શ્રીરામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજનો આ લેખ પ્રથમવાર ‘પ્રબુદ્ધ ભારત’ના મે ૧૯૩૦ના અંકમાં આઝાદી પહેલાં પ્રગટ થયો હતો. તે વાતને ૬૦ વર્ષનાં વહાણાં વહી ગયાં. પરંતુ, આપણે આ પ્રશ્ને ત્યાંના ત્યાં જ છીએ. ૨૧મી સદીમાં આ પ્રશ્ન ઉકેલાય એ ભાવાત્મક એકતા માટે – રાષ્ટ્રીય એકતા માટે અનિવાર્ય છે. – સં.

અમેરિકા જેવા કોઈ વિદેશની યાત્રા કરીને પાછા આવતાં એક વાત બહુ સચોટ રીતે આપણી સામે આવે છે. તે છે આ દેશમાં બોલાતી વિવિધ ભાષાઓ. દેશના કરોડ ઉપરાંત લોકોની વફાદારી, પોતપોતાનાં વિકસિત સાહિત્યવાળી એક ડઝન ભાષાઓમાં વહેંચાઈ ગઈ છે. ભાષાઓનો ‘કલબલાટ’ એટલા માટે ખૂંચે છે કે સાંસ્કૃતિક રીતે તો આખો ભારત એક જ દેશ છે. યુરોપને પણ ઘણી ભાષાઓ છે, પરંતુ યુરોપ તો એક ‘ખંડ’ છે. તેમાં દરેક દેશને પોતાની એક ભાષા હોય તેમાં કાંઈ નવાઈ જેવું નથી. પરંતુ એક જ દેશમાં અનેક ભાષા હોવી તે રાષ્ટ્રીય એકતા માટે બાધારૂપ છે. તેને લીધે એક ભાષા બોલતા લોકોના મનમાં બીજી ભાષા બોલતા લોકો પ્રત્યે અજ્ઞાતરીતે એક પૂર્વગ્રહ પેદા થાય છે. આ લેખનો ઉદ્દેશ, ભારતમાં ભાષાની બહુવિધતાને લીધે ઉત્પન્ન થયેલાં અનિષ્ટોને ઓછાં કરવા કંઈક રાહ ચીંધવાનો છે. આ વિષય નવો નથી, પરંતુ આજે પણ એટલો જ સાંપ્રત છે. તેથી ભારત માટે એક જ સર્વસામાન્ય ભાષા હોય તે વિશે અહીં વિચારીએ.

‘સર્વ સામાન્ય ભાષા’ એટલે એક એવું માધ્યમ કે જે દ્વારા દેશના એક રાજ્યનાં નરનારીઓ દેશના અન્ય રાજ્યનાં પોતાનાં ભાઈ-બહેનો સાથે વિચારોની સરળતાથી આપ-લે કરી શકે. આથી વિશેષ કાંઈ કરવું હવે શક્ય નથી કેમકે આ ડઝન ભાષાઓ હવે તો જૂની થઈ ગઈ છે. અને દરેકને પોતાનું આગવું સાહિત્ય છે. આવા સંજોગોમાં કોઈ ભાષાને સાવ ભૂંસી નાખવાનું ઇચ્છનીય નથી અને શક્ય પણ નથી. તો પછી શું થઈ શકે? આપણે તો એ જ શોધવાનું છે કે ભારતને જેની તાતી જરૂર છે તેવી, તમામ પ્રદેશો વચ્ચે સક્ષમ માધ્યમ બની શકે તેવી કઈ ભાષા છે? આવી ભાષાને ખૂબ સમૃદ્ધ અને વિશાળ શબ્દભંડોળ હોવું જોઈએ, જેના દ્વારા વિવિધ ક્ષેત્રના વિચારો સુંદર રીતે અભિવ્યક્ત થઈ શકે. તે ઉપરાંત તેનું સમૃદ્ધ સાહિત્ય હોવું જોઈએ. અહીં કોઈ પૂછી શકે, ‘આપણી પાસે અંગ્રેજી ભાષા છે જ. શું તે આ કામ કરી રહી નથી?’ તેનો જવાબ એ છે કે અંગ્રેજી ભાષા શિક્ષિત વર્ગમાં આ કરી રહી છે. પરંતુ તેની કેટલીક ગંભીર મુશ્કેલીઓ છે. તેથી તેને ભારતની રાષ્ટ્રીયભાષાનું સ્થાન આપવું મુશ્કેલ છે. તેની સૌ પહેલી મુશ્કેલી એ છે કે તે ભારતની સ્વદેશી ભાષા નથી. તેને શીખવા કઠિન પરિશ્રમ કરવો પડે છે. આ ભાષા પરિચિત થાય તે માટે વરસો સુધી શાંતિપૂર્વક પ્રયત્ન કરવો પડે છે તે વાત આપણે સૌ અનુભવથી જાણીએ છીએ. આની સામે ભારતની હાલની કોઈ પણ ભાષાને સરખાવો. તેને શીખવી કેટલી સરળ છે! પરદેશી ભાષા પચાવવાની મુશ્કેલી એ છે કે તેનો પ્રત્યેક શબ્દ ખાસ યાદ રાખવો પડે છે અને તેના રૂઢિપ્રયોગો શીખવા પરદેશી વ્યક્તિ માટે મુશ્કેલ છે. અંગ્રેજીના ઉચ્ચારોની વાત કરીએ તો તેનું કંઈ ઠેકાણું જ નથી. તેની સામે એક ભારતીય ભાષા લો, જેમ કે હિંદી. દેશની વસ્તીના બે પંચમાંશ ભાગના લોકો તે બોલતા હોવાથી વારંવાર આપણે તેના સંપર્કમાં આવીએ છીએ. તેના શબ્દો અને ઉચ્ચારોથી આપણે પરિચિત છીએ. વળી તેનું વ્યાકરણ સરળ છે, અને એક બે બાબતમાં મુશ્કેલી સિવાય, તેને શીખવું સહેલું છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેના ઉચ્ચારો સરળ છે. હિંદી નવા શબ્દો સમાવવા ખૂબ સક્ષમ છે. અન્ય ભારતીય ભાષાઓની પેઠે, ભારતનું જે વિશિષ્ટ પાસું છે, તે ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના વિચારોની અભિવ્યક્તિ માટે હિંદીમાં અદ્‌ભુત ક્ષમતા છે. તેને ખૂબ વિપુલ પદ્યસાહિત્ય છે, તેનું ગદ્યસાહિત્ય પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. અંગ્રેજી ભાષા તેના સાહિત્ય બાબતમાં ગમે તેટલી સમૃદ્ધ હોય તો પણ, આ બધી બાબતોને લીધે સ્પષ્ટપણે અંગ્રેજી કરતાં હિંદીનું સ્થાન આગળ પડતું છે. ભારતના સામાન્ય માણસ માટે તો અંગ્રેજી સાહિત્યનો ખજાનો અપ્રાપ્ય છે, સિવાય કે તેને અંગ્રેજી પર પૂરતું પ્રભુત્વ આવે, જે પ્રાપ્ત કરતાં વરસો લાગે. કેટલાક ઉત્સાહી ભારતીયો માને છે કે ભારતીય બાળકો બાળમંદિરથી જ અંગ્રેજી સાંભળે તો તેને જલ્દીથી શીખી લેશે. તે શક્ય નથી, કેમ કે બાલમંદિર તથા ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ ઊભું કરવા જેટલી સંખ્યામાં અંગ્રેજી શિક્ષિત લોકો આપણી પાસે નથી. તેનાથી ઊલટું, હિંદી જેવી સરળ ભાષાના સંસ્કાર ગળથૂથીમાંથી બાળકને આપવા તે સેંકડોગણું વધુ સરળ છે. આમ, અંગ્રેજી બાબતમાં તો અનેક પ્રશ્નો છે.

