જે બધા આ સંસારમાં રહે છે તેઓ ભલે પરિણીત હોય કે અપરિણીત હોય પણ જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેમાંના ઘણાને વધતુ કે ઓછું કાર્ય કર્યે જ છૂટકો છે. આખો દિવસ જપ કે ધ્યાનમાં તન્મય બનીને રહેવું તે બધાને માટે નિર્માયું નથી. મન સંપૂર્ણપણે વિશુદ્ધ ન થાય ત્યાં સુધી તે લાંબા સમય માટે એકાગ્ર થઈ શકે નહિ. તે બહાર જશે અને સાંસારિક પદાર્થોને શોધશે. આ બહિર્મુખી મનોવૃત્તિઓનો લાભ લેવા સુધ્ધા અને સંસારના પદાર્થો અને પ્રવૃત્તિઓમાં તે રોકાયેલ હોય ત્યારે તેનો લાભ લેવા કર્મયોગ યોગ્ય રીતે સમજવો જોઈએ. અને તેનો અભ્યાસ કરવો જોઈએ.

કર્મયોગની ફિલસૂફી સાદી છે. હકીકત એ છે કે આપણું શરીર વિશાળ વિશ્વનો એક ભાગ છે અને આપણું મન અનંત વિશ્વનો એક ભાગ છે અને આપણું મન અનંત વિશ્વ માનવનો એક અંશ છે. હવે સ્થૂળ વિશ્વ શરીર અને મનનું સંચાલન અને નિયમન ભગવાન અથવા વિશ્વાત્મા કરે છે. જો તેમ હોય તો આપણા પોતાના શરીરના અણુએ અણુ અને મનની પાછળ ખરેખર ભગવાન નિયંતા અને ભર્તા છે. તો પછી ઈશ્વર અને શરીર-મન વચ્ચે આપણા પોતાના અહંકારને મુકવાની – ઘૂસાડવાની શી જરૂર છે? આપણે તેને ખસેડી લઈએ તે જરૂરી છે. શરીર અને મન ઈશ્વરની માલિકીનાં છે, નહિ કે અહંકારના. એટલે આપણા અહમ્‌ને તેમની સાથે કે તેમની પ્રવૃત્તિઓ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ જરા પણ રહેવા ન દો. હવેથી ભલે ઈશ્વર તેમનું સંચાલન કરે. જો આપણે આ અવસ્થા સાચોસાચ પ્રાપ્ત કરી શકીએ તો આપણે આપણી જાતને શરીર અને મનથી તત્ક્ષણ મુક્ત બનેલી અને સ્વયં બ્રહ્મ સાથે તાદાત્મ્ય અનુભવી શકીશું. આપણે સાચી જાતને – આત્માને ઓળખીશું. પરંતુ આ સ્થિતિએ પહોંચવું સહેલું નથી. તેમ છતાં તે જ ભાવથી આપણે બધું કાર્ય કરવા પ્રયત્ન કરવો જોઈએ, કર્મયોગીએ હંમેશાં એમ અનુભવવું જોઈએ કે તે શરીર અને મનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ નથી. તે તેમનો નિયંતા કે સંચાલક નથી. આ અનાસક્તિ કર્મયોગનું ખરું હાર્દ છે..

