કાકાસાહેબ કાલેલકર પણ જે કાવ્યને સમજવું દુષ્કર માનતા હતા તે ઉગ્રભવ્ય કાવ્યનો આસ્વાદ શ્રીદુષ્યંતભાઈ પંડ્યા પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરે છે.– સં.

તારાઓ છે આભ સંધા છુપાયા,
ને છે વાદળ ઢગ પરે ઢગ છવાયા,
છે અંધાર ચાલતો ગર્જતો આ,
ને ચક્રાતા ઘોર વટોળિયાઓ.

છૂટી જાણે કેદમાંહેથી હાવાં,
આત્મા કોટિ પાગલોના ભયંતા,
ખોદી વૃક્ષો મૂળસોતાં જ મોટાં,
હાંકી જાતા માર્ગમાંહેથી સંધું.

આ સંઘર્ષે ત્યાં સમંદર કૂદ્યો
લોકો ઊંચા ડૂંગરા શા રચીને,
જાણે ઝાલે શામળું આભ આખું.
આંજી દેતો તેજ કેરો લીસોટો.

દેખાડે છે સૃષ્ટિમાં સર્વવ્યાપ્ત
કાળા, મેશેચીતાર્યા ને સર્વત્ર
વેર્યા ઓળા મૃત્યુના કૈં સહસ્રિ,
આનંદે એ નાચતા મસ્ત થૈ ને,
આવ, મા, આવ કાલી!

રે મા, ભીતિ, નામ સોહંત તારું,
તારે શ્વાસે મૃત્યુનો વાસ નિત્યે,
ને ધ્રૂજંતા પાયની એક ઠેકે
સૃષ્ટિ આખી નાશ પામે સમૂળી.
મા, કાલી, તું સર્વ વિનાશકારી,
આવ, મા, આવ કાલી!

ઝંખે સ્નેહ યાતનાઓ તણો જે,
ને જે ભેટે પ્રેમથી મૃત્યુરૂપ,
ને જે નાચે પ્રલયંકાર નૃત્ય
તેની પાસે આવતી માત કાલી.

– સ્વામી વિવેકાનંદ

કલકત્તાનો ઝામાપુકુર વિસ્તાર છોડી, પોતાના મોટાભાઈ સાથે દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં રહેવા જવું શ્રીરામકૃષ્ણને ગમ્યું ન હતું. મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ અને પ્રસાદ વહેંચાયો તે લેવાથી પણ શ્રીરામકૃષ્ણ દૂર રહ્યા હતા. પણ એ કાલીના ખેંચાયા જ એ ત્યાં ગયા હતા, ત્યાં જ રહી ગયા અને, પૂરા કાલીમય બની ગયા હતા. તે એવા કે, અદ્વૈત વેદાંતનો બોધ આપનાર ગુરુ તોતાપુરીને પણ માનો સ્વીકાર કરતા તેમણે કરી દીધા હતા.

પણ પાશ્ચાત્ય સંસ્કારોથી પૂરા રંગાયેલા, અંગ્રેજી શિક્ષણ લીધેલા, સ્પેન્સર, મિલ વગેરેના વિચારોથી પ્રભાવિત અને, મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી એવા પોતાના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથ, ભવિષ્યના સ્વામી વિવેકાનંદને પણ તેમણે માના ભક્ત બનાવી દીધા હતા. તેની કથા અતિ રસિક છે.

પિતાના અવસાન પછી પોતાને અને પોતાના કુટુંબને વેઠવા પડતા ભૂખમરાથી અને બીજા કૌટુંબિક ત્રાસથી વાજ આવી જઈ, થાકી, હારી, નરેન્દ્રનાથે પોતાની આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે માને પ્રાર્થના કરવા શ્રીરામકૃષ્ણને વિનંતી કરી ત્યારે, ગુરુએ લાગ જોઈને સોગઠી મારી. ‘તું માને માનતો નથી પછી, હું કેમ કરીને માને કહી શકું? તું જાતે જા અને માને તારે જે કહેવું હોય તે કહે અને એમની પાસેથી જે માગવું હોય તે માગ.’

