વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ચાસલાણામાં તૈયાર થયેલું રામકૃષ્ણનગરનું સમર્પણ

જામનગર જિલ્લામાં ગયા જૂન ‘૯૮માં વિનાશક વાવાઝોડામાં અનેક લોકો નિરાધાર અને બેઘર બન્યાં હતાં. તેમાંથી કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામે બેઘર લોકોને પુનઃ વસવાટ માટે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા મુંબઇ સમાચાર, તથા અન્ય સંસ્થાઓ-દાતાઓ દ્વારા મળેલા ભંડોળમાંથી રામકૃષ્ણ નગર વસાહત ઊભી કરવામાં આવી છે. રૂા. ૩૫ લાખના ખર્ચે તૈયાર કરાયેલી આ વસાહતમાં ત્રીસ પાકાં મકાનો, કોમ્યુનિટિ હૉલ, બાલ ક્રિડાઘર, મંદિર વગેરેનું આ સ્થળે નિર્માણ કરાયું છે.

૧૨ ડિસેમ્બર, ૧૯૯૮ના રોજ આ વસાહતની અર્પણ વિધિ પ્રસંગે રામકૃષ્ણ મિશન (મુંબઈ)ના વડા સ્વામી શ્રીવાગીશાનંદજીએ ખાસ હાજરી આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ‘મુંબઇ સમાચાર’ના ડાયરેક્ટર શ્રી મેહેલી આર.કામા તથા અતિથિ વિશેષ તરીકે ‘ફૂલછાબ’ના તંત્રી શ્રી દિનેશભાઈ રાજા અને ‘નોબત’ના તંત્રી શ્રી પ્રદીપભાઈ માધવાણી ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે રામકૃષ્ણનગર વસાહતનું ઉદ્‌ઘાટન કર્યા બાદ આ નિમિત્તે યોજાયેલા સમારંભમાં બોલતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વાવાઝોડાનો ભોગ બનતા ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સામે ઝીક ઝીલી શકે તેવાં પાકાં મકાનોની વસાહત બાંધવાની યોજના સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી હાથ ધરવા સરકાર તત્પર છે. આ માટે જરૂરી સુવિધા અપાશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત માનવીઓને સધિયારો આપવાનું આયોજન ક૨ના૨ શ્રીરામકૃષ્ણ આશ્રમ અને તેમાં સહભાગી બનેલી મુંબઇ સમાચાર, ફૂલછાબ, નોબત દૈનિકો, અમેરિકાનું હિન્દુ સેન્ટર વગેરે અભિનંદનને પાત્ર છે. સમાજમાં સારું કાર્ય કરે તેને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી.

તેમણે ઉપસ્થિત ગ્રામજનોને ઉદ્દેશીને કહ્યું હતું કે, સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ કુદરતી આફત વખતે વખતો વખત સહાયરૂપ બને તેમ ગ્રામજનોએ પણ પોતાના સાનુકૂળ સંજોગોમાં બીજા જરૂરિયાતવાળા લોકો માટે યથાશક્તિ સહાયભૂત બનવું જોઈએ જ્યોતથી જ્યોત જલાવાય તેમ માનવતાની ભાવનાની જ્યોત જલતી રખાય તો આવી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બની શકે. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થી અવસ્થાથી જ સ્વામી વિવેકાનંદજીના સંદેશથી પ્રભાવિત થયા છે.

‘મુંબઈ સમાચાર’ દૈનિકના ડાયરેક્ટર અને મુખ્ય મહેમાન શ્રી મેહેલી કામાએ આ પ્રસંગે આ વસાહત માટે મુંબઈ સમાચારના સ્વપ્નને સાકાર થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ માટે સરકાર અને રામકૃષ્ણ મિશન વગેરે સહયોગીઓનો આભાર વ્યક્ત કરી મકાનના લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

અતિથિવિશેષ અને ‘ફૂલછાબ’ દૈનિકના તંત્રી શ્રી દિનેશભાઈ રાજાએ આ પ્રસંગે ભક્તકવિ નરસિંહ મહેતાના એક કાવ્યની પંક્તિ ‘આપણે આપણા ધર્મને સંભાળવા’ તેનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, અહીં ધર્મ એટલે કર્તવ્ય, ફરજ નિભાવવાં જોઈએ.