કર્મયોગ ઉપર સર્વોત્તમ પ્રકાશ ગીતાએ પાડ્યો. ગીતામાં અમિશ્રિત-અયુક્ત કર્મયોગનું સામાન્ય રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું નથી. કારણ કે બહુ ઓછા લોકો તેનો અભ્યાસ કરી શકે તેવા હોય છે. મોટાભાગના માણસો માટે તો અભ્યાસ સરળ બનાવવા માટે તેને ભક્તિયોગ કે જ્ઞાનયોગ સાથે સાંકળવો પડે છે. આમ, ગીતા ઉપદેશે છે કે આપણે આપણા કર્મોનું ફળ ભગવાનને સમર્પિત કરવું જોઈએ. જો આપણને ઈશ્વરમાં પ્રેમ- હોય, ભક્તિ હોય તો આપણને આમ કરવું ઘણું સહેલું લાગશે. આપણે જે કંઈ કરીએ તે દેખીતી રીતે સારું હોય કે નરસું ભગવાનના શ્રી ચરણોમાં તે અર્પણ કરવું જોઈએ કે જેથી તે કર્મ આપણને બંધનમાં ન નાંખે અને આપણને આવી ભગવત્ શરણાગતિના સતત અભ્યાસ દ્વારા અનાસક્તિ શીખવે અથવા જો આપણે જ્ઞાનયોગના અભ્યાસી હોઈએ તો આપણે સહેલાઈથી કર્મમાં અનાસક્તિનો નિષ્કામ કર્મયોગનો અભ્યાસ કરી શકીએ. કેમકે સ્વયં જ્ઞાનયોગ પોતે જ આપણને બધાં કર્મો અને તેમના પરિણામોથી પર ગણવા પ્રેરશે. એટલા માટે કર્મયોગને ભક્તિયોગ અથવા જ્ઞાનયોગની સાથે સંયોજિત કરવાનું સર્વોત્તમ છે. .

કર્મયોગની સાધનામાં ઓછામાં ઓછી ત્રણ ભૂમિકાઓ છે. સૌ પ્રથમ મનની વિશુદ્ધિ માટે કર્મયોગનો અભ્યાસ કરી શકાય. મોટાભાગના લોકો સ્વાર્થી હોય છે. અને મલિન વાસનાઓથી ભરેલા હોય છે. તેઓ હંમેશાં પોતાની હલકટ સ્વાર્થી વાસનાઓ તૃપ્ત કરવામાં રોકાયેલા રહે છે. આવા મનવાળા માણસો આધ્યાત્મિક આદર્શોની ધારણા કેવી રીતે કરી શકે? આમ છતાં તેમણે જો આધ્યાત્મિક બનવું જ હોય તો તેમને વધુ ને વધુ ઉચ્ચ સ્થિતિએ લઈ જવા જોઈએ. આવા માણસો માટે નિષ્કામ કર્મ શ્રેય કરનારું છે. બીજાઓના કલ્યાણ માટે તેઓ કામ કરે, અલબત્ત શરૂઆતમાં તેઓ આવી સેવા નિષ્કામ રીતે કરી શકશે નહિ. પરંતુ તેમની બાબતમાં આનો કંઈ વાંધો નથી. તેમને માટે મુશ્કેલ હોય તેવું નિઃસ્વાર્થ કામ કરવાની પ્રથમ તેમને ટેવ પડવા દો. આવું નિષ્કામ કર્મ પ્રથમ તેમના મનને પવિત્ર કરે છે. જ્યારે મન પૂરતા પ્રમાણમાં વિશુદ્ધ બને ત્યારે તેમને અંતરમાં અનુભવ થશે કે ઈશ્વર કે આત્મા જેવું કંઈક અસ્તિત્વ ધરાવે છે, જે શાશ્વત છે અને પરિવર્તનશીલ સંસારથી પર એવું તત્ત્વ છે; અને તેનો સાક્ષાત્કાર કરવાની લગન તેમને લાગશે તે પછી તેમનાં કર્મો અને એનાં ફળ ઈશ્વરને અર્પણ કરવાનું તેમને માટે શક્ય બનશે. કર્મયોગની સાધનાનું આ પહેલું પગથિયું છે : મનની વિશુદ્ધિ માટે બધાં કર્મો કરો.

