હરિ મહારાજ – સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ સુધી હું તેમની સાથે હતો. કલકત્તાના બાગબજારના એક બ્રાહ્મણવંશમાં એમનો જન્મ થયો હતો. તેઓ નાનપણથી જ ત્યાગનિષ્ઠ હતા. તેમના આદર્શ શુકદેવજી હતા. જનોઈ ગ્રહણ કર્યા પછી સ્વયંપાક હવિષ્યાન્ન ભોજન કરતા અને ગીતા-ઉપનિષદનો પાઠ કરતા. તે વખતે એક દિવસ દક્ષિણેશ્વરના ઠાકુર શ્રીરામકૃષ્ણ સાથે તેમનો મેળાપ થયો. ઠાકુરે તેમને કહ્યું, ‘અરે, શું વાત છે? આજકાલ તમે ખૂબ વેદાંતચિંતન કરો છો ને? તે બહુ સારું કહેવાય. પરંતુ તેનો અર્થ તો માત્ર આટલો જ ને – ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ કે પછી બીજું કંઈ?’ હરિ મહારાજ અવાક્‌ થઈ ગયા. તેઓ સમજી ગયા કે ઠાકુરે બે વાક્યમાં વેદાંતનો સાર કહી દીધો!

ઠાકુર હરિ મહારાજને ‘ગીતોક્ત સંન્યાસી’ કહેતા. ખરેખર અમે જ્યારે તેમને નિહાળતા; તેમની ચાલ-ચલન, વાતચીત એ બધું જોઈને – સાંભળીને શ્રીકૃષ્ણે પ્રબોધેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણો યાદ આવતાં. બેશક, તેઓ પણ એક સ્થિતપ્રજ્ઞ પુરુષ હતા.

તેમના વિશે થોડી વાતો કરું છું. તેઓ કેટલા મોટા ત્યાગી પુરુષ હતા તે કેટલાક પ્રસંગોથી સમજી શકાશે. એક દિવસ તેઓ ગંગાતીરે બેઠા હતા. મોડી રાત થઈ ગઈ હતી એમ જાણીને એકવાર એમને થયું કે આશ્રમ પાછો ફરું, પરંતુ સાથોસાથ મનમાં થયું કે આ કેવી વાત! હું સંન્યાસી, મારે તો ઝાડ નીચે રહેવાનો આદેશ, હું પાછો આશ્રમે જાઉં? આ કેવી વાત! પછી તેમણે નક્કી કર્યું કે તેઓ હવે આશ્રમમાં પાછા ફરશે નહિ. આવા ભાવથી તેઓ કેટલાય દિવસો સુધી બહાર રહ્યા. કોઈ આશ્રયસ્થાનમાં રહ્યા નહિ અને વૃક્ષની છાયામાં પડ્યા રહેતા. આ રીતે એક દિવસ તેઓ ઝાડ નીચે સૂતા હતા ત્યારે એકાએક જાણે કોઈએ તેમને ધક્કો મારીને કહ્યું, ‘ઊઠ, ખસી જા.’ તેઓ પણ તરત ઊઠીને ખસી ગયા. એટલામાં તો તેઓ જ્યાં સૂતા હતા બરાબર તે જ જગ્યાએ એક મોટી ડાળ કડકડાટ કરતી ભાંગી પડી. તેઓ સમજી ગયા કે ભગવાને જ તેમને ચેતવણી આપી. ધક્કો મારીને ખસેડી દીધા નહિ તો એ ડાળ જો માથા પર પડત તો તેઓ મરી જાત.

