તાજેતરમાં આ સદીનો અંતિમ મહાકુંભમેળો હરિદ્વારમાં યોજાઈ ગયો, જેમાં એક કરોડથી વધુ લોકો દેશ-વિદેશથી આવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આ વિરાટ કુંભમેળાના આયોજન માટે ૯૯ કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેમાંથી ૬૦ કરોડ રૂપિયા કાયમી ધોરણની વ્યવસ્થા પાછળ ખર્ચાયા. આપણા દેશમાં આટલી ગરીબી હોવા છતાં આટલા બધા રૂપિયાનો ધૂમાડો કરી આ કુંભમેળાનું આયોજન કરવું શું ઉચિત છે? શું કારણ છે કે ટી.વી., સમાચાર પત્રો અને આધુનિક મિડિયાનો ઉપયોગ કરીને પણ જ્યારે હજાર બે હજાર લોકોને કોઈ વિશેષ સમારોહ માટે નિયંત્રિત કરીને એકઠા કરવા મુશ્કેલ હોય છે ત્યારે આ કુંભમેળામાં દેશના વિભિન્ન ભાગોમાંથી લાખોની સંખ્યામાં લોકો વગર નિમંત્રણે પહોંચી જાય છે? કોણે અને ક્યારે આ કુંભમેળાના આયોજનનો પ્રારંભ કર્યો હશે? આજના વૈજ્ઞાનિક યુગમાં આ કુંભમેળાનું શું કાંઈ મહત્ત્વ છે? આવા કેટલાક પ્રશ્નો આધુનિક માનવના મનમાં આવવા સ્વાભાવિક છે. અહીં તેની સંક્ષિપ્ત ચર્ચા કરીશું.

કુંભમેળા વિશે પૌરાણિક કથાઓ

આપણા પુરાણોમાં કથા આવે છે – દેવતાઓની તમામ શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હતી ત્યારે તેઓ સૃષ્ટિકર્તા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ સલાહ આપી કે તમે ક્ષીરસાગરનું મંથન કરો, તેમાંથી જે અમૃત નીકળશે તેના સેવનથી તમારી શક્તિ પાછી મળશે. દેવતાઓએ દાનવોની સહાયથી આ મહાન પુરુષાર્થ પ્રારંભ કર્યો. મન્દરાચલ પવર્તની ચારે તરફ વાસુકિ નાગને લપેટીને મંથન કરવામાં આવ્યું. સૌ પહેલાં હળાહળ વિષ બહાર આવ્યું. આથી સમસ્ત સૃષ્ટિમાં હાહાકાર વ્યાપ્ત થઈ ગયો. દેવાધિદેવ મહાદેવે લોકકલ્યાણાર્થે તે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. આથી તેઓ ‘નીલકંઠ’ કહેવાય છે. આ પછી સમુદ્રમંથન દ્વારા કામધેનુ (ગાય), ઉચ્ચૈ:શ્રવા (ઘોડો), ઐરાવત (હાથી), કૌસ્તુભ (મણિ), પારિજાત (સ્વર્ગીય પુષ્પ), રંભા (અપ્સરા), લક્ષ્મી, વારુણી, બાલચંદ્ર, શંખ, કલ્પવૃક્ષ અને હરધનુ ક્રમશઃ બહાર આવ્યાં. અંતમાં ધન્વન્તરી અમૃતનો એક કુંભ લઈ પ્રગટ થયા. આ અમૃતકુંભ જોતાંની સાથે જ દેવો અને દાનવોમાં આ અમૃત મેળવવા માટે મારામારી શરૂ થઈ ગઈ. આ દરમિયાન પૃથ્વીનાં ચાર સ્થળોએ આ અમૃતકુંભ છલકાયો – પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. જ્યાં જ્યાં આ અમૃતનાં ટીપાં પડ્યાં હતાં ત્યાં કુંભમેળો યોજાય છે. અન્ય એક કથા પ્રમાણે મોહિનીરૂપ વિષ્ણુ ધન્વંતરી પાસેથી અમૃતકળશ લઈ વહેંચવા માંડ્યા ત્યારે સઘળું અમૃત દેવોમાં જ વહેંચી દીધું અને ખાલી કુંભ ફેંકી દીધો. આ કુંભ પકડી લઈ ગરુડ ઊડવા માંડ્યા. તેમાં બચેલાં અમૃત બુંદ જે ચાર સ્થાન પર પડ્યાં તે હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક.

