‘નરેન જગતને બોધ આપશે ને ત્યારે, ઈશ્વરના અવાજથી એ અહીં અને પરદેશમાં ગર્જના કરશે.’

‘જ્ઞાનની ખુલ્લી તલવાર સાથે એ ચાલે છે. એની સમીપ જે કંઈ આવે છે તેને, એનામાં પ્રજ્વલિત શુચિતાનો અને જ્ઞાનનો અગ્નિ બાળી નાખે છે જે રીતે દાવાનલ કેળના ઝાડને પણ બાળી નાખે છે.’

‘એ મારો શુક છે.’આ બધા શબ્દો વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણના હતા.

આત્માના દુષ્કાળથી પીડિત જગતને, જીવનની તાત્ત્વિક દિવ્યતા અને એકતાનું સંદેશામૃત, ભાગવતનો જીવનદાયક સંદેશ શુકની માફક આપવા એમનું નિર્માણ થયું છે એ વાત એ જાણતા ન હતા શું? રાજા પરિક્ષિત્‌ની માફક ઐન્દ્રિય સંસ્કૃતિના તક્ષકના દંશથી પીડાતી અને, બધી ભૌતિક સમૃદ્ધિની છોળ છતાં અર્થહીન વિનાશની ઘડીઓ ગણતી માનવજાતનો ઉદ્ધાર પોતાને હાથે નિર્માયો છે એ શું આ શુક જાણતા ન હતા?

એમનો જન્મ થયો હતો પરિત્રાતા, આચાર્ય અને જગદ્‌ગુરુના કાર્ય માટે. પીડાતી માનજાતની અસ્તિત્વની વેદનાનું શિવની માફક એમણે વિષપાન કર્યું હતું. એ એમનો આનંદ હતો. એ એમનું નિર્માણ હતું. એણે જ એમને વિવેકાનંદ બનાવ્યા. એમનાં મિત્રશિષ્યા જોઝેફાઈન મેકલેઓડે લખ્યું હતું:

‘એટલે, લોકો મને પૂછતા કે, ‘તારી અધ્યાત્મની કસોટી શી છે? ત્યારે, હું હંમેશા કહેતી કે, ‘એક પવિત્ર વ્યક્તિની ઉપસ્થિતિએ બક્ષેલી હિંમત છે.’ સ્વામીજી કહેતા, ‘પોતાના શિષ્યોનાં પાપ અને પીડા ત્રાતાઓએ પોતાને શિરે લઈ લેવા જોઈએ અને, શિષ્યોને પોતાને માર્ગે આનંદ કરતા અને મુક્ત વિહરવા દેવા જોઈએ. આ જ તફાવત છે! બોજ ત્રાતાઓએ ઉપાડવો જોઈએ.’

અનંત શક્તિ અને પ્રેમ ધારણ કરતા એ ત્રાતાની ઝાંખી કરવાનું અસાધારણ સૌભાગ્ય જે કૃપાવંતોને સાંપડ્યું હતું તેઓ, ફરી એમની પાસે ગયા સિવાય રહી શક્યા નહીં. પોતાની સખી મિસિઝ ફંકે સાથે સિસ્ટર ક્રિસ્ટાઈન જે રીતે આ ગુરુને ચરણે આત્મસમર્પણ કરવા ગયાં. ત્યારે, એમના મુખમાંથી બહાર પડેલા શબ્દો હતા: ‘ઈસુ આજે હયાત હોત તો એમની પાસે જઈ અમને જ્ઞાન આપવાનું એમને કહેત એ રીતે જ અમે આપની પાસે આવ્યા છીએ!’ અને એ જીવંત ઈસુએ એમને આશીર્વાદ આપતાં કહ્યું, ‘તમને અત્યારે જ મુક્તિ આપવાની ઈસુની શક્તિ મારી પાસે હોય એમ હું પ્રાર્થું છું.’ એ આશીર્વાદ શક્તિમંડિત હતા.

બીજાઓ હતા આચાર્યો, માર્ગદર્શકો, મિત્રો કે ફિલસૂફો. વિવેકાનંદ પરિત્રાતા હતા. એમને નજીકથી જાણનાર એકે કહ્યું હતું, ‘વિવેકાનંદ બંધનો તોડનાર સિવાય બીજું કશું નથી.’

શ્રીરામકૃષ્ણે ભાખ્યું હતું કે નરેન અનંતના રાજ્યનો છે અને, એનું કાર્ય પૂરું થશે પછી એક દહાડો એ અનંતમાં ભળી જશે. ‘એમનું મન એમને એટલું તો પૂરું વશ હતું કે, ભવ્ય ધ્યાનમાં એ શીઘ્ર એકચિત્ત થઈ જતા.’ એમ એમના શિષ્યો કહેતા. ‘પાશ્ચાત્ય જીવનનાં ધમાલ અને ઘોંઘાટમાં પણ એમનાં નેત્રો અપલક થઈ જતાં, શ્વાસ ઘેરો બનતો, પછી પૂર્ણ શાંતિનો ગાળો આવતો અને પછી જ, સામાન્ય ચેતનાવસ્થામાં એ પુન: પ્રવેશતા.’ કોઈક વાર આ સમાધિની શક્તિ જરા ઓસરી જતી પણ, એની પૂર્ણ તાકાત સાથે એ પાછી આવતી. ‘એને પાછી જાગ્રત કરવી તે મારા હાથની વાત છે. બધાં જાહેર કાર્ય અને પ્રવૃત્તિથી મુક્ત થઈ હિમાલયની ગોદમાં થોડો નિવાસ કોઈ પણ ઘડીએ એને પાછી આણશે.’ એમ એ કહેતા.