બીજી ભૂમિકામાં, કર્મ ભગવત્‌પૂજાની ભાવનાથી કરવામાં આવે છે. ઈશ્વરી અસ્તિત્વના ભાવમાં આપણે એવા ઓતપ્રોત બની જઈએ છીએ કે એક ક્ષણને માટે સુધ્ધાં તે દૈવી સત્તાથી આપણે વિમુખ બનવા માંગતા નથી. જીવનની પ્રત્યેક ક્ષણે આપણે તેને ભજવા માંગીએ છીએ. જ્યાં સુધી આપણે તેને પ્રાર્થના કરીએ, અથવા તેના નામનો જપ કરીએ, અથવા તેનું ચિંતન-મનન-ધ્યાન કરીએ, કે તેની સ્તુતિ કરીએ અથવા તેને લગતાં ગ્રંથો વાંચીએ અથવા મંદિરમાં તેની પૂજા કરીએ ત્યાં સુધી તે સહેલું છે. પરંતુ આ સિવાયના બીજા સમયમાં આમ સભાન રીતે ભગવાન સાથે આપણે જોડાયેલા હોતા નથી. કારણ કે, આવા સમયમાં કદાચ, આપણા જીવન-નિર્વાહ માટે આપણે કામ કરવું પડે છે અને તે ઉપરાંત સામાજિક કર્તવ્યો પણ બજાવવાનાં હોય છે. આવું હોય ત્યારે આપણે આ બધાં દેખીતાં વ્યાવહારિક કર્મોને સુધ્ધાં ભગવાનની પૂજા સમજીને કુશળતાપૂર્વક કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ ભગવાનની પૂજા બની જાય છે. અલબત્ત અહીં પણ આપણે પ્રત્યેક કર્મ ઈશ્વરને અર્પણ કરીએ છીએ. હકીકતમાં ઈશ્વરને અર્પણ કરવાની ઈચ્છા એ જ બધી પૂજાનો અંતિમ સાર છે. અને આ બધાં કર્મો કરતાં – કરતાં તેના ફળ માટે અનાસક્ત રહેવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ પૂજાની ભાવના સ્વયં કર્મને અત્યંત મધુર અને સ્વાભાવિક બનાવે છે.

પરંતુ આમ છતાં, અહંકાર વળગી રહે છે. આપણને હજુય લાગતું નથી કે ઈશ્વર કર્તા છે, આપણે નહિ. આપણને લાગતું નથી કે ઈશ્વર આપણા મન અને શરીરની બધી ક્રિયાઓનું સંચાલન કરે છે. જ્યારે પૂજાની ભાવના અતિ તીવ્ર બને છે ત્યારે આત્મ-વિમોચન સભાનપણે રત હોય ત્યાં સુધી તેમને કોઈ ચિંતા કરવાપણું નથી, પરંતુ તેમનાં કર્તવ્યો જેવાં કે ઓફિસમાં, કુટુંબમાં અને સામાજિક વર્તુલોમાં તેઓ હોય ત્યારે તેમણે શું કરવું? તેમણે આ બધાં કર્તવ્યો પણ ભગવાનની પૂજા ગણીને કરવાં જોઈએ. ધારો કે એક માણસ ક્લાર્ક છે. તેણે પોતાના કામને ઈશ્વરની પૂજા સમજીને કરવું જોઈએ. તેનું ઑફિસકામ તેણે એવી વ્યાકુળ પ્રાર્થનાથી શરૂ કરવું જોઈએ કે તે-જે કોઈ કર્તવ્યો કરે તે સ્વયં ઈશ્વરની પૂજારૂપે હોય તે રીતે કરે. તેના અંતરના અંતરમાં તેને લાગવું જોઈએ કે ટેબલ ઉપરનું તેનું કામ તેની કચેરીના ઉપરી અધિકારીઓના સંતોષ માટે નહિ પરંતુ ઈશ્વરના સંતોષને ખાતર તે કરે છે. મંદિરમાં તે ઈશ્વરને પત્રો-પુષ્પો અને ધૂપ ધરે છે પરંતુ ઓફિસમાં તે પોતાના કામને અર્પણ કરે છે. આ ભાવનાથી તે કામ શરૂ કરે; અને કામની વચ્ચે વચ્ચે વારંવાર આ હેતુનો ખ્યાલ કરે; અને જ્યારે તેનું રોજનું કામ પૂરું થઈ જાય ત્યારે તે ઈશ્વરને અર્પણ કરે. દિવસ પૂરો થાય ત્યારે તેના બધા વિચારો, કાર્યો, ઈચ્છાઓ, તેનું શરીર, મન અને જીવ એ બધા તે ઈશ્વરને અર્પણ કરે. આમ કરવાથી તેનું ઘરકામ, ઑફિસકામ કે સમાજસેવાનું કામ આધ્યાત્મિક બની જશે. ધારો કે બીજો માણસ એક કારખાનામાં મીકેનિક છે. તે પણ એમ જ સમજે કે તેનું કામ ભગવાનની પૂજા છે. હકીકતમાં, દરેક કાર્ય તેના બહારથી દેખાતા ચોકઠામાંથી ઊંચકી લેવું જોઈએ અને પુષ્પોની જેમ ઈશ્વરાર્પિત કરવું જોઈએ. આમ, આપણી પોતાની ભક્તિથી સુમધુર કરીને અને દૈવી સહવાસ-સાન્નિધ્યમાં પરોવીને આપણા આત્મામાં ઈશ્વર સાથે તીવ્ર અનુસંધાન રાખીને પ્રત્યેક કાર્ય માટે એક નવા કલેવરનું સર્જન કરવું જોઈએ. આ આંતરિક જગત છે જ્યાં એક માત્ર ઈશ્વર રાજ્ય કરે છે, અને તેને જ પ્રત્યેક કર્મ આપણે સમર્પિત કરવું જોઈએ,

