રામકૃષ્ણ મિશનની સ્થાપનાના શતાબ્દી-ઉત્સવની ઉજવણીના ભાગરૂપે, હરિદ્વાર ખાતે, ૮મી એપ્રિલ, ૧૯૯૮ના રોજ એક ભવ્ય સાધુ-સંમેલન યોજાયું હતું. રામકૃષ્ણ મિશનની હરિદ્વાર શાખા તથા અખિલ ભારતીય અખાડા પરિષદના સંયુક્ત ઉપક્રમે આ સંમેલન બોલાવવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશનની કનખલ શાખા બસો સંન્યાસીઓ તથા તેરસો ભક્તોની યજમાન બની આ પ્રસંગે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું. દસમીથી તેરમી એપ્રિલ ૧૯૯૮ દરમિયાન દરરોજ સાંજના જાહે૨ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવમી એપ્રિલે શ્રીકૃષ્ણલીલા ભજવવામાં આવી હતી. અને ચૌદમી એપ્રિલે ભજન-સંધ્યાનો કાર્યક્રમ સૌએ માણ્યો હતો.

સાધુ-સંમેલન

સંમેલનના પ્રારંભમાં સેવાશ્રમના પ્રાંગણમાં વિશિષ્ટ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. શ્રીરામકૃષ્ણ, શ્રી મા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની છબિઓ સમક્ષ રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ આદરણીય સ્વામીશ્રી ગહનાનંદજી મહારાજે આરતી ઉતારીને પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને રામકૃષ્ણ મિશનની સેવા પ્રવૃત્તિઓ અંગેનાં ચિત્રો આ ચિત્રાત્મક પ્રદર્શનમાં દર્શાવવામાં આવ્યાં હતાં. સેવાશ્રમમાં ઊભા કરાયેલા સુંદર વિશાળ મંડપમાં બપોરના ત્રણ વાગ્યાથી વિવિધ અખાડાઓના સાધુઓનું આગમન શરૂ થઈ ગયું હતું. ખરેખર ભગવા રંગની જુદી જુદી છાયાઓનો સમુદ્ર જાણે કે ત્યાં ઉભરી રહ્યો હતો. લગભગ આઠસો સાધુઓ ત્યાં હાજરી આપવા માટે આવ્યા હતા. જેમાં કેટલાંક માથે મુંડન કરેલા, કેટલાંક લાંબા વાળવાળા, કેટલાંક ફેંટાઓવાળા અને કેટલાક ફેંટાઓ વગરના હતા. સ્પષ્ટ દેખાઈ આવતી આટલી બધી વિવિધતા છતાં ત્યાં એકત્ર થએલા સાધુ સંન્યાસીઓને પ્રેરણા આપતી સંન્યાસીઓની એકતા ખૂબજ સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી. વિધવિધ સંસ્થાઓ અને અખાડાઓના સંસ્થાપકો તથા અધ્યક્ષશ્રીઓ જેમને ઉત્તરાખંડ પ્રદેશમાં મહન્ત્ત, મંડલેશ્વર, મહામંડલેશ્વર વગેરે પદવીઓથી ઓળખવામાં આવે છે તે તમામ એક પછી એક આવવા લાગ્યા. આ સંમેલનના પ્રમુખપદે રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ બિરાજ્યા હતા.

રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓના વેદગાનથી બપોરે ચાર વાગે સભાનો પ્રારંભ થયો. રામકૃષ્ણ મિશનના જનરલ સક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે સભામાં ઉપસ્થિત સૌનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. રામકૃષ્ણ સંઘની સંન્યાસી પરંપરાની પથરેખા દોરીને એમણે સમજાવ્યું કે કેવી રીતે આ સંઘના સંન્યાસીઓ મહાન દશનામી પરંપરાના પુરી સંપ્રદાયના જ સંન્યાસીઓ છે. સર્વધર્મ સમન્વયના વિષયનો સ્પર્શ કરતાં એમણે જણાવ્યું કે ભારતીય પરંપરાનો સંન્યાસી હંમેશાં સનાતન ધર્મનો સંરક્ષક રહ્યો છે. એમના સ્વાગત પ્રવચનનું હિન્દી ભાષાંતર સ્વામી નિખિલાત્માનંદજીએ કર્યું હતું.

