મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં અજાણ્યા એક પ્રસંગનું સ્મરણ થાય છે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી સભામાં ગાંધીજીએ અંધારા ખૂણામાં એક માણસને ઊભેલો જોયો. એમની નજર એના પર ચોંટી ગઈ. સભા પૂર્ણ થયા બાદ ગાંધીજી એની પાસે ગયા અને એના હાથમાં પોતાનો હાથ મૂકીને શાંત, સ્વસ્થ અને ગંભીર અવાજે કંઈક કહેવા લાગ્યા. પેલો માણસ થોડી વાર ખચકાયો અને પછી સહેજ વળીને ગાંધીજીની સાથે ચાલવા લાગ્યો. બન્નેએ એકબીજા સાથે વાતો કરી. એ સમયે ગાંધીપ્રવૃત્તિમાં રસ ધરાવનાર મિલી ગ્રેહામ પાૅલાક ગાંધીજી સાથે હતા. તેઓ આ બન્નેની ભાષા જાણતા ન હતા, તેથી એમની વચ્ચે શું વાત થઈ તે સમજી શક્યા નહીં. ગાંધીજી અને પેલો અજાણ્યો શખ્સ ચાલતા રહ્યા અને વાતો કરતા રહ્યા. મહોલ્લાનો છેડો આવ્યો ત્યારે એ માણસ ગાંધીજીના હાથમાં કંઈક આપીને ચાલતો થયો. મિલીને કશું સમજાયું નહીં એટલે ગાંધીજીને પૂછ્યું, ‘એને શું જોઈતું હતું ? કોઈ ખાસ માગણી લઈને આવ્યો હતો ?’ ગાંધીજીએ કહ્યું, ‘હા, એ માણસ જીવ લેવા આવ્યો હતો.’

મિલીએ પૂછ્યું, ‘શું જીવ લેવા ? તમારો જીવ લેવા? ઓહ, કેટલું બધું ભયાવહ ! શું એ પાગલ છે ?’

ગાંધીજીએ કહ્યું, ‘ના, એ માને છે કે હું અમારા લોકોની જોડે દગો રમી રહ્યો છું. સરકાર જોડે ભળીને હિન્દુઓનું અહિત કરવા માગંુ છું અને તેમ છતાં તેમનો મિત્ર અને નેતા હોવાનો ડોળ કરું છું.’

મિલીએ કહ્યું, ‘આવું માનવું એ નરી દુષ્ટતા છે. કેવી ભયાનક વાત ! આવાને તો લઈને પોલીસ પાસે પકડાવી દેવા જોઈએ. તમે શા માટે એને આમ જવા દીધો? પાગલ હોવો જોઈએ એ !’

ગાંધીજીએ કહ્યું, ‘ના, એ પાગલ નથી. માત્ર વહેમાયેલો છે. આથી મેં એની સાથે વાત કરી, પછી એણે છરો મારા હાથમાં આપી દીધો. એ જ છરો કે જે એ મને હુલાવી દેવા ચાહતો હતો.’

મિલીએ કહ્યું, ‘એણે તમને અંધારામાં છરાનો ઘા કર્યો હોત તો ?’ અધવચ્ચે જ ગાંધીજી બોલી ઊઠ્યા, ‘આટલા બધા ગભરાઈ જાવો નહીં. એના મનમાં એમ હતું કે હું આને છરો ભોંકીને મારી નાખું, પરંતુ એનામાં એમ કરવાની હિંમત નહોતી. એ મને જેટલો ખરાબ માનતો હતો, એટલો ખરાબ હું હોઉં તો મરવાને લાયક જ ગણાઉં. પણ હવે આ વિશે વધારે ફિકર કરવાની જરૂર નથી. આ કિસ્સો પૂરો થયો. હું નથી માનતો કે એ માણસ ફરી મને ઘાયલ કરવાનો પ્રયત્ન કરે. મેં એને પોલીસ પાસે પકડાવ્યો હોત તો એ મારો શત્રુ બની જાત પણ હવે મારો મિત્ર બનશે.’ આવી અભયવૃત્તિને મહાત્મા ગાંધી અહિંસા માને છે.