તે વખતે બીજી એક ઘટના ઘટી હતી. જે અન્નક્ષેત્રમાં બધા સાધુઓ ભિક્ષા માટે જતા ત્યાં એક દિવસ એક મારવાડી સજ્જન સાધુઓને ખવડાવવા જાતજાતની સારી વાનગીઓ લઈને આવ્યા હતા. સાધુઓ ભિક્ષા લેવા તેની પાસે આવ્યા ત્યારે તેણે સાધુઓને પૂછ્યું, ‘વૈરાગ્ય કોને કહેવાય?’ પ્રત્યેક સાધુએ પ્રશ્નના ઉત્તરમાં એક નાની એવી વાત કહી. જ્યારે હરિ મહારાજ હાજર થયા ત્યારે તેમનેપણ તેણે આ પ્રશ્ન પૂછ્યો. મહારાજે ઉત્તર આપતાં કહ્યું, ‘વૈરાગ્ય કોને કહેવાય, એ હું જાણતો હોત તો તારી પાસે બે રોટલી માટે આવત?’ ઉત્તર સાંભળીને સાધુઓએ તેમની ખૂબ પ્રસંશા કરી અને દાતા પણ વૈરાગ્ય કોને કહેવાય સમજી ગયો.’

એક દિવસ તેઓ રસ્તા પર ચાલતા હતા. પાછળ પાછળ આપણા સંન્યાસીઓ ચાલતા હતા. રસ્તા પર એક નવું, સુંદર બે માળનું મકાન ચણાતું હતું. તે જોઈને એક સાધુએ કહ્યું, ‘વાહ, કેવું સરસ મકાન છે!’ હરિ મહારાજ ઝડપથી પાછું ફરીને સાધુને કહેવા લાગ્યા, ‘તે મકાન સરસ છે તેમાં તારે શું?’ હરિ મહારાજનો એમ ટોકવાનો હેતુ એટલો જ હતો કે સાધુના મનમાં એક સુંદર મકાનમાં રહેવાની સુષુપ્ત આકાંક્ષા રાખવી બરાબર ન કહેવાય. આ રીતે સમય આવ્યે તેઓ અમારી ભૂલ બતાવતા.

