રાજકોટમાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી

રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી અને વાર્ષિકોત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ૧ મે ૧૯૯૮ના રોજ સાંજે ૭-૩૦ વાગે એક જાહેર સભા યોજાઈ હતી. પ્રમુખ વક્તા હતા – રામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજ. તેમણે રામકૃષ્ણ મિશનનાં સેવા કાર્યો વિશે અને તેની પાછળ રહેલ શ્રીરામકૃષ્ણદેવની પ્રેરણા વિશે મનનીય વક્તવ્ય આપ્યું. સ્વામી જિતાત્માનંદજીએ ‘રામકૃષ્ણ મિશનની વિશિષ્ટતા’ અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘પશ્ચિમમાં રામકૃષ્ણ મિશનની આધ્યાત્મિક સેવાઓ’ વિશે વક્તવ્યો આપ્યા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સલાહકાર સમિતિના સભ્ય શ્રી ઉમાકાંતભાઈ પંડિતે આભાર દર્શન કર્યું. કાર્યક્રમનો પ્રારંભ સ્વામી દિવ્યવ્રતાનંદજીના સુમધુર ભજનોથી થયો હતો.

તા. ૨ મેના સાંજે યોજાયેલ જાહેરસભામાં સુપ્રસિદ્ધ વિદુષી અને લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ ‘શ્રીમા શારદાદેવીની સંતત્વશક્તિ’ વિશે અત્યંત પ્રેરક અને ઓજસ્વી વક્તવ્ય આપ્યું હતું. સ્વામી નિખિલાત્માનંદજીએ ‘નારીજાતિનો આદર્શ – શ્રીમા શારદાદેવી’ વિશે બોલતાં શ્રીમા શાદાદેવીના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કર્યા હતા.

તા. ૩ના સાંજે યોજાયેલ જાહેર સભામાં સૌ પ્રથમ અખિલ ગુજરાત નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સ્વામી નિખિલાત્માનંદજીએ ‘નૂતન ભારતના પયગમ્બર સ્વામી વિવેકાનંદ’ વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગરના ટ્રસ્ટી શ્રી મયૂરભાઈ શાહે પણ વિદ્વત્તાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું.

તા. ૧ અને ૨ના રોજ આ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સવારના ૮.૩૦થી સાંજના ૫ સુધી એક આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ ૨૫૦ ભક્તોએ ભાગ લીધો હતો. સ્વામી નિખિલાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીના પ્રેરક પ્રવચનો, રસપ્રદ પ્રશ્નોત્તરી, સ્વામી દિવ્યવ્રતાનંદજીના સુમધુર ભજનો વગેરે કાર્યક્રમો ભક્તોએ માણ્યા હતા.

તા. ૧ અને ૨ના રોજ સાંજે સ્વામી નિખિલાત્માનંદજીએ ‘રામચરિતમાનસ’ પર પ્રવચન કર્યું હતું.

તા. ૩ મેના રોજ સવારના ૮.૪૫થી સાંજના ૫ સુધી, ‘આધ્યાત્મિક અને હૉલિસ્ટિક માર્ગે મૅનેજમૅન્ટ’ એ વિશે સેમિનાર યોજાયો હતો, જેમાં લગભગ ૪૨૫ ઉદ્યોગપતિઓ, અફસરો, મૅનૅજરો, શિક્ષકો વગેરેએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સુપ્રસિદ્ધ મૅનેજમૅન્ટ કન્સલટન્ટ ડૉ. એન. એચ. અથ્રેયએ ‘બહુદેશીય કંપનીઓ સાથે સ્પર્ધાનો સામનો કેવી રીતે કરવો?’ અને ‘હૉલિસ્ટિક મૅનૅજમૅન્ટ વિશેના સફળ પ્રયોગો’ વિષયો પર બોલતાં મૅનૅજમૅન્ટમાં આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા પર ભાર મૂક્યો અને સફળતા માટે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સમતુલા (balance) જાળવવાની આવશ્યકતા પર ઊંડાણથી સમજણ આપી – જેમ કે ડાબું મગજ અને જમણું મગજ, શારીરિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ, અમ્લયુક્ત ખોરાક અને ક્ષારયુક્ત ખોરાક વગેરે. પ્રખ્યાત મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ શ્રી સુરેશ પંડિતે ‘એક ઉચ્ચ સ્પર્ધાત્મક એક્ઝિક્યુટિવની જીવનની કાર્યપ્રણાલી’ અને ‘ગ્લોબલાઈઝેશનથી આપણે શો લાભ ઉઠાવી શકીએ?’ એ વિષયો પર હિન્દીમાં હળવી રસપ્રદ શૈલીમાં બોલતાં સફળતાનાં મહત્ત્વપૂર્ણ સૂત્રો રજૂ કર્યા અને અંગ્રેજ પ્રકારના ભારતીય અને ભારતીય પ્રકારના ભારતીય લોકો વચ્ચેનો ભેદ સમજાવ્યો. સ્વામી જિતાત્માનંદજીએ ‘ગ્લોબલાઈઝેશનનો સામનો આધ્યાત્મિક અને હૉલિસ્ટિક માર્ગે કેવી રીતે કરી શકીએ’ વિષય પર પોતાનું વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપ્યું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘સ્ટ્રેસ મૅનૅજમૅન્ટ’ માટે વ્યવહારુ સૂચનો આપ્યાં. આ સેમિનારમાં મુંબઈના મૅનૅજમૅન્ટ કન્સલટન્ટ શ્રી શ્યામલ દત્તગુપ્તા, રાજકોટના શ્રી એમ. જે. રીંડાણી, રાજકોટ મૅનૅજમૅન્ટ એસોસિએશનના અધ્યક્ષ શ્રી કિરણભાઈ પટેલ, રાજકોટના પ્રસિદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ગૌરાંગ સંઘવી વગેરેએ પણ પોતાના વિચારો રજૂ કર્યા.