એક સમયે અમેરિકાનાં વધુમાં વધુ અખબારોમાં મોડલિંગનું એક ઠઠ્ઠાચિત્ર પ્રગટ થયું. એમાં માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) સ્વર્ગમાં દાખલ થાય છે અને મહાત્મા ગાંધીજીને મળે છે, ત્યારે ગાંધીજી તેને કહે છે, ‘ડૉ. કિંગ, આ ખૂનીઓ વિશે વિચિત્ર વાત એ છે કે એ લોકો એમ માને છે કે એમણે તમારી હત્યા કરી છે.’ આ ઠઠ્ઠાચિત્ર દોરનારે માર્મિક રીતે એ સૂચવી દીધું છે કે વ્યક્તિની હત્યા થઈ શકે, પણ વિચારોની હત્યા કદી કરી શકાતી નથી. મહાત્મા ગાંધીજીની અહિંસાના સંદર્ભમાં એમ લાગે છે કે આ ગાંધીતત્ત્વને લઈને વિશ્વભરમાં ઠેરઠેર ગાંધી જીવતા થયા ! એક મોહનદાસ કરમચંદ ગાંધી ભલે ગોડસેની ગોળીથી વિંધાયા હોય, પણ દેશવિદેશમાં જુદા જુદા સંજોગોમાં, ભિન્ન ભિન્ન રૂપે અને નોખાં નોખાં ધ્યેય સાથે મહાત્મા ગાંધી પ્રગટ્યા છે ! એ અમેરિકાના માર્ટિન લ્યૂથર કિંગના કાર્યમાં જોવા મળે છે. ચેસ્ટર બાૅલ્સે કહ્યું છે તેમ, ‘છેલ્લાં સો વર્ષના ભારે જહેમતભર્યા અને લોહિયાળ માર્ગે જે સિદ્ધ થયું નહોતું, તે માર્ટિન લ્યૂથર કિંગે મહાત્મા ગાંધીની કાર્યપદ્ધતિથી માત્ર દશ જ વર્ષમાં કરી બતાવ્યું.’ કાળા અને ગોરાના સંબંધમાં ન્યાયસંગતતા લાવતા અહિંસક કૂચના એમના પ્રસંગો જગપ્રસિદ્ધ છે.

ઇટાલીના દાનીલો દોલ્ચીએ ઉપવાસ અને હડતાલનાં અહિંસક શસ્ત્રોથી સરકારને લોકહિતનાં કાર્યો કરવાની ફરજ પાડી. અહિંસક માર્ગે કોબેના કાગાવાએ મજૂર આંદોલનની આગેવાની લીધી. શ્રીલંકાના આરિયરત્ને ૨૩,૦૦૦ ગામોમાંથી ૮,૦૦૦ ગામોમાં શ્રમશિબિર, ગ્રામોદય અને સર્વોદય જેવી ગાંધીવિભાવનાઓ ફેલાવી. આફ્રિકાના આલ્બર્ટ લૂથૂલીએ હબસીઓની ચળવળને અહિંસક રાખવા પ્રયત્ન કર્યો. પશ્ચિમ અમેરિકાના સીઝર ચાવલેએ મેક્સિકન અમેરિકન મજૂરોના પ્રશ્નને લઈને ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા પામીને અહિંસક સંગઠન ઊભું કર્યું.

અહિંસક માર્ગે સમાજપરિવર્તન લાવવાનું કાર્ય વિનોબાજીએ કર્યું. તેઓ ભૂદાન, સાધનદાન, ગ્રામદાન, ગ્રામસ્વરાજ, શાંતિસેના અને સર્વોદય પાત્રનાં કાર્યો દ્વારા અહિંસક માર્ગે સમાજમાં અકલ્પનીય ક્રાંતિ લાવ્યા. એમાંનાં કેટલાંક કાર્યો આજે પણ ચાલુ છે. હિમાચલ પ્રદેશના જંગલખાતાના અધિકારીઓ મનસ્વી રીતે અને સ્વાર્થવૃત્તિથી જંગલનાં વૃક્ષોનો નાશ કરતા હતા. ત્યાં રહેતી આદિવાસી પ્રજાને પોતાની જ સંપત્તિ હોવા છતાં જીવનનિર્વાહ માટે વૃક્ષો કાપવાની મનાઈ ફરમાવામાં આવી હતી. એ સમયે આ વિસ્તારની બહેનો અધિકારીઓ વૃક્ષ કાપવા આવે ત્યારે જાનના જોખમે વૃક્ષોને વળગી જતી, અને વૃક્ષ કાપવા ન દેતી. ‘ચીપકો આંદોલન’ તરીકે જાણીતું આ આંદોલન લાંબા સમય સુધી ચાલ્યું. અંતે પ્રજાનો વિજય થયો.