અંગ્રેજી દુનિયાની ભાષા હોવા વિશે કેટલાક લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે કે તેઓ માની શકતા જ નથી કે બીજી કોઈ ભારતીય ભાષા સમગ્ર દેશની ભાષા થઈ શકે! તેમને હું જાપાન, ફ્રાંસ કે જર્મનીનો દાખલો આપું છું. તેઓની સામાન્ય વ્યવહારની ભાષા અંગ્રેજી નથી. પરંતુ વિજ્ઞાન કે તત્ત્વજ્ઞાન કે સાહિત્યનાં છેલ્લામાં છેલ્લાં પુસ્તકોનાં, પોતાની ભાષામાં ભાષાંતર દ્વારા, તેઓ દુનિયામાં જે પ્રગતિ થાય છે તેનાથી પરિચિત રહે છે. આ રીતે તેમના દેશના લાખો લોકો ટૂંક સમયમાં જ અન્ય દેશોના ઉત્તમ વિચારોના સંપર્કમાં રહી શકે છે. અલબત્ત ફ્રાંસ કે જર્મનીમાં પણ અંગ્રેજીભાષી લોકોનો એક વર્ગ છે. ભારતમાં પણ તે ભલે રહ્યો. ભાષાના નિષ્ણાતો તરીકે આપણે તેમની જરૂર છે. અંગ્રેજી દેશમાં માત્ર બીજી ભાષા તરીકે ચાલુ રહી શકે, અને તેનો અભ્યાસ સ્વેચ્છાથી ભલે થાય. પરંતુ તેથી હિંદી કે ભારતની અન્ય કોઈ ભાષાને દેશની રાષ્ટ્રભાષા થતાં રોકી ન શકાય. આમ આપણે ગમે તે દૃષ્ટિએ જોઈએ, પરંતુ દેશની અન્ય ભાષાઓ દેશનો મોટો વર્ગ જે સહેલાઈથી શીખી શકે છે, તે બાબતમાં અંગ્રેજી ટકી શકે નહિ.

ભારતની અન્ય ભાષાઓમાં હિંદી જ રાષ્ટ્રભાષા તરીકે વધુ અનુકૂળ શા માટે છે તે હવે જોઈએ. બંગાળીને શા માટે ન પસંદ કરવી? તે શીખવી પણ હિંદી જેટલી જ સરળ છે અને તેનું સાહિત્ય તો હિંદીથી પણ વધારે સમૃદ્ધ છે. અથવા તો મરાઠી શા માટે નહિ? તેનું સ્થાન પણ બંગાળી ભાષા પછીનું છે. તો દક્ષિણ ભારતની મહાન ભાષા તામિલ શા માટે નહિ? તે પણ પ્રાચીન ભાષા છે અને તેનું સાહિત્ય પણ ખૂબ સમૃદ્ધ છે. જવાબ એ છે કે આપણે રાષ્ટ્રભાષા તરીકે એવી ભાષા પસંદ કરવી જોઈએ કે જે શીખવી સરળ હોય, જેના ઉચ્ચાર સરળ હોય, જે મોટા લોકસમૂહમાં બોલાતી ભાષા હોય, જે અન્ય ભાષા સાથે અનુકૂલન સાધી શકે તેવી હોય અને જેમાં સમૃદ્ધ સાહિત્ય હોય. આ પાંચ મુદ્દા લક્ષમાં લઈ વિચારતાં લાગે છે કે આ બાબતમાં હિન્દી જ શ્રેષ્ઠ છે. પહેલા અને છેલ્લા મુદ્દા બાબતમાં, બંગાળી હિંદી કરતાં પણ આગળ છે. સરળ વ્યાકરણને કારણે તે શીખવી સહેલી છે અને તેને સમૃદ્ધ સાહિત્ય છે. છેલ્લા મુદ્દા બાબતમાં, તે તામિલની સમકક્ષ છે. પરંતુ બંગાળી ઉચ્ચારો હિન્દીની સરખામણીમાં વધુ મુશ્કેલ છે. સાહિત્યિક સ્વરૂપો કરતાં અભિવ્યક્તિનાં લોકભોગ્ય સ્વરૂપો અલગ હોય છે. તેને લીધે બિન-બંગાળીઓ માટે શુદ્ધ બંગાળીમાં બોલવું મુશ્કેલ છે. અભિવ્યક્તિની આ મુશ્કેલ બાબતમાં લોકો એટલા સજાગ હોય છે કે તેઓ મશ્કરી થવાના ડરથી બંગાળીમાં છૂટથી બોલી શકતા નથી. તેથી આપણને જોઈએ તેવી