ધર્મ પ્રેમમાં રહ્યો છે, અનુષ્ઠાનોમાં નહીં. હૃદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવની ઉપાસના કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે; પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મ ઉપદેશવા જાય છે, તેઓ આખરે નિષ્ફળ નીવડે છે. બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનાનું એક પ્રતીક માત્ર છે; આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. એ વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી. એટલા માટે, તમારે સૌએ આ યાદ રાખવા પ્રયત્ન કરવો…

સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચેસાચ શિવની ઉપાસના કરે છે! પણ જો તે ભગવાન શિવને માત્ર તેનાં લિંગમાં જ જુએ તો તેની ઉપાસના હજુ પ્રાથમિક ભૂમિકામાં છે એમ સમજવું. જે મનુષ્ય ભગવાન શિવને કેવળ મંદિરોમાં જ જુએ છે તેના કરતાં જે મનુષ્ય દીન-દુખિયામાં તેમનાં દર્શન કરે છે અને નાતજાત વગેરેનો વિચાર કર્યા વગર તેમની સેવા કરે છે, તેની ઉપર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે….

જે એમ વિચારે છે કે ‘હું પહેલો ખાઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ,’ જે એમ વિચારે છે કે ‘બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ,’ તે મનુષ્ય સ્વાર્થી છે. નિ:સ્વાર્થ મનુષ્ય કહે છે, ‘હું છેલ્લો રહીશ; હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી; વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું.’ આ નિ:સ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. જેનામાં આ નિ:સ્વાર્થવૃત્તિ વધુ હોય છે તે વધુ ધાર્મિક છે અને ભગવાન શિવની વધુ સમીપ છે. એ મનુષ્ય શિક્ષિત હોય કે અશિક્ષિત, તે આ જાણતો હોય કે ન જાણતો હોય, તો પણ તે બીજા કરતાં ભગવાન શિવની વધુ નજીક છે. જો કોઈ મનુષ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાંય મંદિરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એક દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારતો હોય, તો પણ ભગવાન શિવથી તે ઘણો ઘણો દૂર છે.

– સ્વામી વિવેકાનંદ

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.