હરિ મહારાજ જ્યારે ઉત્તરાખંડમાં તપસ્યા કરતા હતા તે વખતે તેઓ સ્વામીજી અને રાજા મહારાજની સાથે બધે ફર્યા અને મીરાટ પહોંચીને અલગ માર્ગે ચાલી નીકળ્યા. આ બાજુ પરિવ્રાજક વિવેકાનંદ મુંબઈ આવ્યા અને ત્યાંથી  ખેતડીના મહારાજ સાથે મુલાકાત થઈ. ખેતડીથી પાછા ફરતી વખતે આબુરોડ સ્ટેશનમાં તેમને હરિ મહારાજ અને રાજા મહારાજ સાથે ફરી મુલાકાત થઈ. સ્વામીજીએ હરિ મહારાજને કહ્યું, ‘જુઓ, હરિભાઈ, ઈશ્વરદર્શન-બર્શન વિશે હું કંઈ સમજતો નથી. બ્રહ્મજ્ઞાન કે બ્રહ્મદર્શનની  બાબતમાં કંઈ જાણતો નથી. પરંતુ મારું હૃદય જાણે સારા પ્રમાણમાં વિશાળ થઈ ગયું છે. બધા માટે હું લાગણી અનુભવું છું.’ ત્યારબાદ તેમણે લખી આપ્યું, ‘ઈશ્વર પ્રેમસ્વરૂપ છે.’ ખરેખર આપણા શાસ્ત્રમાં નારદીય ભક્તિસૂત્રમાં ઈશ્વરને ‘અનિર્વચનીય, પ્રેમસ્વરૂપ’ વર્ણવ્યા છે. ઈશ્વર પ્રેમસ્વરૂપ, કેવા પ્રેમસ્વરૂપ તે મોઢેથી વર્ણવી શકાય નહિ. તેને અનિર્વચનીય પ્રેમસ્વરૂપ એટલું જ કહી શકાય. તેવી સ્વામીજીએ વાત હરિ મહારાજને કહી હતી. સ્વામીજી બીજીવાર વિદેશ ગયા તે પહેલાં તેઓ હરિ મહારાજને સાથે લઈ જવા ઇચ્છતા હતા. પરંતુ હરિ મહારાજ પુણ્યભૂમિ ભારતને છોડીને બહાર જવા નારાજ હતા. અંતે સ્વામીજીએ એમના નકારના પ્રત્યુત્તરમાં કરુણ સ્વરે કહ્યું, ‘હરિભાઈ, ઠાકુરના કામ માટે હું મારા હૃદયનું એકે એક ટીપું લોહી વહાવીને મૃતપ્રાય બની રહ્યો છું. તો શું તમે લોકો મને આ કામમાં સહાય નહિ કરો? – ફક્ત ઊભા ઊભા જોયા જ કરશો?’ સ્વામીજીનો આદેશ જ્યારે કરુણ આગ્રહ રૂપે હરિ મહારાજની સામે આવ્યો ત્યારે તેમનું હૃદય પીગળી ગયું. અને સ્વામીજી સાથે અમેરિકા જવા સંમત થયા. સ્વામીજીએ તેમને ખાતરી આપી હતી, ‘તમારે અહીં કોઈ જાતનાં વ્યાખ્યાન આપવાનાં નથી. તમારે માત્ર આદર્શ સંન્યાસીનું જીવન કેવું હોય તે દેખાડવાનું છે. આટલું જ પર્યાપ્ત છે.’ સ્વામીજીએ એક વખત અમેરિકાવાસીઓને કહ્યું, ‘તમે મારામાં યોદ્ધા-સંન્યાસીને નિહાળ્યો. તમે ક્ષાત્રતેજ જોયું છે. આ વખતે તમે બ્રહ્મતેજ નિહાળશો. ભારતવર્ષના સંન્યાસીના આદર્શ વિશે તમે બરાબર સમજી શકશો.’ સ્વામી તુરીયાનંદ એવું આદર્શ સંન્યાસીનું જીવન જીવતા હતા. તેઓ ‘શાંતિ આશ્રમ’માં રહેતા. ભારતમાં કોઈ આશ્રમમાં સંન્યાસી જે રીતે રહે તે રીતે જ રહેતા. એક દિવસ તેઓએ આશ્રમવાસીઓના ક્લાસમાં કહ્યું: ‘સાચોસાચ જો તમે ભગવાનને બોલાવો તો ત્રણ દિવસની અંદર જ ભગવદ્દર્શન થઈ શકે.’ આ વાત સાંભળીને આશ્રમમાં રહેતી એક નાની ઉંમરની છોકરી ત્રણ દિવસ સુધી પોતાના ઓરડામાંથી બહાર ન નીકળી. આખો વખત તેણે ઈશ્વરચિંતન કર્યું. ત્રણ દિવસ પછી તેણે આવીને હરિ મહારાજને કહ્યું, ‘વારું, સ્વામી તમે જ કહ્યું તે સાચું છે.’ એટલે કે તેણીએ ત્રણ દિવસ ભગવાનને પોકાર્યા, ભગવાનનાં સાક્ષાત્‌ દર્શન કદાચ ન થયા હોય તો પણ થોડું કંઈક ચોક્કસ અનુભવ્યું હશે.