દેવો-દાનવોના યુદ્ધ વખતે સૂર્યદેવતાએ પોતાના તાપથી તપાવીને કળશને તૂટતો બચાવ્યો, ચંદ્રમાએ પોતાના આકર્ષણથી કળશને પડી જતાં બચાવ્યો અને ગુરુએ દેવોની રક્ષા કરી એટલે જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય અને ચંદ્ર મેષ રાશિમાં તથા ગુરુ સિંહ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં ‘મહાકુંભ’ યોજાય છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર મકરમાં અને ગુરુ મેષમાં હોય ત્યારે પ્રયાગમાં, જ્યારે સૂર્ય મેષમાં, ચંદ્ર તુલામાં અને ગુરુ સિંહમાં હોય ત્યારે ઉજ્જૈનમાં અને જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્ર ત્રણેય સિંહમાં હોય ત્યારે નાસિકમાં કુંભપર્વ મનાવવામાં આવે છે. સ્વાભાવિક રીતે જ ગુરુની કોઈ પણ રાશિમાં પુનરાવૃત્તિ દર બાર વર્ષ પછી જ થતી હોવાથી મહાકુંભપર્વ કોઈ પણ સ્થળે બાર વર્ષ બાદ જ સંભવે છે.

પુરાણોમાં કુંભમેળાનું માહાત્મ્ય

‘વિષ્ણુ-યાગ’માં કહ્યું છે –

तान्येति यः पुमान् योगे सोऽमृतत्त्वाय कल्पते ।
देवा नमन्ति तत्रस्थान् यथा रंका धनाधिपान् ॥

“જે કુંભમેળામાં ભાગ લે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તે અમરત્વને પામે છે. જેવી રીતે રંક લોકો ધની લોકોને નમન કરે છે તેવી જ રીતે દેવતાઓ આ સ્નાન કરનારને નમન કરે છે.”

‘પુણ્યફળ’ની પ્રાપ્તિ વિશે ‘વિષ્ણુ – યાગ’માં કહ્યું છે –

अश्वमेधसहस्राणि वाजपेय शतानि च ।
लक्षप्रदक्षिणा पृथ्व्याः कुम्भस्नानेन तत्फलम् ॥

“હજારો અશ્વમેધ, સેંકડો વાજપેય યજ્ઞ અને પૃથ્વીની એક લાખ પ્રદક્ષિણાઓ કરવાથી જે ફળ મળે તે કુંભ પર્વમાં એકવાર સ્નાન કરવાથી તરત મળે છે.”

‘વાયુ-પુરાણ’માં કહ્યું છે –

श्राद्धे कुम्भे विमुंचति ज्ञेयं पाप विषूदनम् ।
श्राद्धं तत्राक्षयं प्रोक्तं जप्य होम तपांसि च ।।

“કુંભ પર્વમાં જપ, તપ, હવન, શ્રાદ્ધકર્મ વગેરે કરવાથી પાપોનો સમૂળો નાશ થઈ જાય છે.”

કુંભપર્વની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

કુંભપર્વનો પ્રારંભ ક્યારે થયો તે વિશે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. કેટલાક વિદ્વાનો વેદના શ્લોકો ટાંકીને કહે છે કે વૈદિક યુગમાં પણ કુંભપર્વનું માહાત્મ્ય હતું, પણ અન્ય વિદ્વાનો તેને પ્રામાણિક માનતા નથી. પ્રથમ ઐતિહાસિક પુરાવો ચીનના પર્યટક હ્યુએન સાંગની નોંધ પરથી મળે છે. ઈ. સ. ૬૪૩માં પ્રયાગમાં જે કુંભમેળો યોજાયો હતો તેમાં તે હાજર હતો અને તેનું વર્ણન કરતાં તેણે લખ્યું છે કે ત્યારના સમ્રાટ હર્ષવર્ધન શિલાદિત્યે પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધેલું.

આ સિવાય અન્ય વિદેશી યાત્રીઓ- શર્ફુદ્દીન (ઈ.સ. ૧૩૯૮), સ્ટમસ કાયરટ (ઈ.સ. ૧૬૦૮), થૉમસ ડૅનિયલ અને વિલિયમ ડૅનિયલ (ઈ.સ. ૧૭૮૯), ટામસ હાર્ડવિક અને ડા. હન્ટર (ઈ.સ. ૧૭૯૬), વિન્સેન્ટ રેપર (ઇ.સ. ૧૮૦૮) અને કૅપ્ટન થૉમસ સ્કિનર (ઇ.સ. ૧૮૩૦) વગેરેએ પણ હરિદ્વારમાં આવવાવાળા શ્રદ્ધાળુ ભક્તોની ભીડ વિશે ઉલ્લેખ કર્યો છે.

