(ગતાંકથી આગળ)

વાનરોની સાથે ખેલ

જય જય શ્રીરામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
બાળલીલા શ્રીપ્રભુની અતિમનોહર;
સુણો મન કેવા કરે ખેલ ગદાધર.
વિશ્વપતિ શિશુમતિ શિશુનો આકાર;
લીલા એની કળી શકે, છે એ કોનો ભાર!
અમાનુષી કાર્ય સામે બુદ્ધિ નવ ટકે;
જુએ તોય લોકો કાંઈ સમજી ન શકે.
ભલેને ઐશ્વર્ય જુએ ગ્રામવાસીગણ;
ઈશ્વરત્વ કળી નવ શકે કોઈ પણ.
નજીક સરાઈઘાટ નામે એક ગામ;
મોસાળ શ્રીપ્રભુતણું હતું તેહ ઠામ.
એક વાર આઈ સહ થાય ત્યાં ગમન;
વાટ મધ્યે જનનીને બોલીયા વચન.
પાલવ ઢાંકીને મને તેડી નિજ કેડે;
ચાલો જેથી માયા મારી નજરે ન ચડે.
એ મુજબ માએ કર્યું વસ્ત્ર આવરણ;
લઈ કેડે ગદાધર કરીયું ગમન.
વાટ વચ્ચે આવે એક વીરનું અસ્થાન;
સુશીતળ વૃક્ષતળ મનોરમ સ્થાન.
આવતાં નજીક કહે માને ધીરે ધીરે;
ઊતારો ઊતારો મને તરત અહીં રે.
વૃક્ષતળે હતા અધિષ્ઠિત સત્યવીર;
પડ્યા બહુ હાથી ઘોડા, માટીનાં શરીર.
દોડી ઝટઝટ પ્હોંચી ગયો ગદાધર;
કોણ જાણે ક્યો ભાવ આવીયો અંતર.
ગદાઈ ત્યાં બેસી રહ્યો ભાવે ભરપૂર;
સુણે નહિ કશું મા બોલાવે ઊંચે સૂર.
કેમે કર્યો સ્થાનેથી ઊઠાવી ન શકાય;
નીરખી માતાનો જીવ વ્યાકુળિત થાય.
પટાવી અનેક રીતે ખોળે લેવા જાય;
ત્યારે પછી બહુ વારે ભાવ ચાલ્યો જાય.
બહુ મનોહર શિશુ ગદાઈની ગાથા;
ફરી પડ્યાં બીજી એક ઉપાધિમાં માતા.
વાટે જતાં પાછો ગદાધર કેડ પરે;
પ્હોંચી વડવૃક્ષ નીચે વિસામો મા કરે.
ઝાડ પરે કાળા મોંના અનેક વાનર;
દેખીને બહુ જ રાજી થયો ગદાધર.
હાથે છડી, દોડી દોડી ગદાધર જાય;
એકદમ પાસે જ્યાંહાં વાંદરાઓ ખાય.
નાની વય છતાં ચિત્તે નહિ જરી ડર;
હાંકી કાઢ્યા ત્યાંથી વાંદરાઓ જોરાવર.
જંગલી વાનર બધા રાની પશુગણ;
નવાઈ ગદાઈ પર નહિ આક્રમણ.
ઊતરી આવીયા જેઓ હતા ઝાડ પરે;
નવે રંગે ગદાઈની સંગે ખેલ કરે.
કરે દોડાદોડ ચારે કોર હનુમાન;
આકુળવ્યાકુળ, દેખી આઈ તણા પ્રાણ.
કરે ઇજા કદાચિત વનના વાનર;
તેથી આઈ બૂમો પાડે, ‘આવ ગદાધર’.
વાતો સાવ દેશી, લાગે જાણે ચાપલુશી;
તથાપિ સકળ કાર્ય દેખો, અમાનુષી.
બોલ્યા જેવી વાત નથી, બોલ્યું જાય એળે;
વનના વાનરો કદી શિશુસંગે ખેલે?
વૃક્ષે વસે, ગયે પાસે કરે આક્રમણ;
કાળમુખા સામે જો દાંતીયાંકરણ.
પણ વિપરીત રીત બાળ પ્રભુ સંગે;
પશુ વાનરોએ જાણ્યા પ્રભુ ક્યે રંગે!
પ્રભુ અવતરે સર્વ પશુ પંખી ગણ;
સ્થાવર જંગમ તથા તરુલતા પણ.
ચેતન કે જડ દેહ ગમે તે આકાર;
કોણ જાણે ક્યો ભક્ત કેવો છે આધાર.
તેથી મન સુણો જ્યારે પ્રભુ અવતાર;
હીન કે અધમ ગણો નહિ કો’ આકાર.
જય સદ્બુદ્ધિદાતા દયાના સાગર;
ધરાધામ પર શિશુ પ્રભુ ગદાધર.
હોય સદ્બુદ્ધિ, તેને આપે પરિચય;
એવી સદ્બુદ્ધિ મને દીઓ દયામય.
નહિ તો શેં થાય જ્ઞાન કોણ કેવા તણું;
નેત્રો પરે રહ્યું ગાઢ માયાનું ઢાંકણું.