આંધળી ભૌતિકતા, રાજસત્તાની લાલસા, ધનપ્રાપ્તિની ઘેલછા, ગળાકાપ સ્પર્ધા, ભીતરી આક્રોશ, આત્મતત્ત્વની અવહેલના, આતંકી હુમલાઓ અને ઘોર હિંસાના દોરમાં દોડી રહેલી માનવજાતને માટે આજે તો એ સવાલ છે કે તે ચોથા માળેથી આત્મહત્યા કરશે કે સાતમા માળેથી ? હિંસાની આંધળી દોડમાં દોડતા માણસને એમાંથી પાછો વાળવાની જરૂર છે અને તો જ માનવીનું અસ્તિત્વ આ પૃથ્વી પર ટકી શકશે. સંત વિનોબાએ કહ્યું છે કે તમે ૩૬૪ દિવસ શસ્ત્રો બનાવો, પણ ૩૬૫મા દિવસે એ શસ્ત્રો દરિયામાં ફેંકી દો. આ શક્તિ માનવને ક્યાંથી સાંપડશે ? ગાંધીજીએ કાર્યાન્વિત કરેલી અહિંસામાંથી. અહિંસા પ્રત્યે એમને અડગ શ્રદ્ધા હતી. તેઓ કહેતા કે હું એકલો પડી જઈશ તોપણ મારી શ્રદ્ધા ગુમાવીશ નહીં અને કબરમાંથી એ અંગે બોલતો રહીશ.

૧૯૨૪માં જર્મન ભાષામાં મહાત્મા ગાંધી વિશે એક પુસ્તક પ્રગટ થયું, એમાં આ એક વાક્ય હતું, ‘ઊલટ તપાસ દરમિયાન ન્યાયાધીશે એમ કહ્યું કે રાજકારણમાં એક માણસની વાતને મહત્ત્વ ન આપી શકાય.’ ત્યારે ભારતના મોટામાં મોટા સત્યાગ્રહીએ આવો જવાબ વાળ્યો, ‘હું ખરેખર એ જ વાતને ખોટી પુરવાર કરવા મથી રહ્યો છું.’ ૧૯૧૯નો રોલેટ એક્ટ સત્યાગ્રહ, ૧૯૨૦ થી ૧૯૨૨નો અહિંસક અસહકાર, ૧૯૨૩-૨૪ બોરસદનો સત્યાગ્રહ, ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦નો મીઠાનો સત્યાગ્રહ, ૧૯૩૮ થી ૧૯૪૨ સુધીનું ‘ભારત છોડો’ આંદોલન – આમ અહિંસક પ્રતિકારની પરંપરાએ એ સાબિત કરી આપ્યું કે શાસકોનો હિંસકમાર્ગ કે દમનનીતિ અંતે નિષ્ફળ જાય છે. પચ્ચીસ વર્ષની અહિંસક તાલીમ દ્વારા ગાંધીજીએ ભારતમાં અહિંસક ક્રાંતિનું સર્જન કર્યું અને ૧૯૪૭ની ૧૫મી આૅગસ્ટે ભારતની આઝાદી સાથે જ જગતનાં ગુલામ રાષ્ટ્રોને ગુલામીમાંથી મુક્તિ મેળવવાનો એક નવો અહિંસક માર્ગ દર્શાવ્યો.

