સંધિસૂત્રોનું સુખબોધક સંકલન

સંહિતાયામ્ – (A book on paniniya Rules of Sandhi) લેખક અને પ્રકાશક : શ્રીમતી શાન્તિ દીધે; ‘દિલખુશ’, શિવાજી રોડ, વડોદરા ૩૯૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭, પૃ. ૩૮, મૂલ્ય રૂ. ૨૫

પાણિનીય વ્યાકરણનાં સંધિવિષયક સૂત્રોની સ્પષ્ટ સરલ અને પગથિયાંવાર સમજૂતી દર્શાવતું આ સંકલન, ભટ્ટોજી દીક્ષિતે પોતાની ‘સિદ્ધાન્ત કૌમુદી’ના સંધિપ્રકરણમાં કરેલા સંકલન કરતાં જુદી જ ભાતનું છે. પાણિનિની અષ્ટાધ્યાયીમાં તો આ સંધિવિષયક સૂત્રો છૂટાં છવાયાં જુદા જુદા અધ્યાયોમાં પથરાયેલાં પડ્યાં છે. આમ થવાનું પણ એક ખાસ કારણ હતું. પરંતુ આજે જ્યારે સંસ્કૃત ભાષા શીખવા માટે એ અષ્ટાધ્યાયીનું અધ્યયન કરવાની પરંપરા લગભગ લુપ્ત જ થઈ ગઈ છે, ત્યારે એવા કારણની ચર્ચા અપ્રસ્તુત છે.

પ્રસ્તુત પુસ્તિકામાં બે ધ્વનિઓના સ્વાભાવિક મિશ્રણથી નીપજતા સજાતીય ધ્વનિની પ્રક્રિયા – સંધિની પ્રક્રિયા પાણિનિનાં સૂત્રોના માધ્યમથી સમજાવવામાં આવી છે. આ સંધિને પાણિનિ ‘સંહિતા’ એવું નામ આપે છે. પ્રારંભમાં પાણિનીય વ્યાકરણના પ્રમુખ પારિભાષિક શબ્દોની સમજૂતી અપાઈ છે, જેથી આગળ અભ્યાસ કરતી વખતે વપરાયેલા એ શબ્દોનો અર્થ સમજી શકાય. સંધિનાં ઉદાહરણોમાં મોટે ભાગે શ્રી ભગવદ્‌ગીતામાં આવતાં પદોનો ઉપયોગ કર્યો છે અને લઘુ-મધ્ય કે સિદ્ધાન્તકૌમુદીનાં ઉદાહરણોને જવા દીધાં છે. એ ઘણી સારી વાત ગણી શકાય કારણ કે શ્રીમદ્ભગવદ્‌ગીતાનું પઠનપાઠન સંસ્કૃત પ્રેમીઓ રોજબરોજ કરતા આવ્યા છે એટલે ગીતા સાથે સંધિસૂત્રોનું જોડાણ અધ્યેતાની ગ્રહણશક્તિ અને સ્મૃતિશક્તિ વધારે પ્રદીપ્ત કરે તેવી સંભાવના છે.

બે ધ્વનિઓ ખૂબ લગોલગ ઉચ્ચારાતાં એમાંથી સહજ ધ્વન્યાત્મક પરિવર્તનરૂપે પ્રકટતા સજાતીય ધ્વનિઓ દુનિયાની દરેક દરેક ભાષામાં અગત્યનું સ્થાન ધરાવે છે. કારણ કે એમ થવું એ કોઈ પણ ભાષા માટે અત્યંત સ્વાભાવિક જ છે. ધ્વનિશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રના આ મહત્ત્વના પાસાંની પાણિનીય અષ્ટાધ્યાયીમાં તો સૂત્રોમાં શ્રેષ્ઠ અને સંપૂર્ણ મીમાંસા કરવામાં આવી હતી. પછીથી શ્રી ભટ્ટોજી દીક્ષિતે એ સૂત્રોની વિશિષ્ટ વ્યવસ્થા કરી અને એમાં કેટલાક ફેરફારો કરીને ‘સિદ્ધાંતકૌમુદી’ નામે ગ્રંથ લખ્યો અને એના સંધિપ્રકરણમાં અચ્ સંધિ, હલ્ સંધિ, પ્રકૃતિભાવ સંધિ, વિસર્ગ સંધિ અને સ્વાદિ સંધિ એવા પાંચ ભાગો પાડીને સંધિ સંબંધી વિસ્તૃત વિવેચન કર્યું છે.

