મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯૯૫ના વર્ષથી ગાંધીજીના આદર્શો સાથે વિશ્વના કોઈ પણ દેશમાં શાંતિ, અહિંસાને માર્ગે ચાલીને નિઃસ્વાર્થભાવે સમાજના પીડિત-દલિત લોકોમાં સામાજિક ન્યાય, શાંતિ, સર્વધર્મસમભાવ, ભ્રાતૃભાવનાનાં ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરતા સેવાકાર્ય કરનારને ભારત સરકારના સાંસ્કૃતિક અને માનવ સંસાધન વિભાગના મંત્રાલય દ્વારા ૧ કરોડ રૂપિયાના રોકડ પારિતોષિક સાથે પ્રશસ્તિપત્ર ‘ગાંધી શાંતિ પારિતોષિક’ના રૂપે દર વર્ષે અર્પણ કરવામાં આવે છે. ૧૯૯૮નું ‘ગાંધી શાંતિ પારિતોષિક’ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત શ્રીરામકૃષ્ણ મિશનને એના એક સૈકાના માનવ સેવાનાં વિશિષ્ટ સેવાકાર્યો માટે એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રશસ્તિ પત્ર વાચકોની જાણકારી માટે અહીં આપવામાં આવે છે. -સં.

૧૯૯૮નો ગાંધી શાંતિ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર શ્રીરામકૃષ્ણ મિશનને અર્પણ

સત્ય અને અહિંસાનું આરક્ષણ, રોગી-પીડિતોના રોગોનું, દુઃખોનું નિવારણ, કમભાગી અને નિરાશ્રિત લોકોના પુનર્વસનના ચિરકાલીન પડકારો માનવજાતને ભીડી રહ્યા છે. મહાત્મા ગાંધીજી જેવી ભારતની મહાન અસ્મિતાઓએ આ બધી પ્રાથમિક સમસ્યાજનક બાબતો વિશે વાતો-ચર્ચા કરી છે. ગાંધીજી આપણા ભારતીય ઇતિહાસ અને અમૂલ્ય વારસાનું એક સર્જન છે. એમ કહેવાયું છે કેઃ ‘ભારત સિવાય વિશ્વના કોઈ રાષ્ટ્ર કે હિન્દુધર્મ સિવાયના બીજા કોઈ ધર્મે આવો મહાપુરુષ-મહાત્મા ગાંધી વિશ્વને આપી શક્યો ન હોત.’ ગાંધીજી સમાજ સેવક, અને કર્મયોગી હતા. ‘દેશ’ અને ધર્મ’ એમની બે આંખો હતી અને એમનું જીવન એ જ લોકો માટેનો સંદેશ હતો.