હકીકતમાં ગાંધીજીની અહિંસા એ કોઈ ભાવના નથી, પરંતુ સદ્ગુણોની તાલીમ છે. જેનામાં અનેક ભાવનાઓનું સંગમતીર્થ સધાય એ જ અહિંસાપાલક થઈ શકે. એમની અહિંસા માત્ર માનવ કે પશુ પ્રત્યે સીમિત નથી, પરંતુ એમાં ઉચ્ચકોટિની ત્યાગવૃત્તિ, ન્યાયી વર્તન, આત્માનું ભાન, દેહપીડા સહન કરવાની શક્તિ જેવા આંતરિક સદ્ગુણોની આવશ્યકતા રહે છે. તેઓ કહે છે કે જમીન જાય, ધન જાય, શરીર જાય તોપણ અહિંસાનો ઉપાસક એની પરવા કરે નહીં. આત્મબળ કેળવાય અભયથી. જગતના ઇતિહાસમાં મહાવીર, બુદ્ધ, રામ, ઈસુ ખ્રિસ્ત, સ્વામી વિવેકાનંદ આ બધાએ એમના જીવનની શૈલીમાં અભય પ્રગટ કર્યો છે. ભય કે મૃત્યુ એમને ચલિત કરી શકે તેમ નહોતાં ! અભય બન્યા વિના પૂર્ણ અહિંસાનું પાલન શક્ય નથી, કારણ કે અહિંસાની તાલીમ માટે મરવાની તાકાત જોઈએ. મરવાની ઇચ્છા જેટલી તીવ્ર, તેટલી મારવાની ઇચ્છા મોળી. માણસમાં મરવાની તાકાત પૂર્ણપણે આવી જાય તો તેને મારવાની ઇચ્છા થતી નથી અને માણસ કરુણામય બનીને મરે છે, ત્યારે મારનારનું દિલ પણ પલટાવી નાખે છે.

ગાંધીજીના મતે આપણે જેને ચાહતા હોઈએ તેના પર પ્રેમ રાખવો તે અહિંસા નથી, પરંતુ આપણા પર દ્વેષ રાખતા હોય તેના પર પ્રેમ રાખવો તે અહિંસા છે. આથી ૧૯૪૬ની ૭મી જુલાઈએ ‘હરિજનબંધુ’માં હિરોશિમા પર ફેંકાયેલા અણુ બોમ્બના સંદર્ભમાં ગાંધીજીએ આમ કહ્યું હતું, ‘અણુ બોમ્બની આ અત્યંત કરુણાજનક ઘટનાથી વાસ્તવિક રીતે જે બોધ તારવવાનો છે, તે એ છે કે હિંસાનો જેમ પ્રતિહિંસાથી નાશ ન થાય, તેમ એ બોમ્બનો નાશ એની સામે બીજા વધારે વિનાશક બોમ્બ બનાવવાથી થવાનો નથી. માણસજાતને હિંસામાંથી ઉગારવી હોય, તો અહિંસા સિવાય બીજો એકેય માર્ગ નથી. દ્વેષને માત્ર પ્રેમથી જીતી શકાય સામો દ્વેષ કરવાથી મૂળ દ્વેષનો વિસ્તાર અને તેનું ઊંડાણ જ વધે છે.’ અહિંસાને તેઓ જગતનું સૌથી વધુ એવું સક્રિય પરિબળ ગણે છે, જેમાં અન્યાય કે દુષ્ટતા આગળ પગવાળીને બેસી રહેવાનું નથી. અહિંસાને તેજસ્વી અને જાગ્રત વસ્તુ ગણાવી છે. આ સંદર્ભમાં બેતીયા ગામમાં પોલીસ ઘરબાર અને બહેનોની લાજ લૂંટતી હતી ત્યારે લોકો નાસી ગયા. એ પછી ગામલોકોએ એ વિશે ગાંધીજીને કહ્યું. સાંભળીને ગાંધીજીનું માથું શરમથી ઝૂકી ગયું. એમણે ગામલોકોને ભારપૂર્વક કહ્યું કે મારી અહિંસાનો આવો અર્થ નથી. આ તો નામર્દાઈ કહેવાય. તમારા આશ્રય નીચેના માણસોને ઈજા કરવા તાકનાર સબળામાં સબળી તાકાતનો તમારે સામનો કરવો જોઈએ. જેઓ મરી જાણે છે તેમને જ હું અહિંસાના પાઠ શીખવી શકું, મરણથી ડરનારા લોકોને નહીં.