પરંતુ આ પુસ્તિકામાં તો સામાન્ય વાક્યોમાં વ્યવહારમાં આવતા અને સમાસ વગેરેમાં પ્રયુક્ત થતા સંધિપ્રયોગો ઉપર જ ધ્યાન રાખ્યું છે અને નામ કે ધાતુને લાગતા વિભક્તિના કે ક્રિયાવાચક પ્રત્યયો લાગતાં જે વિશિષ્ટ અને વિચિત્ર સંધિ થાય છે તેને કોરાણે મૂકી છે. કારણ કે આ પુસ્તિકાનો હેતુ જ સરલતા અને સ્પષ્ટતાનો છે. વળી, આ પુસ્તિકાની મર્યાદાનો પણ ખ્યાલ રાખ્યો હોય એમ લાગે છે. તદુપરાન્ત અહીં કોરાણે મૂકેલા વિષયને લેખિકાના પિતાશ્રીએ જ “An introduction to panini” નામના ગ્રંથના ચાર ભાગોમાં યત્ર તત્ર સુપેરે ચર્ચ્યો જ છે એટલે આમ કર્યું હોય તેમ લાગે છે.

આગળ કહ્યા પ્રમાણે બધી જ ભાષાઓમાં આ સંધિના વિષયનું મહત્ત્વ છે પણ સંસ્કૃત ભાષામાં તો એનું સવિશેષ મહત્ત્વ છે. કારણ કે પાણિનિએ દર્શાવેલા કેટલાક સંધિનિયમો માત્ર સંસ્કૃત ભાષામાં જ નહિ, પણ વિશ્વની કોઈ પણ ભાષામાં લાગુ થઈ શકે તેવા છે. આ દૃષ્ટિએ આ પુસ્તિકા ભાષાશાસ્ત્ર (Philology)નું અધ્યયન કરનાર માટે પણ ઉપયોગી નીવડી શકે તેવી છે. આ વાતનો ઈશારો શ્રી ઍન ઍન જાનીએ પ્રસ્તાવનામાં કરી જ દીધો છે.

પાણિનિનાં લગભગ સોએક સંધિવિષયક સૂત્રોની સરલ સુસ્પષ્ટ અને સોદાહરણ સમજૂતી આપવામાં શ્રીમતી દીધે પૂરેપૂરાં સફળ નીવડ્યાં છે. અને તેથી તેઓ ધન્યવાદને પાત્ર છે. તેમનો આ પરિશ્રમ સંસ્કૃતના અભ્યાસીઓને અચૂક રીતે ઉપયોગી થશે એવી શુભેચ્છા તેમને પાઠવીએ.

શ્રીમતી દીધેની સંસ્કૃત માટેની અચરજભરી તપશ્ચર્યા દાદ માગી લે તેવી છે. પોતાના પિતાશ્રી પાસેથી થોડું પાયાનું ઔપચારિક સંસ્કૃત શિક્ષણ પામ્યા પછી ઇતિહાસ વિષય સાથે આગળ વધેલાં, તેમને માટે સંસ્કૃત વ્યાકરણનું સાંગોપાંગ અધ્યયન તો સ્વાભાવિક રીતે જ ભારે કઠિન વાત હતી. છતાં પણ તેમણે વડોદરાના સુવિખ્યાત વિદ્વાન વિદ્યાભાસ્કર પં. શ્રી ઍમ.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન તળે આ કઠોર તપની સાધના કરી સફળ થયાં અને તેમના પિતાનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં.