સહસ્રદ્વીપ ઉદ્યાન પરનાં નિકટનાં અંતેવાસીઓને, ‘જાણે કોઈ દેદીપ્યમાન લોકનો આત્મા આશા, આનંદ અને જીવનનો મધુર સંદેશ લઈને આવ્યો હોય,’ તેવા તે લાગતા હતા. ત્યાં બાર અમેરિકન શિષ્યોને એમણે મંત્રદીક્ષા આપી. ‘અધિકારથી બોલતા હોય,’ એવા તેમને એ દેખાયા. પોતાનાં આધ્યાત્મિક બાળકોને ગુરુ ‘ઊર્ધ્વતમ ઊંડાણે’ લઈ ગયા અને ત્યાં એમણે પોતાનાં ‘હૃદય અને મન ખોલ્યાં.’ ‘ધર્મ શ્રદ્ધાની બાબત નથી, અનુભૂતિની છે.’ એમણે કહ્યું. અને એ શિષ્યોને અલૌકિક અનુભૂતિ થઈ. ક્રિસ્ટીન લખે છે: ‘કેવા મહાન વિચારો ત્યાં વ્યક્ત થયા હતા! કેવું વાતાવરણ જમાવવામાં આવ્યું હતું! કેવી શક્તિ વહેતી કરવામાં આવી હતી!’ ‘આ પામવા માટે અમે ક્યાં પુણ્ય કર્યાં છે?’ એમ બીજાં શિષ્યા કુમારી વાલ્ડોએ પૂછ્યું. છૂટા પડતી વખતે, એમની વિદાય વેળાએ, શિષ્યો આવનારા વિયોગદુ:ખની વ્યથા અનુભવતાં હતાં ત્યારે, સહાસ્ય વદને ગુરુએ તેમને ખાતરી આપતાં કહ્યું: ‘તમને નાગે ડંખ માર્યો છે. હવે તમે છટકી નહીં શકો.’ કોઈક વાર એ કહેતા: ‘તમને મેં મારી જાળમાં પકડ્યાં છે. તમે કદી બહાર જઈ શકવાનાં નથી.’

સાન્ફ્રન્સિસ્કોના શિષ્યોને તેમણે કહ્યું હતું કે, ઈસુના શબ્દોની માફક, ‘મારા શબ્દો પણ આત્મા અને અગ્નિથી ભર્યા છે, જ્યાં પડશે ત્યાં પંથને દઝાડશે.’

પોતાના પ્રત્યેક શિષ્ય માટે એમની પાસે વિશિષ્ટ સંદેશ હતો. જોઝેફાઈન મેકલેઓડને એમણે પહેલો પાઠ આપ્યો હતો ૐ ધ્યાન કરવાનો. અને એમણે મુક્તિ બક્ષી હતી. પછીથી જોઝેફાઈને કહ્યું હતું: ‘મારી પાસે ત્યાગ નથી, મુક્તિ છે.’ અને ‘તત્પરતા જ બધું છે.’ એ હેમ્લેટના શબ્દો સાથે, ભગિની નિવેદિતાની દીક્ષાને દિવસે એને શિવપૂજાનું અને પછીથી બુદ્ધની પૂજાનું કહેવામાં આવ્યું હતું.

‘એમણે પ્રથમ નિવેદિતાને શિવપૂજન શીખવ્યું અને પછી, બુદ્ધને ચરણે ફૂલ અર્પણ કરવામાં પૂર્ણાહૂતિ કરી! પોતાની પાસે માર્ગદર્શન માટે આવનાર દરેક જુદા આત્મામાં જાણે એક વ્યક્તિને સંબોધતા હોય તેમ એ કહેતા: ‘તું જા અને બુદ્ધનું બોધિજ્ઞાન પામ્યા તે પૂર્વે પાંચસોવાર જન્મ ધારણ કરી જેણે પોતાના પ્રાણ બીજાંઓની સેવા માટે અર્પણ કર્યા હતાં તેને અનુસર!’

પોતાના આંતર પરિવર્તનની પરાકાષ્ઠાના દિવસોમાં, આલમોડામાં, નિવેદિતાને ગુરુ એકવાર અવ્યક્તની અને ન સમજી શકાય તેવી શાંતિની ભૂમિકાએ લઈ ગયા.