બીજા એક દિવસની ઘટના આ પ્રમાણે હતી: કોઈ એક ભક્તે આવીને કહ્યું, ‘સ્વામી, આજે એક સરસ નાટક આવ્યું છે. નાટક કંપની સુંદર અને સુવ્યવસ્થિત રીતે નાટક ભજવશે. ચાલો આપણે જઈએ.’ હરિ મહારાજે કહ્યું, ‘થિયેટર જોવા શું જઉં? સ્ટેજ વ્યવસ્થા શું જોવી? અરે, આ જગત જ એક મોટી રંગભૂમિ છે. આવી રંગભૂમિ તને ક્યાં મળશે? તમે સાક્ષી રૂપે એવું નિરીક્ષણ કરો; પછી જુઓ, કેવી મજા પડે! પરંતુ પોતાને એની સાથે જોડી દઈએ તો મોટી મુશ્કેલી. સાક્ષી રૂપે રહી શકીએ તો જોઈશ કે આ જગત-રંગમંચ પર કેટલી જાતના ખેલ ચાલે છે. એનાથી વધુ સારું નાટક તમે બીજું કયું જોશો? તેઓ હજુય દૃઢ આગ્રહપૂર્વક બોલ્યા, ‘આ બધી આલોચના કરવાથી કંઈ ફાયદો થશે નહિ. આવો, આપણે થોડીકવાર ગીતા પાઠ કરીએ.’ એમ કહીને તેઓ ભક્તને લઈને ગીતા પાઠ કરવા લાગ્યા.

સ્વામીજી જ્યારે તેમને વિદેશમાં લઈ ગયા હતા તે સમયની એક ઘટના છે: હરિ મહારાજે એક દિવસ તેમના રૂપિયા-પૈસાનું પર્સ ટેબલ ઉપર રાખ્યું હતું. સ્વામીજીએ તે જોઈને કહ્યું, ‘હરિ મહારાજ, આ શું? તમે રૂપિયા-પૈસા ટેબલ પર કેમ રાખ્યા છે?’ હરિ મહારાજે કહ્યું, ‘અહીંથી વળી કોણ લેશે? ભલે પડ્યા.’ સ્વામીજી ગંભીર સ્વરમાં બોલ્યા, ‘બીજાને લલચાવવાનો તમને કોઈ અધિકાર નથી.’ ત્યારબાદ હરિ મહારાજે રૂપિયા-પૈસા સાચવીને મૂક્યા.

સ્વામીજી અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે હરિ મહારાજ વિદેશમાં જ હતા. તેઓએ ખૂબ પરિશ્રમ કર્યો અને શાંતિઆશ્રમમાં કઠોર તપશ્ચર્યાપૂર્ણ જીવન વિતાવતા હતા. પરિણામે તેમનું સ્વાસ્થ્ય ભાંગી પડ્યું. બીજી બાજુ સ્વામીજીનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ કથળી ગયું છે,એ સમાચાર સાંભળીને તેઓ દેશમાં પાછા ફરવા માટે વ્યાકુળ થયા અને તેમણે ભારત પાછા ફરવા યાત્રા પણ શરૂ કરી. પરંતુ રંગુન પહોંચ્યા ત્યારે સમાચારપત્ર દ્વારા જાણવા મળ્યું કે સ્વામીજી મહાસમાધિ પામ્યા છે. આથી હરિમહારાજને અત્યંત દુ:ખ થયું. મઠમાં થોડા દિવસ રહીને તેઓ ઉત્તરાખંડમાં તપશ્ચર્યા માટે નીકળી પડ્યા. ઋષીકેશ, ઉત્તરકાશી, નાંગલ, ગઢમુક્તેશ્વર વગેરે સ્થળોએ તેમણે તપશ્ચર્યા કરી. તે સમય દરમિયાન એક બ્રહ્મચારી તેમની સેવા કરવા માટે આગ્રહ રાખતા હતા. મહારાજની અનિચ્છા હોવા છતાં બ્રહ્મચારી મહારાજની સેવા કરતા. અંતે કંટાળીને તેમણે પોતાની એકમાત્ર વસ્તુ-કમંડળ અને લાકડી હાથમાં લઈને કુટિયાની બહાર નીકળી ગયા. સંતપ્ત બ્રહ્મચારીના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું, ‘આ કુટિયામાં બે જણા ન રહી શકે. આમાં હું રહીશ અથવા તું રહે.’ નિરુપાયે બ્રહ્મચારી ચૂપ થઈ ગયા. આ રીતે કઠોરતાપૂર્વક જીવન જીવતા. તેઓ કેટલાક દિવસો માટે વૃંદાવનમાં હતા. તે વખતે વહેલ સવારે ચાર વાગ્યે ઊઠીને કૂવાના ઠંડા પાણીથી નાહીને ધ્યાન કરવા બેસતા અને થોડીવારમાં જ શરીરમાં પરસેવો થતો. તેઓ કહેતા, ‘એક કલાક ધ્યાન કરવું એટલે ચાર કલાક બગીચામાં માટી ખોદવા જેટલો પરિશ્રમ કરવો.’ આપણે તો વિચારીએ કે આંખ બંધ કરીએ એટલે ધ્યાન ખૂબ લાગી જશે અને ભગવાન આવીને દર્શન આપશે. પરંતુ વાસ્તવમાં ધ્યાન કરવું કેટલું પરિશ્રમભર્યું છે તે હરિ મહારાજની વાત પરથી સમજી શકાય.