જગદ્‌ગુરુ કાશીપીઠાધીશ્વર હર્યાચાર્ય રામાનંદાચાર્યજી મહારાજ પ્રથમ વક્તા હતા. એમણે ‘હિન્દુ’ શબ્દની વ્યુત્પત્તિ સમજાવતું ખૂબ રસિક ભાષામાં ઓજસ્વી વકતવ્ય આપ્યું. એમના પછી દિગંબર અની વૈષ્ણવ અખાડાના મહંતશ્રી રામચંદ્રદાસજી પરમહંસે રામકૃષ્ણ મિશનની સેવાપ્રવૃત્તિઓની ખૂબ પ્રશસ્તિ કરી. એમણે એવી આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં એક એવો દિવસ ઊગશે જ્યારે હિમાલયનાં શિખરો ઉપર ભગવો ધ્વજ ફરકાવવામાં આવશે અને એકવાર ફરીથી ભારત સાચું હિન્દુ રાષ્ટ્ર બનશે. ત્યારબાદ સ્વામી નિરંજનાનંદજી મહારાજે ભાષણ આપ્યું. એમણે જણાવ્યું કે બીજાઓની જેમ શ્રીરામકૃષ્ણે કોઈ મઠ કે સંસ્થાની સ્થાપના કરી ન હતી પરંતુ સ્વામી વિવેકાનંદજી મહારાજના રૂપે આ દુનિયાને એક જીવતી જાગતી સંસ્થાનું પ્રદાન કર્યું હતું. ઉદાસી પંચાયતી બડા અખાડાના સ્વામી શ્રી ગુરુ શરણાનંદજી મહારાજે પ્રશ્ન કર્યો કે સ્વામી વિવેકાનંદજીએ આ વિશ્વને નવું શું આપ્યું? એમણે પોતે જ એ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે સ્વામીજીએ એ સમજાવ્યું કે ઈશ્વર માત્ર મંદિરોમાં જ નથી, એ બહાર પણ છે, દુઃખી, નિઃસહાય અને અજ્ઞાનીઓમાં એ વસે છે.

અટલ પીઠના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી પ્રકાશાનંદજી મહારાજ ત્યાર પછીના વક્તા હતા. એમણે શ્રીરામકૃષ્ણદેવને “શાક્તશિરોમણિ” તરીકે વર્ણવીને સંઘશક્તિનું મહત્ત્વ દર્શાવ્યું. એમણે સ્વામી વિવેકાનંદની પ્રેરણા અને નેતૃત્ત્વ હેઠળ સમસ્ત સાધુ સમાજને એકત્રિત અને સંગઠિત થવાનું નિમંત્રણ આપ્યું. એમણે જણાવ્યું કે જો એ પ્રમાણે થશે તો સ્વામીજીને ઉત્તમમાં ઉત્તમ શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે.

આવાહન પીઠના આચાર્ય મહામંડલેશ્વર સ્વામીશ્રી શિવેન્દ્રપુરીએ એમના ટૂંકાં છતાં પ્રભાવશાળી વકતવ્યમાં જણાવ્યું કે સ્વામી વિવેકાનંદને ભલે એકસો વર્ષ થઈ ગયાં, પરંતુ ખરેખર જોતાં, “શક્તિ” ક્યારેય વૃદ્ધ થતી જ નથી. અને સાચે જ સ્વામીજી પોતે જ એક પ્રચંડ શક્તિ સ્વરૂપ હતા, એ એક માનવી માત્ર નહોતા. મહામંડલેશ્વર સ્વામીશ્રી પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે દરેક યુગમાં ભારતની ધરતીએ પ્રબુદ્ધ સંન્યાસીઓ આપ્યા છે.