‘પછી એ ફર્યા અને એમણે અમારી ઉપર ઝઝૂમતો બીજનો ચંદ્ર જોયો. એમના મુખમાંથી તરત જ એક આશ્ચર્યોદ્‌ગાર સરી પડ્યો: ‘બીજના ચંદ્રને મુસલમાનો પણ જોઈને કેટલું માન આપે છે! આપણે પણ ચાલો, બીજના નવચંદ્રથી નવું જીવન આરંભીએ!’ શબ્દો પૂરા થયા કે તરત જ તેમનાં હાથ ઊંચા થયા અને, આશીર્વાદની શાંત ગહનતા સાથે, એમને ચરણે નમતી પણ, બંડખોર, શિષ્યાને તેમણે આશીર્વાદ આપ્યા. મનને શાંતિ લાધ્યાની એ ચોક્કસ અદ્‌ભુત પળ હતી….કારણ, એકલ ધ્યાનમાં, અનંત કલ્યાણમાં ઊંડે નીરખતી મારી જાતને મેં જોઈ; મારા અહંકારી તર્કે મને કદી એનો સાક્ષાત્કાર કરાવ્યો ન હતો… અને મને ભાન થયું કે આવા મહાન ગુરુઓ આપણી અંદરના વ્યક્તિગત સંબંધનો નાશ કરી તેને સ્થાને આપણને અવ્યક્ત દર્શનની ભેટ આપે છે.’

સ્વામી વિવેકાનંદ કહેતા કે, શિષ્યના ભૂત, ભાવિ, વર્તમાન જોઈ શકે અને, દિવ્યતાના તેજોમય શિખરે તેને અચૂક લઈ જઈ શકે તે ગુરુ. શિષ્યોના આંતરિક જ્વલન વેળા, આત્માની જે તમસ રાત્રીમાંથી તેમને પસાર થવું પડતું હોય ત્યારે, સ્વામી વિવેકાનંદ, પોતાના નિધન પછી પણ અચૂક આવતા અને, ‘ઈન્ફર્નો’ અને ‘પર્ગેતોરિયો’ની પરસાળમાંથી પસાર થતા દાન્તને પેરેદિસોના ઉંબર સુધી દોરવણી આપનાર વિજિલની માફક શિષ્યોને એ દોરવણી આપતા. વાઘના હુમલાથી અર્ધું ખવાયેલું એક માનવશરીર સદાનંદે જોયું. પણ એ હિમાલયના વિકટ પ્રવાસમાં એમના ગુરુએ એમનો હાથ પકડતાં એ નિર્ભય બની ગયા. સ્વામીજીની શિષ્યા ભગિની લલિતાને પણ તેવો જ અનુભવ થયો હતો. એ શિષ્યાનું કાળું ભાવિ એ જોઈ શક્યા હતા અને, જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાની પાસે આવવા કહ્યું હતું. સ્વામીજીના નિર્વાણ પછી લાંબે સમયે ભગિનીથી સહન ન થઈ શકે એવી ઘડી આવતાં, એ સ્વામીજી રહેતા હતા તે ખંડમાં ગયાં અને, સ્વામીજીની જૂની ચલમને હાથ લગાડ્યો. તરત જ તેમને પૂર્વ પરિચિત, ઊર્ધ્વગામી, શ્રદ્ધાપૂરક પરિત્રાતાનો અવાજ સાંભળ્યો: ‘એટલી બધી પીડા છે, બહેન?’ પછી એ વ્યથામુક્ત બની ગયાં.

એમના શબ્દો સ્વયં સત્યનો શીઘ્ર આવિષ્કાર કરાવતા. માદામ કાલ્વે નામની શિષ્યાની મેધા, અનંત આત્મામાં પોતાનું વ્યક્તિત્વ ગુમાવવા તૈયાર ન હતી ત્યારે, વત્સલ પિતાની અદાથી, એક દૃષ્ટાંત દ્વારા સ્વામીજીએ તેને સત્યનું ભાન કરાવ્યું હતું:

‘પાણીનું એક ટીપું એક દહાડો મહાસાગરમાં પડ્યું,’ સ્વામીજીએ કહ્યું. ‘તારી માફક એ પણ રડવા અને ફરિયાદ કરવા લાગ્યું. આ જોઈ મહાસાગર હસ્યો. એણે પૂછ્યું, ‘તું શું કામ રડે છે? એ મને સમજાતું નથી. તું મારામાં ભળે છે ત્યારે, બીજાં ટીપા રૂપી તારા ભાઈ બહેનોમાં તું ભળે છે. હું એમનો તો બનેલો છું. તું પોતે મહાસાગર બની જાય છે. તારે મારાથી છૂટા પડવું હોય તો, સૂર્યના કિરણની મદદથી તારે વાદળે જવું જોઈએ. ત્યાંથી ફરી, નાના જલબિંદુ રૂપે ફરી નીચે ઊતરી ધરતી પર આશીર્વાદ તું આણી શકીશ.’

છતાં પોતે શિષ્યો કરવાનું ન સ્વીકારતા.પોતાનાં શિષ્યો ભગવાનને, મા કાલીને એ અર્પણ કરી દેતા. એ પોતાની ઇચ્છાથી કશું જ કરતા નહીં અને, હંમેશાં કહેતા: ‘પ્રભો, તારી ઈચ્છા પૂર્ણ થાઓ. મારી ઇચ્છા બીજાંઓ પર લાદનાર હું કોણ?’ આમ એમના શિષ્યોએ લખ્યું છે. ઉત્તર ફ્રાન્સના બ્રિટેનીમાં નિવેદિતાને પણ એવો જ અનુભવ થયો હતો.

