શ્રીરામકૃષ્ણ – પુરાણ

(ગતાંકથી આગળ)

ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી;

આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ.

ત્રણ ચાર માસ તણો થયો ગર્ભ જ્યારે;

એક દિન થયું એક કૌતુક જ ત્યારે.

થાકથી અવશ આઈ સૂતાં ઘરમાં રે;

બારણાં અંદર વાસી દીધી કડી દ્વારે.

એટલામાં કાને સુણે ઠાકુરાણી આઈ,

ઝાંઝરોના શબ્દ તેથી પામીયાં નવાઈ.

કુતુહલ વશ આઈ ધ્યાન દઈ સુણે;

તેમ તેમ ઝાંઝરીઓ વધુ ઝણઝણે.

નવાઈ પામીને આઈ બોલે નિજ મન;

ઝાંઝરીઓ અહીં વાગે એનું શું કારણ?

એકલી હતી તે દીધાં બારણાંઓ વાસી;

ઘૂસીયો જરૂર કો’ અજાણ્યો સર્વનાશી.

એમ જાણી બારણાં ઉઘાડી જુએ આઈ;

ખાલી આખું ઘર બીજું કોઈ નહિ ત્યાંઈ.

કોઈને કરી ન વાત સુણ્યું જે અકળ;

સ્વામી ઘેર આવ્યા ત્યારે બોલીયાં સકળ.

ઝાંઝરીના ઝમકારા શું કરવા થાય;

ઘરમાં ન કોઈ બીજું, નવાઈ કે’વાય.

ભૂદેવ સમજી અર્થ કહે નિજ દાર;

ગભરાટ છોડી દઈ ધીરજને ધાર.

ચિહ્નો બધાં મંગળ એ કરીશ મા ભય;

થશે ઘેર ગોકુળના ચંદ્રનો ઉદય.

બીજે એક દિને દેખે ઊંઘમાં સ્વપન;

રમણીય શીશુ ખોળે કરે આરોહણ.

હૈયે ચડી નાના હાથે ગ્રીવાને પકડે;

જાણે શશી રૂપરાશી કંઠને જકડે.

હાસ્યભર્યું મુખ વાતો અસ્પષ્ટ કરી;

છેવટે હૃદય થકી પડ્યો બાળ સરી.

ચમકીને આઈ એથી ઝબકી ઊઠીયાં;

‘ક્યાં હાં ગયો બેટા’, બોલી રોવાને લાગીયાં.

સ્વપનની વાત એમ જાણ્યું બહુ વારે;

લુછી નાખ્યાં પાલવથી નેત્રજળ ત્યારે.

કેટલુંયે દેખે આઈ શું હું કહું કથા;

ઘરમાંહે દેખે વિજળીની છટા.

કોઈ દિન આવે જાણે ચંદનની વાસ;

સુખડથી બાંધ્યું જાણે હોય ન આવાસ.

કોઈ દિન ઘરમાંથી દિવ્ય ગંધ ઊઠે;

ખીલી ચારે કોર જાણે પદ્મવન ફૂટે.

એવી રીતે નવ માસ પૂરા વીતી જાય;

આઈને પ્રસવકાળ ઉપસ્થિત થાય.

પહોર દિવસ ચડ્યે ઠાકુરાણી કહે;

થાય મને વેદના, વિલંબ નવ સહે.

સાંભળીને સ્વામી કહે, એ શી વાત દેવા;

હજી તો થઈયે નથી રઘુવી૨-સેવા.

રામજીનો ભોગરામ બધું થઈ જાય;

દિન વીત્યે સુખીથી પ્રસવ ભલે થાય.

દ્વિજનાં વચન અનુસરે વીત્યો દિન;

દ્વિતીયાનો ચંદ્ર ઊગ્યો આભમાં નવિન.

પ્રસૂતિનું ગૃહ હતું ખાંડણીયો જ્યાંહાં;

યથાકાળે સુખથી પ્રસવ થયો ત્યાંહાં.

સંવત અઢારસો ને બાણુંની મોઝાર;

ફાગણ મહિનો, સુદ બીજ, બુધવાર.

રવિ, બુધ, ચંદ્ર, શુભ ગ્રહો લગ્નધારી;

ભૂમિ તળે અવતર્યા વૈકુંઠવિહારી.

પ્રભુમુખે સુણી જન્મપત્રિકાની કથા;

અહીં તહીં એ જ કથા સાંભળેલી યથા.

શ્રીપ્રભુની જન્મકથા જેહ સુણે ગાય;

પુત્ર-દરશનનો આનંદ તેને થાય.

શિશુ વિહાર

જય જય રામકૃષ્ણ વાંછાંકલ્પતરુ,

જય જય ભગવાન જગતનાં ગુરુ;

જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ;

યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.