અત્યંત કઠોરતાને કારણે તેમનું સ્વાસ્થ્ય એકદમ ભાંગી ગયું. તેથી તેમને કનખલ સેવાશ્રમમાં રાખીને સાધુઓએ તેમની સેવાશુશ્રૂષા કરી હતી. આ પહેલા તેઓ ઋષીકેશમાં રહેતા હતા. ત્યાં પણ તેઓ ખૂબ વહેલા ઊઠીને જપ ધ્યાન કરતા. એક તવંગર માણસ સવારે સાધુઓની કુટિયા જોવા નીકળતો. તેણે જોયું કે હરિ મહારાજ જ રોજ ખૂબ વહેલા ઊઠીને ધ્યાન કરે છે. આસપાસના લોકો પણ હરિ મહારાજની ખૂબ પ્રસંશા કરતા. થોડા દિવસ પછી તે જ માણસ હરિ મહારાજની પાસે આવ્યો અને તેમને છ હજાર રૂપિયા આપીને પ્રણામ કર્યા. હરિ મહારાજે કહ્યું, ‘આ રૂપિયાનું હું શું કરું? મારે કોઈ જરૂરિયાત નથી. એના કરતાં તમે આ રૂપિયા કનખલ આપો. ત્યાં બે સાધુઓએ (સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદ) રોગીઓની સેવા મટે એક નાનકડું દવાખાનું શરૂ કર્યું છે. તેમને આપશો તો બીજાની સેવામાં આ રૂપિયા ઉપયોગી થશે.’