કાર્યક્રમનો પ્રારંભ સ્વામી દિવ્યવ્રતાનંદજીનાં ભજનો, સ્તોત્રપાઠ અને ધ્યાનથી થયો હતો. કાર્યક્રમના અંતમાં ડૉ. સુનિલ મોદીએ આ સેમિનારની સફળતા માટે કાર્યકરો અને પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.

પોરબંદરમાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા રોટરી ક્લબ, પોરબંદરના સહયોગથી તા. ૨૯ અને ૩૦મી એપ્રિલના રોજ પોરબંદરમાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. ૨૯મી એપ્રિલના રોજ યોજાયેલ જાહેરસભામાં પોરબંદરના રેસિડેન્ટ ક્લેક્ટર શ્રી અશોક શર્મા, પોરબંદરના જાણીતા પત્રકાર શ્રી ઘનશ્યામભાઈ મહેતા, માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી પી. એમ. જોષી, સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલાત્માનંદજી, અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ રામકૃષ્ણ મિશનનાં કાર્યો અને આદર્શ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા તા. ૩૦મીએ સાંજના ૭.૩૦ વાગે ‘રામચરિતમાનસ’ પર સ્વામી નિખિલાત્માનંદજીનું પ્રવચન યોજાયું હતું.

પોરબંદરમાં નેત્રયજ્ઞ

૧૯મી માર્ચ ૯૮ના રોજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ૧૧૨ દર્દીઓએ લીધો હતો. ૧૦૦ દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી, પ દર્દીઓને ચશ્મા આપવામાં આવ્યા હતા અને ૮ દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. દરેકને ફૂડ પૅકેટ પણ આપવામાં આવ્યાં હતા.

લીંબડીમાં નેત્રયજ્ઞ

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા. ૧૬મી એપ્રિલના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ૧૬૦ દર્દીઓએ લીધો હતો. તેઓને ચશ્મા, દવા, ફૂડપૅકેટ વગેરે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. ૧૦ દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન શતાબ્દી સ્મારક નિબંધ સ્પર્ધા

રામકૃષ્ણ મિશન શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં આ વર્ષથી ઉપરોક્ત સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવશે. અખિલ ગુજરાતના ધોરણે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, જૂનાગઢ, જામનગર, આદિપુર, સુરેન્દ્રનગર, પોરબંદર, લીંબડી, રાજકોટ કેન્દ્રોમાં આશરે ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

દરેક કેન્દ્રના પ્રથમ ૫ શ્રેષ્ઠ નિબંધલેખકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે. કૉલેજ વિભાગમાંથી કુલ ૧૯ સ્પર્ધકોને અને સ્કૂલ વિભાગમાંથી કુલ ૪૯ સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવ્યા છે. સમસ્ત ગુજરાતના શ્રેષ્ઠ વિજેતાઓની યાદી નીચે આપેલ છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલાં સ્વ. ડૉ. શ્રી ઈન્દિરાબહેન પટેલ, વડોદરા દ્વારા મળેલ દાનની રકમમાંથી આ નિબંધ સ્પર્ધા યોજાતી રહેશે.

૧૯૯૮ની નિબંધ સ્પર્ધાના વિજેતા-સ્પર્ધકો

હાઈસ્કૂલ વિભાગ

પહેલું ઈનામ :
સોનીગરા ઉષા કે.
પી.ટી.સી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,
અમદાવાદ

બીજું ઈનામ :
૧. રૂપારેલ અલ્પા જી.
માતૃછાયા કન્યા વિદ્યાલય,
ભૂજ

૨. આશરા નિધિ કે.
બાલુબા કન્યા વિદ્યાલય,
પોરબંદર

ત્રીજું ઈનામ :
૧. વિઠલાણી તુષાર એમ.
ડી.સી.સી. વિવિધલક્ષી હાઈસ્કૂલ,
જામનગર

૨. અમદાવાદિયા ઊર્મિલા બી.,
સુરેન્દ્રનગર

ચોથું ઈનામ :
૧. ધકાણ ઉમિશા એચ.
આર્યકન્યા ગુરુકુળ,
પોરબંદર

૨. સોયા રમેશ એન.
વિરાણી હાઈસ્કૂલ,
રાજકોટ

પાંચમું ઈનામ :
૧. ત્રિવેદી રુચિક વાય.
ઓમ વિદ્યાલય,
ગાંધીધામ

ર. રાખોલિયા નયના સી.
આર.એમ. છાયા કન્યા વિદ્યાલય,
રાજકોટ

કૉલેજ વિભાગ

પહેલું ઈનામ :
૧. ઓઝા વિનિતકુમાર,
ગાંધીધામ

૨. ત્રિવેદી હીરલ,
ગુરુકુળ મહિલા કૉલેજ,
પોરબંદર

બીજું ઈનામ : પાઠક અપર્ણા ડી., વલસાડ
ત્રીજું ઈનામ : ઑડેદરા અનુ કે., જૂનાગઢ
ચોથું ઈનામ : ઉપાધ્યાય કમલેશ, લીંબડી

પાંચમું ઈનામ :
૧. આચાર્ય હાર્દિક, જામનગર
૨. વાઘેલા વંદના, ગાંધીનગર

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.