એક રુસી વિદુષી-પૈટ્રોવેના ઇ.સ. ૧૮૭૯માં ભારત ભ્રમણ માટે આવી હતી, તેનાં સંસ્મરણો રુસી પત્રિકા ‘રક્સી વેસ્ટનિક’માં પ્રકાશિત થયા હતા, જે પછીથી ૧૮૯૨માં પુસ્તકાકારે ‘ફ્રોમ ધ કેવ્સ ઍન્ડ જંગલ્સ ઑફ હિન્દુસ્તાન’ નામે પ્રકટ થયા હતા. તેના વર્ણન પરથી લાગે છે કે ત્યારે પણ કુંભમેળાનું સ્વરૂપ આજના જેવું જ હતું.

ઇ.સ. ૧૬૯૫માં શ્રી સુજાન રાય ખત્રીએ ફારસી ભાષામાં લખેલ ગ્રંથ ‘ખુલાદુત્તવારિખ’માં હરિદ્વારના વિહાર કુંભમેળાનું વર્ણન મળે છે.

કુંભપર્વમાં અખાડાઓના સાધુઓનું શાહી સ્નાન

એવી માન્યતા છે કે આરંભમાં બધા સાધુઓ શૈવ અર્થાત્ મહાદેવના ઉપાસક હતા, પછી વૈષ્ણવ સાધુઓનો એક વર્ગ ઊભર્યો જે ‘બૈરાગી’ના નામે ઓળખાયો. નાનક દેવ પછી ઉદાસી સાધુઓ અને પછી ગઇ સદીથી નિર્મલ સાધુઓની પરંપરા સમાજ સમક્ષ આવી.

સદીઓથી ચાલી આવેલી સાધુ-સંતની આ પરંપરાને સંગઠનનું સ્વરૂપ આપી વ્યવસ્થિત આકાર આપવાનું કામ આદિ શંકરાચાર્ય અને તેમના અનુયાયીઓએ કર્યું. દશનામી (અથવા યોગપટ્ટ) પરંપરા આદિ શંકરાચાર્યની શ્રૃંગેરી પીઠના ત્રીજા આચાર્ય સુરેશ્વરે કરી હોવાનો વિદ્વાન સર જદુનાથ સરકારનો મત છે.

આદિ શંકરાચાર્યે કુંભની પૌરાણિક કલ્પનાને વૈદિક આધાર આપ્યો. અથર્વવેદમાં કહ્યું છે –

चतुर: कुंभश्चतुर्धा ददामि,
क्षीरेण पूर्णा उदकेन दध्ना।
एतस्त्वा धारा उपयन्तु सर्वाः,
स्वर्गे लोके मधुमत्पिन्वमाना,
उपत्वा तिष्टन्तु पुष्करिणी: समन्ता:।
(૪/૩૪/૭)

“કુંભ ચાર છે, આ ક્રમશઃ દૂધ, જળ, દહીં અને મધથી ભરેલા છે. આ ચાર કુંભોને ચાર પ્રકારથી તને સોપું છું. આની બધી ધારાઓ તને પ્રાપ્ત થાઓ. સ્વર્ગલોકમાં મધુર રસ દેવાવાળી બધી નદીઓ તારા સમીપ ઉપસ્થિત થાઓ.”

આદિ શંકરાચાર્યે આ ચાર કળશોને ચાર વેદ, ચાર વર્ણ, ચાર આશ્રમ અને ચાર દિશાઓના પ્રતીક માન્યા. એમણે ભારતની ચાર દિશાઓમાં ચાર મઠોની સ્થાપના નીચે પ્રમાણે કરી અને પોતાના ચાર પ્રમુખ શિષ્યોને એ મઠોનું સંચાલન સોંપ્યું અને દશનામી સંન્યાસીઓની સંજ્ઞા આપવામાં આવી.

