્યારે.

હા, વિકાસનો માર્ગ ઘણો કઠિન છે. પણ જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હશે તો ઊભા રહી જવાથી કશું નહીં થાય. સતત આગળ ને આગળ ચાલતાં રહેવાથી જ વિકાસને પંથે આગળ વધી શકીશું.

‘ચરૈવેતિ ચરૈવેતિ’ એ મંત્ર આપણા વૈદિકયુગથી જ કહી રહ્યો છે : ‘આગળ ચાલો, આગળ ચાલો.’ માનવજીવનમાં અનેક આફતો અને ઝંઝાવાતો તેમ જ મુશ્કેલીઓ આવશે જ. છતાં જેમ અનેક કાંટાઓ વચ્ચે પણ સુવાસિત સુંદર ગુલાબનું ફૂલ ખીલી ઊઠે તેમ, આપણું જીવન પણ એ બધી મુશ્કેલીઓ સામે દૃઢતાપૂર્વક ઝઝૂમી આગળ વધશે. તો એ જીવન પણ પોતાની સૌરભ પ્રસરાવી શકશે. ખંતીલો માણસ કહેશે, ‘હું સાગરને પી જઈશ. મારી ઇચ્છા થતાંવેંત પર્વતો કડડભૂસ થઈ તૂટી પડશે.’ આવા પ્રકારની ઇચ્છાશક્તિ આપણે કેળવવી જોઈએ. તો વિકાસનો પંથ જે આપણી સમક્ષ પડેલો છે, તે ઉપર આપણે ઝડપભેર આગળ વધી શકીશું. ભારતીય સંસ્કૃતિ અનુસાર આપણા જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયનું સામંજસ્ય અને સિદ્ધિ હોય ત્યારે જ માનવજીવન પરિપૂર્ણ અને આનંદમય થાય. સતત પુરુષાર્થપૂર્વક આગળ ચાલતા રહેવાથી આપણે આ ધ્યેયને પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી શકીશું. કોઈ ગમે તે કહે, પરંતુ આપણે સંપૂર્ણ આત્મશ્રદ્ધાપૂર્વક આપણા સિદ્ધાંતને વળગી રહેવું જોઈએ; તો જ આ જીવનને સફળ રીતે જીવીને આપણે પૂર્ણતાના પરમ લક્ષ્ય સુધી પહોંચી શકીશું.

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.