‘બ્રિટેનીમાં મારી છેલ્લી સાંજે, ખાણું પૂરું થયા પછી, અચાનક, અંધારું ઊતરતું હતું ત્યારે, મારા નાના અભ્યાસખંડને દરવાજે, મને બગીચામાં આવવાનું કહેતા તેમને સાંભળ્યા. હું બહાર નીકળી. સૂવા જતાં પહેલાં તેઓ મને આશીર્વાદ આપવા ચાહતા હતા. મને જોઈ એ બોલ્યા: ‘મુસલમાનોનો એક વિશિષ્ટ સંપ્રદાય છે. એ લોકો એવા તો ઝનૂની હોવાનું કહેવાય છે કે, દરેક નવજાત શિશુને ઉપાડી ઉઘાડી જગ્યામાં રાખી કહે, તને ખુદાએ બનાવ્યું હોય તો મરી જજે, અલીએ બનાવ્યું હોય તો જીવતું રહેજે. બાળકને સંબોધી કહેવાતા આ શબ્દો હું તને કહેવા માગું છું પણ, ઊંધા અર્થમાં. તું જગતમાં જા અને, મેં ઘડેલ હોય તો, તું નાશ પામજે! માએ તને ઘડેલ હોય તો,જીવતી રહેજે.’

પોતાના શિષ્યોને એ કહેતા: ‘તમારા પગ પર ખડા રહો.’ સમજવાની કોશિશમાં ભૂલ કરવી સારી છે તેમ એ જાણતા હતા, સમજ્યા વગર માની લેવું સારું નહીં: સ્વામીજી કહેતા કે, ‘હેતુ માત્ર ચારિત્ર્યઘડતરનો નથી પણ, વ્યક્તિત્વના ઊર્ધ્વીકરણનો છે. ‘વિશુદ્ધ અને નિ:સ્વાર્થી હોય એવાં થોડાં નરનારીઓ મને આપો અને, હું દુનિયા હલાવી નાખીશ.’ પોતાના શિષ્યો પાસેથી એમની અપેક્ષા એટલી જ હતી. પોતાનો દરેક શિષ્ય પોતાના કરતાં સવાયો બને એમ એ ચાહતા હતા. બુદ્ધની માફક એ માનતા હતા કે પોતાનો દરેક શિષ્ય બુદ્ધ બની શકે તેમ છે. ‘બુદ્ધ એક વ્યક્તિ નથી, એ સાક્ષાત્કારની દશા છે, તમે બધા એ પામો,’ પોતાની મરણશય્યાએ હતાશ થઈ ઊભેલા પોતાના શિષ્યોને મૃત્યુ પામતા બુદ્ધે કહ્યું હતું. એ જ બુદ્ધ-હૃદયી સ્વામી વિવેકાનંદે પોતાના શિષ્યોને પ્રેરણા આપી હતી: ‘હા! એક મહાન વિભૂતિના ઉત્સાહની દોરવણી મને આખી જિંદગી મળી છે. પણ તેનું શું? એક વ્યક્તિમાંથી ગળાઈને કદી જગતને પ્રેરણા પ્રાપ્ત થતી નથી!’

‘શ્રીરામકૃષ્ણ પરમહંસ પ્રેરિત હતા એમ હું માનું છું તે સાચું છે. પણ એમ તો મને પણ પ્રેરણા મળેલી છે. અને તમે પ્રેરિત છો. અને તમારા શિષ્યો તેમ થશે અને, એમની પછી તેમનાં શિષ્યો અને કાળાંત સુધી એ ચાલુ રહેશે.’

‘ગુરુ ઉપર વધારે પડતો આધાર રાખતા શિષ્યોને બતાવીને ગુરુએ તેમને કેટલી બધી વાર પાંગળા બનાવી મૂક્યા છે?’ એમ સ્વામીજી કહેતા. બાળકોની માફક પોતાને વળગી રહેતા પોતાના બંધુ શિષ્યોને પણ તેઓ પોતાના પગ પર ઊભા રાખવા તે ચાહતા. એ વહેલું મૃત્યુ ચાહતા હતા કારણ, એમને લાગતું કે, ‘વિશાળ વૃક્ષનું અસ્તિત્વ નાનાં વૃક્ષોના વિકાસને રુંધશે.’

એમની હાજરી ત્યાગભાવનાને જ્વલંત કરતી અને એમના શ્રોતાઓનાં મનમાં સાધુતાનો પૂરો અર્થ ઊતરી જતો. તેઓને દેખાતું કે, ‘કોઈએ આવતી કાલની ચિંતા કરવી જોઈએ નહીં.’ એ ઈસુના શબ્દો તેમનામાં મૂર્તિમંત પ્રત્યક્ષ થયા હતા. અને, વળતી, તેઓ જાતે એમની સાથે ભટકતા સાધુના જીવનમાં ‘ઝંપલાવી મુક્તિ માણવા’, ‘ગુફાવાસી સાધકોનાં દુ:ખોનો આનંદથી સામનો કરવા, શાંત તારકો નીચે સૂવા કે જંગલની ગુફામાં વસવા કે ગંગાતટે ઉષ:કાળે કે સંધ્યાકાળે ધ્યાનમાં બેસવા અને સદા ઈશ્વરદર્શન કરવા તેમની સાથે ઝુકાવવા તે શિષ્યો તત્પર હતા.’