ઉત્તરમાં : જ્યોતિર્મઠ – સુરેશ્વરાચાર્ય (ગિરિ, પર્વત, સાગર)
દક્ષિણમાં : શ્રૃંગેરીમઠ – તોટકાચાર્ય (પુરી, ભારતી, સરસ્વતી)
પૂર્વમાં : ગોવર્ધનમઠ, પુરી – હસ્તામલકાચાર્ય (વન, અરણ્ય)
પશ્ચિમમાં : શારદામઠ, દ્વારકા – પદ્મપાદાચાર્ય (તીર્થ, આશ્રમ)

કાળક્રમે સનાતન ધર્મના રક્ષણ માટે આ દશનામી સંપ્રદાયોમાં એક સ્થિર રચના (Static Formation) અને બીજી સામરિક રચના (Field Formation) થઇ. તેની અંતર્ગત ક્રમશઃ શાસ્ત્ર અને શસ્ત્ર – સાધક સંન્યાસીઓની પરંપરા સ્થાપવામાં આવી. સ્થિર રચના મઠ, મઢી, વગેરના સંગઠિત એકમો દ્વારા સનાતન ધર્મના સંરક્ષણ તથા સંવર્ધન કાજે લોકોપયોગી કાર્યો તરફ વળી જ્યારે સામરિક રચના અખાડા, દાવા, ધૂણી નામનાં એકમોનાં માધ્યમથી તીર, તલવાર, ભાલા-બરછી, ત્રિશૂળ ઉઠાવીને ધર્મદ્રોહીઓને કચડી નાખવા મેદાનમાં ઊતરી.

આજે કુલ તેર અખાડાઓમાંથી દશનામી સાધુઓના સાત અખાડા છે – શ્રી નિરંજની અખાડા, શ્રી આનંદ અખાડા, શ્રી જૂના અખાડા, શ્રી આવાહન અખાડા, શ્રી મહાનિર્વાણી અખાડા, શ્રી અટલ અખાડા અને શ્રી પંચાગ્નિ અખાડા. છેલ્લા અખાડા સિવાય બાકી બધામાં નાગા સાધુઓ છે. વૈષ્ણવ વૈરાગીઓના ત્રણ અખાડા છે – શ્રી દિગમ્બર અખાડા, નિર્વાણ અખાડા અને નિર્મોહી અખાડા. આ સિવાય શ્રી ઉદાસીન અખાડા, નયા અખાડા ઉદાસીન અને નિર્મલ અખાડા મળીને કુલ તેર અખાડા છે. આ બધા અખાડા લોકશાહી પદ્ધતિથી પોતપોતાના મહંતો તેમ જ મંત્રીઓની ચૂંટણી કરે છે તેથી તે બધા અખાડા પંચાયતી કહેવાય છે. દરેક અખાડાના પોતપોતાના આરાધ્ય દેવ, પોતાના અલગ ધ્વજ, પોતાનું અલગ નિશાન હોય છે.

જો કે કુંભમેળાના ત્રણેય મહિના દરમિયાન કરાતો સ્નાનવિધિ એ ‘કુંભસ્નાન’ જ ગણાય છે છતાં આ અખાડાઓ ‘શાહીસ્નાન’ને વધુ મહત્ત્વ આપે છે. નિર્ધારિત તિથિઓમાં આ અખાડાઓના અસંખ્ય સાધુઓ હાથીઓની પાલખી, ધ્વજ, બૅન્ડ-વાજાં. સાથે સુંદર રીતે શણગારેલ શોભાયાત્રાઓમાં શાહી ઢબે સ્નાન કરવા જાય છે. દરેક અખાડાનો ક્રમાંક પહેલેથી નિર્ધારિત હોય છે જેથી અવ્યવસ્થા ન સર્જાય

કુંભમેળો – રાષ્ટ્રીય ચેતના અને એકતાનું પ્રતીક

ઇ.સ. ૧૮૫૭માં બ્રિટિશ સરકારની વિરુદ્ધ પ્રથમ સ્વાધીનતા સંગ્રામનાં બીજ ઇ.સ. ૧૮૫૫નાં હરિદ્વારમાં કુંભમેળામાં વાવવામાં આવ્યાં હતાં, તેની જાણ બહુ ઓછાને હશે. ડૉ. સત્યકેતુ વિદ્યાલંકાર અને શ્રી પૃથ્વીરાજ મહેતાએ લખ્યું છે કે આઝાદીના દીવાના નાના સાહેબ ધુન્ધપન્ત, બાલા સાહેબ પેશવા, તાત્યા ટોપે, અજીમુલ્લાખાન વગેરે હરિદ્વાર કુંભમેળામાં આવ્યા ત્યારે ‘દસ્સ’ બાબાની સામે પ્રતિજ્ઞા લીધી અને બાબાએ અને સાધુ-સંતોએ સુનિયોજિત પ્રકારે દેશમાં જનજાગરણની પ્રેરણા આપી. અંગ્રેજ સરકાર વિરુદ્ધ જનતાને સચેત કરવા માટે અનેક સાધુ સંતોએ બીડું ઝડપ્યું. ૧૮૫૭માં ઝાંસીની રાણીની સાથે અંગ્રેજોના યુદ્ધમાં નાગા સંન્યાસીઓની મુખ્ય ભૂમિકા હતી.

