‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઓગષ્ટ-૧૯૯૮ના મુખપૃષ્ઠ ઉપર ૬૯૪૦ મિટર ઊંચા કેદાર પર્વત પર ૩૫૮૦ મિટર ઊંચાઈએ આવેલ સુખ્યાત શ્રીકેદારનાથ મહાદેવજીના મંદિરનું આવરણ ચિત્ર મોખરે રહ્યું. દરેક અંકની જેમ જ આ અંક પણ ખૂબ સરસ લાગ્યો, જેમા ખાસ કરીને ‘કોઈ ને દોષ ન દો’ સ્વામી વિવેકાનંદજીની વિવેકવાણીથી પ્રભાવિત થયા – આજના સમયમાં આ પ્રમાણે આચરણ કરવામાં આવે તો ખરેખર સાચા સુખની અનુભૂતિ થાય. કિશનપુર-દહેરાદૂનનું શ્રીરામકૃષ્ણદેવનું નૂતન મંદિર અને શ્રીરામકૃષ્ણદેવની આરસ પ્રતિમાની ઝલક દ્વારા હૃદય સિંહાસન પર સાક્ષાત્ શ્રીરામકૃષ્ણદેવનાં દર્શનની અનુભૂતિ થઈ, અન્ય લેખ પણ અસરકારક રહ્યા.

– જિતેન્દ્ર વાઘેલા, રાજકોટ

ઓગસ્ટ’૯૮નો અંક વાંચી આનંદ થયો. સ્વામી વિવેકાનંદની ‘વિવેક વાણી’ વાંચીને ઘણા બધા પ્રશ્નોના ઉત્તર મળી જાય છે. બીજું એક મારું પોતાનું સૂચન છે જો આપને યોગ્ય લાગે અથવા બરાબર લાગે તો દર માસે ત્રણ-ચાર પાનાં રામકૃષ્ણ વચનામૃત અથવા અમૃતવાણી ઉપર ખાસ રાખો કારણ કે આવું બધું મહિનામાં એક બે વાર વાચકો વાંચે ત્યારે ઘણો બધો આનંદ થાય આધ્યાત્મિક બાબત ઉપર ખૂબ વિચારે. ઘણા ટાઈમથી બાલવાર્તા તથા મા શારદામણીના અમૃતબિંદુ પણ હમણા નથી આવતા તો તે આવે એવો પ્રયાસ થાય તે માટે લખું છું.

– સરવૈયા પ્રદીપ જે., ચિતલ

મારે ઓગસ્ટ’૯૮નો રામકૃષ્ણ જ્યોતનો અંક વાંચી ખાસ કરીને વૃદ્ધોની છાતી ગજગજ ફૂલે એવા લેખો વાંચી અગાઉના દિવસો યાદ આવી જાય છે. ત્યારે જે રાષ્ટ્રભાવના, દેશપ્રેમ, અખંડ ભારત પ્રત્યેનો જે અતૂટ વિશ્વાસ, ખુમારી જોવામાં આવતાં હતાં તે આજના વાતાવરણમાં માત્ર નહિવત્ રહેવા પામ્યા છે. ત્યારે દુઃખ થાય છે. ‘ભારતવર્ષને પ્રેમ કરો’ એ લેખ વાંચીને હર્ષનાં અશ્રુ વહી ગયાં છે સાથે વિપત્તિની પળે માત્ર પૂજ્ય સંતો જ નિઃસ્વાર્થ ભાવનાથી નાના મોટા સૌ કોઈને યથા સમયે સાવધાન કરીને સાચી દિશા બતાવી યોગ્ય રાહ તરફ દોરી જવાનું ભગીરથ કાર્ય પૂજ્ય સંતો કરી રહ્યા છે એવું અનુભવાય છે.