નરેન્દ્રનાથ ગયા. છૂટકો જ હતો નહીં. મા પાસે માગવાં હતાં યોગક્ષેમ. પણ, ‘કઠ’ ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે એ ‘મન્દ’ નહીં પણ ‘ધી૨’ હોઈ રોટલાઓટલાનું પ્રેય માગવાને બદલે, ત્યાગ અને વૈરાગ્યનું શ્રેય માગી પાછા આવ્યા. પાછા ગુરુ પાસે આવ્યા અને ભાન થતાં, ગુરુનો ઠપકો સાંભળી ફરી એ મંદિરમાં ગયા. બીજીવાર પણ એમ જ બન્યું. સિંહ કંઈ તરણું ચાવે? ‘મુરખ’ કહી શ્રીરામકૃષ્ણે ફરી નરેન્દ્રનાથને કાલીમંદિરમાં મોકલ્યા. આગલી બે વારના અનુભવે એમને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું હતું એટલે, આ ત્રીજી વાર મંદિરમાં જઈ એ માના ધ્યાનમાં જ સરી પડ્યા અને પ્રસન્ન થઈ બહાર આવ્યા.

સ્વામી વિવેકાનંદના જીવનમાં આ એક અતિ અગત્યની ઘટના હતી. સાપની કાંચળીની માફક એમના અજ્ઞાનનું, અહંકારનું એક પડ ઊતરી ગયું.

ગુરુની મહાસમાધિ પછી ૧૮૯૦થી ૧૮૯૩ સુધીના પોતાના ભારતભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે ભારતની ગરીબાઈ, એની અસ્પૃશ્યતા, એના ધર્મભેદ, જ્ઞાતિવાદ, એનું શોષણ આ બધું જોયું તે આ કાલીના કરાલ નૃત્ય સમું હતું. બીજાનો તપભંગ કરી પોતાની સિદ્ધિ કરવા ઝંખતા વામમાર્ગી સાધુઓ એમણે જોયા. અંગ્રેજોએ ગુલામ બનાવી દીધેલા રાજામહારાજાઓના ગોલાઓને એમણે જોયા.

‘તમે બ્રાહ્મણ નથી, માટે આ મંદિરમાં તમે પ્રવેશ ન કરી શકો,’ કહી તેમનો મંદિર પ્રવેશ અટકાવતા સનાતની બ્રાહ્મણો તેમને ભેટ્યા. શિવના તાંડવ કરતાંયે કાલીનું આ નૃત્ય ભીષણ હતું.

અને પોતાની મરણતોલ દશામાં કાકડી વડે જીવતદાન આપનાર આલમોડાના મુસલમાન ચાચામાં, પ્રેમથી રોટલો ખવરાવનાર રાજસ્થાનની કોઈ રાંક ડોશીમાં, ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો’ ગાઈ સમતાનો સબક શીખવનાર ગાયિકામાં, વિદેશ જવાનું પ્રોત્સાહન આપનાર દીવાનોમાં, અકિંચન સંન્યાસીને અનેકરૂપે સહાય રૂપ થના૨ રાજામહારાજાઓમાં અને પોતાને માટે પ્રાણ પાથરવા તૈયાર થનાર મદ્રાસના યુવાનોમાં માના વરદાયિની સ્વરૂપનાં પણ સ્વામીજીને દર્શન થયાં.

૧૯૩૮ના સપ્ટેંબરમાં ગુજરાતના ગાંધીયુગના અગ્રણી કવિ ઉમાશંકરે લખ્યું છેઃ

મારા દેશે શાશ્વતી શર્વરીકો,
નિદ્રાઘેરાં લોચનો લોક કેરાં….

ઉમાશંકરના આ કાવ્ય લખાયાની બરાબર ૪૦ વર્ષ પૂર્વ, ૧૮૯૮માં, કાશ્મીરમાં ક્ષીર ભવાની પાસેના પોતાના મુકામના સમય દરમિયાન આ કાવ્ય સ્વામી વિવેકાનંદના અંતરમાંથી પ્રગટ્યું હતું.

આ કાવ્યના પ્રાગટ્ય પૂર્વેની સ્વામીજીની મનોદશા અને આ કાવ્યના પ્રાગટ્યની કથા ભગિની નિવોદિતાએ પોતાના પુસ્તક ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં વેધક રીતે નિરૂપી છે.

ભગિની નિવેદિતા, શ્રીમતી ઑલી બુલ તથા બીજાં દેશીવિદેશી સાથીઓની સાથે અમરનાથનાં દર્શન કરી, સ્વામીજીની મંડળી ક્ષીર ભવાની આવી પહોંચી તે દહાડો સપ્ટેંબરની ૩૦મીનો હતો. અમરનાથનાં દર્શન પછી, સ્વામીજી જાણે તદ્દન બદલાઈ ગયા હતા. સાંજ પડ્યે બીજનો ચંદ્ર આકાશમાં દેખાયો. ‘મુસલમાનો બીજને બહુ જ માને’, એમ બોલી, સ્વામીજી આખી મંડળીમાંથી છૂટા પડી એકલા ચાલી ગયા.