ઇ.સ. ૧૯૧૫માં મહાત્મા ગાંધીએ હરિદ્વારના કુંભમેળામાં ભાગ લીધો હતો. ત્યાં સ્વામી શ્રદ્ધાનંદજી સાથે તેમની મુલાકાત થઇ. અહીં ત્યારે જ તેમને ‘મહાત્મા’નું બિરુદ આપવામાં આવ્યું હતું. આ પછી ૧૯૧૯માં ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલનની ઘોષણા કરી કે તરત જ સ્વામી શ્રદ્ધાનંદજી તાર મોકલીને આ ધર્મયુદ્ધમાં સામેલ થઇ ગયા.

ગાંધીજીએ પોતાની ‘આત્મ-કથા’માં લખ્યું છે – “કુંભનો દિવસ આવ્યો. મારે સારુ એ ધન્ય ઘડી હતી. હું યાત્રાની ભાવનાથી હરદ્વાર નહોતો ગયો. મને તીર્થક્ષેત્રમાં પવિત્રતાની શોધે જવાનો મોહ નથી રહ્યો. પણ સત્તર લાખ માણસો પાખંડી હોય નહીં.”

શ્રી જવાહરલાલ નહેરુ ‘મેરી કહાની’ (ઇ.સ. ૧૯૩૦)માં લખે છે- ‘મેં સંગમમાં સ્નાન કરીને ભરદ્વાજ આશ્રમમાં આવવાવાળા યાત્રીઓને જોયા છે. તેમાં જુદા-જુદા પ્રકારના લોકો હતા. મુખ્યત્વે ખેડૂત, મજૂર, દુકાનદાર, વેપારી અને જુદા જુદા પ્રકારના લોકો, જે પૂરા હિન્દુસ્તાનનો નમૂનો હતા.’ ખરેખર, પ્રયાગના કુંભ પર્વમાં સમગ્ર ભારતનું દર્શન થતું અને આજે પણ થાય છે. કેવો આશ્ચર્યજનક અને પ્રબળ છે આ વિશ્વાસ, જે હજારો વર્ષોથી તેઓને અને તેઓના પૂર્વજોને ભારતના ખૂણે ખૂણેથી આકર્ષિત કરીને ગંગાના પાવન જળમાં સ્નાન કરવા માટે લાવે છે!

ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના મહાન વિદ્વાન શ્રી કનૈયાલાલ મુનશીએ પોતાના પુસ્તક ‘કુંભ’માં, આ કુંભમેળાના સામાજિક લાભોને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તેઓ માને છે કે કુંભપર્વ સનાતન ધર્મની વિભિન્ન વિચારધારાઓ, વિભિન્ન સંસ્થાઓ અને તેના વિભિન્ન સંપ્રદાયો એક હોવાનું પ્રતીક છે.