અહીં તેમના પિતાશ્રી સંબંધે થોડું કહેવું અનિવાર્ય લાગે છે કારણ કે એવા દાખલાઓ દુર્લભ હોય છે. તેમના પિતાશ્રી પ્રૉ.પી.બી. જુનારકર ગણિત અને કાનૂનના વિષય સાથે ઍમ.ઍ. થયેલા. છતાં તેમણે ઢાકા યુનિવર્સિટીમાં કૉમર્સમાં પ્રૉફેસર તરીકે ચોવીસ વરસ કામ કર્યું હતું અને કૉમર્સ વિભાગના ડીન પણ બન્યા હતા. એમણે અપાર પરિશ્રમથી પાણિનીય વ્યાકરણનું અધ્યયન કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો, સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમને લીધે તેમજ કઠિન ગણાતી સંસ્કૃત ભાષાના સરલીકરણ માટે તેમણે “An introduction to Panini”ના ચાર મોટા ગ્રંથો લખ્યા. તેમના આ ભારે પરિશ્રમ અને વૈદુષ્યપૂર્ણ રચનાથી સંસ્કૃત જગતમાં તેઓ સુવિખ્યાત બની ગયા છે. તેમના અવસાન પછી તેમની સુપુત્રી શાન્તિ દીધેએ એ પુસ્તકો પ્રકાશિત કરીને પિતૃઋણ ચૂકવ્યું છે અને સંસ્કૃત જગતની અમૂલ્ય સેવા કરી છે. આ પુસ્તકલેખન ઉપરાન્ત એ સેવાનું શ્રેય પણ શ્રીમતી દીધેને જાય છે.

આવાં પુસ્તકોનું રૂપાન્તર ગુજરાતી ભાષામાં થાય, તો ગુજરાતી સંસ્કૃતરસિકોને ઘણો લાભ થાય એમ અમે માનીએ છીએ. ભારતની અન્ય ભાષાઓમાં પણ આવાં રૂપાન્તરો ઈચ્છનીય છે. આપણે શ્રીમતી શાંતિ દીધે પાસેથી એવી આશા રાખી શકીએ ખરા?

ફરીથી આવી ઉપયોગી પુસ્તિકા લખવા અને પ્રકાશિત કરવા બદલ તેમજ પોતાના વિદ્વાન પિતાના મૂલ્યવાન ગ્રંથોને તેમના અવસાન પછી પ્રકાશિત કરીને પિતૃતર્પણ કરનાર આ સુપુત્રીને ધન્યવાદ આપીએ.

સમીક્ષક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

હૃદયરોગ

લે. ડો. પ્રફુલ્લ વૈદ્ય, પ્રકાશક : બા.ગ. પ્રકાશન, ૧, આદર્શ સોસાયટી, અઠવા લાઇન્સ, સુરત ૩૯૫ ૦૦૧. મૂલ્ય : રૂ. ૬૦.

આપણા સર્વે સુખદુઃખનો સતત અનુભૂતિનો કર્તા હૃદય અંગેની વાત આયુર્વેદની અહલેક જગાડનાર ક્રાન્તિકારી આયુર્વેદના મર્મજ્ઞ વિદ્વાન પૂજ્ય શ્રી બાપાલાલ વૈદ્યની પરંપરાના ક્રાન્તિકારી તેમના વિદ્વાન પુત્ર વૈદ્ય શ્રી પ્રફુલ્લભાઇ જેવા સિદ્ધ હસ્ત લેખકના હાથે મૌલિક અને સર્વગ્રાહી શૈલીમાં “હૃદયરોગ -જગત ક્યાં અટવાયેલું છે?” તેવું અગત્યનું પુસ્તક લખાયું છે.