કનખલ થોડા દિવસ રહીને તેઓ બેલુરમઠ પાછા ફર્યા. મઠથી તેઓ પુરી ગયા. પુરીથી કેટલાંક સ્થળે ફરીને તેઓ છેલ્લે સુધી કાશીમાં રહ્યા. તેઓ સ્વામીજીના સેવા-આદર્શના ચાહક હતા. એક દિવસ કોઈ એક બ્રહ્મચારીએ હરિ મહારાજને કહ્યું, ‘આપ સહુ તપશ્ચર્યા કરો છો અને અમે તપશ્ચર્યા ન કરીએ?’ હરિ મહારાજે જવાબમાં કહ્યું, ‘સ્વામીજીએ દાર્જીલિંગમાં એક દિવસ કહ્યું હતું કે જુઓ હવે પછી ઘણા લોકો સાધુ થવા આવશે. તેમના મોટા ભાગના ચોવીસ કલાક ધ્યાન કરી શકશે નહિ. તો પછી બાકીનો સમય તેઓ શું કરશે? એ માટે એક સેવાનો આદર્શ આપીને સ્વામીજીએ તેમને કામમાં લગાડ્યા. જેથી દેશના લોકોનું કલ્યાણ થાય અને તેમના પોતાનું પણ કલ્યાણ થાય.’ હરિ મહારાજ કહેતા, ‘સ્વામીજીનું આ કામ જે કરશે તે મુક્ત થઈ જશે.’ તેઓ સેવાશ્રમનું કામ ખૂબ જ પસંદ કરતા. ઈ.સ. ૧૯૧૯-૨૦માં રાજા મહારાજ કાશી ગયા હતા. શરત મહારાજ પણ સાથે હતા. શરત મહારાજ કિરણદત્તના મકાનમાં રહેતા અને મહારાજ અદ્વૈત આશ્રમના ઉપલા માળે રહેતા હતા. એક દિવસ મહારાજ અમારા બધા સામે બેઠા હતા. શરત મહારાજ પણ હતા. તે દિવસે મહારાજે હરિ મહારાજ વિશે ઘણી વાતો કરી હતી. તેમણે કહ્યું, ‘સાંભળ, શરત, મને હરિ મહારાજને પ્રણામ કરવાની ઇચ્છા થાય છે. આવા મહાપુરુષ દુર્લભ હોય. અસાધ્ય રોગની પીડા ભૂલીને તેઓ કેવા આત્મસ્થ છે! એ પછી અમે બધા ઊઠી ગયા. શરત મહારાજ સીધા હરિ મહારાજના ઓરડામાં ગયા. ડાયાબિટીસને લીધે હરિ મહારાજ લેશમાત્ર ગરમી સહન કરી શકતા નહિ. તેથી ઓરડાનું બારણું બંધ રાખતા. શરત મહારાજ ઓરડામાં ગયા અને હરિ મહારાજના પગને સ્પર્શીને પ્રણામ કર્યા. અંધારામાં સ્પષ્ટ ન દેખાયું તેથી હરિ મહારાજે પૂછ્યું, ‘કોણ?’ શરત મહારાજ : ‘હું શરત.’ હરિ મહારાજે ક્ષુબ્ધ કંઠે કહ્યું, ‘હું રોગથી ઘેરાયેલો છું તેથી મને આમ ભોંઠો પાડ્યો?’ શરત મહારાજ : ‘ભાઈ, આટલા દિવસથી તમે છુપાઈને બેઠા હતા. આજે મહારાજે અમને તમારી ઓળખાણ કરાવી – તમે કોણ અને તમારું સ્વરૂપ કેવું!’