મહામંડલેશ્વર સ્વામીશ્રી મંગલાનંદ ગિરિજી મહારાજે એમના ભાષણમાં કહ્યું કે સ્વામીજીએ વૈશ્વિક ભ્રાતૃભાવનો જે વિચાર આપ્યો છે તેને જ આજે આપણા ધર્મોમાં પ્રતિબિંબિત કરવો જોઈએ. આજના વિષમ સંજોગોમાં આપણને એમ લાગે કે આપણને આજે એક બીજા વિવેકાનંદની જરૂર છે. પરંતુ એવી કોઈ જરૂરિયાત નથી. કારણ કે સ્વામી વિવેકાનંદ આજે પણ આપણા સૌનાં હૃદયમાં પ્રત્યક્ષ રીતે હાજર રહેલા જ છે.

નિરંજન પીઠના આચાર્ય મહામંડલેશ્વર સ્વામીશ્રી પુણ્યાનંદજી મહારાજે જણાવ્યું કે કુંભમેળામાં આજે વિશાળ અફાટ સમુદાય ભેગો થયો છે તેનું સુચારું સંચાલન કરવું એ કોઈ પણ રાજકારણી વ્યક્તિના વશની વાત નથી. માત્ર ધર્મ જ એનું સંચાલન કરી શકે એમ છે. એવી રીતે કોઈ પણ વૈજ્ઞાનિકે અનંત શાંતિ અને અનંત આનંદની પ્રાપ્તિ માટેની કોઈ પદ્ધતિ હજી સુધી શોધી નથી, માત્ર ધર્મ જ એ આપી શકે એમ છે. નિર્વાણીપીઠના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિશ્વદેવાનંદજી મહારાજે એમના પ્રવચનમાં જણાવ્યું કે આ સાધુ-સંમેલન આત્મ પરીક્ષણની એક મહાન તક સમાન છે. આપણે આપણી જાતને પ્રશ્ન કરી શકીએ કે હું કોણ છું? આપણાં જીવન કઈ દિશામાં પ્રયાણ કરી રહ્યાં છે?

આનંદપીઠના આચાર્ય મહામંડલેશ્વર સ્વામીશ્રી દેવાનંદ મહારાજે પણ પોતાનું વક્તવ્ય આપ્યું અને સ્વામી વિવેકાનંદજીને પોતાની શ્રદ્ધાંજલિ સમર્પિત કરી.

આદરણીય શ્રીમત્ સ્વામીશ્રી રંગનાથાનંદજી મહારાજે એમના અધ્યક્ષીય ભાષણમાં ભારતના પ્રાચીન ગૌરવની અને સાથે સાથે દસમી શતાબ્દીથી શરૂ થયેલા ભારતના અધઃપતનની વાત કરી. એમણે જણાવ્યું કે ભારતને સ્વામી વિવેકાનંદજીએ અંધકાર અને નિરાશામાંથી ઊભું કર્યું અને આધુનિક લોકો સમજી શકે એવી ભાષામાં ભારતના પ્રાચીના સંદેશવારસાની ઉદ્‌ઘોષણા કરી. ભાગવતમાંથી ઉદ્ધરણ ટાંકાં એમણે જણાવ્યું કે માનવીમાં રહેલા ઈશ્વરની આપણે અવગણના કરીશું તો ઇશ્વર આપણી પૂજાનો સ્વીકાર કરશે નહિ. એમનો આદર્શ આપણી દૃષ્ટિ સમક્ષ રાખીને આપણે બધાંની પૂજા કરવી જોઈએ. સર્વધર્મ સમન્વય અને સમગ્ર વિશ્વના ઐકયના સ્વામીજીના સંદેશાનો જો આપણે કાળજીપૂર્વક અભ્યાસ કરીશું અને એને આચરણમાં મૂકીશું તો આજના સમાજમાં લાંચરૂશ્વત અને ભ્રષ્ટાચારનું જે દૂષણ પેસી ગયું છે તેના ઉપર કાબૂ મેળવી શકીશું. એમના ભાષણનું હિન્દી ભાષાંતર સ્વામી શ્રી સત્યરૂપાનંદજી મહારાજે કર્યું અને આભારવિધિ પણ સંપન્ન કર્યો.