ગૌચારણ

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.
બાળલીલા પ્રભુની જે ગાય ને સાંભળે;
અંધને અંતરમાંહે દિવ્યચક્ષુ મળે.
દેખી આંખે લીલા ખેલ થાય કુતૂહલ;
ત્રિતાપીત ચિત્ત થાય ક્ષણમાં શીતળ.
ગામનાં બાળક એવાં શ્રીપ્રભુને ચાહે;
દેખે ઘડીભર ન, તો મન જાણે દાહે.
ગદાઈ વિનાનું ખેલવાનું નવ ગમે;
ઇચ્છા ગદાધર સાથે રાત-દીન રમે.
નિજ નિજ ઘેર રહેવામાં ન ઉમંગ;
દિવા નિશિ રમે, ગમે ગદાઈનો સંગ.
ઘેર આઈ ઠાકુરાણી કરી દે રંધન;
ગદાઈની સાથે કરે બાળકો ભોજન.
જમે બહુ બાળકો હમેશ નિજ ઘરે;
દેખી દ્વિજ-દ્વિજપત્ની કેરાં મન ઠરે.
આઈની રસોઈ વિશે હતો કૈં વિશેષ;
ગાયે સૂણ્યે કથા નવ રહે ભૂખલેશ.
સામાન્ય રસોઈ, પણ ખૂટી નવ જાય;
મૂઠીભર ભાતમાંહે ત્રિભુવન ખાય.
આઈ ખોધે પૂરું થાય, સુણી કથા કથી;
મધુર આખ્યાન સુણો, ગપોડા આ નથી.
એકવાર સાંજ પડવાને વાર નહિ;
તોય જમ્યાં નથી આઈ ઠકુરાણી અહીં.
કારણ બન્યું કે ખાવાવાળા અતિથિઓ;
તથા યાત્રીઓનો સમુદાય વધી ગીયો.
તેઓ સારું રાંધ્યા કરે આઈ દિનભર;
ખાવાનો સમય પામ્યાં નવ ક્ષણભર.
અન્ને વધુ રહ્યું ન્હોતું પાત્રોની અંદર;
એવામાં અતિથિ દસ આવીને હાજર.
અગાઉ કે’વાઈ ગયું, ચેટર્જીનું ઘર;
હતું જગન્નાથપુરી તણા માર્ગ પર.
એમ તો દરરોજ આવે અતિથિ ફકીર;
આજે કિંતુ અસમયે દસ છે હાજીર.
બીજું અન્ન નહિ ગૃહે, જુએ ઠકુરાણી;
અંતરમાં ભય થયો, આંખે આવ્યાં પાણી.
ધ્રૂજે મનમાં વિચારે હવે કેમ થાશે;
આવેલી આ દસ મૂર્તિ કેમ કરી ખાશે.
ચોખા નથી ઘરમાં ને થશે ક્યાંથી ભાત;
હૈયે પડે ચીરો, માથે જાણે વજ્ર પાત.
એવામાં આશ્ચર્ય જુએ આઈ ઠકુરાણી;
આઠેક વર્ષની એક છોકરી દેખાણી.
પાત્રો પાસે ઊભી રહી હલાવતી હાથ;
તેથી વધે તપેલાંમાં શાક, દાળ ભાત.
તે દિનથી ખાય નહિ આઈ જ્યાંહાં સુધી;
રસોઈ ખૂટે જ નહિ, કશી ત્યાંહાં સુધી.
આવે ગમે તેટલા અતિથિ ખાઈ જાય;
દાળ-ભાત-શાક કદી ખૂટી નવ જાય.
બહુ વિદ શાકો તથા ભાત રાંધી આઈ;
જમાડતાં બાળકોને સાથમાં ગદાઈ.
તેલી માળી જાતનાં એ છોકરાંઓ હતાં;
અવસ્થા ગરીબ તેથી ગાયો ચરાવતાં.
કદી કદી સાથે તેડી જાય ગદાધર;
રંગ જામે ખેલ કરી વનની અંદર.
ગદાઈ બહુ જ રાજી એ બધાની સાથે;
ખેલ કરી ગાયો વળી ચારે નિજ હાથે.
બહુ જ મધુર પ્રભુબાળલીલાગાન;
ગાઈને સુણીને થાય પ્રેમમગ્ન પ્રાણ.
(ક્રમશ:)

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.