તેમને શરીર પર અસામાન્ય નિયંત્રણ હતું. તેઓ ડાયાબિટીસથી ખૂબ પીડાતા હતા તો પણ આખો વખત આનંદમાં રહેતા. તેમના મુખે વારંવાર સાંભળવા મળતું, ‘દુ:ખ જાણે ને શરીર જાણે મન તું આનંદમાં રહેજે’. વળી કહેતા હિન્દુસ્તાની લોકવાયકા પ્રમાણે શરીર રહે તો ટેક્સ આપવો પડે – દુ:ખ-કષ્ટ સહન કરવાં પડે. જ્ઞાની તો હંમેશાં દુ:ખકષ્ટ સહન કરે, અધીરા ન બને પરંતુ અજ્ઞાનીઓ ધીરજ ગુમાવી બેસે. અહીં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો તફાવત કહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે: ‘સુખ-દુ:ખ, શીત-ઉષ્ણ એ બધું ‘આગમાપાયિન:’ એ બધું આવેને જાય – સદાને માટે રહે નહિ. ‘ત્વંરિતતિક્ષસ્વ ભારત’ – તમે એ બધું સહન કરો – સહન કરવા સિવાય કોઈ ઉપાય નથી. ખરેખર બીજો કોઈ ઉપાય હોત તો શ્રીકૃષ્ણ અર્જુન જેવા પ્રિયભક્તને ચોક્કસ બતાવત. એથી હરિ મહારાજનું શરીર ખૂબ નાદુરસ્ત હોય તો પણ તેઓ કદી અધીરા બનતા નહિ – વિચલિત થતા નહિ. તેમની ઉત્તરાવસ્થામાં તેમની પીઠ પર એક નાનકડું ગૂમડું થયું હતું. જે સમય જતાં ધીમે ધીમે વધીને વિષમય ઘારું થઈ ગયું હતું. ડોક્ટરને તેનું ઓપરેશન કરવું પડ્યું. ડોક્ટર એનેસ્થેસિયા સુંઘાડી મહારાજને બેશુદ્ધ કરવા માગતા હતા, પરંતુ મહારાજે તે માટે અસંમતિ દર્શાવી. ત્યાર પછી ડોક્ટરે જરાક છરી ફેરવી ત્યાં તેઓ ચીસ પાડી ઊઠ્યા. તેમણે ડોક્ટરને કહ્યું, ‘મને કહ્યા વગર છરી ફેરવશો નહિ. પહેલાં કહેજો.’ ડોક્ટરે કહ્યું, ‘ભલે, હવે છરી મૂકીશ.’ હરિ મહારાજ: ‘વારુ, મને થોડો સમય આપો.’ થોડીવાર પછી હરિ મહારાજે કહ્યું, ‘સારું, હવે કરો.’ ડોક્ટરે છરી વડે ગૂમડું કાપ્યું – દબાવીને પરુ, ખરાબ લોહી વગેરે બહાર કાઢ્યું. અંદર સોય ભોંકાવી. હરિ મહારાજ એક શબ્દ પણ ન બોલ્યા. ડોક્ટર તો જાણે કેળા  પર કાપ-કૂપ કરે છે. ડોક્ટરનું કામ પૂરું થયું ત્યારે મહારાજે પૂછ્યું, ‘થઈ ગયું.’ ડોક્ટરે જવાબ આપ્યો, ‘હા જી.’

હરિ મહારાજની આવી સહનશક્તિ જોઈને ડોક્ટર અવાક્‌ થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે પહેલાં તો છરી લગાડતાં જ ચીસ પાડી ઊઠ્યા હતા. પછીથી તેઓ આટલી બધી પીડા કઈ રીતે સહી શક્યા? મહારાજની અવસ્થા જોઈને લાગ્યું કે હરિ મહારાજે જાણે શરીરમાંથી પ્રાણ બહાર કાઢી નાખ્યો હતો. તેમનો આત્મા દેહથી અલગ થઈ ગયો હતો. જેમ સૂકાં નાળિયેરમાં કાચલીથી કોપરું અલગ રહે તેમ શરીર સાથેનો મહારાજનો સંપર્ક જાણે કપાઈ ગયો હતો – આત્મા જાણે શરીરથી એકદમ અલગ થઈ ગયો! તેથી જ શરીર પરની વાઢ-કાપ કરવાથી પણ તેમને કંઈ કષ્ટ થયું નહિ.

હરિ મહારાજ ખૂબ જ સરળ અને સીધા-સાદા સ્વભાવના હતા. તેમજ તેઓ ખૂબ કઠોર પણ હતા. સાધન-ભજનમાં કોઈ જાતની ક્ષતિ થાય તો ખૂબ વઢતા. તેઓ સમયનું કડકપણે પાલન કરતા. તેઓ ઇચ્છતા, કે બધું કામ સમયસર કરવું જોઈએ – લેશમાત્ર ક્ષતિ વિના – સંપૂર્ણપણે કાર્ય કરવું જોઈએ. એક દિવસની ઘટના છે : મહારાજને ચાર વાગે દૂધ આપવામાં આવતું. તેઓ ખાટ પર બેઠા હતા. દિવાલ પર એક ઘડિયાળ હતું. સેવક દૂધ લઈને ઓરડામાં આવ્યો. તેમણે જોયું કે ઘડિયાળમાં ચાર વાગીને દોઢેક મિનિટ થઈ છે. તેઓ કંઈ બોલ્યા નહિ, માત્ર ઘડિયાળ તરફ જોવા લાગ્યા. સેવક દૂધ લઈને ચૂપચાપ ઊભો રહ્યો, ત્યારે તેના હાથ-પગ કાંપવા લાગ્યા, પરંતુ દૂધ પીધું નહિ. આ રીતે તેઓ સમયને ચુસ્ત રીતે અનુસરતા.