પોતાના ગુરુની પીઠિકામાં તેમને દક્ષિણેશ્વર અને કાશીપુરની ધૂણીઓના અગ્નિ, વરાહનગરના, સ્મશાનના ભડભડતા પ્રકાશ દેખાતા; ત્યાં જઈ રાતોની રાતો એ જાગરણ કરતા. વળી તેમને નદીના શાંત ઘાટ અને દૂરના પહાડોનાં નિ:શબ્દ સ્થાનો પણ દેખાતાં. એમના શિષ્યોને લાગ્યું કે અનેક વર્ષના આ સંઘર્ષમાંથી ‘તપસ્વીઓનો તપસ્વી, યોગીઓનો યોગી ઉદ્‌ભવ્યો.’

લાલચને વશ કરવાની આખી બાબતને તેમણે પૂરી આત્મલક્ષી બનાવી હતી અને પોતાની પ્રકૃતિ ઉપર એવી નજર રાખી કે, કોઈ નાનકડો અશુદ્ધ વિચાર એમના મનમાં પ્રવેશતો તો, જાણે કે મન જ તેના ઉપર ઘણના ઘા મારતું. એનું તપસ્વીપણું જન્મજાત હતું’

‘હું ધર્મને પ્રેમ કરતો નથી. મારી જાતને મેં એની સાથે એકરૂપ કરી દીધી છે. ધર્મ જ મારું જીવન છે, એ કહેતા.

એમના શિષ્યોએ જણાવ્યું છે કે, ‘એમની હાજરીમાં અપવિત્ર વિચાર કરવો અશક્ય હતું. એમનામાંથી એવા તો શક્તિશાળી પ્રવાહો વહેતા કે, પોતાના કશા પ્રયત્ન વિના, એમની સાથે ધ્યાનમાં બેસનાર એકચિત્ત થઈ જતું. બીજાને ધ્યાન શીખવતાં કોઈકોઈ વાર એ પોતે જ સમાધિમાં ખોવાઈ જતા.

અને જગતને નકારનાર વૈરાગ્યમાં નહીં પણ, એમના ગુરુની માફક ‘સર્વ જીવનના દૈવીકરણમાં’ બધાં પ્રાણીઓમાં નિહિત ઈશ્વરના દર્શનમાં, અંતિમ પુષ્પ પમર્યું હતું.

આ શિવગુરુ વડે અપાયેલી દીક્ષાનો આનંદ, ગુરુ તરફથી શિષ્યોમાં થતો દિવ્ય શક્તિપાત શબ્દથી પર હતા. સ્વામીજીએ આપેલી સંન્યાસ દીક્ષાના પોતાના આ દિવ્ય અનુભવ વિશે સ્વામી વિરજાનંદે લખ્યું છે:

‘પૂજ્ય શશી મહારાજે પૂજાનો પ્રારંભ કર્યો અને મંત્રો બોલી હોમકુંડનો અગ્નિ પેટાવ્યો. સ્વામીજી એક ખાસ આસને બેઠા હતા, ધ્યાનમાં એમની આંખો બંધ હતી. અગ્નિદેવે જાણે કે માનવ રૂપ ધારણ કર્યું હોય તેમ, એમનું સ્વાભાવિક રીતે પ્રદીપ્ત મુખ, હોમાગ્નિની આભાથી વિરલ ચળકતું હતું!

‘અમારી મનોસ્થિતિ અવર્ણનીય હતી. મંત્રનો દરેક સ્વર જીવંત લાગતો હતો અને દરેક પ્રાર્થના બધાં પાપ અને તેમનાં કારણ રૂપ રજસ્ અને તમસ્ જેવા અવરોધોને બાળી પરિશુદ્ધ કરતી હતી અને મનની પ્રત્યેક અશુદ્ધિ અગ્નિમાં બળી ભસ્મ થઈ જતી હતી અને, પરમ જ્યોતિને પામવા માટે હું એમાં મારો દેહ મારો અહંકાર, મારું મન હોમી રહ્યો હતો….’

શ્રીમતિ એલનનો અનુભવ હતો કે જીવનનો માર ખાઈ ભાંગી પડેલ શિષ્યોના તેઓ વત્સલ પિતા હતા. સિસ્ટર ક્રિસ્ટીન માટે એમણે સ્વામી બ્રહ્માનંદને ખાનગી રીતે રૂપિયા ૧,૦૦૦/- આપ્યા હતા. આવતા દિવસોમાં સિસ્ટરને વતન જવાનું મન થશે અને એમને આ રકમની જરૂર પડશે એમ એ જાણતા હતા! એમની સેવા કરતા સ્વામી નિર્ભયાનંદ એક દહાડો ખૂબ થાકી જઈ સ્વામીજીની છાતી પર ઢળી ઊંઘી ગયા. અને કેટલીયે વાર સુધી સૂતા રહ્યા. શિષ્યની ઊંઘ ઊડે નહીં ત્યાં સુધી, પ્રેમાળ માતાની માફક સ્વામીજી જરાય હલ્યા નહીં.