ખેલમય ખેલપ્રિય ખેલ કરવાને;

આવે દેહ ધારી મર્ત્યલોકે ફરવાને.

જન્મ સાથે ખેલનો આરંભ થયો આંહિ;

ઘટના અપૂર્વ છે સંદેહ જરા નાહિ.

ખાંડણીયા કેરો ખાડો જેહ સ્થાને ખણ્યો;

નવજાત શિશુ ખસી ત્યાંહાં જઈ પડ્યો.

ધની લુવારણ હતી થોડે દૂર બેઠી;

શિશુનું રુદન સુણી ઓરડીમાં પેઠી,

આનંદમાં આવી ધની આમ તેમ દેખે;

સુવાવડી બાઈ પાસે શિશુ નવ પેખે.

નવાઈ પામીને ધની શોધે ચારે કોર;

ખાંડણીયામાંથી અંતે મળ્યો ચિત્તચોર.

સુડોળ આકાર શિશુ પરમ સુંદર;

ક્રાંતિ અંગતણી જાણે બીજો શશધર.

હર્ષભરી ધની કહે ચેટર્જી મ્હાશય;

અતીવ સુંદર એક જન્મીયો તનય.

ત્વરાથી આવીને દ્વિજ કરે નિરીક્ષણ;

સુશોભન બાળ અંગે દિવ્ય સુલક્ષણ.

હર્ષથી રોમાંચ અંગે ગદગદ સ્વર;

પલક પડે ન સાવ સ્થિર છે નજર.

વાત છાની રાખવાનું કહી દ્વિજ ગયા;

બ્હાર કોઈ જાણે તેથી સાવધાન રહ્યા.

જનકજનની ઉરે આનંદ અપાર;

ઉમંગે જુએ છે પુત્રમુખ વારવાર.

ઓરડીમાં થયો જાણે પૂર્ણ ચંદ્રોદય;

જુએ તેનું આનંદથી ભરાયે હૃદય.

સુણી વાત, પાડોશીઓ શિશુ જોવા જાય;

દ્વિજ-બાળ દેખી નિજ બાળ ભૂલી જાય.

એક વા૨ શિશુને જે નિહાળે નયને;

રાતદિન દેખ્યા કરું થાય તેના મને.

પાડોશણો બધી દોડી આવે એકે એકે;

આનંદમાં આવી મુખ નિહાળે પ્રત્યેકે.

હરખમાં ડૂબે સહુ બાળકને જોઈ;

શાને આવો હર્ષ, નવ કળી શકે કોઈ.

વિધવિધ વાતો કરે પરસ્પર વદી;

આવો તો રૂપાળો બાળ જોયો નથી કદી.

કેવો આ તે છૈયો, જોઈ હૈયું કેવું ઠરે;

અંગેઅંગ થકી જાણે રત્નકાંતિ ઝરે.

જોયાં છે અનેક શિશુ, આ તે કેવો બાળ;

દિનરાત દેખ્યીં, જાણે આનંદનો થાળ.

આસપાસ ગામોમાંય ફેલાયા ખબર;

દ્વિજ ઘેર બાળ જાણે ચંદ્રમા અપર.

ટોળે મળી સ્ત્રીઓ આવી શિશુને નીરખે;

મુખચંદ્ર દેખી સહુ અંતરે હરખે.

ત્યારથકી દ્વિજ તણી આર્થિક ઉન્નતિ;

દિનપ્રતિદિન થતી ચાલી સુધરતી.

આર્થિક સંપત્તિ દ્વિજ પાસે હતી કમી;

સ્થાવર સંપત્તિ માત્ર થોડીએક જમીં.

લક્ષ્મીજળા એવું રુડું ખેતરનું નામ;

ચોમાસામાં વિપ્રવર હૈયે ધરી હામ.

ત્રણ ચારા ધાન લઈ ઈશાને સુધીર;

જઈ પોતે રોપે બોલી જય રઘુવી૨.

નાનું એ ખેતર, ધાન્ય સુપ્રચૂર આલે;

સાલનો ગુજારો એ અનાજમાંથી ચાલે.

બીજો પણ હતો કંઈક પ્રપ્તિનો ઉપાય;

ધનવાન દ્વિજો બીજા નિવસતા ત્યાંય.

સાત્ત્વિક ને સદાચારી ધર્મે જેનું મન;

ખર્ચ સારુ આપે માસે માસે થોડું ધન.

જેવા તેવા બ્રાહ્મણનું દાન નવ લહે;

શુદ્રયાજી પંડાગોર કૈરું નવ ગ્રહે.

ખર્ચનો અભાવ થાય એવું બને નહિ;

ગમે તેમ તોય દસ મોઢાં ખાય તંહિ.

યથાશક્તિ ભોગરાગ પાસે રઘુવીર;

રોજ આવી ચડે કોઈ અતિથિ ફકીર.

(ક્રમશઃ)

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.