કલ્યાણકારી શિવનું રટણ થોડા સમયથી અટકી ગયું હતું. રાગદ્વેષ, સુખદુઃખ, ભલુંબૂરું, બધાં દ્વંન્દ્વોમાંથી મુક્તિની વાત વીસરાઈ ગઈ હતી. ભીષણની, ભયંકરની, કરાલની રટણાએ સ્વામીજીના ચિત્તનો કબજો લઈ લીધો હતો. એમના મનોમંથનનો નિચોડ તે આ કાવ્ય.

સ્વામીજીના મનમાં આ મંથન ચાલતું હતું ત્યારે, નિવેદિતા અને સાથીઓ ક્યાંક ફરવા ગયાં હતાં. પોતાના પર્યટનથી પાછાં આવી પોતાની હાઉસબોટમાં ગયાં તો ત્યાં, આ ‘કાલી માતા’ કાવ્યની હસ્તપ્રત સ્વામીજી રાખી ગયેલા. એમનો પ્રેરણાજ્વર એટલો તો ઉગ્ર હતો કે, કાવ્ય લખ્યા પછી, પોતાની હાઉસબોટના રૂમમાં ભોંયતળિયે આળોટતા એ પડ્યા હતા!

આ કાવ્ય લખ્યા પછી પૂરા છ દિવસ સ્વામીજીએ એકલ વિહાર કર્યો હતો, વિધર્મીઓએ ક્ષીરભવાનીની મૂર્તિની કરેલી તોડફોડ જોઈ આવેશમાં પણ આવી ગયા હતા. પણ પછી, માતાજીએ જ એમને અનન્ય બોધ આપ્યો હતો. આ ઘટનાનાં સાક્ષી એવાં ભગિની શબ્દો જ (અનુવાદ રૂપે) આપણે વાંચીએઃ

‘એ અમારી હાઉસબોટમાં પ્રવેશ્યા – એમના સ્વરૂપમાં પરિવર્તન હતું – અને, શાંતિપૂર્વક અમને સૌને આશીર્વાદ આપતા, અમારાં મસ્તક પર માતાજીને ચડાવેલાં ગલડવેરાનાં ફૂલથી સ્પર્શ કરતા ફરી વળ્યા…પછી બેઠા…’ હવે જરીય હરિ ૐ! નહીં હવે બધું જ ‘મા’ છે! મુખ પર હાસ્ય હતું. અમે સૌ મૌન હતાં. ચિંતનમાત્રને થીજવી દે એવો કશોક તનાવ એવો ત્યાં વ્યાપેલો હતો કે, બોલવાનો યત્ન પણ અમે કર્યો હોત તો તે નિષ્ફળ જાત. એમના હોઠ ફરી ખૂલ્યા, ‘મારી બધી દેશભક્તિ જતી રહી છે. બધું જ જતું રહ્યું છે. હવે માત્ર મા, મા જ છે!’

નિવેદિતાએ સ્વામીજીના મુખ પરના ભાવોનું ચિત્ર દોરી નથી બતાવ્યું પણ, એમના અંતરમાં થયેલા મનોમંથનથી સ્વામીજીનું મુખ કેટલું અંકિત હશે તે, ‘અમે બોલવાનો યત્ન પણ કર્યો હોત તો તે નિષ્ફળ જાત,’ એ શબ્દો ૫૨થી ભગિની નિવેદિતા અને સાથીઓ પરના સ્વામીજીના વ્યક્તિત્વની પ્રભાવક અસરનો અંદેશ આપણને સાંપડે છે. આ કાવ્ય ઉગ્ર, ભીષણ, કરાલ, કાલી પ્રત્યેની ભક્તિનું કાવ્ય છે.

તારાઓ છે આભ સંધા છુપાયા,
ને છે વાદળ ઢગ પરે ઢગ છવાયા

છે અંધાર ચાલતો ગર્જતો આ –

સ્વામીજીના કાવ્યની, આ આરંભની પંક્તિઓ ‘ચંડી પાઠ’માંની, ‘રાત્રિ સૂક્ત’ની પંક્તિ

કાલરાત્રિર્મહારાત્રિર્મોહરાત્રિશ્ચ દારુણા-નું સ્મરણ કરાવે છે.