આયુર્વેદમાં દર્શાવેલ રસપ્રકોપ જ વ્યાધિનું સ્વરૂપ બતાવી માત્ર અંગૂલિનિર્દેશ કરી હૃદયમાં આશ્રય રહેલ રસધાતુની વિશેષતા દર્શાવી અશ્રદ્ધા – અરુચિનો અર્થ ભાષાન્તર રૂપે કર્યો છે. તેનો તાત્ત્વિક અર્થ છે – અશ્રદ્ધા એટલે અન્યોન્ય હાર્દિક સંબંધમાં ક્ષતિ થવી – શ્રદ્ધાનો અભાવ. અરુચિનો અર્થ ઇન્દ્રિયોના વિષયો તરફ રુચિ ન થવી. તેના કારણે કલૈશ્યપણું આવે છે. તેનું લક્ષણ આગળ પુસ્તકમાં કહ્યું છે. રસનો ગુણ – તૃપ્તિ – આનંદ એવો છે. તેનો અભાવ અશ્રદ્ધા અને અરુચિ વગેરે જન્માવે છે.

રોગ-રોગીની સમીક્ષા – પ્રકૃતિ – અધિષ્ઠાન – સમુત્થાન પ્રમાણે જ હૃદયરોગનું કારણ મળતું નથી તેમ વારંવાર સાંભળવામાં આવે છે અને કારણ વગર કાર્ય ઉત્પન્ન થતું નથી તે વૈશ્વિક નિયમ છે. શું હૃદયરોગ થવો વૈશ્વિક નિયમનો અપવાદ છે? તેનો જવાબ ‘ના’-માં આવે છે.

આગળ લખ્યા મુજબ કોઇ પણ પ્રકારનું શરીર થવું – સમત્વ અને પ્રકોપ અગ્નિને આશ્રયે રહેલા છે. આ રોગમાં પણ જઠરાગ્નિ અને રસધાત્વાગ્નિ સામાન્ય સ્થિતિમાં પહેલાં બગડે છે. તે બન્નેનો ઉપાય પણ એક જ કરવો છે સર્વમેવબંધનીય છે.

અત્યારની વિટંબણાની વિશેષ છણાવટ આ પુસ્તકમાં કરી છે. આહાર અને મનોવ્યાપારના પાસાને વિસ્તારપૂર્વક દર્શાવ્યું છે, જે મનનીય છે. અર્વાચીન જ્ઞાનની તલસ્પર્શી છણાવટ કરી છે. પોતાના મંતવ્યની પુષ્ટિ વિવિધ દૃષ્ટિકોણથી તેમજ જગતના વિદ્વાનોના મત દ્વારા પુષ્ટ કરી છે.

હૃદયરોગની સમજણ તેમજ તેમના સંલગ્ન વ્યાધિઓ ડાયાબિટીઝ – બ્લડ પ્રેસર અને સ્થૂલતા વગેરે અટકાવવાનું માર્ગદર્શન આ પુસ્તકમાંથી સહજતાથી મળે છે. સાથોસાથ હૃદયરોગીએ રાખવા જેવી કાળજી અને ઉપાય દર્શાવી ઉપકારક કામ કર્યું છે.

લોકોની પઝલ દૂર કરવાનો સતત પ્રયત્નો કર્યો છે. આજ સુધી આ દૃષ્ટિકોણથી લખાયેલું ઉપકારક પહેલું પુસ્તક છે. જેમાં આયુર્વેદને વફાદ૨ ૨હી તટસ્થતાથી અર્વાચીન જ્ઞાનને પ્રકાશિત કર્યું છે. શૈલી સરળ – હૃદયસ્પર્શી છે. સામર્થ્ય ધરાવનાર ડૉ. શ્રી પ્રફુલ્લભાઇ વૈદ્ય અભિનંદનના અધિકારી છે.

આ પુસ્તક દરેક ઘર અને લાઇબ્રેરીમાં હોવું એ અનિવાર્ય સમૃદ્ધિની નિશાની છે. સમાજના દરેક ક્ષેત્રના લોકો ભરપૂર ફાયદો ઉઠાવી સમૃદ્ધ, સશક્ત સમાજ નિર્માણમાં પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદજીના આદર્શોને અનુસરે તેવી ઇશ્વરને અભ્યર્થના.

સમીક્ષક : વૈદ્ય એચ. જી. સુરાણી, રાજકોટ.

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.