આપણે યાદ રાખવું જોઈએ કે આપણો ઉદ્દેશ કર્મ કરવાનો નથી, પરંતુ ઈશ્વરમાં ધ્યાન મગ્ન બનવાનો છે. કર્મયોગની ટોચે પહોંચતાં નિઃશંક આ ઈશ્વરમાં ધ્યાનમગ્નતા આપોઆપ આવે છે. પરંતુ જેઓ ઉચ્ચકોટીના કર્મયોગીઓ નથી, અને જેઓ હાર્દમાં ભક્તિયોગીઓ કે જ્ઞાનયોગીઓ છે તેઓ કર્મ ઘટાડવા પ્રયત્ન કરશે અને ઈશ્વરની ચેતનામાં પોતાની જાતને મગ્ન કરવા પ્રયાસ કરશે. તેમનો પ્રયાસ દિવસના ભાગના સાંસારિક વ્યવસાયો અને કાર્યો ઓછાં કરતાં જવાનો અને ધ્યાન અને પ્રાર્થનાનો સમય વધારતાં જવાનો રહેશે, જેથી ભગવદ્‌ ભાવમાં કર્મને લઈને કોઈ દખલ ન થાય. આ રીતે આખો દિવસ ભગવદ્ ભાવ અને ભગવત ચિંતનમાં અખંડ અને દીર્ઘ ચિદાનંદમાં તેનું મન મગ્ન રહે.

પરંતુ ગીતાની ચેતવણીની અહીં ફરી યાદ દેવડાવવાની કદાચ જરૂર છે. માત્ર કર્મનો બહા૨નો ત્યાગ એ સાચો વૈરાગ્ય નથી. તે ત્યાગ બધાય કરતાં વધુ તો આંતરિક હોવો જોઈએ. કુદરતી રીતે જ મન બધા કામમાં સ્વયંભૂ રીતે જ અનાસક્ત બનવું જોઈએ. દૈવી તદ્‌રૂપતાની સ્થિતિ સ્વાભાવિક હોવી જોઈએ, બહારથી લદાયેલી નહિ. કેમકે બીજા કિસ્સામાં પ્રત્યાઘાત અને આખરે સમય અને શક્તિની બરબાદી થયા વિના રહેશે નહિ. એટલા માટે વધુ સારું એ છે કે બળજબરીપૂર્વક કોઈપણ કર્મનો ત્યાગ ન કરવો; પરંતુ તે કર્મને ભગવદ્‌ ભાવપૂર્વક કરવા પ્રયાસ કરવો તે વધુ સારું છે. જ્યારે ભગવદ્‌ ભાવનો તીવ્ર વિકાસ થશે ત્યારે બાહ્ય કર્મ આપણા કોઈપણ જાગ્રત કે સચેત પ્રયત્ન વિના પણ આપોઆપ ખરી પડશે.

એ કહેવું જરૂરી નથી કે અહીં આપણે કર્મયોગનો આધ્યાત્મિક સાધના તરીકે વિચાર કર્યો છે. તેનું એક સામૂહિક અને રાષ્ટ્રીય સ્વરૂપ છે જે સાથે અહીં આપણે કોઈ સંબંધ નથી.

ભાષાંતર : શ્રી યશસ્વીભાઈ મહેતા
(‘Spiritual Practice’માંથી સાભાર)

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.