આ રાત્રિ દોલપૂર્ણિમાની કે કોજાગરી પૂર્ણિમાની પ્રસન્નકર રાત્રિ નથી, ‘રાત્રિસૂક્ત’માં કહ્યા પ્રમાણે દારુણ રાત્રિ છે. તારાઓમાં ટમટમતી હિંમત નથી. વાદળાંઓના ઢગ પર ઢગ છવાયા છે. ‘ઈશ’ ઉપનિષદનું અંધ તમસ પ્રવર્તી રહ્યું છે ને, આ અંધાર જાણે ચોમેર ઘૂમરી લેતો ગર્જી રહ્યો છે. પાગલો પણ તંગ કરી મૂકે છે. સ્વામીજીની ઉત્પ્રેક્ષા જુઓઃ

છૂટી જાણે કેદમાંહેથી હાવાં
આત્મા કોટિ પાગલોના ભમંતા –

અહીં તો કરોડો પાગલ અવ્યવસ્થિત રીતે ચકરાવા લેતા, બરાડા પાડતા, જાણે, ભમી રહ્યા છે.

સૌરાષ્ટ્રના પશ્ચિમ પ્રદેશે અને કચ્છના દક્ષિણ સાગરતટે સવાસોથી દોઢસો કિલોમિટરની ઝડપે ફૂંકાતા, ઘૂમરાતા વંટોળિયાનો અનુભવ ગયા જૂનમાં કર્યો છે. તોતિંગ વૃક્ષો, વીજળીના મોટા થાંભલાઓ, ઊંચા પાઈલોનો, પવનચક્કીઓ બધું જ એ વંટોળિયો ઉખેડતો ગયો હતો. આ અનુભવમાંથી પસાર થનાર સૌ સ્વામીજીના આ ભયાનક વર્ણનથી ફરી થથરી ઊઠશે. પણ થથરવાનીયે જરૂર છે. મીઠાં ભોજન ખાવાં, મશરુની પથારીમાં સૂવું, સુંવાળાં વસ્ત્રો પહેંરવાં, એરકંડિશન્ડ મકાનમાં રહેવું અને એવી વાતાનુકુલિત ગાડીમાં જ ફરવું, એ જીવનનો સાચો અનુભવ નથી.

સ્વામીજીનું કરાલ દર્શન આગળ વધે છે. પ્રકૃતિનાં બે સ્વરૂપો, આકાશની અને વાયુની ભયંકરતા એમણે વર્ણવી. હવે એમાં જલનું તત્ત્વ ભળે છેઃ

આ સંઘર્ષે સમંદર કૂદ્યો
લોઢો ઊંચા ડૂંગરા શા રચીને
જાણે ઝાલે શામળું આભ આખું.

દરિયામાં ભરતી આવે ત્યારે ઊંચા મોજાં હોય છે. પણ વંટોળિયો આવે ત્યારે? સમુદ્રમાં ક્યાંક ધરતીકંપ થયો હોય ત્યારે? ૧૯૪૮માં ઇરાન પાસે અરબી સમુદ્રમાં ધરતીકંપ થયો હતો ત્યારે, ત્યાંથી ચૌદસો કિલોમિટર દૂર આવેલા મુંબઈના સાગરતટે જે મોજો આવ્યો હતો તે ત્રણ મિટર કરતાં વધારે ઊંચો હતા. અને એનો વેગ? ઝૂંપડીઓ, હોડીઓ ક્યાંય ને ક્યાંય જમીન પર તણાઈ ગઈ હતી. ગયા (૧૯૯૮ના) જૂનમાંના વંટોળિયાએ ઊભા કરેલા લોઢે કંડલા પર ભયંકર તારાજી સર્જી હતી. કેટલાં માણસોનો કોળિયો દરિયો કરી ગયો એનો આંક જ મળતો નથી. આવા તોફાની સાગરના ડુંગર જેવડા તરંગો કૂદકા મારવા માંડ્યા, કેમ જાણે આકાશનો ભાર પોતે ઉપાડવાના હોય! ઘનઘોર ઘટાટોપ આભ, એને આ ઊંચા તરંગો જ ઝાલી રાખી શકે.