તેઓ કહેતા કે અહિંસા સાથે મારું લગ્ન અતૂટ છે. એ સ્થિતિમાંથી ચળવા કરતા હું આપઘાત વધુ પસંદ કરું. ગાંધીજીની અહિંસાની વિભાવના માત્ર ધર્મ કે આત્મોન્નતિના ક્ષેત્ર સુધી સીમિત ન હતી. એ અહિંસા વ્યક્તિના સમગ્ર જીવનમાં વ્યાપવી જોઈએ અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગટવી જોઈએ. અહિંસાની શક્તિનો પ્રયોગ બાળક, જુવાન, સ્ત્રી અને વૃદ્ધ બધાં જ કરી શકે છે. માત્ર એને માટે તેઓ બે શરત મૂકે છે. એક તો તેમનામાં પ્રેમસ્વરૂપ ઈશ્વર વિશે અવિચળ શ્રદ્ધા હોવી જોઈએ અને મનુષ્યમાત્ર માટે એક સરખો પ્રેમ હોવો જોઈએ. આમ વ્યક્તિગત રીતે પળાતી અહિંસાને તેઓ સમાજમાં સદાચારના નિયમરૂપ બનાવે છે. આથી જ અહિંસા માત્ર વ્યક્તિગત ચિત્તશાંતિ કે મુક્તિને અર્થે આચરવાનો એકાંત વિહારી સદ્ગુણ નથી, પણ માનવીની પ્રતિષ્ઠા જાળવીને શાંતિની સ્થાપનાની ઝંખના માટે સદાચારરૂપ નિયમ પણ છે.

મહાત્મા ગાંધીજીની અહિંસાએ વિશ્વભરના અનેક દેશોમાં ગાંધીને જીવતા કર્યા. માર્ટિન લ્યૂથર કિંગથી નેલ્સન મંડેલા જેવી જાણીતી હસ્તિઓ ઉપરાંત કેટલીક અનામી વ્યક્તિઓએ અહિંસા માટે જીવન સમર્પિત કર્યું. આ જ વર્ષે ૧૫મી માર્ચે ન્યૂઝીલૅન્ડના ક્રાઈસ્ટ ચર્ચની બે મસ્જિદોમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીઓ ચલાવી અને ૫૦ લોકોની લાશો ત્યાં ઢાળી દીધી. શ્વેત દેશોના લોકોમાં ન્યૂઝીલૅન્ડમાં મુસલમાનો પર આ આતંકી હુમલો હતો. ન્યૂઝીલૅન્ડ પ્રમાણમાં શાંત અને સદ્ભાવનાથી ભરેલો દેશ ગણાય છે. આવે સમયે કાળાં વસ્ત્રોમાં સજ્જ એક સ્ત્રી દેશના તખ્તા પર આવે છે અને સહેજે પણ ગભરામણ કે ધ્રુજારી વિના હિંસક આક્રમણખોરોને કહે છે, ‘અમને ભારે વેદના છે, પરંતુ તમે ભલે અમને પંસદ કર્યા હોય; આમ છતાં પણ અમે તમને પસંદ કરતા નથી. અમે તમને અત્યારે જ માફ કરીએ છીએ અને તમારી સખત ટીકા કરીએ છીએ.’ વિશ્વની સૌથી નાની વયની ન્યૂઝીલૅન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડને વિપત્તિના આ સમયે મૃત લોકોના પરિવારજનોને ગળે વળગીને લાંબા સમય સુધી રડતી રહી અને પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરતી રહી. તેણે ભાવભર્યા સ્વરમાં કહ્યું કે દુનિયાભરના મુસ્લિમ સમુદાય માટે સહાનુભૂતિ અને પ્રેમ જોઈએ. પછીના દિવસે સંસદમાં સંબોધન કરતાં અરબી સંબોધન ‘અસ્લામવાલેકુમ’થી પોતાની વાતનો પ્રારંભ કર્યો. એણે કહ્યું કે ફેસબૂક પર હુમલાની તસ્વીર નાખીને ઘૃણા ફેલાવવાના સંદર્ભમાં મિડિયાએ એની જવાબદારી ઉઠાવવી પડશે. અને પછીના દિવસે જ બધા પક્ષોની સહમતિથી પોતાના દેશના ‘ગન-લાૅ’માં ફેરફાર કર્યો અને એસોલ્ટ રાઇફલો અને લશ્કરમાં વપરાતાં અર્ધસ્વસંચાલિત હથિયારો પર પ્રતિબંધ મૂક્યો.

