૧ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન કલકત્તાના ‘ઈન્ટેસિવ કેય્‌ર યુનિટ’ના ઉદ્‌ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે મૂળ બંગાળીમાં આપેલ પ્રેરક, માંગલિક પ્રવચનના હિન્દી અનુવાદમાંથી કરેલો આ ગુજરાતી અનુવાદ સૌને જીવનપથ પ્રદર્શક બને એવી અપેક્ષા સાથે અહીં પ્રસ્તુત કરીએ છીએ.- સં.

આપ સૌને અહીં મળીને હું અત્યંત આનંદ અનુભવું છું. આ સંસ્થાની નાની અને સાધારણ શરૂઆતની આજે મને યાદ આવે છે. ઈ.સ. ૧૯૩૨માં બકુલ બાગાનમાં સ્ત્રી દરદીઓ માટેના પ્રસૂતિ-કેન્દ્રના રૂપે આ સેવા-સંસ્થાનની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૩૯માં સંસ્થાના ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં એને આજના વર્તમાન સ્થાન પર ખસેડવામાં આવી. આ પછી પણ ૨૫ વર્ષો સુધી સંસ્થાએ એક પ્રસૂતિ-ચિકિત્સાલયના રૂપે જ પોતાની સેવાઓ આપી હતી. દિન-પ્રતિદિન એની પ્રતિષ્ઠા વધતી ચાલી અને ત્યારે મિશનના પદાધિકારીઓએ એને સર્વાંગી હૉસ્પિટલનું સ્વરૂપ આપવાનું ઉચિત ગણ્યું. એટલે એમાં ૬૦ નવી પથારીની સગવડતાઓ વધારીને એને પુરુષો, સ્ત્રીઓ અને બાળકો-બધાંને ઉપયોગી થાય તેવી સાર્વજનિક હૉસ્પિટલમાં રૂપાંતરિત કરી. ત્યારથી માંડીને આ સંસ્થા ચિકિત્સા-સારવારની દિશાઓમાં ઉત્તરોત્તર ઉન્નતિ કરતી રહી. અને આજે આ સંસ્થા કલકત્તા-મહાનગરના લોકોને ચિકિત્સા-સેવા આપનારી મુખ્ય સંસ્થાઓમાંની એક છે. કલકત્તા વિશ્વ વિદ્યાલય માન્ય દ્વારા એવું પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પણ આ સંસ્થા બની છે. મને આ હૉસ્પિટલના સાતમા માળે આવેલ ‘ઈંટેંસિવ કેય્‌ર યુનિટ’ના ૧૨ પથારીવાળા એકમનું ઉદ્‌ઘાટન કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ એકમ ત્રણ પથારીવાળા વિભાગથી કામ કરતું હતું. હું હૃદયના આનંદ સાથે આ વિભાગનું ઉદ્‌ઘાટન કરું છું.

આ પ્રસંગે હું આપ સૌ સમક્ષ શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ દ્વારા પ્રતિપાદિત સેવાના આદર્શની વાત કરીશ. આ આદર્શને આવી સંસ્થાઓમાં કાર્ય કરતી વખતે ભૂલવો ન જોઈએ. આ માત્ર હૉસ્પિટલ જ નથી પણ આધ્યાત્મિક અને ધર્મ સાધનાનું એક કેન્દ્ર પણ છે. શ્રીરામકૃષ્ણદેવના સંદેશ અનુસાર સ્વામી વિવેકાનંદે ‘જીવ એ જ શિવ’નો આદર્શ આપણને આપ્યો અને આ જ આદર્શ આ સંસ્થા અને આપણા બીજાં સેવા કાર્યોના મૂળમાં છે. સ્વામીજીએ આપણને માનવરૂપી ઈશ્વરની સેવા કરવાનો આદર્શ આપ્યો છે. જો આપણે માનવ સ્વરૂપે ઈશ્વરની સેવા કરીશું તો એ સેવા મંદિરમાંની પ્રભુ-પૂજા કરવા જેટલી આધ્યાત્મિક ઉન્નતિમાં આપણને સહાયક નીવડશે.