– રાઘવજીભાઈ જાવિયા, રાજકોટ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના ઓગસ્ટ ૧૯૯૮માં વેદયુગીન નવો-પ્રકાશ-એમ.એસ. રાજારામનો અંગ્રેજીમાં લખેલ લેખનો અનુવાદ ડૉ. સુધા મહેતાએ કર્યો છે. જે અભિનંદનને પાત્ર છે. ભારતીય સંસ્કૃતિનું, જે તટસ્થ મૂલ્યાંકન વેદકાલિન સંસ્કૃતિના સંદર્ભમાં થઈ રહ્યું છે તે જાણીને ભવ્ય સંસ્કૃતિના વારસદાર તરીકે મારું હૃદય પુલકિત થઈ જાય છે. એ શ્રેણી સતત ચાલુ રહે એવી આશા અને વધુ ને વધુ વેદયુગીન સંસ્કૃતિનાં સંશોધન પુસ્તકોનો માતૃભાષામાં અનુવાદ થાય એવી હાર્દિક અપેક્ષા અસ્થાને ન ગણાય.

– પ્રવીણભાઈ ગી. પારેખ, વલસાડ

સ્વામીજી આ અંક તો મારી આસપાસ સર્વે ભાઈ બહેનોને ઘણો લાભકર્તા પણ બન્યો છે. અમારા જેવા ગામવાસીને ઘણોજ ઉપયોગી બને છે. બાળ વિભાગમાંથી પણ ઘણા બાળકો આ પુસ્તિકામાં રસ લેતા થયા છે. આપની આ પુસ્તિકાથી યુવાનોને ઘણી સાચી શીખ મળી છે. અમારે ગામડામાં તો સ્વાધ્યાયના કાર્યકર તરીકે ઘણાય ભાઈ બહેનો આવે છે. અને આ માસિક પુસ્તિકા આવે છે આ દ્વિસંગમથી અમોને ઘણું બધું જાણવા અને માણવા મળ્યું છે.

– લીલું એલ. ગોઢણિયા, પોરબંદર

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નાં નિયમિત અંકો અમને મળતાં રહે છે. સંસ્થાના શિક્ષકો આ અંકોનું નિયમિત અધ્યયન કરે છે. અંકની ગુણવત્તા એકદમ ઉચ્ચકોટીની છે. શિક્ષણ એ સંસ્કાર પ્રક્રિયા છે. પ્રત્યેક શિક્ષણ સંસ્થામાં આવું શિષ્ટ, સંસ્કારી, જ્ઞાનવર્ધક તથા ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય કરાવતું સાહિત્ય હોય એ અનિવાર્ય આવશ્યક્તાં છે. શ્રીરામકૃષ્ણ જ્યોત સંસ્કારની જ્યોતને સદા જલતી રાખશે તેવી શ્રદ્ધા છે.

– સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર, ઉપલેટા

છેલ્લા બે વર્ષથી રામકૃષ્ણ જ્યોત સાથે સંબંધ જોડાયો છે. સામયિક એક ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શક્યુ છે. તત્ત્વજ્ઞાન અંગેના લેખોની સંખ્યા ઘટાડવી. પૂ. વિવેકાનંદના જીવન અંગેની વિગતો પ્રકાશિત કરતી રહેવી. નૈતિક મૂલ્યોને લગતી બાબતો પણ પ્રકાશિત કરવી તેમાં નાની-નાની દૃષ્ટાંત કથાઓ પણ સત્ય ઘટનાઓ અને પ્રકાશિત કરી શકાય. પણ તે પરચાના સ્વરૂપે અંધશ્રદ્ધા વધારનારી ન હોય તેની કાળજી લેવી ઘટે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પ્રયોગાત્મક પદ્ધતિએ પૂ. વિવેકાનંદના જીવનને ઉપસાવી શકાય તેવા પ્રયત્નો ‘રામકૃષ્ણ જ્યોત’ દ્વારા વિચારો તો પણ તે ખૂબ જ અભિનંદનીય પ્રયાસ બની રહે.

– તખુભાઈ સાંડસુર, રાજકોટ

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.