પોતાનાં કાર્યો, આચરણ અને વિચારશૈલીમાં પૂર્ણપણે અને સાચી રીતે ગાંધીજીના વૈશ્વિક દૃષ્ટિકોણને ઉતારનારનું સન્માન કરવા ભારતની સરકારે આ ‘ગાંધી શાંતિ પારિતોષિક’ની સંરચના કરી છે. આ પારિતોષિક-બહુમાન સ્વામી વિવેકાનંદે મે, ૧૮૯૭માં સ્થાપેલ સંસ્થા શ્રીરામકૃષ્ણ મિશનને એક સંસ્થારૂપે સર્વ પ્રથમ વાર એનાયત કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની દૃષ્ટિએ જેમનું જીવન ધર્મના આચરણના પ્રત્યક્ષ રૂપની એક અનન્ય જીવંત કથા છે એવા શ્રીરામકૃષ્ણ અને એમના મહાન શિષ્ય સ્વામી વિવેકાનંદ ભારતીયતાના પ્રતીક સમા હતા. આધ્યાત્મિક શક્તિ, વૈજ્ઞાનિક દૃષ્ટિવાળાં મન-બુદ્ધિ, સર્વને આવકારતી કરુણા અને વૈશ્વિક, ભાતૃભાવનાના તેઓ મૂર્ત રૂપ હતા. સ્વામી વિવેકાનંદે જ શ્રીરામકૃષ્ણદેવના ‘સર્વધર્મ સમભાવ’ના સંદેશને આધ્યાત્મિક કાર્ય-પ્રણાલિમાં ઢાળી દીધો હતો. સ્વામી વિવેકાનંદના આપણા પ્રાચીન વેદાન્તિક જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક વિચારસરણી વિશેની વિષદ ચર્ચા-વિચારણાએ આધ્યાત્મિક જ્ઞાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વચ્ચે એક સેતુનું કામ કર્યું છે. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ધર્મ પણ એક વિજ્ઞાન છે અને આધુનિક વિજ્ઞાનની ઘણી શોધોમાં પણ વેદાંતનાં પડઘા છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકતાના આ યુગમાં ઉત્તમ કલાવિદ્યાઓ અને આધ્યાત્મિકતાનો જીવનના વિકાસમાં સમાંતર વિકાસ સાધવો જ રહ્યો. માનવ કંઈ કુંભારના ચાકડા પર ચડેલો અને ગોળગોળ ફરતો માટીનો પીંડ માત્ર નથી. એ તો છે પોતાના સામાજિક પર્યાવરણનો સ્વામી તેમજ પોતાના ભવ્ય ભૂતકાળનો વારસ પણ એ છે. નિત્ય-નવીન શોધનાનું જિજ્ઞાસુ મન, અંતઃપ્રેરણાથી ભર્યું હૃદય, શોધના કરતાં અંતઃકરણ-બુદ્ધિ, સચેતન-સૂક્ષ્મ આત્મા, આ માનવ દેહ ધરાવે છે. તેને મન લોખંડની છડ જેટલું વૃક્ષનું જીવન મહત્ત્વનું છે. આ જ આદર્શના મહત્ત્વને જાણી સમજીને શ્રીરામકૃષ્ણ મિશને આપણા સાંસ્કૃતિક વારસા વિશે પ્રકાશનો બહાર પાડ્યાં છે. આપણા ભવ્ય ભૂતકાળ પર પ્રકાશ પાડતાં મિશને આપણને આપણે જ્યાં જન્મ્યા છીએ એ મંદિરની પ્રભાને નિરખતાં કર્યાં છે.

‘અસ્તિ બ્રહ્મેતિ ચેદ્‌ વેદ પરોક્ષમ્ જ્ઞાનમ્ એવ તત્’ એમ કહેનારાઓ અને ‘અહમ્ બ્રહ્મેતિ ચેદ્‌ વેદ અપરોક્ષમ્ તત્ તુ કથ્યતે’ એમ કહેનારાઓ વચ્ચે વિચારભેદ છે. ઈશ્વરનું અસ્તિત્વ છે- ઈશ્વર વસે છે એ કહેવા કરતાં માનવની ભીતર રહેલા પ્રભુને નિહાળવા-જાણવા માટે દરેક વ્યક્તિને સહાયરૂપ બની શકાય તો એ દિવ્યજ્યોતિનાં દ્યુતિ કિરણથી આપણો માનવ આત્મા મહેકી ઊઠે છે. અને તો માનવ માત્ર હાડ માંસનું પૂતળું જ નહીં બની રહે પરંતુ તે બની જશે સત્યનો સંદેશવાહક. આ દિવ્યતા સાથે સીધો સંપર્ક – સંબંધ, દિવ્યતાની ગહનતાને પામવાનો પ્રયાસ, કરુણા-ભાવના વલણનો વિકાસ એ જ ધર્મનું સારભૂત તત્ત્વ છે. સ્વામી વિવેકાનંદ આ આધ્યાત્મિકતાના પયગંબર હતા અને આ ભીતરની દિવ્યતા સાથે સીધો સંબંધ સાધવા માનવને શક્તિમાન બનાવવા ઇચ્છતા હતા. એમના મતે સામાજિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ‘નરસેવા એ જ નારાયણ સેવા’ હતી.

