(ગતાંકથી આગળ)

સુણો મન એકચિત્તે કથા રસભરી;
કામારપુકુરે પ્રભુલીલા મનહરી.
સાધારણ બાળકોના ખેલ થાય જેવા;
ગમે નહિ ગદાઈને ગ્રામ્ય ખેલો તેવા.
વનની અંદર બેસી કોઈ વૃક્ષ પરે;
ખેલ ગદાધર કહે તેમ સહુ કરે.
વ્રજની રમત ગમે ગદાઈને મન;
ગોપખેલ ખેલે મળી સહુ બાળજન.
કોઈ થાય સુબલ તો કોઈક શ્રીદામ;
કોઈ થતું દામ, વળી કોઈ વસુદામ.
પોતેજ ગદાઈ ભાઈ થઈને કનૈયા;
ધારી હાથે બંસરી ને ચરાવતા ગૈયા.
તોડી કુણું ઘાસ ખવરાવે ગાય-બાળ;
હીંચે ખૂબ જોરે ઝાલી ઝાડ કેરી ડાળ.
કપડાં ઉતારી પાસે તળાવમાં ન્હાય;
જળક્રીડા જમુનામાં ગોપો સાથે થાય.
જો કે દૂર જવા માતપિતાની મનાઈ;
કાનબ્હાર કાઢી નાખે સઘળું ગદાઈ.
ચાલે તહિં વનમહિં બાળકોની મોજ;
ખેલ નવા કરે ગદાધર રોજ રોજ.
સુમધુર કથા વનમાંહિ ગૌચારણ;
જેવું જાણું છું હું તેવું કરું વિવરણ.
ગામડાંના ગોવાળોમાં રીત એવી ચાલે;
ખાવાનું લે સાથે ગાયો ચારવાને કાળે.
ગામ બ્હાર ગોંદરે કે વનમાંહિ જાય;
ગોપબાળો ભેગા મળી ખાવાનું ત્યાં ખાય.
આનંદની છોળો ઊડે, જાયે ન વર્ણવી;
ખાતાં ખાતાં નાચે કરી વાતો અવનવી.
એક દિન ખાવા બેઠા તળાવની પાળે;
ઘેરાઈ ગદાઈ ચારે બાજુ ગોપબાળે.
ખાતાં ખાતાં એક બીજા તાણા તાણી કરે;
સ્ફૂરે વ્રજભાવ ગદાધરને અંતરે.
ભાવસિંધુ એકદમ ઉછળી ઊઠિયો;
ભાવનો આવેશ જાણે બ્હાર ફૂટિયો.
ભાવમાં ખોવાયું તેનું સર્વબાહ્ય જ્ઞાન;
સ્થિર નેત્ર, શ્વાસ બંધ, ચાલે નહિ પ્રાણ.
દેખી તે છોકરાઓ વિહિન વિચાર;
ગદાઈ, ગદાઈ બૂમો મારે વાર વાર.
છોકરા બાળકબુદ્ધિ, કશું નવ જાણે;
પરસ્પર મુખ જુએ માત્ર, એવે ટાણે.
કોઈએ દોડી જઈ વસ્ત્ર જળે ભીંજવીયું;
ધીરેથી વદન ગદાધરનું લૂંછીયું.
ખબર ગદાઈમાં કદીક આવે ભૂત;
કાઢવાને રામ રામ બોલે ગોપ સૂત.
થોડીવારે ગદાધર નેત્રો બન્ને ખોલે;
‘ભૂત ગયું ભાગી’ એમ છોકરાઓ બોલે.
સહુ કહે, ‘અલ્યા એ, શું થયું’તું ગદાઈ?’
આંખોમાંથી અશ્રુ વહે, મુખે શબ્દ નાંઈ.
હાથ તારા વળી બેય થરથર કંપે;
જોઈ એવું અમારું તો હૈયું નવ જંપે.
ગાયો ચારવાને સાથે લાવવો ન તને;
એકલો રહેજે ભાઈ તું તારે ભવને.
લોકમુખે મળ્યો છે આ કથા પરિચય;
જન્મથી જ થતો મહાભાવનો ઉદય.
કોઈ સ્થળે ઈશ્વરીય કથાવાર્તા થાય;
જરૂર દોડીને ગદાધર ત્યાંહાં જાય.
ભાગવત, કીર્તન, પુરાણ જ્યાંહાં થતું;
સુણવાનું બહુ ગદાધરને ગમતું.
લઈને સમાનવયવાળાં બાળગણ;
ચૂકે ન કદાપી કથા એવી એક પણ.
માત્ર એકવારે કંઈ કરે જો શ્રવણ;
આજીવન તેનું તેને રહેતું સ્મરણ.
એને લીધે મોટાં મોટાં કથાના આખ્યાન;
આખે આખાં બોલી જતા પ્રભુ ભગવાન.
ગોવાળ બાળકો સાથે ગૌ ચારવા જાય;
કથાનાં આખ્યાનો વનમાંહે ભજવાય.