આવા કાળા ડિબાંગ અંધારામાં,
આંજી દેતો તેજ કેરો લીસોટો
દેખાડે છે સૃષ્ટિમાં સર્વવ્યાપ્ત
કાળા, મેશે ચીતર્યા તે સર્વત્ર
વેર્યા ખોળા મૃત્યુના કૈં સહસ્ર –

વીજળીનો ચમકાર થાય છે. વીજળીના ઝબકારામાં બધું પ્રકાશિત થઈ ઊઠે. અહીં કાલીની કરાલ લીલા તો જુઓ વીજઝબકારથી દેખાય છે, પોતાના હજારો ખોળા. એ સર્વત્ર વેરાયેલા છે. મેશે ચીતર્યા હોય એવા કાળા, બિહામણા છે. સૃષ્ટિમાં ચોમેર વ્યાપ્ત છે. મૃત્યુનું કેવું ભીષણ ચિત્ર છે!

ઓગણીસમી સદીના આરંભ કાળના કવિ શેલીનું કાવ્ય છે, ‘ઓડ ટુ ધ વેસ્ટ વિણ્ડ’ – પશ્ચિમના પવનને સંબોધીને લખાયેલું એક કાવ્ય. એ જોરદાર કાવ્યમાં કવિએ વિનાશ વેરતા આથમણા વાયરાનું જે જોરુકી ભાષામાં વર્ણન કર્યું છે તે ભાષાની યાદ સ્વામીજીના આ કાવ્યની બાની કરાવે છે. બંને કાવ્યો રોમાંચ ખડાં કરી દેતાં કાવ્યો છે. વિનાશ વેરતા એ ‘વેસ્ટ વિણ્ડ’ને કવિ શેલી નિમંત્રણ આપે છે તેમ, સહસ્ર મૃત્યુના કાળીમેશ ખોળાને આનંદથી નચાવતી મા કાલીને પણ સ્વામીજી કહે છેઃ

આવ, મા, આવ કાલી!

પાંત્રીસ છત્રીસ વર્ષના સ્વામીજી જાણે મૃત્યુના આ ખોળાઓનું પાગલ નૃત્ય આનંદથી માણી રહ્યા છે અને, એ ખોળાઓને નચાવનાર મા કાલીનું આવાહન કરી રહ્યા છે.

મા કાલીનું સ્વરૂપ વામન નથી, વિરાટ છે. આકાશ, અંધકાર, વિનાશ વેરતો ચક્રવાત, ડુંગર ડુંગર જેવડાં મોજાં ઉછાળતો, ગર્જના કરતો સાગરઃ આ બધું વિરાટ છે. આ વિરાટ સ્વરૂપ પ્રલયંકર છે. એનું નામ જ ‘ભીતિ’ – ભય – છે. એને પ્રત્યેક શ્વાસે મૃત્યુ લબકી રહ્યું છે. એમના નર્તતની એક ઠેકે

સૃષ્ટિ આખી નાશ પામે સમૂળી…

શેલીના ‘વેસ્ટ વિણ્ડ’ જેવું, મેઘાણીના ‘ઓતરાદા વાય૨ા’ જેવું કાલીનું આ વિનાશકારક રૂપ છે. સ્વામી વિવેકાનંદ આ વિનાશકારી કાલીનું આવાહન કરે છેઃ

આવ, મા, આવ કાલી!

પરંતુ મા કાલી એમ કોઈના બોલાવ્યાં થોડાં દોડી આવવાનાં છે? એમનું દર્શન જીરવવું સરળ નથી. ખુદ વિવેકાનંદનો પોતાનો જ અનુભવ છે. શ્રીરામકૃષ્ણદેવ સાથેની એમની પહેલી મુલાકાતને અંતે ઠાકુરે એમને બીજીવાર એકલા આવવાનું કહ્યું હતું. એ મુજબ, નરેન્દ્રનાથ એકલા ગયા ત્યારે “ઠાકુરે મારી છાતી પર પોતાનો જમણો પગ મૂકી દીધો. એમનો સ્પર્શ થતાંવેંત મને કોઈ અવનવો અનુભવ થયો. આંખો ઉઘાડી હોવા છતાં મેં જોયું કે, દીવાલો અને ઓરડામાંની તમામ ચીજવસ્તુઓ એકદમ ફરવા લાગી તે શૂન્યમાં લય પામી ગઈ હતી અને મારા સહિત આખું વિશ્વ એક સર્વગ્રાહી શૂન્યમાં ગરક થઈ જવાની અણી ઉપર હતુ! હું અત્યંત ભયભીત થઈ ગયો. મને થયું કે હું મૃત્યુના મુખમાં છું…મારાથી રહેવાયું નહીં તેથી હું બરાડી ઊઠ્યો: ‘તમે મને આ શું કરી રહ્યા છો?’ આ શબ્દો સ્વામીજીના જ છે.