સભાની પૂર્ણાહુતિ સાંજે સાત વાગે કરવામાં આવી. એકત્રિત થયેલા સર્વે સાધુઓ માટે વિરાટ ભોજન-સમારંભ યોજવામાં આવ્યો તથા વસ્ત્ર અને દક્ષિણા આપીને એમનો આદર સત્કા૨ ક૨વામાં આવ્યો. સમારંભ ખૂબ સફળ રહ્યો અને વર્તમાન શતાબ્દીના હરિદ્વાર ખાતેના છેલ્લા કુંભમેળામાં એકત્રિત થયેલા વિવિધ પરંપરાઓના સાધુઓના મન ઉપર ખૂબ અસરકારક છાપ મૂકી ગયો.

જાહેર સભાઓ

દસમી એપ્રિલ-૧૯૯૮ના રોજ જાહેર સભાનો વિષય હતો – ‘શ્રીરામકૃષ્ણ અને અદ્વૈત વેદાંત’. મહાનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર સ્વામીશ્રી નિરંજનાનંદજી મહારાજ પ્રથમ વક્તા હતા. એમણે જણાવ્યું કે શ્રીરામકૃષ્ણદેવે એમના જીવનમાં અદ્વૈત દર્શન કર્યું હતું. અને એટલે જ આગળ જતાં જેઓ સ્વામી વિવેકાનંદ બન્યા અને આખી દુનિયાને હચમચાવી નાખી, એવા યુવાન નરેન્દ્રનાથના, “શું આપે ઈશ્વરને જોયા છે?” એ પ્રશ્નનો સફળતાપૂર્વક ઉત્તર આપી શક્યા હતા. મહાનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર સ્વામીશ્રી પ્રેમાનંદજી મહારાજે એમના ઉદ્‌બોધનમાં જણાવ્યું કે માત્ર ‘પરમહંસ’ની પદવી જ સૂચવે છે –શ્રીરામકૃષ્ણદેવ સ્વયં પોતે જ અદ્વૈતનું પ્રતીક છે અને તેથી શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવાં એ અદ્વૈતનાં દર્શન કરવા બરાબર છે. મહાનિર્વાણ અખાડાના મહામંડલેશ્વર સ્વામીશ્રી વિશુદ્ધાનંદજી મહારાજે અદ્વૈતના દર્શન માટે મંત્રદીક્ષા, શક્તિપાત અને શાંભવી દીક્ષા – એ ત્રણ વચ્ચેનો ભેદ સમજાવ્યો. મહાનિર્વાણી અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામીશ્રી વિશ્વદેવાનંદજી મહારાજે એમના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું કે, શ્રીરામકૃષ્ણદેવ પોતે જ અદ્વૈતમાં દૃઢપણે પ્રતિષ્ઠિત હતા તેથી જ એમણે કોઈ પણ નવા સંપ્રદાયનો પ્રારંભ કર્યો નહોતો.

અગિયારમી એપ્રિલ, ૧૯૯૮ના રોજ ચર્ચાનો વિષય હતો – ‘શ્રીરામકૃષ્ણ અને સર્વધર્મ સમન્વય’. મહામંડલેશ્વર સ્વામીશ્રી મહેશ્વરાનંદજી મહારાજ, મહામંડલેશ્વર સ્વામીશ્રી અખંડાનંદસાગરજી મહારાજ તથા મહામંડલેશ્વર સ્વામીશ્રી દયાનંદ વેદપાઠીજી મહારાજ એ દિવસના વક્તાઓ હતા. સભાના પ્રમુખસ્થાને મહાનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર સ્વામીશ્રી કાશીકાનંદજી મહારાજ બિરાજ્યા હતા. વિવિધ ધર્મોનો સમન્વય સાધવા માટે શ્રીરામકૃષ્ણદેવના જીવન અને ઉપદેશોની મહત્ત્વની પ્રશંસાત્મક સમાલોચના તમામ વક્તાઓએ કરી હતી.