પોતાના શિષ્યોની દિવ્યતાનો અને વ્યક્તિત્વતાનો એ નિત્ય આદર કરતા અને એ સૌ પણ તેમ કરતા. એક વેળા ખેતડીના રાજા સાથે સ્વામીજી ગાડીમાં જતા હતા. રાજાના હાથમાંથી ખૂબ લોહી નીકળતું તેમણે જોયું અને જાણ્યું કે પોતાને ઈજા ન થાય એ માટે રાજાએ એક કાંટાળા છોડને પકડી રાખેલો તેથી રાજાનો હાથ વીંધાયો હતો. આથી સ્વામીજી ચિત્કારી ઊઠતાં રાજપૂત રાજાએ ઉત્તર વાળ્યો: ‘અમે ધર્મના પ્રતિપાલકો નથી શું, સ્વામીજી?’

સ્ત્રીદાક્ષિણ્ય આધારિત પરંપરા અનુસાર એમની શિષ્યાઓ વર્તે તેમ એ ઇચ્છતા ન હતા, ‘તમારે પુરુષોની સહાય શા માટે લેવી જોઈએ?’ શિષ્યાઓને એ પૂછતા. ‘સ્ત્રી દાક્ષિણ્યમાં કામવાસના છે એ તમારી નજરે નથી પડતી?’ આનંદની સામાન્ય ક્ષણોમાં પણ જીવનનાં સત્યો ઉપર તે વેધક પ્રકાશ ફેંકતા. એક વાર થોડો અથાણાનો રસ એના હાથમાંથી નીચે સરવા લાગ્યો કે નાના બાળકની માફક એ તેને ચાટવા લાગ્યા. એમની આ કહેવાતી અશિષ્ટ વર્તણૂકથી શિષ્યા પોકારી ઊઠી, ‘અરે! સ્વામીજી, આ થોડું બહારની બાજુનુંં,’ ત્યારે સ્વામીજીએ જવાબ આપ્યો: ‘અહીં તમારે આ જ તકલીફ છે; આ બહારની બાજુને તમે ખૂબ સમીસુથરી રાખવા ચાહો છો. નિવેદિતાને તેમણે એક વાર કહ્યું હતું: ‘આપણે ખરેખરી રીતે જે નથી તે દેખાડવામાં આપણી નવાણું ટકા શક્તિ ખરચાય છે.’ આ લપેડા મારેલા જગતના બધા ડોળ અને દંભ પ્રત્યે સ્વામીજી સુજનતા દાખવે એમ ઈચ્છતાં મેરી હેય્‌લનાં અજ્ઞાનના પડદાને તેમણે આચાર્ય શંકર કે અષ્ટાવક્રની માફક ચીરી નાખ્યો હતો. –

‘આ જગત, આ સ્વપ્ન, આ ભયંકર દુ:સ્વપ્ન, એનાં બધાં દેવળો અને જૂઠાણાંઓ, એના ગ્રંથો અને ગુંડાગીરીઓ, એનાં મીઠાં મહોરાંઓ અને જૂઠાં હૃદયો, સપાટી પરની જોરથી પોકારતી ન્યાયપ્રિયતા અને ભીતરનું પોલાપણું અને સૌથી વિશેષે તો એનું પવિત્ર મનાયેલું બજારું: આ સઘળું હું ધિક્કારું છું. દુનિયાના બંધનમાં બધા ગુલામો કહે તે રીતે શું મારે મારા આત્માનું માપ કરવું? છટ્! બહેન, તું સંન્યાસીને ઓળખતી નથી. વેદ કહે છે કે, ‘એ વેદના મસ્તક પર ઊભો છે.’

બેલુડ મઠમાં બન્યું હતું તેમ એક દૃષ્ટિપાતથી કે એક શબ્દથી પણ સ્વામી વિવેકાનંદ કોઈના જીવનમાં પરિવર્તન કરી શકતા અને કરતા. થોડાક શબ્દોથી પોતાના શિષ્યોમાં એ સંપૂર્ણ ત્યાગ સાધી શકતા. રિજલી મેનરનો આવો એક અનુભવ નિવેદિતાએ નોંધ્યો છે.

‘એક રવિવારે બપોર ઢળ્યા પછી, સ્વામીજીએ મને બોલાવીને સામાન સંપેટવા આગ્રહ કર્યો: હું એમ કરતી હતી ત્યારે, બહેનોને આપવા માટે એમણે બેક રેશમી પાઘડીઓ કાઢી. પછી મિસિઝ બુલ માટે ગેરુવા રંગના બે સુતરાઉ કટકાઓ કાઢ્યા. મિસિઝ બુલ મારા ખંડમાં બેસીને લખતાં હતાં ત્યાં સ્વામીજીએ મને બોલાવી. પાઘડીઓ બાજુમાં મૂકી પેલા ટુકડાઓ આપવા મને કહ્યું.