સમારંભના પ્રારંભમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે વાવાઝોડાગ્રસ્ત બેઘર લોકો માટે રહેણાક મકાનોની વસાહત ઊભી કરવા વ્યક્ત કરેલી ઇચ્છા દાતાઓના સહયોગથી સાકાર થઈ છે. આ અંગે તેમણે આનંદ વ્યક્ત કરી જાહેર કર્યું હતું કે, આવી બીજી વસાહત નંદાણા ગામે, ૯૦ મકાનો સાથે તૈયાર થઈ રહી છે.

આ તકે સ્વામી જિતાત્માનંદજીએ પંચમહાલમાં આદિવાસી લોકોના રહેણાકની વસાહત માટે અને પોરબંદરમાં હૉસ્ટેલ તથા દવાખાના માટે સરકાર જમીન ફાળવે તેવી રજૂઆત કરતાં એ જ વખતે મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલે આ જમીન ફાળવવામાં આવશે તેમ જાહેર કર્યું હતું.

મુંબઇથી આવેલા રામકૃષ્ણ મિશનના વડા સ્વામી વાગીશાનંદજીએ લાભાર્થીઓને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા. લીંબડીના સૅક્રેટરી સ્વામી આદિભવાનંદજી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, મુંબઇ સમાચારના ડાયરેક્ટર શ્રી મેહલી કામા, ‘ફૂલછાબ’ના તંત્રી શ્રી દિનેશભાઈ રાજા, ‘નોબત’ના તંત્રી શ્રી પ્રદીપભાઈ માધવાણીને સ્વામી વિવેકાનંદની લૅમીનેટ તસવીરો અને શાલ અર્પણ કરી તેમનું અભિવાદન કરાયું હતું.

મહેસુલ રાજ્યમંત્રી શ્રી મુળુભાઈ બેરા, સંસદસભ્ય શ્રી ચંદ્રેશ પટેલ, ધારાસભ્ય શ્રી કાળુભાઈ ચાવડા, કલેક્ટર શ્રી ગિરિશચંદ્ર મુર્મુ, ડી.ડી.ઓ. શ્રી પ્રકાશ શાહ, ડૅપ્યુટી ડી.ડી.ઓ. શ્રી એ. બી. પારેખ, તાલુકા વિકાસ અધિકારી શ્રી એમ. જે. મહેતા, શિક્ષણશાસ્ત્રી શ્રી દુષ્યંત પંડ્યા, અન્ય આમંત્રિતો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રામકૃષ્ણ મિશન, પોરબંદરના સક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કર્યું હતું.

નંદાણા ગામમાં ચાલતું પુનર્વસવાટકાર્ય

જામનગર જિલ્લાના જામખંભાળિયા તાલુકાના નંદાણા ગામમાં વાવાઝોડાગ્રસ્તો માટે ૯૦ આવાસોનું પુનર્વસવાટ કાર્ય ચાલી રહ્યું છે. તા. ૨૫ ડિસેમ્બર સુધીમાં ૫૬ મકાનોનું કામ લગભગ પુરું થવા આવ્યું છે.

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મૅનૅજમેન્ટ કાર્યશાલા

તા. ૧૮ અને ૧૯ ડિસેમ્બર, ૧૯૯૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ‘સર્વન્ટ લીડરશીપ’ ઉપર એક મૅનૅજમેન્ટ કાર્યશાલા યોજાઈ ગઈ. જેમાં ૪૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મુખ્ય વક્તાઓમાં ડૉ. એન.એચ. આત્રેય, ડાયરેક્ટર, એમ. એમ. સી., મુંબઈ, શ્રી જી. નારાયણ, ડાયરેક્ટર, એક્ષેલ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી સુરેશ પંડિત, મૅનૅજમેન્ટ નિષ્ણાત, મુંબઈ, અને શ્રી શ્રીધર રેડ્ડી, જોઈન્ટ જનરલ મૅનેજર, એચ.એમ.ટી. બેંગલોર હાજર હતા.