આધુનિક સંદર્ભમાં કુંભપર્વ

એક સંન્યાસી કુંભમેળામાં ભાગ લઇ હરિદ્વારથી ટ્રેનમાં પાછા ફરી રહ્યા હતા. કેટલાક સહયાત્રીઓ એ સંન્યાસીને ઘેરી વળ્યા અને પ્રશ્નો પૂછવા માંડ્યા. તેઓએ પૂછ્યું, “શું તમે એમ માનો છો કે જેટલા લોકો કુંભમેળામાં આવ્યા હતા એ બધાની ગંગામાં માત્ર એક ડૂબકી લગાવવાથી મુક્તિ થઇ ગઇ? તેઓ શું અમર થઇ ગયા? શું તેઓનાં બધાં પાપ ધોવાઇ ગયાં?” ઉત્તરમાં તે સંન્યાસીએ શ્રીરામકૃષ્ણદેવનું રમુજી દષ્ટાંત આપ્યું – એક માણસે એ ગંગામાં ડૂબકી લગાવી જેથી તેનાં બધાં પાપ ધોવાઇ જાય. તેના શરીરમાંના બધાં પાપરૂપી પક્ષીઓ ગંગાજળનો સ્પર્શ થતાં જ ઊંડી ગયાં અને ઘાટના વૃક્ષ પર બેસી ગયાં. જેવો તે માણસ નાહી ધોઇને ઘાટ પર આવ્યો કે એ પાપરૂપી પક્ષીઓ ફરી તેની કાંધ પર ચડી બેઠાં! સંન્યાસીએ સહયાત્રીઓને સમજાવ્યું કે બાહ્ય શુદ્ધિની સાથે સાથે જેઓ અંતઃશુદ્ધિ માટેના પ્રયત્નો કરશે તેઓને જ કાયમી છૂટકારો મળશે. પછી તેમણે શ્રીરામકૃષ્ણદેવનો અન્ય એક મહત્ત્વપૂર્ણ ઉપદેશ સંભળાવ્યો. શ્રીરામકૃષ્ણદેવ કહેતા – કે જે વારંવાર કહે છે – ‘હું મુક્ત છું’ તે મુક્ત જ થઇ જાય છે. અને જે વ્યક્તિ વારંવાર કહે છે – ‘હું બદ્ધ છું, હું બદ્ધ જ છું’ એ બદ્ધ જ રહે છે. સંન્યાસીએ કહ્યું, “શ્રીરામકૃષ્ણદેવની આ વાત આજે આધુનિક મનોવૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે આપણે પોતાના વિશે જેવી માનસિક છાપ પોતાના અચેતન મનમાં કલ્પનાશક્તિ દ્વારા ઉપસાવી શકીશું, આપણે તેવા જ બની જઇશું. ન્યુયૉર્કના પ્લાસ્ટિક સર્જન મૅક્સવેલ માલ્ટ્‌ઝે પોતાના દરદીઓમાં સાઇકો સાયબેરનૅટિકસ (Psycho – Cybernetics) દ્વારા તેઓની પોતાના વ્યક્તિત્વ વિશેની વિધાનાત્મક કલ્પનાઓ દ્વારા – સ્વસૂચનો – દ્વારા તેઓને નવું વ્યક્તિત્વ અપાવ્યું છે. જો તર્કને ખાતર માની પણ લઇએ કે શાસ્ત્રોએ કુંભમેળામાં સ્નાનનો જે મહિમા કહ્યો છે તે અતિશયોક્તિપૂર્ણ છે, તો પણ જે લોકો હજારો માઇલની મુસાફરી કરીને કેટલાંય કષ્ટો વેઠીને દિવસ-રાત આ જ ચિંતન કરતાં – કરતાં, કે ‘હવે હું પાપમુક્ત થઇ જઇશ.’ ‘કુંભમેળામાં આવે છે શું તેઓને એ મનોવૈજ્ઞાનિક લાભ નહિ મળે? જેની શ્રદ્ધા આ વિશે જેટલી દૃઢ હશે, તેને એટલો જ લાભ આ કુંભમેળાના સ્નાનથી થશે.”

સહયાત્રીઓએ સંન્યાસીને પૂછ્યું, “શું તમને લાગે છે કે, આટલા રૂપિયાનો ધૂમાડો કરી આવા વિશાળ કુંભમેળા આયોજિત કરવા ઉચિત છે?” ઉત્તરમાં સંન્યાસીએ જણાવ્યું, “દેશમાં અન્ય કેટલાંય કારણોસર રૂપિયાનો ધૂમાડો થાય છે તેને પહેલાં બંધ કરો – સિગારેટ, દારૂ નશીલા પદાર્થો વગેરે ઉ૫૨ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. વળી આ કુંભમેળામાં સેંકડો સંપ્રદાયના હજારો – હજારો સાધુઓ ભિન્ન ભિન્ન વિચારધારા ધરાવતા હોવા છતાં પણ એક સાથે અહીં મળે છે, ત્રણેક માસ એક સાથે રહી વિચારોની આપ-લે કરે છે, સત્સંગ સભાઓ, કીર્તનો વગેરે યોજાય છે. દેશના ભિન્ન – ભિન્ન ભાગોમાંથી ભિન્ન-ભિન્ન જાતિના, ભિન્ન-ભિન્ન સંપ્રદાયના લાખો – લાખો લોકો નાત જાતના ભેદભાવ વગર મળે છે, સત્સંગ કરે છે, એ શું પોતાનામાં એક મહાન આશ્ચર્યજનક ઘટના નથી? અનાયાસે જે રાષ્ટ્રીય ચેતના અને ભાવનાત્મક એકતા કુંભમેળામાં પ્રાપ્ત થઇ જાય છે એ શું અન્ય કોઇ ઉપાયો દ્વારા પ્રાપ્ત થઇ શકે છે? વળી આ સેંકડો વર્ષો જૂની પરંપરા તમે બદલાવી પણ કેમ શકશો? ટી.વી. કે સમાચાર પત્ર દ્વારા કે નિમંત્રણ પત્રિકા દ્વારા નિમંત્રણ આપ્યા વગર પોતાની મેળે આટલા લોકો એકઠા થાય છે એ પોતે જ આશ્ચર્યજનક હકીકત છે.”