પહેલાં એમણે દરવાજો બંધ કર્યો. પછી એમણે પેલા ટુકડાઓમાંથી એકને પરિકર – સ્કર્ટ – ની જેમ અને બીજાને ચાદરની જેમ મિસિઝ બુલના અંગ પર વીંટયા અને એમને મસ્તકે એક હાથ મૂકી સ્વામીજી બોલ્યા: ‘રામકૃષ્ણ પરમહંસે મને જે કંઈ આપ્યું હતું તે સર્વ હું તમને આપું છું.’

પાવક અગ્નિ જેવા થોડા શબ્દો વડે સ્વામી કલ્યાણાનંદ અને નિશ્ચયાનંદ જેવા શિષ્યોના જીવનમાં એમણે એવું પરિવર્તન કર્યું હતું કે, હરદ્વારમાં રંક યાત્રીઓની સેવામાં તેમણે પોતાનાં જીવન સમર્પી દીધાં. મદ્રાસમાં એક રાતે એમણે આત્મકૃપા પ્રગટ કરી અને એમના દેહમન દ્વારા સિંગર વેલુ મુદલિયાર નામના નાસ્તિક-વૈજ્ઞાનિકમાં એવું પરિવર્તન આણ્યું કે એ સ્વામીજીના એક પ્રિય શિષ્ય બની ગયા.

કાહિરોમાં પતિત સ્ત્રીઓ સમક્ષ અચાનક દેવદૂત રૂપે ઊભા રહી ગયા હતા. માદામ કાલ્વેએ એ ક્ષણને શબ્દદેહે અમર બનાવી છે:

‘એક દહાડો કાહિરોમાં અમે ભૂલાં પડી ગયાં. મને લાગે છે કે અમે વાતોમાં મસ્ત હતાં. ગમે તેમ પણ, અમે જોયું તો અમે ગંદી ગંધાતી શેરીમાં જઈ પહોંચ્યાં હતાં: ત્યાં અર્ધ ઉઘાડી સ્ત્રીઓ બારીઓમાંથી ઝાવાં નાખતી હતી અને બારણામાં પહોળી થઈને બેઠી હતી.’

‘એક ખખડધજ મકાનની છાયામાં એક બાંકડે બેઠેલી કેટલીક સ્ત્રીઓ હસીને સ્વામીને બોલાવવા ન લાગી ત્યાં સુધી એમનું તેમની તરફ ધ્યાન જ ગયું ન હતું. અમારી મંડળીમાંનાં એક સન્નારીએ અમને ઝડપથી ચલાવી ત્યાંથી બહાર નીકળવાનો યત્ન કર્યો. પણ સ્વામી અમારાથી છૂટા પડી બાંકડે બેઠેલી સ્ત્રીઓ તરફ મૃદુ પગલે ગયા.’

‘દુ:ખી બાળાઓ,’ એ બોલ્યા. ‘દુ:ખી જીવો! પોતાની દિવ્યતા તેમણે પોતાનાં રૂપમાં નાખી છે. હવે એમને જુઓ!’

એ રુદન કરવા લાગ્યા. પેલી સ્ત્રીઓ મૂંગી થઈ ગઈ અને શરમાઈ ગઈ. એમાંની એક જરા આગળ લળી અને સ્વામીજીના અંચળાની કિનારને એણે ચૂમી ભરી. ભાંગ્યીતૂટી સ્પેનિશમાં એ બોલવા લાગી ‘હંબ્રે દ દિયોસ, હંબ્રે દ દિયોસ!’ (ભગવાનનો માણસ)— અચાનક શરમાઈ જઈને તથા ડરથી, બીજી એક સ્ત્રીએ પોતાના હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો, કેમ જાણે સ્વામીજીનાં વિશુદ્ધ ચક્ષુઓથી પોતાના સંકોચાતા આત્માને એ ઢાંકતી ન હોય.

શિષ્યોથી દેહથી દૂર હોવા છતાં એમના શિષ્યોને કદી એમ લાગતું ન હતું કે તેમનાથી સ્વામીજી દૂર છે. એમને માટે સ્વામીજીની સદા જીવંત ઉપસ્થિતિ હતી. કેટલી બધી વાર તેઓ સ્વામીજીને બોલાવતા! ૪થી જુલાઈ, ૧૯૦૨ પછીની નાતાલની રાતે, સ્વામી શારદાનંદ, નિવેદિતા, ક્રિસ્ટીન વગેરે એમનાં શિષ્યો ભુવનેશ્વર પાસેના વનમાં ખંડગિરિ ગુફા પાસે બેઠાં હતાં. નિદ્રિત વનમાં, ભડભડ બળતાં લાકડાં ફરતાં બેસી મૃત્યુમાંથી ઈસુના ઊભા થવા વિશે વાંચતા હતાં ત્યારે, એ સૌને ઝબકારો થયો કે, એમના ગુરુ પણ એમને છોડી ગયા નથી પણ, ભગિની નિવેદિતાએ નોંધ્યા પ્રમાણે, ‘સંકલ્પના અચાનક અને અણકલ્પ્યા મિલનના’ જોરે, મૃત્યુમાંથી પુન: ઊભા થયા છે. નિવેદિતાએ વધારામાં કહ્યું હતું કે, ‘એ ચિંતન અને પ્રેમનું પુનરાગમન હતું. પ્રાર્થનાનાં નાનકડાં ઊર્ધ્વગમન હતાં! ઇંદ્રિય જગતમાં અટવાયેલાં અમે ધારણા કરી શકીએ એથી ક્યાંય ઊંચેરી કક્ષાએ તેજમૂર્તિ બની સૂક્ષ્મતર અને ગહનતર રીતે વિહાર કરતી વિભૂતિનું, વેદના કથન પ્રમાણેનું એ પુનરાગમન હતું.’ નિવેદિતાના શબ્દોમાં સાક્ષાત્કારનો રણકો હતો!