અમેરિકામાં તેઓ કહેતા, ‘જે મારા શરીરની સેવા કરે, હું તેના આત્માની સેવા કરું. મારે તેમનું ધ્યાન રાખવું જોઈએ તેથી તેમનું આત્મકલ્યાણ થાય. તેથી જ તેમને વચ્ચે વચ્ચે ઠપકો આપવો પડે.’ એક સેવક તેમની ખૂબ ભક્તિપૂર્વક સેવા કરતો હતો. તેને થયું કે આ કેવા સાધુ. આટલો બધો ઠપકો પણ આપે?’ તેણે એક દિવસ પૂછી નાખ્યું, ‘તમે તો સંન્યાસી છો. તમે શા માટે વ્યગ્ર બની ગુસ્સો કરો છો?’ હરિ મહારાજે ઉત્તર આપતા કહ્યું, ‘જુઓ, તમે ઘરના માણસો છે. તમારા કલ્યાણ માટે વઢવું પડે. પરંતુ તું સહન કરી શકતો નથી. – સારું, બરાબર છે. કાલથી હવે હું તને કંઈ કહીશ નહિ.’ પછીથી તે સેવક કહેતા, ‘એટલી આશ્ચર્યની વાત કે જેમ કહ્યું તેમ કર્યું. ત્યાર પછીથી તેમણે મને એક દિવસ પણ ઠપકો આપ્યો નથી. એકાએક તેઓ જાણે એકદમ બદલી ગયા. સમજાઈ ગયું, જેઓ તેમની સેવા કરતા, તેમના કલ્યાણ માટે તેઓ ઠપકો આપતા. ખરેખર તો ઠપકો આપવાનો તેમનો સ્વભાવ નથી – એ બધું તેમના મનની વાત નહોતી.’

તેઓ અમને કહેતા, ‘અત્યારે જેમ બેસુ છું તેમ હું કોઈ દિવસ ટેકો દઈને બેઠો નથી. આ આરામખુરશીમાં જે રીતે કરોડરજ્જુ ટટ્ટાર રાખીને બેઠો છું, એ રીતે બેસજો.’ તેઓ પથારીમાં વચ્ચોવચ્ચ સીધા બેસતા. તેઓ કહેતા: ‘હું કેટલા વરસોથી ટેકો લીધા વિના આ રીતે મેરુદંડ સીધો ટટ્ટાર રાખીને બેસતો. જે દિવસથી સાધન-ભજન શરૂ કર્યું છે તે દિવસથી આ રીતે કમર સીધી રાખીને બેસતો. ક્યારેય ટેકો લઈને બેઠો નથી.’ છેલ્લી અવસ્થામાં પણ જ્યારે તેમનું શરીર ખૂબ જ દુર્બળ હતું અને તેઓ સૂતા હોય ત્યારે પણ તેઓ તેમને એ રીતે સીધા-ટટ્ટાર કરીને બેસાડી દેવા આગ્રહ કરતા. સેવકો તેમને એ રીતે બેસાડવાની હિંમત કરતા નહિ કારણ કે તેમનું હાર્ડફેઈલ થઈ જવાનો ભય રહેતો. તેમના છેલ્લા દિવસે સેવકો તેમને બેસાડવા રાજી  ન હતા. ત્યારે રોષપૂર્વક બોલ્યા, ‘જોતો નથી, પ્રાણ જાય છે: અને તમે મને બેસાડતા નથી.’ કદાચ તેમની ઇચ્છા એવી હશે કે બેઠા બેઠા તેઓ શરીર ત્યાગ કરે.

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.