(વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૩ ફેબ્રુઆરી, ૧૯૭૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત શ્રીમંદિરનો સમર્પણવિધિ આયોજિત થયો હતો, તેમાં તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આશીર્વાદાત્મક પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનમાં સંક્ષિપ્તમાં પરંતુ સ્પષ્ટપણે નવનિર્મિત શ્રીરામકૃષ્ણદેવના મંદિરની ઉપાદેયતાનું વિવેચન કરાયું છે તથા તેમાં સાંયોગિક રીતે શ્રીરામકૃષ્ણદેવના બે મુખ્ય ઉપદેશ—ધર્મનું ઐક્ય તથા માનવજાતિનું ઐક્ય—ને વણી લેવામાં આવ્યા છે. આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ના જૂન, 1976ના અંકમાં પ્રકાશિત થયો હતો. અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)

આજથી છ વર્ષ પૂર્વે મને આ શ્રીમંદિરના ભૂમિપૂજનનો સુઅવસર સાંપડ્યો હતો. ત્યારે એમ જણાતું હતું કે શ્રીમંદિરનું નવનિર્માણ એક વિચારમાત્ર છે. તમે એમ કહી શકો કે તે એક સ્વપ્ન હતું—પરંતુ તેણે આજે સાકાર રૂપ ધારણ કર્યું છે. પૂર્ણપણે નિર્માણ પામેલ શ્રીમંદિરનો ગઈકાલે સમર્પણવિધિ સંપન્ન થયો અને તેમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિ પ્રસ્થાપિત થઈ. હવે અહીં શ્રીઠાકુર બિરાજે છે અને સર્વને ‘બહુજનહિતાય બહુજનસુખાય’ આશીર્વાદ આપી રહ્યા છે.

આવાં મંદિરો દરેક સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. લાગે છે કે મંદિરનું નિર્માણ માનવજાતની આવશ્યકતાને લઈને થયું હશે. મનુષ્ય નિરાકાર બ્રહ્મને સાકાર ઈશ્વરરૂપે ભજવા માગે છે અને તે કોઈ એવું નિશ્ચિત સ્થાન ઇચ્છે છે કે જ્યાં ઈશ્વરની ઉપસ્થિતિની અનુભૂતિ કરી શકાય. આ વિભાવના આપણાં ગૃહમંદિરો તેમજ જાહેર સ્થળોએ આવેલ મંદિર, દેવળ અને ચર્ચની પાર્શ્વભૂમિકારૂપે રહેલી છે. મંદિરની વિભાવના મનુષ્યની આધ્યાત્મિક આવશ્યકતાની પૂર્તિ અર્થે ઉદ્‌ભવ પામી છે. ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘મંદિર બે પ્રકારનાં હોય છે—એક છે શિવ, દુર્ગા, કાલી વગેરે દેવ-દેવીઓ નિમિત્તે નિર્મિત; બીજાં છે અવતારો અને સંતપુરુષોનાં પૂજાસ્થાનોરૂપે નિર્મિત. આ મંદિર બીજા પ્રકારની અંતર્ગતનું છે.

શ્રીરામકૃષ્ણનો અવતારરૂપે સ્વીકાર કરવામાં કેટલાકને કંઈ ખચકાટ હોઈ શકે છે. એવા લોકોને હું વિનંતી કરું છું કે તેઓ શ્રીરામકૃષ્ણનો વર્તમાનકાળની મહાન વિભૂતિરૂપે સ્વીકાર કરે.

શ્રીકૃષ્ણ ઉદ્ધવને વધુ જણાવે છે, ‘જો કોઈ સંતપુરુષોની પૂજા-ઉપાસના સકામભાવે કરશે તો તેઓની કામનાઓ પૂર્ણ થશે અને જો કોઈ નિષ્કામભાવે પૂજા-ઉપાસના કરશે તો તેઓ મોક્ષ પામશે.’ અહીં આ મંદિરમાં તમને પરમાત્માના અવતારરૂપે નહીં પણ આ યુગની મહાન વિભૂતિરૂપે પૂજા-ઉપાસના કરવાનું સુલભ છે. અત્રે તમારી સર્વકામનાઓ પૂર્ણ થશે. જો તમે નિષ્કામભાવે પૂજા-ઉપાસના કરશો તો તમે મુક્તિ પામશો. તેથી અહીં સકામ ઉપાસકને ધર્મ, અર્થ, અને કામ પ્રાપ્ત થશે અને નિષ્કામ ઉપાસકને મોક્ષપ્રાપ્તિ થશે.