પછી સહયાત્રીઓએ સંન્યાસીને કુંભમેળામાં થયેલ અનુભૂતિ વિશે બોલવા કહ્યું. સંન્યાસીએ ઉત્તરમાં કહ્યું, “હું ૧૪મી એપ્રિલના શાહી સ્નાનમાં જોડાયો હતો. સુરક્ષાના કારણોસર તે દિવસે પરંપરાગત રીત પ્રમાણે હાથી, ઘોડા, વાજાં વગેરેનો શાહી દમામ સાધુઓના જુલૂસોમાં નહોતો, તેમ છતાં લોકોનો ઉત્સાહ અપાર હતો. જુલૂસ રસ્તા પરથી પસાર થઇ રહ્યું હતું, રસ્તાની બન્ને બાજુએ વાંસ બાંધીને રૅલિંગ રાખવામાં આવી હતી, બન્ને તરફ લાખો લોકોનો મહાસાગર લહેરાતો હતો, બાહ્ય વેશભૂષાથી એ લોકો દરિદ્ર લાગ્યા પણ શ્રદ્ધાભક્તિની દૃષ્ટિએ ધની હતા, સવારથી આટલા સખત તડકામાં તેઓ ઊભા હતા પણ ચહેરા પર થાકનું નામનિશાન નહોતું, ઉત્સાહપૂર્વક ભગવાનનું ભજન-કીર્તન કરતા હતા અને ‘જય જય ગંગે’, ‘ગંગા મૈયા કી જય’, ‘હર હર મહાદેવ’, ‘સબ સંતનકી જય’ વગેરે પોકારો બુલંદ અવાજે પાડતા હતા; મોટા મોટા પોલીસ અફસરો પણ હાથ જોડી ‘સબ સન્તનકી જય’ કહી નમસ્કાર કરતા હતા, તો કેટલીક સ્ત્રીઓ વાંસની લિંગને ઠેકીને સાધુઓ જ્યાંથી પસાર થતા હતા ત્યાંની ધૂળ લઇ જતી હતી અને પોતાના માથે શિરોધાર્ય કરતી હતી. અન્ય લોકો પણ તે લેવા પડાપડી કરતા હતા. સાધુઓએ ફેંકેલ પુષ્પ પ્રસાદી લેવા માટે પણ લોકો પડાપડી કરતા હતા. ઓહો! શું તેઓની શ્રદ્ધા-ભક્તિ! મને લાગ્યું જાણે સ્વામી વિવેકાનંદજી મને કાનમાં કહી રહ્યા છે – જોઇ લે, જોઇ લે, આ જ છે આપણી ભારતમાતા, આ જ છે સાચું ભારત.’ મને પ્રથમ વાર હૃદયથી અનુભૂતિ થઇ કે સ્વામી વિવેકાનંદજી જે વાત વારંવાર કહેતા હતા તે સાવ સાચી છે – ‘ભારતનું પ્રાણ-કેન્દ્ર છે – ધર્મ’ ભારતના લોકોની નસેનસમાં ઋષિમુનિઓનું રક્ત પ્રવાહિત થાય છે, તેની પ્રતીતિ થઇ. યાદ આવ્યું કે સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું, ‘હવે વિદેશની જાહોજલાલી જોયા બાદ ભારત તમને કેવું લાગે છે?’ તેમણે જવાબ આપ્યો હતો – ‘હું ભારતને પહેલાં પણ પ્રેમ કરતો હતો, પણ હવે તો ભારતની ધૂળ પણ મારે માટે પવિત્ર છે, મારે માટે હવે આ પુણ્યભૂમિ છે.’ મને પણ પ્રથમ વાર હૃદયથી અનુભૂતિ થઇ – હું ખરેખર ભાગ્યશાળી છું કે આ ધર્મભૂમિ – પુણ્યભૂમિ ભારતમાં મારો જન્મ થયો છે. કુંભમેળામાં મેં પણ સ્નાન કર્યું છે, અન્ય લોકોની જેમ મને પણ સ્નાન પછી અદ્ભુત શાંતિનો અનુભવ થયો. – અન્ય કોઇ આધ્યાત્મિક લાભ થયો હોય કે નહિ, આ અનુભૂતિ જ મારા માટે કુંભમેળાનું સૌથી મોટું પ્રદાન છે.” સહયાત્રીઓએ કુંભમેળા વિશે એક નવી વિભાવના આપવા બદલ એ સંન્યાસીનો આભાર માન્યો.