એટલે જ સ્વામી વિવેકાનંદે શરૂ કરેલ શ્રીરામકૃષ્ણ મિશને હંમેશા પોતાનું લક્ષ્ય આચરણ અને સેવા પર કેન્દ્રિત કર્યું છે. પ્રકૃતિના પ્રકોપથી પીડિત લોકો માટે રાહતસેવા, પુનર્વસવાટ સેવાકાર્યો, બાળકો અને યુવાનોની શિક્ષણના માધ્યમ દ્વારા જ સેવા, આદિવાસી કલ્યાણ કેન્દ્રો દ્વારા આદિવાસી પ્રજાજનોની તાત્કાલિક જરૂરત પૂરી પાડવાની કલ્યાણ સેવા, આરોગ્ય- ચિકિત્સા સેવા દ્વારા પીડિતોનાં દુઃખ દર્દને દૂર કરવાની સેવા, સર્વધર્મ સમભાવનાં ઉપદેશ તેમજ આચરણ દ્વારા લોકોમાં સર્વધર્મ સમભાવ અને ભાઈચારાની ભાવના જગાડવાનાં સેવા- કાર્યો કરીને સેવાનાં વિવિધ ક્ષેત્રોમાં આપણા દેશમાં, વિદેશમાં દુનિયાભરમાં મિશને પોતાનું નામ કાઢ્યું છે. પોતાના અને પોતાની ભ્રાતૃસંસ્થા શ્રી શારદા મઠ અને શ્રીરામકૃષ્ણ-શારદા મિશનના વિનમ્ર કાર્ય-પ્રયાસો દ્વારા નારી ઉત્થાનના ક્ષેત્રે પણ આ સંસ્થાએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. રામકૃષ્ણ મિશનનાં ૧૩૭ કેન્દ્રો છે. દવાખાનાં, ઈસ્પિતાલો, શાળાઓ, મહાશાળાઓ, અનાથાલયો, વિદ્યાર્થીમંદિર, ગ્રામોદ્ધાર તેમજ આદિવાસી લોકોના ઉન્નતિ-કલ્યાણ માટે કાર્યરત કેન્દ્રો દ્વારા વિવિધ અને વિસ્મૃતિપૂર્ણ સેવાલક્ષી સંસ્થાઓનું સંચાલન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

આત્માનુભૂતિના સાધન તરીકે નિઃસ્વાર્થ સેવા ભાવના પર ભાર મૂકવાને કારણે શ્રીરામકૃષ્ણ મિશન આ દેશના અને વિદેશના લોકો માટે શાંતિ અને સુખાકારીનું એક મોટું સ્રોત બની ગયું છે. જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે ભાષાના ભેદભાવથી પર રહીને આ સંસ્થા દ્વારા અપાયેલી અને અપાતી સેવાની બારી સૌ કોઈને માટે ખુલ્લી છે. ભારત જેવા વિવિધ ધર્મ -સંપ્રદાયો અને જ્ઞાતિ-જાતિઓ સાથે જીવતા લોકોમાં સર્વ પ્રત્યે સહિષ્ણુતા સમભાવ અને ભાઈચારાની ભાવનાની વિચારસરણી સૌથી વધારે આવશ્યક અને પ્રાસંગિક છે. મહાત્મા ગાંધીજીએ આ જ આદર્શોને પોતાના જીવનમાં સેવ્યા હતા.

નિઃસ્વાર્થ અને સક્રિય સામાજિક સેવા કાર્ય-ગાંધીજીની આ જીવન વિભાવનાનું શ્રીરામકૃષ્ણ મિશન એક પ્રત્યક્ષ ઉદાહરણ છે. શ્રીરામકૃષ્ણ મિશન કે જેણે છેલ્લા એક સૈકાથી સમર્પણભાવે અને ગાંધીજીના વિચાર અને આચરણને પ્રતિબિંબિત કરતા માનવસેવાના ઉત્તમ કાર્યો કર્યાં છે એટલે ભારત સરકાર આ સંસ્થાને ૧૯૯૮નું મહાત્મા ગાંધી શાંતિ પારિતોષિક અર્પીને સંસ્થાએ કરેલાં સેવાકાર્યો માટે આ સંસ્થાનું બહુમાન કરે છે.