‘ને છતાંય, ખંડગિરિની ગુફાઓ અને એનાં વનોમાં, એ રાતે, મૃત્યુમાંથી ઊભા થવાની ઈસુની કથા અમે સાંભળતાં હતાં તે બધાંને એમ જ લાગ્યું કે એ કથાની પાછળ અને એના દ્વારા હકીકતનો એક તંતુ લટકી રહ્યો છે: અમને લાગ્યું કે, આ પકડી ન શકાય તેવી અનુભૂતિને તેજસ્વી પંથે ચાલતાં એક માનવ આત્માએ પાડેલી સાચી પગલીઓ અમે આંકી રહ્યાં હતાં. અમે એમ માનતાં હતાં, અમને સૌને એક જ સમયે એમ લાગતું હતું કારણ કે, હાથમાં પકડી ન શકાય તેવું દર્શન અમને સૌને પ્રત્યક્ષ થયું હતું.’

‘એમનાં શિષ્યો એવા અમારી સૌની પાસેથી મૃત્યુ જેને લૂંટી શક્યું નથી તે અમારા ગુરુની જીવંત ઉપસ્થિતિ અમારે માટે કેવળ સ્મૃતિની બાબત ન બની રહો પણ, વાસ્તવિકતાને સ્વરૂપે, અંત સુધી સદા રહો, એવું, હે પ્રભુ, અમને આપો!’

માયાવતી અદ્વૈત આશ્રમના બાંધકામ માટે, જીવલેણ ક્ષયની પીડા હોવા છતાં, પોતાના પ્રાણની આહુતિ આપનાર એમના શિષ્ય વિમલાનંદે પોતાના ગુરુની જીવંત ઉપસ્થિતિ વિશે લખ્યું છે:

‘જે મહાન શક્તિએ અખિલ જગતને હલાવ્યું હતું અને જે હજીયે કાર્યરત છે અને અનેક સુષુપ્ત આત્માઓને જગાડી પોતાના દિવ્ય સ્વરૂપનું ભાન કરાવે છે.’ મરેલાં હાડપિંજરમાં પ્રાણ પૂરે છે, નિરાશાના અંધકારમાં પ્રકાશ આણે છે અને, શુષ્ક, આતુર આત્મામાં પ્રેમ સ્થાપે છે તે વિરાટ શક્તિનું મૂળ એને બધાંમાં થયેલા બ્રહ્મના સાક્ષાત્કારમાં છે.’

છાન્દોગ્ય ઉપનિષદ કહે છે કે બ્રહ્મનો મહિમા જાગ્રત થતાં સૂકા ઠૂંઠાને પણ કૂંપળ ફૂટે છે અને, જ્ઞાનજ્યોતિ ગુરુ પ્રાપ્ત થયા હોય તેવો મનુષ્ય આત્માના મહિમાને ઓળખી શકે છે: આચાર્યવાન્ પુરુષો વેદ. (છાંદોગ્ય ૬ : ૧૪ : ૨) એમના ગુરુભાઈ તુરીયાનંદ કહેતા કે સ્વામીજીને સાંભળતો મૃત માનવી પણ સજીવ થાય છે. એ પોતાના ગુરુના શબ્દ હતા. એ કહેતા કે, ‘આકાર વગરનો અવાજ હું છું.’ શ્રીરામકૃષ્ણના નરેનમાં જે લોકોત્તર ગુરુશક્તિ પ્રગટ થઈ હતી તેથી એમના બાળપણના સખા અને પછીથી ટીકાકાર બનેલા પંચકોડી બંદોપાધ્યાયને આશ્ચર્ય થયું હતું.

‘મોજમજામાં રાચતા યુવાનોને સાધુ બનાવતા, મરકીની સામે એમને નિર્ભય બનાવતા, તોફાની સાગરમાં ઝંપલાવવા એમને પ્રેરતા, મૃત્યુ પામતા શીતળાના દર્દીઓની શાંત પળ ઉપેક્ષાપૂર્વક સેવા કરવા પ્રેરતા એ શબ્દોની શક્તિનો પૂરો વિચાર કરો. એ મંત્રોની શક્તિની કલ્પના કોઈ કરી શકે ખરું? અને એનો પાઠ કરનાર દૃષ્ટા પાસે કઈ શક્તિ હતી? આવા ગુરુ, ખરે જ ઈશ્વરનો અવતાર છે.’

ભાષાંતર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.