જૈન સંપ્રદાયમાં શ્રીનમસ્કાર મંત્ર અનેરું મહત્ત્વ ધરાવે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇએ તેની સુંદર વિવેચના કરી છે. મહાવીર જયંતી પ્રસંગે વાચકોના લાભાર્થે આ લેખ રજૂ કરીએ છીએ. – સં.

નવ પદોનું બનેલું સૂત્ર હોવાથી એને નવકાર કહેવામાં આવે છે. આમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. ‘નમસ્કાર’ એ સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃત ભાષામાં ‘નમોક્કાર’ કે ‘નમુક્કાર’ થાય છે, જે આજે વ્યવહારમાં ‘નવકાર’ તરીકે પ્રચલિત છે. આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચેને નમસ્કાર કરવામાં આવ્યા છે. આથી આ પાંચ પદોને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પરમ એટલે ઊંચામાં ઊંચું સ્થાન. જેઓ ઊંચામાં ઊંચા સ્થાનમાં બિરાજમાન છે, તેઓને પરમેષ્ઠી કહેવામાં આવે છે.

આ નવકાર મંત્રમાં પહેલું અને બીજું પદ પરમાત્માને દર્શાવે છે. ત્રીજું, ચોથું અને પાંચમું પદ ગુરુને દર્શાવે છે અને બાકીનાં ચાર પદો ધર્મને જણાવનારાં છે, એમ આ નવકાર મંત્રમાં દેવ, ગુરુ અને ધર્મ એમ ત્રણે તત્ત્વો સમજાવ્યાં છે.

શ્રી નમસ્કાર મહામંત્ર જૈન ધર્મના હાર્દને હૂબહૂ પ્રગટ કરે છે. જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે, આધ્યાત્મિક ઊર્ધ્વીકરણનો ધર્મ છે. આવું ઊર્ધ્વીકરણ સધાય ત્યારે વ્યક્તિનાં નામ, ઠામ કે ગામ કશાંય મહત્ત્વનાં રહેતાં નથી. માત્ર એની આધ્યાત્મિક પ્રાપ્તિ જ મહત્ત્વની બને છે.

આથી નમસ્કાર મહામંત્રમાં ગુણને નમસ્કાર છે. કોઇ ખાસ વ્યક્તિને નમસ્કાર નથી. વિશ્વના અન્ય ધર્મોના મહામંત્રોને જોઇએ ત્યારે ખ્યાલ આવે કે તેમાં તો અમુક વ્યક્તિને નમસ્કાર કરવામાં આવે છે. તેમનું રક્ષણ સ્વીકારવામાં આવે છે. જ્યારે નમસ્કાર મંત્રની મહત્તા જ એ છે કે એ વ્યક્તિને બદલે ગુણને નમસ્કાર કરે છે. પરિણામે આ મંત્ર એ સાંકડા સાંપ્રદાયિક સીમાડાઓને વટાવી જાય છે. માનવી – માનવી વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખે છે અને જીવમાત્ર માટેનો મંત્ર બની રહે છે.

કોઈ પણ જાતિ કે કોઇ પણ દેશની વ્યક્તિ જે આ ગુણની આરાધના કરવા ચાહતી હોય તેનો આ મહામંત્ર છે. એમાં કોઇ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી, પરંતુ જીવમાત્ર માટેનું કાલાતીત સનાતન સત્ય રહેલું છે. નમસ્કાર મહામંત્ર એ સાંપ્રદાયિક મંત્ર નથી, બલ્કે સ્વરૂપ મંત્ર છે. જીવમાત્રના સત્ય સ્વરૂપને એમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રત્યેક જીવ એના અંતરમાં તો જાણ્યે – અજાણ્યે નમસ્કાર મહામંત્રની ભાવના જ ધરાવતો હોય છે.