નરેન્દ્રનાથ શાનું દર્શન કરી રહ્યા હતા તે એમણે નથી કહ્યું કે, નથી કહ્યું એ દર્શન કરાવનાર અને, એ દર્શનથી ગભરાઈ ગયેલા નરેન્દ્રનાથને મુક્તિ અપાવનાર હસતા ઊભેલા એમના ગુરુ પરમહંસ દેવે. એ અનુભૂતિ થઈ ત્યારે, નરેન્દ્રનાથે હજી એકડોયે ઘૂંટ્યો ન હતો. એ ઘટના થયે પૂરાં સોળ વર્ષમાં ગુરુએ શિષ્યનું પૂરું ઘડતર કરી દીધું હતું. અજાણ, અકિંચન, અનિયંત્રિત, અનાધિકૃત પાત્રમાંથી માત્ર પાંચ જ મિનિટમાં, વિશ્વધર્મ પરિષદમાં, કીર્તિ સર્વોચ્ચ શિખરે એ જઈ બેઠા હતા અને વિદ્વેષીઓની નિંદાનો ભોગ પણ પછીથી બન્યા હતા. પોતાના મહાપ્રયાણ પૂર્વે ગુરુએ પોતાનું સર્વસ્વ એમને આપી દીધું હતું અને એ સર્વસ્વ દેશ વિદેશના પરિભ્રમણના અનેકાનેક અનુભવોની ખરલમાં ઘૂંટાઈ ખૂબ પુષ્ટ થયું હતું. હવે, વિવેકાનંદને મૃત્યુની ભીતિ ન હતી. કાશ્મીર આવતાં પહેલાં આલમોડાના નિવાસ દરમિયાન સ્વામીજી બોલ્યા હતા કે પોતે હવે લાંબુ જીવવાના નથી. જાણે કે મૃત્યુને ભેટવાને પોતે આતુર હતા. મા કાલીને આવકારવાની, મૃત્યુને આવકારવાની એમની પૂર્ણ તૈયારી હતી.

કાવ્યની અંતિમ ચાર પંક્તિઓમાં સ્વામીજી આ જ વાત કહે છેઃ

ઝંખે સ્નેહ યાતતાઓ તણો જે,
ને જે ભેટે પ્રેમથી મૃત્યુરૂપ,
ને જે નાચે પ્રલયંકર નૃત્ય
તેની પાસે આવતી માત કાલી.

દુન્યવી સુખસાયબી નહીં, પણ જે યાતનાઓ ઝંખે છે, મીરાંબાઈની માફક, ‘વિષકા પ્યાલા’ પીએ છે કે ગાંધીજીની માફક ‘ઝેરનો કટોરો’ ગટગટાવે છે, મૃત્યુથી ભય પામતો નથી પણ, મૃત્યુની પળે ‘હે રામ’ બોલે છે, જે માર્દવ ભર્યું લાસ્ય નથી કરતું પણ ‘પ્રલયંકર નૃત્ય’ કરે છે, તેની પાસે જ કાલી માતા આવે છે.

‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’, એમ પ્રીતમે કહ્યું છે તેને સ્વામી વિવેકાનંદ ટાપસી પૂરે છે. ધ્રુવને બાળ વયે વિકટ વનવાસ સેવવો પડ્યો હતો, પ્રહલાદને બળબળતા થાંભલાને બથ ભરવી પડી હતી, મીરાંને વિષ પીવું પડ્યું હતું, જગડુશા શેઠને પ્યારા પુત્રનું બલિદાન આપવું પડ્યું હતું. ઈશ્વર પ્રાપ્તિ માટે, પ્રીતમે આકરી શરત મૂકી છેઃ ‘પરથમ પહેલું મસ્તક’ મૂકવાની. ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદે આ કાવ્ય લખ્યું ત્યારે, આ શરતનું પુરું પાલક પોતે કરી ચૂક્યા હતા. એટલે તો એ, હનુમાનજીની જેમ પોતાનું હૃદય ફાડીને, પોકાર કરે છેઃ

આવ, મા, આવ કાલી!

સ્વામીજીનું આ કાવ્ય ‘ઉગ્ર ભવ્ય’ કાવ્ય છે.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.