મંદિરમાં પાષાણ-પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરીને વિવિધ પૂજા-દ્રવ્યોથી આપણે તેની પૂજા કરીએ છીએ; જ્યારે આ પૂજામાં-માનવસેવા દ્વારા પ્રભુ પૂજામાં- પ્રાણપ્રતિષ્ઠાની કોઈ આવશ્યકતા જ નથી. કારણ કે, માનવ-દેહમાં તો પ્રાણ પ્રતિષ્ઠિત છે જ. એટલે જ જો આ તથ્ય-વાસ્તવિકતા તરફ દૃષ્ટિ રાખીએ અને માનવજાતની સેવા કરીએ તો એ સેવા પૂજા પેલી મંદિરમાંની ઈશ્વરની પૂજાના પ્રમાણમાં કોઈ દૃષ્ટિએ જરાય ઊતરતી કક્ષાની પૂજા નથી. અલબત્ત, પૂજાનાં ઉપકરણો ભિન્ન ભિન્ન હશે. મંદિરમાં આપણે પુષ્પ-ધૂપ વગેરે ધરીએ છીએ જ્યારે આ પૂજામાં દવાઓ, ભોજન વગેરે દ્રવ્યો અર્પીએ છીએ. ગમે તે હોય પણ બંનેની પાછળનો ભાવ એક જ છે. એટલે જ સ્વામીજીએ આપણને માનવની ભીતર રહેલા ઈશ્વરત્વને જોઈને એની સેવા ક૨વાનો નિર્દેશ કર્યો છે. કારણ કે, એનાથી આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં તો સહાય મળે છે અને સાથે ને સાથે ચિકિત્સા, શિક્ષણ, અને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં સત્કાર્યો દ્વારા સમાજની સેવા પણ થઈ જાય છે. એટલે આ મહાન આદર્શ ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને આપણે આપણી નજરમાં જ રાખવો જોઈએ. આ આદર્શના પાલનમાં જરાપણ વધુ સમય કે શક્તિ કે ધનનો વ્યય નહીં કરવો પડે. એમણે માત્ર એટલું જ કરવાનું છે કે આ સેવા કાર્ય કરતી વખતે પોતાનો માનસિક દૃષ્ટિકોણ બદલવો પડશે. અને રોગીઓની સેવા કરતી વખતે એમની ભીતર રહેલ ‘શિવત્વ’ને ‘દિવ્યત્વ’ને જોવું પડશે – નજર સમક્ષ રાખવું પડશે. આનાથી એમને પોતાની આધ્યાત્મિક ઉન્નતિમાં પણ મદદ મળશે. કોઈ યુગમાં ઈશ્વરની પ્રાપ્તિનો પથ આટલો સરળ નથી રહ્યો. સ્વામીજીના આ નવા આદર્શ પ્રમાણે હવે આપણે વનમાં જઈને તપ-ધ્યાન કરવાની આવશ્યકતા નથી કે નથી આવશ્યકતા પૂજા વગેરે કાર્યો કરવાની. રોગીઓની સેવા કરતી વખતે માત્ર આપણે આપણો દૃષ્ટિકોણ જ બદલવાનો છે. આનાથી આપણું કાર્ય ઘણું સરળ થઈ જાય છે. એટલું જ નહીં પણ જેને માટે આજે પ્રયાસો થઈ રહ્યા છે એવા વર્ગ-વિહીન સમાજ રચનાની શરૂઆતના કાર્યમાં પણ સહાય મળશે. કારણ કે, જો આપણે પ્રત્યેક મનુષ્યમાં એક ઈશ્વરને જોઈશું તો આજના આ વિશ્વમાં જે વિષમતાઓ જોવા ટેવાઈ ગયા છીએ તે બધી વિષમતાઓ પણ દૂર થઈ જશે – લુપ્ત થઈ જશે. રહેશે માત્ર એક માનવતા – માનવ્ય, જેના દ્વારા શાશ્વત આત્મા સ્પંદિત થઈ રહ્યો છે. આ રીતે વધુ કષ્ટદાયી પરિશ્રમ વિના વર્ગવિહીન સામાજિકતા લાવી શકાય છે. આ નવા આદર્શને લાવવામાં કોઈ લડાઈ- ઝઘડા કે સંઘર્ષની પણ આવશ્યકતા નથી. એટલે સ્વામીજી દ્વારા પ્રચારિત આ નવા આદર્શનો એક ઘણો મોટો લાભ છે.