અત્યારે આ વિષયમાં પશ્ચિમમાં ચાલી રહેલા કેવળ ભૌતિકવાદી અભિગમને બદલે આધ્યાત્મિક ભાવનું એમા આરોપણ કરવામાં આવે તો વધારે સારા પરિણામો આવી શકે તેવો પ્રધાન સૂર નિષ્ણાતો તરફથી આ કાર્યશાલામાં અભિવ્યક્ત થયો હતો. આ આધ્યાત્મિક અભિગમનો મૂળ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારામાં સુસ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે તેવું મંતવ્ય નિષ્ણાતોએ ભારપૂર્વક જાહેર કર્યું હતું.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ચિકિત્સા સેવા કાર્યો

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર તરફથી તા. ૧૯ નવેમ્બર ૧૯૯૮ના રોજ યોજાયેલ નવમા નેત્રયજ્ઞનું આયોજન શ્રી કીશોરલાલ શાહ, યુ.કે.ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ નેત્રયજ્ઞનો લાભ ૪૨૫ દર્દીઓએ લીધો હતો. ૫૦ દર્દીઓનું નિઃશૂલ્ક ઑપરેશન કરવામાં આવ્યું હતું.

સર્વરોગ નિદાન શિબિર

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના કુછડી ગામમાં તા. ૧૫ નવેમ્બર, ૧૯૯૮ના રોજ એક સર્વરોગ નિદાન શિબિર કરવામાં આવી હતી. જેમાં ૨૦૮ દર્દીઓને નિઃશૂલ્ક સારવાર આપવામાં આવી હતી. આ શિબિરમાં પોરબંદરના પાંચ ડૉક્ટરોએ સેવા આપી હતી.

પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ મિશન દ્વારા થયેલાં પ્રાથમિક રાહત-સેવા કાર્યો

માલદા જિલ્લાના સાદુલ્લાપુર, ભૂતની અને અન્ય ૩૦ ગામડાંમાં પૂરગ્રસ્ત લોકોમાં ૧૦૦૦ ધોતિયાં, ૧૬૫૦ સાડી, ૮૯૦ લુંગી, ૧૬૯૦ બાળકોનાં કપડા અને ૧૦૪૫ ગરમ ધાબળાનું વિતરણ કાર્ય માલદા આશ્રમ દ્વારા થયું છે.

નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા વિશાળપાયે હાથ ધરાયેલ પૂરરાહતસેવા કાર્ય હેઠળ મુર્શિદાબાદ જિલ્લાના લાલગોલા, ભગવાનગોલા, જલાંગી અને અન્ય પાંચ તાલુકાના ૩૬ ગામડાંનાં ૬૦૦૦ પૂરપીડિત કુટુંબોમાં ૨,૪૮,૦૦૦ કિ.ગ્રા. ચોખા ૨૧,૧૫૦ કિ.ગ્રા. દાળ, ૨૦૦૦ કિ.ગ્રા. તેલનું વિતરણ કાર્ય થયું છે.

સારગાછી આશ્રમ દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના સુતી – ૧/૨ તાલુકાના પૂરપીડિતોમાં ૨૦૦૦ સાડી, ૧૦૦૦ ધોતિયાં, ૧૦૦૦ લુંગી, ૧૦૦૦ ચાદર, ૧૦૦૦ બાળકોનાં કપડાં, ૧૦૦૦ ધાબળા અને ૪૦૦૦ બીજા તૈયાર કપડાંનું વિતરણ કાર્ય થયું છે.

કૂચ બિહારના તુફાનગંજ વિસ્તારમાં જલપાઈગુડી આશ્રમ દ્વારા ૮૪૬ સાડી, ૫૮૪ ધોતિયાં, ૩૦૦ લુંગી, ૮૨૫ બાળકોનાં કપડા, ૩૨૧૦ ધાબળાનું વિતરણ કાર્ય થયું છે.

કોન્ટાઈ આશ્રમ દ્વારા મિદનાપુર જિલ્લામાં ૪૦૦ સાડી, ૪૦૦ બાળકો માટેનાં તૈયાર કપડાં વગેરેનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું છે.

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.