બારમી એપ્રિલ, ૧૯૯૮ની જાહેર સભાનો વિષય હતો – ‘વ્યાવહારિક વેદાંત અને સ્વામી વિવેકાનંદ’. અગ્નિ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામીશ્રી શિવેન્દ્રપુરીજી મહારાજ અને નિમ્બાર્ક સંપ્રદાયના આચાર્યશ્રી શ્રીજી મહારાજે એમનાં પ્રવચનોમાં સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા વ્યાવહારિક વૈદાંતના આદર્શ ઉપર આધારિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની સેવા પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. કૈલાશ આશ્રમના આચાર્ય મહામંડલેશ્વર સ્વામીશ્રી વિદ્યાનંદગિરિજી મહારાજે પોતાના અધ્યક્ષીય ભાષણમાં જણાવ્યું કે સાધનાના દૃષ્ટિકોણથી સેવાનું મહત્ત્વ ગમે તેટલું હોય પરંતુ જ્યાં સુધી ‘સર્વં ખલુ ઈદમ્ બ્રહ્મમ્’ ‘આ સમસ્ત જગત બ્રહ્મથી વ્યાપ્ત છે’ એ શ્રુતિ વાક્ય જીવનમાં ચરિતાર્થ ન થાય ત્યાં સુધી વાસ્તવમાં ‘શિવજ્ઞાને જીવસેવા’ – માનવીમાં ઈશ્વરનું અસ્તિત્વ છે તેમ માની તેની પૂજા કરવાની ભાવના ઊગે નહિ અને સાચી રીતે બીજાઓની સેવા થઈ શકે નહિ.

તેરમી એપ્રિલ, ૧૯૯૮ના રોજ ચર્ચાનો વિષય હતો – ‘શ્રી મા શારદાદેવી – જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ’. ઉદાસીન અખાડાના મહામંડલેશ્વર સ્વામીશ્રી ગુરુ શરણદાસજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશન, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજ અને કનખલ સેવાશ્રમના સ્વામી અખંડાનંદજી મહારાજે શ્રી મા શારદાદેવીના જીવનની મર્મસ્પર્શી ઘટનાઓનું વર્ણન કરતાં સમજાવ્યું હતું કે જાતિ, ધર્મ અથવા સામાજિક પ્રતિષ્ઠાનો ભેદ રાખ્યા સિવાય શ્રીમા કેવી રીતે સર્વેને મંત્ર દીક્ષા દ્વારા આધ્યાત્મિક જ્ઞાનનું પ્રદાન કરતાં હતાં અને કેવી રીતે પાપીઓ અને સંતો તમામ પ્રત્યે એમના આશીર્વાદ સમાન રીતે વરસતા હતા. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે એમના અધ્યક્ષીય પ્રવચનમાં, શ્રીમાનું જીવન અને એમના ઉપદેશોનું મહત્ત્વ ભક્તો માટે આજે પણ કેટલું પ્રસ્તુત છે એ વાત ખૂબ સુંદર રીતે સમજાવી હતી.

દસમી અને અગિયારમી એપ્રિલ, ૧૯૯૮ના રોજ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજના ‘રામચરિત માનસ’ પરનાં પ્રવચનો યોજવામાં આવ્યાં હતાં. બારમી અને તેરમી એપ્રિલ ૧૯૯૮ના રોજ સવારના સમયમાં અદ્વૈત આશ્રમ, વારાણસીના સ્વામી વ્યોમાનંદજી મહારાજના ‘રામકૃષ્ણ કથામૃત’ અંગેનાં હિન્દીમાં પ્રવચનો યોજાયાં હતાં.

આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે કનખલ સેવાશ્રમ હૉસ્પિટલના નવા ઓ.પી.ડી. (O.P.D.) વિભાગ તથા હૉસ્પિટલના મહિલા વિભાગનું ઉદ્‌ઘાટન ચૌદમી એપ્રિલ, ૧૯૯૮ના રોજ કર્યું હતું અને એક સ્મરણિકાનું વિમોચન ૮મી એપ્રિલે કર્યું હતું.

સંકલક : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.