ગરીબો અને દરિદ્રોની ઉન્નતિ માટે કાર્ય કરવું એ આજે ધનિકોનું પરમ કર્તવ્ય બની રહે છે. જેવી રીતે માનવ-દેહમાં રક્ત-સંચાર થાય છે તેવી જ રીતે સમાજ કે રાષ્ટ્ર રૂપી શરીરમાં પણ સંપત્તિનો સંચાર થવો જોઈએ. આ રક્તસંચાર શરીરના કોઈ અવયવમાં ન થાય તો તો એ અવયવ શિથિલ બની જાય છે અને માનવ-જીવનને જોખમમાં મૂકી દે છે. એવી જ રીતે જો સમાજના કે રાષ્ટ્રના કોઈ અંગમાં ધનનો સંચાર ન થાય તો તે અંગ શિથિલ બની જાય છે અને અંતે આખા સમાજ કે રાષ્ટ્રના વિનાશનું કારણ બની રહે છે. આ વાત યાદ રાખવા જેવી છે, રાષ્ટ્રના કે અન્યના હિતમાં આપણું હિત સમાયું છે. જેમની પાસે ધન છે એમણે પોતાનું ધન નિર્ધનોના આર્થિક વિકાસ પાછળ વાપરવું જોઈએ અને એમાં જ એનું કલ્યાણ છે. સ્વાર્થી માણસ આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. એક માત્ર નિઃસ્વાર્થ ભાવના જ આનંદની ઉપલબ્ધિ કરાવી શકે. આપણી ખુશહાલી બીજાની ખુશહાલી પર આધારિત છે આ સત્ત્વશીલ વાત જો ભૂલી ગયા કે એને વિસારે પાડી તો ખુશહાલી કે કલ્યાણ અસંભવ છે.

મને સ્વામીજીના જીવનની એક ઘટના યાદ આવે છે. ત્યારે તેઓ અમેરિકામાં સુખ્યાત બની ગયા હતા, વર્તમાનપત્રોમાં પણ એમના વિશે લખાતું રહેતું, અહીં-તહીં એમની જ ચર્ચા ચાલતી. વિશ્વ વિખ્યાત ધનકુબેર જોન ડી રૉકફૅલરે આ અસાધારણ અને અદ્ભુત સંન્યાસી વિશે ચર્ચા કરતા પોતાના મિત્રોને ઘણીવાર સાંભળ્યા હતા. કેટલીય વાર એમને સ્વામીજીને મળવાનું નિમંત્રણ પણ મળ્યું હતું. પણ કોઈ ને કોઈ કારણવશાત્ તેઓ સ્વામીજીને મળી ન શક્યા. એ સમયે જો કે રૉકફૅલર પોતાની પરમોત્કર્ષ સ્થિતિએ નહોતા પહોંચ્યા છતાં ય તેઓ શક્તિ-સંપન્ન અને દૃઢ-મનોબળવાળા માનવ હતા. એમની પાસે કોઈ વાત મનાવવી એ અસંભવ કાર્ય હતું.

જો કે એમને સ્વામીજીને મળવાની ઈચ્છા ન હતી, છતાં ય એક દિવસ મનની લાગણીથી પ્રેરાઈને જ્યાં સ્વામીજી રોકાયા હતા તે સ્થળે, પોતાના એક મિત્રના ઘરે સીધા પહોંચી ગયા. રસોયાએ બારણું ખોલ્યું એટલે એને ધક્કો મારીને તેઓ તો અંદર ઘૂસી ગયા અને કહ્યું કે ‘તેઓ હિન્દુ સંન્યાસીને મળવા ઇચ્છે છે.’ રસોયાએ સ્વામીજીના ઓરડા તરફ આંગળી ચીંધી અને રૉકફૅલર પૂર્વસૂચના વિના કે રાહ જોયા વિના સીધા એમના અધ્યયન ખંડમાં પહોંચી ગયા. લેખનકાર્યમાં વ્યસ્ત અને લખવાના ઢાળિયા મેજ પાસે બેઠેલા સ્વામીજીએ આવનાર અતિથિ તરફ ઊંચી આંખ કરીને ન જોયું તેથી રૉકફૅલર તો વિસ્મિત થઈ ગયા.