જૈન શાસ્ત્રોમાં શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારને ‘પ્રધાન મંગલ’ કહ્યું છે. આમ તો અહિંસા, સંયમ અને તપ અથવા તો સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાન એ ભાવમંગલ છે, પરંતુ નમસ્કાર મહામંત્ર એ એ દૃષ્ટિએ વિશેષ છે કે તે સ્વયં ગુણસ્વરૂપ છે અને ગુણોના બહુમાન સ્વરૂપ છે.

આ મહામંત્રમાં મુખ્ય બાબત એ વિનય છે. આપણે ત્યાં કહેવાયું છે કે ધર્મનું મૂલ વિનય છે. વિનય વિના જ્ઞાન નથી. જ્ઞાન વિના દર્શન નથી, દર્શન વિના ચારિત્ર્ય નથી અને ચારિત્ર્ય વિના મોક્ષ નથી. આમ મોક્ષપ્રાપ્તિનું મૂળ વિનયમાં છે અને નમસ્કાર મંત્રમાં તાત્ત્વિક ગુણોને ધારણ કરનારી સર્વ વ્યક્તિઓને નમસ્કાર કરીને વિનય દાખવવામાં આવ્યો છે.

નમસ્કાર મહામંત્રમાં આવતા મંગલ શબ્દનો અર્થ શો? દ્રવ્યમંગલ અને ભાવમંગલ એમ બે પ્રકારનાં મંગલ હોય છે, જેમાં દ્રવ્ય મંગલમાં શ્રીફળ, પૂર્ણ કળશ, સ્વસ્તિક, ચંદન, અક્ષત વગેરે મંગલરૂપ ગણાય છે, પરંતુ આ દ્રવ્યમંગલ કરતાં ભાવમંગલનું વિશેષ મહત્ત્વ છે. આ ભાવમંગલ દ્વારા પૂર્ણ અને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે.

શ્રી નમસ્કાર મહામંત્રમાં મંગલ શબ્દનો અર્થ સંસાર પરિભ્રમણનો ક્ષય અને હિતસાધક ધર્મની પ્રાપ્તિ એવો થાય છે. મંગલ એટલે ધર્મ અને મંગલ એટલે સમ્યક્દર્શન વગેરે દ્વારા મોક્ષ પમાડે તે. આમ નમસ્કાર મંત્રમાં ‘મંગલાણં’ પદના ઉચ્ચારણ વખતે હૃદયમાં ભાવમંગલની પ્રાપ્તિનો તલસાટ હોવો જોઇએ.

આવો, સર્વ પાપનો નાશ કરનારો આ મંત્ર હોવાથી જ ‘ઉપદેશતરંગિણી’ ગ્રંથમાં કહ્યું છે કે ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય કે કષ્ટના સમયે અને સર્વ સમયે નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઇએ. વળી મૃત્યુવેળાએ જે આ મહામંત્રનું સ્મરણ કરે છે, તેની ભવાંતરને વિશે સદ્‌ગતિ થાય છે.

આવા નમસ્કાર મંત્રને શાશ્વત કેમ કહેવામાં આવે છે? આનું કારણ એ કે બધા તીર્થંકર ભગવંતોના સમયમાં એમના ગણધર ભગવંતો સૂત્રોની રચના કરે છે. બને છે એવું કે સૂત્રોના અર્થો બદલાતા નથી. પરંતુ એની શબ્દરચના બદલાય પણ ખરી. જ્યારે નવકારમંત્રની વિશેષતા એ છે કે એના અર્થો તો બદલાતા નથી ઉપરાંત એની શબ્દરચના પણ એ જ રહે છે. આથી એને શાશ્વત કહેવામાં આવે છે.

આ રીતે નમસ્કાર મહામંત્રના પ્રત્યેક શબ્દમાં ભવ્ય ભાવના અને ગહન આધ્યાત્મિક અનુભૂતિ તાણાવાણાની જેમ વણાઇ ચૂકી છે. આથી જ એને જૈન ધર્મનો સાર કે સમસ્ત શ્રુતજ્ઞાનનું નવનીત કહેવામાં આવે છે.

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.