પરંતુ શ્રીરામકૃષ્ણ માત્ર સંત-મહાત્મા ન હતા, તેઓે વિશિષ્ટ અને વિરલ આધ્યાત્મિક વિભૂતિ હતા. તેઓએ પોતાના જીવનકાળમાં વિભિન્ન સાધનાઓ દ્વારા અનુભૂતિ કરી હતી કે બધા ધર્મો એક જ સત્ય પ્રતિ લઈ જાય છે. આમ, તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે બધા જ ધર્મો સત્ય છે અને એક જ લક્ષ્ય પ્રતિ દોરી જાય છે. એમણે ઘોષિત કર્યું હતું, ‘જતો મત તતો પથ—જેટલા મત તેટલા પથ.’ તેથી શ્રીરામકૃષ્ણ ધર્મસંવાદિતાનું પ્રતીક છે. તેઓ માનવજાતની એકતાનું પણ પ્રતીક છે. તેઓએ અનુભૂતિ કરી હતી કે એક જ આત્મા જીવમાત્રમાં વસેલો છે. દેખીતા માનવદેહમાં આત્મા નિહિત છે. આત્મા સર્વમાં વિદ્યમાન છે—બ્રાહમણથી માંડીને ચાંડાલ પર્યંત—ઉચ્ચ અને નીચ, જ્ઞાની અને અજ્ઞાની, ધનિક અને દરિદ્ર—સૌમાં. શ્રીરામકૃષ્ણે અનુભૂતિ કરી હતી કે ઉપરછલ્લા દેખાતા ભેદ—રંગ, જાતિ, સ્થિતિ, વર્ણ, આશ્રમ—અજ્ઞાનજનિત છે, વાસ્તવમાં માનવજાત એક જ છે. ‘જો રામ દશરથ કા બેટા, વહી રામ ઘર ઘર મેં લેટા’ એ હિંદી પદની શ્રીરામકૃષ્ણે અનુભૂતિ કરી હતી. આમ, શ્રીરામકૃષ્ણે માનવ-માનવ વચ્ચેનો ભેદ લક્ષ્યમાં લીધો ન હતો અને તેથી હું કહું છું કે આ મંદિર દરેક માટે ઉપાસના કરવા ખુલ્લું છે— ભલે તેના દેશ, રાષ્ટ્રિયત્વ, જાતિ, વર્ણ ગમે તે હોય. તે ધનિક હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત; અરે, અન્ય ધર્માવલંબીઓ સુધ્ધાં ભલે હોય—સૌ માટે આ મંદિરનાં દ્વાર ખુલ્લાં છે. શ્રીરામકૃષ્ણે બધા ધર્મોની સાધના કરીને સર્વધર્મસમભાવની અનુભૂતિ કરી હોવાથી અહીં પધારનાર સૌ કોઈને જણાશે કે શ્રીરામકૃષ્ણ તેમના પોતાના છે. તેથી મારે કહેવું જોઈએ કે આ વૈશ્વિક મંદિર છે કે જ્યાં સૌ એક માનવજાત સ્વરૂપે એકતા સાધિત કરશે. આપણે વર્તમાન સમયમાં વિષમ, વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવાથી દેશ માટે આ વિભાવના ખાસ પ્રયોજનીય છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ‘શ્રીરામકૃષ્ણ ભારતવર્ષના છે અને શ્રીરામકૃષ્ણ ભારતવર્ષ છે, તેથી તમે સૌ શ્રીરામકૃષ્ણના નેજા હેઠળ એકત્રિત થાઓ.’

હું શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરું છું કે તેઓ તમને સૌને આ મહાન આદર્શો—૧. ધર્મનું ઐક્ય અને માનવજાતિનું ઐક્ય ૨. आत्मनो मोक्षार्थं जगद्धिताय च। દેશભરમાં અને ખાસ તો અહીં—આત્મસાત્‌ થાય તેવા આશીર્વાદ આપો.

ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.