પોરબંદરમાં ગરીબો માટે દવાખાનાનો પ્રારંભ

શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા આજથી સો વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે પ્રારંભ કરેલ રામકૃષ્ણ મિશન, બેલુર મઠ (કલકત્તા)ના પોરબંદર કેન્દ્ર દ્વારા ગરીબોની નિઃશૂલ્ક ચિકિત્સા માટે વિવેકાનંદ ધર્માર્થ ચિકિત્સાલયનો પ્રારંભ થયો. છે જેનું વિધિવત્ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મિશનના જનરલ સૅક્રેટરી સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૧૩મી માર્ચ ૧૯૯૯ના રોજ થયું છે. અહીં પોરબંદરના નિષ્ણાત ડૉક્ટરો પોતાની સેવાઓ આપી રહ્યા છે. દર સોમવારે અને ગુરુવારે હોમિયૉપૅથી, દર મંગળવારે અને શુક્રવારે આયુર્વેદિક તેમજ દર બુધવારે અને શનિવારે એલોપેથી વિભાગ સવારના ૮ થી ૧૦ સુધી ચાલુ હોય છે. દર રવિવારે દવાખાનું બંધ હોય છે.

પોરબંદર-રામકૃષ્ણ મિશનના પુસ્તકાલય ભવનનો શિલાન્યાસ

શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૨૪મી માર્ચ ’૯૯ સવારના ૭ વાગ્યે શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં ભવ્ય પુસ્તકાલય – પ્રાર્થના મંદિર – સભાખંડના ભવનનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો.

આ નિમિત્તે યોજાયેલ ૨૧મી માર્ચની જાહેરસભામાં સ્વામી વિવેકાનંદની પદરજથી પાવન થયેલી આ ભૂમિ પર આ કેન્દ્ર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓની શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે પ્રસંશા કરી. આ ભવનના નિર્માણ માટે ઉપસ્થિત નગરજનોને રૂ. ૩૦ લાખના ખર્ચે તૈયાર થનારા આ પ્રકલ્પમાં સૌને ઉદાર દિલે સહાય આપી સાથ-સહકાર આપવા હાર્દિક અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે કલકત્તાના જાણીતા ઉદ્યોગપતિ શ્રી નંદલાલ તાંતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આ કાર્યમાં સહાય કરવા વિનંતી કરી હતી. એમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ‘સર્વજન સુખાય, સર્વજન હિતાય’ના આ પુસ્તકાલય – પ્રાર્થના મંદિર – સભાગૃહ પ્રકલ્પમાં સૌ કોઈ સહાયક બનીને શ્રીઠાકુર અને સ્વામીજીના આ કાર્યને ઉપાડી લે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આશ્રમના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમના સ્વાગત પ્રવચનમાં પોરબંદરમાં વિવેકાનંદ મેમોરિયલ સ્થપાયું તેમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના સિંહફાળાનો ખાસ ઉલ્લેખ કરી સ્વામીજી મહારાજે ૧૯૬૭માં પોરબંદર પધારેલ ત્યારે સેવેલ સ્વપ્ન સાકાર થયાનો આનંદ અને આભાર વ્યક્ત કરેલ. બાદમાં પોરબંદરના પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ ત્થા પ્રાધ્યાપક વગેરે દ્વારા ફૂલહાર કરી સ્વામીજી મહારાજનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું.

શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે અધ્યક્ષ સ્થાનેથી તેમના સૌરાષ્ટ્ર સાથેના સંબંધો – સંસ્મરણો ત્થા પ્રસંગો દ્વારા ભાવવાહિ પ્રવચન કર્યું. તેમણે કહ્યું કે ગુજરાતમાં ઠેર-ઠેર મંદિરો જોવા મળે છે જે દર્શાવે છે કે આ ભક્તિનો પ્રદેશ છે માટે જ સ્વામી વિવેકાનંદજી ગુજરાતને ચાહતા અને આટલો લાંબો સમય તેઓ ગુજરાતમાં રહ્યાં. આ પછી તેમણે ભક્તિનું તાત્ત્વિક વિવેચન શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાના સંદર્ભમાં કર્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં પોરબંદરના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમના અંતમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આશ્રમના પુસ્તકાલયનો તેમજ આશ્રમની અન્ય પ્રવૃત્તિઓનો લાભ લેવા ઉપસ્થિત શ્રોતાજનોને અપીલ કરી હતી અને આભાર દર્શન કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં શાખા કેન્દ્રો દ્વારા માનવ સેવા-રાહત કાર્યો