અમૃત-કુંભ – અમૃતની શોધ-યાત્રા

કુંભમેળાની યાત્રાનું રાષ્ટ્રીય અને સામાજિક મહત્ત્વ તો છે જ પણ ખરેખર તો એ માનવને અમૃતની શોધની પોતાની યાત્રાને સ્મરણ કરાવવા માટેનું પ્રેરક બળ છે, તેના પોતાના આધ્યાત્મિક વિકાસ કરવા માટેનું પુનઃસ્મરણ છે.

વેદોમાં કહેવામાં આવ્યું છે —

इयं कल्याणयजरा मत्येस्यामृतागृहे ।
यस्मै कृतशये स यश्चकार जजारसः ।।

“આ કલ્યાણકારક, અજર, અમૃતરૂપ આત્મા મરણશીલ માનવના માટીના ઘરમાં વિરાજમાન છે પણ વિડંબના એ છે અમૃતને ધારણ કરનાર જીવ આને ઓળખતો નથી.”

સંતો કહે છે કે આ દેહ એ જ ખરેખર માટીનું ઘર – એક કુંભ છે જેમાં આત્મારૂપી અમૃત રહેલું છે. કુંભમેળો આપણને સ્મરણ કરાવે છે કે આપણી જીવનયાત્રાનું લક્ષ્ય આ અમૃતને પામવાનું અમરત્વ મેળવવાનું છે. જ્યાં સુધી અજર, અમર આ આત્માનો સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી આપણને સાચું સુખ, સાચી શાંતિ કાયમી શાંતિ ન મળી શકે.

આ અમૃતને મેળવવા ક્ષીરસાગરરૂપી ચિત્તને વિવેક-વિચાર દ્વારા, ધ્યાન દ્વારા વલોવવું પડશે. શરૂઆતમાં હળાહળ નીકળશે, ખરાબ વિચારો. અચેતન મનના સંસ્કારો જાગૃત થશે. તેનાથી ગભરાયા વગર સાધના ચાલુ રાખવી પડશે, અંતમાં અમૃત અવશ્ય પ્રાપ્ત થશે. આ માટે બૃહસ્પતિ (ગુરુ), ચંદ્ર (મન) અને સૂર્ય (ઈન્દ્રિયો)ની સહાય લેવી પડશે.

વૈદિક કાલથી જ માનવ અમરત્વની શોધમાં છે. બાહ્ય કુંભમેળો આ શોધનું પ્રતીક છે. વેદોની સુપ્રસિદ્ધ પ્રાર્થના કહે છે – ‘मृत्योर्मा अमृतं गमय’ (‘મૃત્યુથી અમને અમરત્વ તરફ દોરી જા’)

અમરત્વ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે જ આપણાં ઉપનિષદોએ આપણને ‘अमृतस्य पुत्र:’ (અમૃતનાં સંતાનો) એવું સંબોધન કર્યું છે. સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની ધર્મસભામાં ઉપનિષદની આ વાણીને ઉચ્ચારતા કહ્યું હતું, “શાશ્વત સુખના વારસદારો! કેવું મધુર અને આશાજનક સંબોધન! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો – હિંદુઓ તમને પાપી તરીકે ગણવાનો ઈન્કાર કરે છે. તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો. પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ! તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ જ પાપ છે – માનવસ્વભાવ પર એ કાયમી લાંછન છે; ઓ સિંહો! તમે ઘેટાંઓ છો, એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો, તમે સ્વતંત્ર આત્માઓ છો, તમારા ઉપર આશિષ ઊતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી, ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે; ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.”

મહાકુંભપર્વ આપણા શરીરરૂપી કુંભમાં રહેલ આત્મારૂપી અમૃતને મેળવવાની સાધના માટેની પ્રેરણા આપે છે – શાશ્વત આનંદ અને શાંતિનો સંદેશ આપે છે.

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.