એક દિન મિત્રો સાથે ચારે ગાય ધણ;
રાધાની વિરહકથા થઈ છે સ્મરણ.
કહે ગોપ મિત્રોને એ‘આવો અહીં ભાઈ;
રાધાની વિરહકથા સહુ મળી ગાઈ.
સમસ્વરે દઈ સાથ સહુ ગોપગણ;
વૃક્ષનીચે રાધાલીલા ગાય સહુ જણ.
આનંદ ગદાઈને તો થયો ચાર ચંદા;
કોઈને બનાવ્યો સખી, કોઈ થયો વૃંદા.
ગદાધરે લીધો પાઠ રાધારાણી કેરો;
રાધાજીનો ભાવ આવ્યો અંતરે અનેરો.
ગીત ગાતા ભાવે રાધા વિહ્વળિત થીયાં;
પ્રિયતમ! બોલી બહુ રડવા લાગીયાં.
કૃષ્ણ ક્યાંહાં, કૃષ્ણ ક્યાંહાં, કૃષ્ણ આપો લાવી;
કૃષ્ણ રે, શ્રીકૃષ્ણ રે, દર્શન આપો આવી.
ભીંજાયું છે વસ્ત્ર આખું નયનનાં જળે;
બાહ્યજ્ઞાનહીન થઈ પડ્યાં ધરા તળે.
થયાં બાળમિત્રો તણાં વ્યાકુળિત મન;
થયું શું, થયું શું? બોલી કરે છે રુદન.
કોઈ લાવી છાંટે જળ મોઢે અને આંખે;
‘ગદાઈ, ગદાઈ,’ એમ બૂમો કોઈ નાખે.
ભૂતનો આવેશ એમ મનમાં વિચારી;
રામ, હરિ, કૃષ્ણ બોલે જોરથી ઉચ્ચારી.
તેઓમાંથી એક જણ બોલે ઉચ્ચ સ્વરે;
હરેકૃષ્ણ, હરેકૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે.
જીવનસંચારી મંત્ર કૃષ્ણ નામ સુણી;
કૃષ્ણ, ક્યાં છે કૃષ્ણ? બોલી ઉઠ્યા સલુણી.
ઊભા છે આ કૃષ્ણ, મારા કૃષ્ણ પ્રાણનાથ;
પકડવા ભાવમાં જ પસારીયા હાથ.
કૃષ્ણનામે ગદાઈને ચેતન આવીયું;
કૃષ્ણ કૃષ્ણ ગાવા સહુ જોરથી લાગીયું.
સ્વસ્થ થયો દેખી પ્રિયમિત્ર ગદાધર;
રાજી થયા ગોપ, ધેનુ ચારી આવીયા ઘર.
કોઈ કોઈ દિન વનમાંહે સંકીર્તન;
કરે એવા જોરે જાણે ફાટશે ગગન.
બાળરૂપી ભગવાન બાળ સંગે ફરે;
કામારપુકુરે ખેલો બહુવિધ કરે.
ગામને પશ્ચિમ છેડે બેનર્જીનો બાગ;
ગોચરભૂમિ એ, ઘાસ હતું ત્યાં અથાગ.
અતિરમણીય સ્થળ ખેતરોને તીરે;
નજીક ભૂતીઝરણ વહે ધીરે ધીરે.
ગામથી ન હતી દૂર, બહુ જ નિર્જન;
મોટાં આમ્રવૃક્ષો તણો બાગ સુશોભન.
આડી ઊગી મોટી ડાળો ઝૂલે સાવ નીચે.
નાનાં નાનાં છોકરાંઓ માથે ચડી હીંચે.
બાળકો પ્રભુના સાથી બાળપ્રભુ જેમ.
આમ્રતણાં નાનાં વૃક્ષો હતાં વળી તેમ.
મહાભાગ્યવંતા એ બેનરજી-સંતાન;
બાળ-લીલા-સ્થળ થયું જેમનું ઉદ્યાન.
પ્રભુ આવી ખેલશે એ પહેલાથી જાણી;
રચી રાખ્યો બાગ જાણે ભવિષ્ય પીછાણી.
કોણ એ બેનર્જી હતા કર્યો જેણે બાગ;
જેના પ્રભુ કેરી કરુણા અથાગ.
શ્રીમાણિક્ય નામ, ભુરસૂબો ગામે ઘર;
કામારપુકુર થકી થોડું જ અંતર.
ધનાઢ્ય તાલુકદાર ઉદાર પ્રકૃતિ;
અતિથિ સેવક સાધુ સંતો પરે પ્રીતિ.
ભગવત્-પદે તેનું હતું ખૂબ મન;
પ્રશાંત ઉદાર ચિત્ત દારિદ્ય્ર મોચન.
પરહિતે રત સદા પરઉપકારી;
ગાળતા જીવન માત્ર એ જ વ્રતધારી.
આમદાની થતી જે જમીનદારી તણી;
તેમાંથી કરાતી સાધુસંતસેવા ઘણી.

(ક્રમશ:)

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.