ભાષા બંગાળી નથી. બંગાળીને હિંદી કરતાં પણ વધુ સમૃદ્ધ સાહિત્ય છે એ વાત આપણે સ્વીકારી જ છે. પરંતુ એ પણ યાદ રાખીએ કે હિંદીનું પદ્યસાહિત્ય વિશાળ અને અત્યંત સમૃદ્ધ છે, જો કે તે સમજવું કઠિન છે. મરાઠી અને ગુજરાતી તો હિંદી કરતાં પણ શીખવી મુશ્કેલ ભાષા છે. હિંદીમાં તો પુલ્લિંગ-સ્ત્રીલિંગ એમ બે જ ‘લિંગ’ છે, તેને બદલે મરાઠી-ગુજરાતીમાં કોઈ હેતુ વિના ત્રણ ત્રણ ‘લિંગ’ છે. તામિલ તો ઉચ્ચારો બાબતમાં સૌથી મુશ્કેલ છે, એ વાત તો કોઈપણ બિન-તામિલ સ્પષ્ટ સમજી શકે છે. બીજા નંબરના મુદ્દા બાબતમાં મરાઠી અને ગુજરાતી પેઠે હિંદી બંગાળી કે દક્ષિણની કોઈ પણ ભાષા કરતાં ચડિયાતી છે. વિશાળ વર્ગની ભાષાના મુદ્દા બાબતમાં બેશક હિંદી પ્રથમ સ્થાને છે ને બંગાળી બીજે. અનુકૂલન સાધવાની બાબતમાં હિંદી અન્ય કોઈ પણ ભાષા જેટલી જ નમનીય છે. આમ, તમામ બાબતોનો વિચાર કરતાં, ભારતની રાષ્ટ્રભાષા માટે હોવાં જોઈતાં તમામ લક્ષણો હિંદીમાં છે.

એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. ઉત્તર ભારતની તમામ મહત્ત્વની ભાષાઓ સંસ્કૃતમાંથી ઊતરી આવેલી છે. તેથી ‘તદ્‌ભવ’ એવી કોઈ પણ ભાષા શીખવાનું સહેલું છે. દેવભાષા સંસ્કૃતમાં વિશાળ સંસ્કાર સંપત્તિ છે, તે દુનિયાની અન્ય કોઈ ભાષામાં નથી. ઉત્તર હિંદની આ ભાષાઓ આમ સંસ્કૃતના સમૃદ્ધ વારસાનું દ્વાર ખોલી આપે છે. આ મુદ્દા પર વધુ ભાર મૂકવાની જરૂર નથી, કેમ કે આપણે ભારતીયોએ પ્રાચીન ખજાનાની અખૂટ ખાણ એવી સંસ્કૃત ભાષામાંથી  પ્રેરણા મેળવવાની છે. દક્ષિણની ત્રણ ભાષાઓ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ ઘણા બધા સંસ્કૃત શબ્દો છે. આને કારણે જ તામિલભાષી સિવાય, અન્ય કોઈ દક્ષિણવાસીને માટે હિંદી શીખવી મુશ્કેલ નથી. બીજી બાજુ ઉત્તર ભારતીય માટે દક્ષિણની કોઈ પણ ભાષા શીખવી જેટલી મુશ્કેલ છે, તેટલી દક્ષિણવાસીને હિંદી શીખવું મુશ્કેલ નથી. હું તો એટલે સુધી કહીશ કે દક્ષિણભારતમાં જન્મીને ઊછરેલ અને સામાન્ય રીતે સુસંસ્કૃત કોઈ પણ વ્યક્તિ છ માસમાં કે તેથી પણ ઓછા સમયમાં હિંદી શીખી શકે છે. જેઓ હિંદીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવાના વિરોધી છે તેઓ આ વાત જાણી ચૂપ થઈ જવા જોઈએ. અંગ્રેજી શીખવવામાં શું આથી પણ ૫૦ગણી વધુ મહેનત નથી લેવી પડતી? આ નિવેદનને કોઈ એમ કહી પડકારી શકે કે હિંદીમાં પણ સ્ત્રીલિંગ-પુલ્લિંગ શબ્દો અંગે ગૂંચવાડો છે જ. પરંતુ વધુ ગાઢ અભ્યાસથી ખ્યાલ આવશે કે એ પ્રશ્ન એટલો વિકટ નથી. આવી જ મર્યાદા ફ્રેંચ ભાષાને છે, તેમ છતાં તે સમગ્ર યુરોપ ખંડની ભાષા છે. ‘લિંગ’ અંગેની મુશ્કેલી છતાં હિન્દી ક્રિયાપદો ફ્રેંચ ક્રિયાપદો કરતાં વધુ સરળ છે. તેમ છતાં ફ્રેંચ ભાષા આખા યુરોપ ખંડની ભાષા તરીકે યુરોપને માન્ય છે, અને કોઈને તે સામે વાંધો નથી, જ્યારે હિંદી મુશ્કેલ છે, એ મુદ્દા પર હિંદીનો વિરોધ થાય છે, કેમ કે તે નવી છે. થોડા વધુ પરિચયથી હિંદીના વિશિષ્ટ ગુણો સૌને નજરે પડે તેમ છે. વળી તે દેવનાગરી લિપિમાં લખાય છે, તે તેની તરફેણનો એક વધુ મુદ્દો છે. આમ લિપિ બાબતમાં તે સંસ્કૃતની સમાન છે. ઉર્દૂ કે જે ભારતીય મુસ્લિમોની ભાષા છે તે હિંદીની જ શાખા છે. હિંદીને આમ ઘણા મહત્ત્વના લાભ છે અને તે સરળતાથી શીખી શકાય છે. ખાસ કરીને રાષ્ટ્રીય હિતની વાત હોય ત્યારે, હિંદીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવા સામે વિરોધ ઉચિત નથી. એ વાતની ખાતરી રાખીએ કે આમ કરવાથી દેશની કોઈપણ પ્રદેશની ભાષાને બાજુ પર મૂકી દેવામાં નહિ આવે. તેઓ હાલની માફક જ તે પ્રદેશોમાં બોલાતી રહેશે. પ્રદેશો પ્રદેશો વચ્ચે વિચારોની આપ-લેનું માધ્યમ હિંદી બને, એટલી જ અપેક્ષા છે. અગાઉ કહ્યું જ છે કે અંગ્રેજી પણ વૈકલ્પિક ભાષા તરીકે ચાલુ રહેશે. તેનું અંગ્રેજોના સમયનું સ્થાન હવે રહેશે નહિ, પરંતુ તેને લીધે આપણી રાષ્ટ્રભાષા નક્કી કરવાના આપણા નિર્ણયમાંથી આપણે ડગીશું નહિ. આપણને એક રાષ્ટ્રભાષાની જરૂર છે, અને અગાઉ કહ્યું તેમ હિંદી તે માટે શ્રેષ્ઠ છે. માટે તેને પસંદ કરીએ.

ભારતમાં ભાષાના પ્રશ્નનો ઉકેલ કેટલુંક સમર્પણ પણ માગે છે. જેનો દાવો સૌથી સબળ છે તેવી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે પસંદ કરવાને બદલે, આપણી માતૃભાષા કે જેને માટે આપણને સ્વાભાવિક રીતે પક્ષપાત હોય જ, તેને રાષ્ટ્રભાષા બનાવવા આપણે ઝઘડા કરીશું તો રાષ્ટ્રના હિતને જ નુકસાન થશે. એક સંયુક્ત ભારત માટે, વિચાર વિનિમય માટે એક સર્વસામાન્ય રાષ્ટ્રભાષા હોવી તદ્દન જરૂરી છે. તેથી આપણો વ્યક્તિગત પૂર્વગ્રહ ત્યજી, રાષ્ટ્રના સર્વોચ્ચ હિતને ધ્યાનમાં લઈએ. હવે એ જરૂરી છે કે દેશની દરેક ઉચ્ચ માધ્યમિક શાળામાં હિન્દીના અભ્યાસની સુવિધા ઊભી કરવામાં આવે. આ પ્રામાણિકપણે કરીશું, તો તેનું પરિણામ અદ્‌ભુત આવશે.  ભારતની ભાષાઓમાં હિંદી પોતાનું ગૌરવપૂર્ણ સ્થાન લે – એ દિવસ હવે દૂર નથી. દેશના બીજા પ્રદેશોના આપણા બાંધવો સાથે વાત કરવા આપણે પરદેશી ભાષાનો સહારો લેવાનો નહિ રહે. થોડા વધુ પ્રયાસને અંતે હિંદી અભિવ્યક્તિનું રાષ્ટ્રીય માધ્યમ જરૂર બની શકશે.

ભાષાંતર : શ્રી પી.એમ. વૈષ્ણવ

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.