૧. આંધ્રપ્રદેશ : આગથી પીડિત લોકો માટે-વિશાખા પટ્ટનમ્ જિલ્લાના મેલ્લામંચલીની નજીકના ગામ પુડીમાડકામાં ફેબ્રુઆરી માસના ત્રીજા સપ્તાહમાં ૧૭૫ ઘરો બળી ગયાં હતાં. વિશાખા પટ્ટનમ્ કેન્દ્ર દ્વારા ૩૫૦ સાડી, ૩૫૦ ધોતિયાં, ૭૦૦ બાળકો માટેના તૈયાર કપડાં, ૭૦૦ ચાદર, ૭૦૦ ટુવાલ, ૧૧ વાસણો સાથેના સ્ટીલ-એલ્યુમિનિયમના ૧૭૫ સેટનું વિતરણ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.

૨. કલકત્તા : ઉત્તર કલકત્તાના નારકેલદાંગા વિસ્તારમાં ૧૧૮૦ આગપીડિત કુટુંબોમાં રામકૃષ્ણ મિશનના બાગબજાર કેન્દ્ર દ્વારા ૧૩૦૫ લુંગી, ૨૬૪૦ ચાદર, ૧૯૦૦ ટુવાલ, ૧૩,૨૪૭ એલ્યુમિનિયમ અને સ્ટીલનાં વાસણોનું વિતરણ કાર્ય થયું હતું. આ જ વિસ્તારના નજીકના ક્ષેત્રમાં આગથી પીડિત ૯૭ ગરીબ પરિવારોમાં ૧૩૩ લુંગી, ૨૦૦ ચાદર, ૫૦૦ ટુવાલ, ૧૦૦ સેટ-એલ્યુમિનિયમ-સ્ટીલનાં વાસણોનું વિતરણ કાર્ય પણ થયું હતું.

૩. મેઘાલય : તારાપુર સિલ્ચર આશ્રમ દ્વારા તારાપુર ન્યુ કોલોનીમાં ૩જી ફેબ્રુઆરી રાત્રે ફાળી નીકળેલ આગથી પીડિત લોકોમાં કપડાંનું વિતરણ કાર્ય થયું હતું. અને સંસ્થાની મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ૨૫૩ દરદીઓને ચિકિત્સા સેવા પણ પૂરી પાડવામાં આવી હતી.

૪. પ્રયાગઃ અલ્લાહાબાદ પ્રયાગ-ત્રિવેણી સંગમમાં ૧ થી ૩૧ જાન્યુઆરી સુધી યોજાયેલ માઘમેલામાં અલ્લાહાબાદ આશ્રમ દ્વારા ૧૬,૩૨૫ દરદીઓની નિઃશૂલ્ક સેવા કરવામાં આવી હતી.

૫. ઉત્તર બિહાર : પટણા કેન્દ્ર દ્વારા દરભંગા જિલ્લાના ૪૪ ગામડાંઓના પૂરપીડિતોમાંના ૨૭૩૮ દરદીઓને નિઃશૂલ્ક દવા અને કપડાંનું વિતરણ કાર્ય થયું હતું.

૬. રાજસ્થાન : જસરાપુર, નાલપુર અને ખેતડી વિસ્તારના ૨૨૫, દુષ્કાળગ્રસ્ત કુટુંબોમાં ૪૦૦૦ કિ. ઘઉં અને ૨૨૫ ધાબળાનું વિતરણકાર્ય ખેતડી આશ્રમ દ્વારા થયું હતું.