પળવારની ખામોશી પછી સ્વામીજીએ રૉકફેલરને એમના ભૂતકાળના જીવન સંબંધે કેટલીયે વાતો કરી કે જેના વિશે પોતાના સિવાય બીજા કોઈને જાણ ન હતી. સાથે ને સાથે તેમણે રૉકફૅલરને એ ય સમજાવી દીધું કે એમણે જે ધન એકઠું કર્યું છે તે ધનના તેઓ માત્ર ટ્રસ્ટી જ છે. એનું કર્તવ્ય છે જગતનું કલ્યાણ એ ધન દ્વારા કરવું. ગરીબો-દરિદ્રોની સહાયતા અને સેવા કરવાનો તેમને સુયોગ સાંપડે એટલા માટે પ્રભુએ એમને ધનાઢ્ય બનાવ્યા છે. તેમણે શું કરવું એવી રૉકફૅલરને સલાહ આપવાનું સાહસ કરવાની કોઈનામાં હિંમત નહોતી. એ તો ગુસ્સે થઈને ઓરડામાંથી ‘આવજો’ના વિનય – વિવેક વિના બહાર નીકળી ગયા. એકાદ સપ્તાહ પછી તેઓ વળી પાછા કોઈ પૂર્વસૂચના વિના આવ્યા અને સ્વામીજીના અધ્યયન ખંડમાં પ્રવેશ્યા. સ્વામીજીને એ જ મુદ્રામાં બેઠેલા જોઈને એમના મેજ પર એક કાગળ ફેંક્યો જેમાં એક મોટી ધનરાશિ એક સાર્વજનિક સંસ્થાને આપવાની યોજના હતી.

રૉકફૅલરે કહ્યું: “મહાશય, હવે આપને સંતોષ થશે અને આ કાર્ય માટે આપ મારો આભાર માનશો.” સ્વામીજીએ ન તો આંખો ઊંચી કરીને જોયું કે ન તો પોતાની જગ્યાએથી હલ્યા. પેલા કાગળને હાથમાં લઈને વાંચતાં વાંચતાં બોલ્યા, ‘ઊલટાના તમારે મારો આભાર માનવો જોઈએ.’ રૉકફૅલરનું જનકલ્યાણ માટે આ પ્રથમ મોટું પ્રદાન હતું. આપણા દેશના ધનવાન નાગરિકોએ પણ આનું અનુસરણ કરવાની આવશ્યકતા છે કે જેથી ગરીબ-અમીર વચ્ચેનું અંતર બહુ વધી ન જાય, ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં રહેલી આવી વિષમતાઓ પણ દૂર કરવી જોઈએ. આ દૃષ્ટિકોણ સાથે બીજાની સેવા કરવાનો આદર્શ, મહાન આદર્શ, આપણને ઈશ્વર-પ્રાપ્તિના આપણા પ્રયાસમાં પણ સહાયક નીવડશે અને સાથે ને સાથે એક વિશ્વવ્યાપી વર્ગવિહીન સમાજની સ્થાપના કરવામાં પણ ઉપકરક નીવડશે.

ફરી એકવાર આ સંસ્થાના કાર્યકરોને અપીલ કરું છું – કે તેઓ સ્વામીજીના ‘જીવ એ જ શિવ’ના મહાન આદર્શને જીવનમાં અજમાવી જુએ. મેં આ પહેલાં જ કહ્યું છે આ માટે આપણે જરાકેય વધુ સમય કે શક્તિનો વ્યય કરવો નહીં પડે. આપણે તો માત્ર આપણો માનસિક દૃષ્ટિકોણ જ બદલવાનો છે. આનાથી આપણા ઈશ્વર-પ્રાપ્તિના પ્રયત્નમાં ગતિશીલતા આવશે. ડૉક્ટર, નર્સ તથા કર્મચારી ભાઈ-બહેનો જે અહીં કામ કરે છે તેઓ આ આદર્શનું પાલન કરી શકે છે. એનાથી એમને પોતાના સાધના-પથમાં સહાયતા સાંપડશે અને આ સેવા-પ્રતિષ્ઠાનું કાર્ય પણ સુપેરે ચાલશે; ઈલાજ કરવા આ હૉસ્પિટલમાં આવતા દરદીઓને પણ રાહત-શાંતિ મળશે. મને આશા છે કે આપ સૌ ‘બહુજન હિતાય બહુજન સુખાય’ – માટે આ મહાન આદર્શનું અનુસરણ કરશો.

મને આપ સૌની સાથે મળવાની અને વાર્તાલાપ કરવાની આ સુંદર તક આપી એ માટે આ સંસ્થાના ડૉક્ટરો, નર્સો, કર્મચારીઓ અને પ્રબંધક સમિતિના બધા સભ્યોનો આભારી છું.

અનુવાદક – શ્રી મનસુખભાઈ મહેતા

(હિન્દી માસિક પત્રિકા ‘વિવેકશિખા’ નવે. ડિસે. ‘૯૬ માંથી સંકલિત)

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.