એટલું જ નહીં તેણે કહ્યું કે આ સહિષ્ણુતાનો નહીં પણ સૌની સાથેના માનવઅસ્તિત્વનો સવાલ છે. આતંકી હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના અંતિમ સંસ્કારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે અને આશ્રિત લોકોને ભવિષ્યમાં મદદરૂપ થવાની અમારી જવાબદારી રહેશે… લાશનો બદલો લાશથી લેવાનો રસ્તો તે એનો ઉપાય નથી. આ છે ગાંધીનો રસ્તો. ક્યાંય હિંસા નથી, ઘૃણા નથી, દગો નથી. આવું કશું ન હોવા છતાં જીવનથી ભાગવું નહીં એ ગાંધીનો રસ્તો છે.

આમ અહિંસાનું આ તત્ત્વ વિશ્વમાં ક્યાંક, કેવી રીતે, કયા સંજોગોમાં પ્રગટશે એ કોણ કહી શકે? આથી આવતી કાલે આ ધરતી પર અહિંસાનો આહલેક પોકારનારો કોઈ અતિ દરિદ્ર કે યુવાન હોય, એ કોઈ શ્વેત કે શ્યામ વર્ણનો પણ હોય, એ કોઈ યુવતી કે અતિ વૃદ્ધ પણ હોય, આ અહિંસાના તત્ત્વની ગંગોત્રી વિશ્વના વ્યાપક ફલક પર પહોંચશે તો જ ન્યાય, જાતિ, વર્ણ કે ધર્મના ભેદભાવ, સંપ્રદાયગત હિંસા, ધાર્મિક યુદ્ધો, નિર્દાેષ માનવીની હત્યા, વ્યક્તિ વિનાશક આક્રમણ અને નિર્દયી આતંકને બદલે શાંતિ, સહિષ્ણુતા, અહિંસા અને સત્યથી માનવજાત વધુ વિકાસ સાધશે.

અહિંસાને પૂર્વ અને પશ્ચિમ એવો ભેદ નથી. અહિંસા આખા વિશ્વની છે અને સમગ્ર વિશ્વે મળીને પૃથ્વીના ગ્રહ પર માનવીનું જીવન સુખી બનાવવા પ્રયાસ કરવો પડશે અને તેનું મુખ્ય પરિબળ અહિંસા બની રહેશે. અહિંસા એ ક્યારેય પ્રેમનો માર્ગ છોડ્યો નથી અને અન્યાયનો સામનો કરવામાં નિર્બળતા દાખવી નથી. આ જ અહિંસક અભિગમની સૌથી મોટી મહત્તા છે.

અહિંસાનો પૂજારી સમગ્ર સૃષ્ટિમાં શ્રેયને માટે મથશે અને એને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં પ્રાણ આપશે. અહિંસા રાજદ્વારી અન્યાયને દૂર કરવાનું અમોઘશસ્ત્ર અને સનાતન કાયદો છે. એમાં મળતી નિષ્ફળતા અનુયાયીની નિષ્ફળતા છે, કાયદાની નહીં.

ગાંધીચરિત્રના ઊંડા અભ્યાસી ‘મારું જીવન, એ જ મારી વાણી’ને નામે વિસ્તૃત ગાંધીચરિત્ર આપનાર અને ગાંધીકથા દ્વારા ગાંધીવિચારોને ફેલાવનાર ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ એક અનુભવ નોંધ્યો છે :

‘અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં એક યજમાને એમના પુત્રના ખંડમાં નારાયણ દેસાઈને રાતવાસો આપ્યો. એમના પુત્રે પોતાના રૂમના બોર્ડ ઉપર એક લખાણ ચોટાડ્યું હતું. એ લખાણ માટે એને ‘એ-૧’ ગુણવત્તા મળી હતી. તેમાં ૧૨ વર્ષના એક છોકરાએ ‘ડિયર ગાંધી’ને સંબોધીને પત્ર લખ્યો હતો,

‘આ રજાના દિવસોમાં મેં આપની આત્મકથા વાંચી. મને માત્ર એટલું જ દુ :ખ છે કે તમે આટલા બધા વહેલા કેમ જન્મી ગયા? તમારી વધારે જરૂર તો આ જમાનામાં છે. પણ કાંઈ નહીં, અમે બેઠાં છીએ અને તમારા વિચારો અમારી પાસે છે. અમે એમાંથી જ તમારી માફક સત્યના પ્રયોગો કરતાં શીખીશું.’

આ છે સાંપ્રત યુગની ગાંધીજીની પ્રસ્તુતતા.

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.