૭. ઓરિસ્સા : પુરી મઠ દ્વારા પુરી સદર, બ્રહ્મગિરિ અને ગોપતાલુકાના ૧૩ ગામડાંના શિયાળાની ઠંડીથી રક્ષણ આપવા ૪૯૦ ગરીબ અને જરૂરતમંદ કુટુંબોમાં ૪૯૦ ધાબળા ૫૩ ચાદ૨, ૩૪૩ તૈયાર વસ્ત્રો, ૨૩ ગાંસડી જેટલાં જૂનાં કપડાંનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું.

૮:૧. પશ્ચિમ બંગાળ : કોન્ટાઈ આશ્રમને કોન્ટાઈની આજુબાજુના વિસ્તારના ગરીબ લોકોને ઠંડીથી રક્ષણ આપવા ૫૦૦ ધાબળા, ૧૦૦૦ ચાદરનું વિતરણ કરવા મોકલવામાં આવ્યાં છે.

૮:૨. ચંડીપુરની આજુબાજુના ગરીબ લોકોને ઠંડીથી રક્ષણ આપવા ચંડીપુર કેન્દ્રને ૨૦૦ ધાબળા, ૪૦૦ ચાદર, ૫૦૦ પિલો-કવર વિતરણ કરવા માટે કરવામાં આવ્યા છે.

૮:૩. તમલુક કેન્દ્ર દ્વારા ૧૨૦ ધાબળા, ૧૫૦૦ ચાદરનું વિતરણ કાર્ય ગરીબ-જરૂરતમંદ લોકોમાં કરવામાં આવ્યું છે.

૯. ત્રિપુરા : વિવેકનગર વસાહતના કંચલમાલી, ગાબરડી અને અન્ય વિસ્તારના કોમી રમખાણોથી અસરગ્રસ્ત – ઘરવિહોણાં (અગરતલાની આજુબાજુના ૨૮ કિ.મિ.ની ત્રિજ્યામાં વસાવેલા વિસ્તારોમાં) ૨૦૩૬ કુટુંબોમાં ૧૦૦૩ ધોતિયાં, ૧૧૧૫ સાડી, ૩૦૦ પચદાસ, ૭૪ ધાબળા, ૨૪૩ તૈયાર કપડાં, ૧૦૦૦ જૂનાં કપડાં, ૬૭૫ પેકેટ્સ (બાળકોના ખોરાક માટેનાં) ૫૫૭૫ એલ્યુમિનિયમનાં વાસણોનું વિતરણ કાર્ય અગરતલા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુધીર રંજન મજુમદાર, સંતોષ મોહનદેવ (ભૂતપૂર્વ કેન્દ્ર મંત્રી શ્રી) અને રાજ્યના જેલ વિભાગના મંત્રી શ્રી દુર્બાજોય રીઆંગે ગાબરડી, ઉજનલાર્મા, આનંદનગર (દક્ષિણ)નાં વિતરણ કેન્દ્રોની મુલાકાત પણ લીધી હતી.

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ૨૯મી માર્ચે સવારે લીંબડી કેન્દ્રની મુલાકાતે પધાર્યા હતા. નગરજનોની ઉપસ્થિતિમાં શ્રીફળ નાળિયેર સાથે બાળાઓએ મહારાજશ્રીનું સ્વાગત કર્યું હતું. ૧લી એપ્રિલના રોજ મહારાજશ્રીનું નગરજનો દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન બાદ એમણે જાહેરસભાને સંબોધી હતી. ૨૯ માર્ચથી ૧લી મે આ ચારેય દિવસ મહારાજશ્રીએ લીંબડીના મુમુક્ષુજનોને સવાર-સાંજ આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ પ્રસંગે દાંડિયારાસ-ટુકડી અને ૫૦ નવયુવાનો કેસરિયા સાફા સાથે મહારાજના આ સ્વાગતમાં જોડાયા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પંચમહાલમાં દુષ્કાળ રાહતકાર્ય

ગ્રામજનોની વિનંતી સાથે દહોદ જિલ્લાના નીમચ ગામની નદીના પટને મશીનથી ખોદીને ઊંડા ઉતારવાનું કામ થયું છે જેથી ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે. નદીના પટમાં ખોદકામ કરતાં મશીનથી વરસાદના પાણીના સંગ્રહ માટે ત્રણ તળાવો બનાવ્યાં છે.

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.